તરોતાઝા

ભારતીય ભોજનની સ્વાદ- શોભા વધારતું `રાયતું’

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

હવામાનમાં બદલાવ થતો રહે છે. જેની અસર આપણાં ખાન-પાન ઉપર સૌ પ્રથમ દેખાય છે. ગરમીમાં તીખું-તળેલું, મસાલયુક્ત ભોજન ખાવાનું મોટે ભાગે ટાળવામાં આવે છે. તન-મનની તાજગી જળવાઈ રહે તે માટે વિવિધ ઉપાયો આપણે કરતાં જ રહીએ છીએ.

ઘરે તૈયાર થયેલું ભોજન ગ્રહણ કરવાનો આગ્રહ હાલમાં એક ફેશન ટે્રન્ડ બની ગયો છે. તેમાં પણ મોસમમાં બદલાવની સાથે બીમારીનો ભય રહેતો હોય છે. અનેક વખત મુશળધાર વરસાદને કારણે શાકભાજીની આવક ઓછી થઈ જતી હોય છે. કાંદા-બટેટા જેવાં રોજબરોજના ઉપયોગી શાકનો ભાવ આમ આદમીને પરવડે તેવો રહેતો નથી. અનેક લોકો તેને કારણે ઉનાળામાં 5-6 કિલો વિવિધ સ્વાદિષ્ટ અથાણાં બનાવીને ચોમાસાની મોસમમાં ગાડું ગબડાવતાં હોય છે. તો વળી કઠોળ ભરીને તેનો ઉપયોગ કરે છે.

તંદુરસ્તી જાળવવાંની સાથે ભોજનમાં વિવિધતા જાળવી રાખવા તાજા શાક અનિવાર્ય ગણાય છે. ચાલો, આજે શાકની અવેજીમાં ભોજનનો સ્વાદ વધારતાં મનભાવન રાયતાંના આરોગ્યવર્ધક ગુણો વિશે જાણકારી મેળવીએ. સ્વાદિષ્ટ રાયતું નામ વાંચતાંની સાથે મોંમાં પાણી આવી જ જાય. ભારતીય ભોજનની વિશિષ્ટતા જ તો વિદેશીઓને આકર્ષે છે. જેનો અનુભવ જી-20 સમિટમાં વિદેશી મહેમાનોની ભારતીય વ્યંજનો પ્રત્યેની દીવાનગી જોઈને મળ્યો હતો.

સામાન્ય રીતે ભારતીય ભોજનમાં દૂધ-દહીં-છાસ-માખણ-પનીર-ઘીનો ઉપયોગ છૂટથી કરવામાં આવે છે. તેમાં પણ દહીં-છાસ-લસ્સીનું નામ પડે કે ઘરના પ્રત્યેક સભ્ય `હા’નો હૂંકારો ભણે. આજકાલ તૈયાર દહીં-છાસનું ચલણ વધી ગયું છે. રાયતું બનાવવા માટે ઘરમાં દહીં મેળવેલું ના હોય તો? ઝટપટ મંગાવીને બનાવવું શક્ય છે. આપને કયું રાયતું સૌથી વધુ પસંદ છે? શું કહ્યું બુંદીનું…ચાલો હવે માણજો વિવિધતા સભર રાયતાંનો આસ્વાદ. રાયતું બનાવતી વખતે પહેલી કાળજી દહીં તાજું હોય તેની રાખવી જરૂરી છે. રાયતાં માટે એવું કહેવાય છે કે તેમાં બાફેલાં શાકનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે બાફેલી દૂધી, કે બાફેલું કોળું, બાફેલું બટાકું. રાયતાનો ઉપયોગ દિવસે કરવો હિતાવહ છે રાત્રિના સમયે કાચી કાકડીને દહીમાં ભેળવીને ખાવાથી વિરુદ્ધ આહાર બને છે. તેથી મોસમ તથા સમયનું યોગ્ય ધ્યાન રાખીને રાયતાંનો સ્વાદ માણવો હિતાવહ છે.

બુંદી સિવાય બીજા રાયતાંની વિવિધતા જોઈએ તો કાકડી, કાંદા-ટમેટાં, બીટ, સાંતળેલી પાલક, બાફેલાં બટાકા, શેકેલાં રીંગણ, બાફેલી દૂધીનું બનાવી શકાય. ફળમાં પાઈનેપલ, કેળાં, સફરજન તેમજ મિક્સ ફ્રૂટનો ઉપયોગ કરી શકાય. રાયતું બનાવતી વખતે ઘટ્ટ દહીંને બરાબર ફેંટી લેવું જરૂરી છે. સ્વાદ વધારવા દળેલી ખાંડ, ચાટ મસાલો, મરી પાઉડર, શેકેલું જીરું, વાટેલી રાઈ, લાલ મરચું પાઉડરનો ઉપયોગ અનેક વખત કરવામાં આવે છે. સજાવટ માટે કોથમીર-ફુદીનાનો ઉપયોગ કરી શકાય છે.

દાંત તેમજ હાડકાં મજબૂત બને
દહીંમાં કૅલ્શિયમ તથા પોટીનની માત્રા સારા પ્રમાણમાં હોય છે. તો રાયતાંમાં ઉપયોગી શાક-ફળમાં વિટામિન ડી તેમજ ફોસ્ફરસ હોય છે. જે દાંત તેમજ હાડકાંની મજબૂતાઈ જાળવવામાં ઉપયોગી બને છે.

વધતાં વજનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ
રાયતું કોઈપણ હોય તેમાં સ્વાદની સાથે વજનને નિયંત્રણમાં રાખવાના ગુણ સમાયેલાં છે. તેનું મુખ્ય કારણ 1 વાટકી રાયતું ખાવાથી પેટ ભરાયેલું લાગે છે. વળી રાયતાંમાં ચરબીની માત્રા હોતી નથી. તેમાં વપરાતી સામગ્રીમાં ફાઈબરની માત્રા હોવાને કારણે લાંબા સમય સુધી આડું-અવળું ખાવાની ઈચ્છા થતી નથી. તેથી વજન ઓછું કરવા માગતી વ્યક્તિએ રાયતું ખાવાનો આગ્રહ રાખવો.

ત્વચા તેમજ વાળના સ્વાસ્થ્ય માટે જરૂરી
દહીંમાં કૅલ્શિયમની માત્રા સમાયેલી છે. જે ત્વચાના તેમજ વાળના પોષણ માટે જરૂરી છે. વળી ફળ તેમજ મનગમતાં શાક જે દહીંમાં સરળતાથી ભળી જતાં હોય તેનો ઉપયોગ રાયતામાં કરવાથી ત્વચા તેમજ વાળને પૂરતાં પ્રમાણમાં પોષણ મળી રહે છે. જેથી ત્વચા ચમકદાર બને છે. વાળનો જથ્થો વધે છે.

લૂની સમસ્યાથી રાહત મળે
ગરમ પવનની સાથે પૂરતાં પ્રમાણમાં પાણી પીવાનું ભૂલી જવાય તેવા સંજોગોમાં લૂને કારણે ચક્કર આવવાં કે બેભાન બની જવાની ઘટના બનતી હોય છે. તેથી ગરમીના દિવસોમાં રાયતું ખાવાથી લૂની સમસ્યાથી શરીરને બચાવી શકાય છે. રાયતાંનું સેવન રોગપ્રતિરોધક શક્તિ વધારવામાં મદદ કરે છે. ડુંગળી-ટમેટાનું રાયતું ગરમીમાં શ્રેષ્ઠ ગણાય છે.

દૂધીનું રાયતું :
ગરમીમાં આમ પણ ભૂખ ઓછી લાગતી હોય છે. દૂધીનું રાયતું વજન ઘટાડવા માગતી વ્યક્તિ માટે ગુણકારી છે. તેનું મુખ્ય કારણ દૂધીમાં ફેટની માત્રા ઘણી ઓછી હોય છે. તેમજ ફાઈબર વધુ હોય છે. દૂધીનું રાયતું બનાવવા માટે દૂધીને છીણીને ગરમ પાણીમાં 2-3 મિનિટ બાફી લેવી. ત્યારબાદ ઠંડા પાણીમાં તેને રાખવી. દહીંમાં ખાંડ, સંચળ, શેકેલું જીરું તેમજ કોથમીરથી સજાવીને ખાવાથી સ્વાદિષ્ટ રાયતું તૈયાર થશે.

અળશીનું રાયતું :
દહીંમાં અળસીનો પાઉડર ભેળવીને રાયતું તૈયાર કરવું. કબજિયાતની તકલીફમાં દહીં તેમજ અળશીનો ઉપયોગ રામબાણ ગણાય છે. પાચન સંબંધિત સમસ્યામાં ગુણકારી છે.

રાયતાં વિશે અવનવું
ગુજરાતીમાં કહેવત છે કે અકારણ રાયતું (વાત) ફેલાવી દેવાની આદતને સુધારો. અન્યથા કોઈ તમારી સહાય નહીં કરે.' રાજસ્થાનના ઉદયપુર શહેર નજીક પર્યટન સ્થળ છે જેનું નામરાયતા’ં ઉપરથી પડ્યું છે. જાણીને નવાઈ લાગીને! રાયતાં હિલ્સ' કુદરતી સૌંદર્યથી ભરપૂર ઘાટ વિસ્તાર છે. લીલાછમ વૃક્ષોની સુંદરતા ઊડીને આંખે વળગે તેવી છે. આ વિસ્તાર પ્રાકૃતિક સંરક્ષિત ક્ષેત્ર છે. ગરમ પ્રદેશ ગણાતાં રાજસ્થાનમાંરાયતા હિલ્સ’ માં વાતાવરણ સદાય ઠંડું રહે છે. સૂર્યાસ્તની સુંદરતા જીવનમાં એક વખત માણવા જેવી છે.
ઉત્તર ભારતીય ભોજન રાયતા વગર અધૂરું ગણાય છે. દક્ષિણ ભારતીય ભોજન પંગતમાં પીરસાતું હોય ત્યારે રાયતું સર્વપ્રથમ પીરસાય છે.

રાયતાંના સ્વાસ્થ્યવર્ધક લાભ જાણી લઈએ

પાચન તંત્રમજબૂત કરે
મોસમમાં બદલાવની સાથે પેટમાં ગરબડની શક્યતા વધી જતી હોય છે. પાચનતંત્ર નબળું પડી જાય.
દહીંમાં રહેલું પ્રોબાયોટિક આંતરડાની તંદુરસ્તી માટે ઉપયોગી ઘટક ગણાય છે. વળી દહીંમાં પોષક ગુણો જેવાં કે વિટામિન બી, વિટામિન બી-12, પોટેશિયમ તેમજ મૈગ્નેશિયમ છે. ફળ તેમજ શાકભાજી જે રાયતાંમાં ઉપયોગમાં લેવાય તેમાં ફાઈબરની માત્રા હોય છે. જે કબજિયાતની તકલીફમાં રાહત આપે છે.

તાજું બનાવેલું રાયતું ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. શરીરમાં તાજગી આવવાની સાથે પેટ સંબંધિત રોગથી બચી શકાય છે.

પાઈનેપલ રાયતું
સામગ્રી: 1 વાટકી પાઈનેપલના ટુકડાં થોડી સાકરમાં બાફીને લેવાં. 1 કપ તાજું ફેંટેલું દહીં, 1 ચમચી દળેલી ખાંડ, 1 ચમચી શેકેલાં જીરાનો પાઉડર, સંચળ સ્વાદાનુસાર, સજાવટ માટે કોથમીર.
બનાવવાની રીત: સૌ પ્રથમ પાઈનેપલને બરાબર સાફ કરીને થોડું સાકરવાળું પાણી બનાવીને અધકચરું બાફી લેવું. ત્યારબાદ નીતારીને ચારણીમાં રાખવું. એક મોટા બાઉલમાં તાજું દહીં ફેંટી લેવું. તેમાં દળેલી ખાંડ, સંચળ, શેકેલાં જીરાનો પાઉડર ભેળવવો. પાઈનેપલના નાના ટુકડાં મૂકીને બરાબર ભેળવવું. કોથમીરથી સજાવીને બિરયાની સાથે પીરસવું.

રાયતાંનો ઉપયોગ
રાયતાંનો ઉપયોગ રોજબરોજના ભોજનમાં સવારે કે બપોરના સમયે કરી શકાય છે. બિરયાની-પુલાવ, પુરી-પરાઠા-થેપલાં કે ગરમ રોટલી સાથે કરી શકાય છે. ગરમા-ગરમ પકોડા કે ભજિયા સાથે રાયતું પીરસીને, તળેલું ખાવાથી મનમાં ઊઠતાં ભયને ઘટાડી શકાય છે. રાયતાંમાં વપરાતી વિવિધ સામગ્રી જેવી કે સંચળ, શેકેલું જીરું, ફુદીનો, લીલું મરચું વગેરે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. શરીરને તાજગી બક્ષે છે.

બીટનું રાયતું
ઍનિમિયાની તકલીફ, વજન ઘટાડવા માગતી વ્યક્તિ માટે બીટનું રાયતું લાભદાયક ગણાય છે. તેનું મુખ્ય કારણ બીટમાં વિટામિન, મિનરલ્સ સારા પ્રમાણમાં સમાયેલાં છે. બીટનું રાયતું દહીંમાં બનાવતી વખતે તેમાં ઘીમાં જીરાનો વધાર કરવાથી અત્યંત સ્વાદિષ્ટ બને છે. બીટનું રાયતું બાફીને તેમજ કાચું બંને રીતે બનાવી શકાય છે. આપને જેનો સ્વાદ અનકૂળ લાગે તે પ્રમાણે રાયતું બનાવવું.

કાકડીનું રાયતું
કાકડીનું રાયતું સદાબહાર ગણાય છે. કાકડીમાં પાણીની માત્રા વધુ હોય છે. તેથી તેનો ઉપયોગ વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. પચવામાં હલકી હોવાની સાથે કાકડી દહીંમાં સરળતાથી ભળીને સ્વાદ વધારે છે. કાકડીના રાયતામાં સંચળ, શેકેલું જીરું, ઝીણું સમારેલું લીલું મરચું, તેમજ રાઈનો પાઉડર સ્વાદ વધારવામાં મદદ કરે છે. કાકડીનું રાયતું દિવસે ખાવું સલાહભર્યું છે.

જેમ શાકભાજીનો ઉપયોગ રાયતામાં ગુણકારી ગણાય છે તે જ પ્રમાણે વિવિધ ફળનો ઉપયોગ રાયતામાં ભારતીય ગૃહિણી વર્ષોથી કરતી આવે છે. તેમાં કેળાં, દાડમ, પાઈનેપલ, સફરજન, સ્ટ્રોબેરી તેમજ જાંબુનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. દહીંમાં ફુદીનાનો પાઉડર ભેળવીને ઝટપટ રાયતું તૈયાર થઈ શકે છે. જે પાચનતંત્રને મજબૂત બનાવવામાં ઉપયોગી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે