તરોતાઝા

પૌષ્ટિકતાનો ખજાનો ધરાવતું પારંપરિક અનાજ `મંડુઆ-રાગી’

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

ઉત્તરાખંડ કે હિમાચલના પ્રવાસે આપ ગયા જ હશો. ત્યાંની વખણાતી વાનગીનો સ્વાદ અચૂક માણતાં જ હશો. ઉત્તરાખંડના કુમાઉ ક્ષેત્રમાં મંડુઆ તરીકે જાણીતા કડધાન્યની આજે આપણે વાત કરીશું. મહારાષ્ટ્ર, ગુજરાત કે પંજાબમાં તેને રાગી તરીકે ઓળખવામાં આવે છે. રાગી માટે એવું કહેવાય છે કે ભલે તેનો રંગ શ્યામ હોય તેમ છતાં તેમાં પૌષ્ટિક્તાનો ખજાનો સમાયેલો છે. રાગીમાંથી બનતી વાનગીની વાત કરીશું તો આપના ચહેરા ઉપર જરૂર રોનક આવી જશે. મોંમાં પાણી છૂટવા લાગશે. રાગીની કૅક, બિસ્કિટ, ચોકલેટ, ચિપ્સ, ઈડલી, ઉપમા, ઢોંસા, ઉત્તપા, રાગીનો મીઠો કંસાર કે દલિયા, સૂપ-જ્યૂસ જેવી અનેક રીતે ઉપયોગમાં લઈ શકાય છે. રાગીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, કૅલ્શિયમ, પ્રોટીન, ટ્રિપટોફૈન, આયર્ન, મિથિયોનિન, રેશે, લેશિથિન જેવાં વિવિધ પૌષ્ટિક તત્ત્વો સમાયેલાં છે.

મંડુઆ કે રાગીની ખેતી ઉત્તરાખંડની પરંપરાગત ખેતી તરીકે જાણીતો પાક છે. ઉત્તરાખંડના સ્થાનિક લોકોને મંડુઆથી ખાસ પ્રેમ જોવા મળે છે. એક સમય એવો હતો કે જ્યારે ઉત્તરાખંડ અલગ બનાવવા માટે ખાસ આંદોલન થયું હતું. તે સમયે પણ ત્યાંના નાના-નાના ગામની ગલીમાં એક જ મુખ્ય નારો સંભળાતો હતો. લોકો બોલતાં હતાં કે મંડુઆ, ઝંગોરા ખાઈશું, ઉત્તરાખંડ બનાવીશું'. શિયાળામાં શરીરને ગરમાવો મળી રહે તે હેતુથી રાગી કે મંડુઆની ખેતી મોટા પાયે કરવામાં આવે છે. તેનું મુખ્ય કારણ છે રાગીમાં સમાયેલાં પૌષ્ટિક સત્ત્વોનો ખજાનો. રાગીમાં પ્રોટીન, કાર્બોહાઈડે્રટ, ખનિજ, કૅલ્શિયમ જેવા અનેક ગુણો સમાયેલાં છે. તેથી જ પહાડી લોકો રાગીનેઠંડીનો રાજા’ કહે છે.

મંડુઆને વિવિધ ભાષામાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જેમ કે હિન્દીમાં રાગી કે મકરા, અંગ્રેજીમાં કોરાકૈન મિલેટ કે પોકો ગ્રાસ, સંસ્કૃતમાં મધૂલિકા, નર્તક કે નૃત્યકુન્ડલ, બંગાળીમાં મરૂરા, કોંકણીમાં ગોન્ડો કે નાચણે, પંજાબીમાં કોદા કે ચાલોડરા, મરાઠીમાં નાચણી કે નગલી. સંપૂર્ણ ભારતમાં રાગીનો પાક લેવામાં આવે છે. 2300 મીટરની ઊંચાઈવાળા વિસ્તારમાં તેમ જ પર્વતીય ક્ષેત્રમાં તેની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

ઉત્તરાખંડની નારીનો ખાસ ઉત્સવ એટલે કે જિઉતિયા. આ પર્વમાં રાગી કે મંડુઆની રોટલી ખાવાનો ખાસ આગ્રહ રાખવામાં આવે છે. રાગી માટે એવું કહેવાય છે કે તેમાં ઔષધિય ગુણોનો ખજાનો સમાયેલો હોય છે. 80 ટકા કૅલ્શિયમનું પ્રમાણ સમાયેલું જોવા મળે છે, જેથી 30 વર્ષની વય બાદ તેનો ઉપયોગ ખાસ કરવો જ જોઈએ.
પેટની વિવિધ
સમસ્યાથી
બચાવવામાં લાભકારક

રાગીમાં ફાઈબરનું પ્રમાણ ભરપૂર જોવા મળે છે, જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. વળી પેટ સંબંધિત વિવિધ સમસ્યા જેવી કે અપચો, એસિડિટી, કબજિયાત વગેરેથી બચવામાં મદદ કરે છે. પચવામાં હલકું હોવાથી તે ગુણકારી ગણાય છે.

વધતી વયને નિયંત્રણમાં રાખવામાં લાભકારક :

રાગીની સાથે થોડો ઘઉંનો લોટ ભેળવીને બનાવેલી રોટલી સ્વાદિષ્ટ લાગે છે. તેના સેવનથી લાહીની ઊણપની સમસ્યાથી બચી શકાય છે. મહિલાઓને પ્રતિમાસ થતાં રક્તસ્ત્રાવને કારણે શરીરમાં લોહીની ઊણપ સર્જાતી હોય છે. અનેક વખત શરીરમાં નબળાઈ આવી જતી હોય છે. આવા સંજોગોમાં રાગીનું વિવિધ રીતે સેવન કરવાથી શરીરને ફાયદો થતો જોવા મળે છે.

હાડકાંને મજબૂત બનાવવામાં ગુણકારી

આપણે સર્વે જાણીએ છીએ કે શરીરની તંદુરસ્તી માટે હાડકાંની મજબૂતાઈ આવશ્યક છે. હાડકાં બરડ ન બને તેમ જ તેની મજબૂતાઈ મોટી વયે જળવાઈ રહે તે માટે શરીરમાં કૅલ્શિયમની માત્રા યોગ્ય રહે તે જરૂરી છે. મંડુઆમાં કૅલ્શિયમની માત્રા સારા પ્રમાણમાં જોવા મળે છે. ઢળતી વય સાથે આવતાં ઓસ્ટિયોપોરોસિસ જેવા રોગથી બચી શકાય છે.

જિવાણુંને કારણે થતાં રોગથી મુક્તિ

મોસમમાં બદલાવને કારણે શરદી, ઊધરસ, ગળામાં ખારાશ કે ક્યારેક ઝીણો તાવ આવવાની તકલીફ વધી જતી હોય છે. શરીરમાં વાયરલ ઈન્ફેક્શનની તકલીફ વધી જતી હોય છે. આવા સંજોગોમાં રાગીનો આહારમાં ઉપયોગ ગુણકારી ગણાય છે.

ડાયાબિટીસના રોગી માટે ગુણકારી

ડાયાબિટીસના દર્દીઓ અનેક વખત ભૂખ ઓછી લાગવાની વાત કરતાં જોવા મળે છે. બાજરાની જેમ રાગી ગ્લુટેન ફ્રી કડધાન્ય ગણાય છે. ગ્લુટેન ફ્રી આહાર લેવાથી લોહીમાં ગ્લુકોઝની માત્રામાં ઘટાડો જોવા મળે છે. ડાયાબિટીસના દર્દમાં તેનો આહાર બંને સમય લેવાથી રોગથી ઘણે અંશે રાહત મેળવી શકાય છે, જેથી તે ડાયાબિટીસના દર્દમાં સરળતાથી અપનાવી શકાય છે. વારંવાર પાણી પીવાની ઈચ્છા સામાન્ય ગણાય છે. રાગીના સેવનથી તેનાથી રાહત મેળવી શકાય છે.

બ્લડપ્રેશરને નિયંત્રણમાં
રાખવામાં મદદરૂપ

રાગીની રોટલી કે રાગીનો રોટલો ખાવાથી બ્લડપ્રેશરની સમસ્યાને કાબૂમાં રાખવામાં સહાય મળે છે. વળી પ્રસૂતિ બાદ જે મહિલાઓને દૂધનું પ્રમાણ ઓછું આવતું હોય તેમને માટે રાગીનો આહારમાં ઉપયોગ ગુણકારી ગણાય છે. તેના સેવનથી ફોલિક એસિડ, આયર્ન, કૅલ્શિયમ, પ્રોટીન, ફાઈબર, વિટામિન વગેરેની શરીરમાં ઊણપ રહેતી નથી.

રાગીની સુખડી
સામગ્રી : 1 કપ રાગીનો લોટ, અડધો કપ ઘઉંનો લોટ, 1 વાટકી ગોળ, શેકવા માટે જરૂર મુજબ ઘી, 1 ચમચી વરિયાળી, અડધી ચમચી શેકેલા તલ.

બનાવવાની રીત : સૌ પ્રથમ ગોળને ઝીણો સમારી લેવો. એક કડાઈમાં ધીમા તાપે ઘી ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થાય એટલે તેમાં રાગીનો લોટ તથા ઘઉંનો લોટ ભેળવીને ધીમા તાપે શેકવું. લોટને ધીમા તાપે 10 મિનિટ શેકવો. શેકાઈ જશે એટલે લોટની મધુર સુગંધ આવવા લાગશે. તેમાં શેકેલા તલ તથા વરિયાળી ઉમેરીને 1 મિનિટ શેકી લેવું. ગૅસ બંધ ર્ક્યા બાદ તેમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરવો. બરાબર ભેળવીને ઘી લગાવેલી થાળીમાં સુખડી પાથરી દેવી. ગરમ હોય ત્યારે જ તેના કટકા કરી લેવા. ઠંડી થાય એટલે એક એર-ટાઈટ ડબ્બામાં ભરી દેવી. ગરમાગરમ સુખડીનો સ્વાદ જરા હટકે જ આવતો હોય છે.

શારીરિક નબળાઈ દૂર કરવામાં મદદરૂપ
રાગીનું સેવન કરવાથી જેમને વારંવાર તરસ લાગતી હોય તેમને માટે ગુણકારી ગણાય છે. શરીરમાં થોડું કામ ર્ક્યા બાદ વર્તાતી નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે. કફ તેમ જ વારંવાર પેશાબ કરવા જવાની સમસ્યા હોય તેમને માટે કે જેમને પેશાબ અટકી અટકીને આવતો હોય તેમને માટે ગુણકારી ગણાય છે. પેટની ગંદકી સાફ કરીને શરીરને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. ત્વચા વિકાર, કિડની કે પથરીની તકલીફમાં રાહતદાયક ગણાય છે.

રાગીના સ્વાસ્થ્યવર્ધક લાભ જાણ્યા બાદ તેની ખેતીની સાથે તેનું વેચાણ કરવા મોટી મોટી કંપનીઓ આગળ આવેલી જોવા મળે છે. ઘઉંના લોટથી બે ગણો મોંઘો રાગીનો લોટ વેચાય છે, જ્યાં તેનો પાક મોટા પ્રમાણમાં થતો જોવા મળે છે ત્યાં તેની કિમત થોડી ઓછી જોવા મળે છે. મોટા શહેરોમાં તે કિલોના 60-85- 100 ના ભાવે વેચાય છે.

માનસિક તાણથી બચાવવામાં લાભકારક
રાગીમાં એમિનો એસિડ, ઍન્ટિ-ઑક્સિડન્ટ જેવા ગુણો સમાયેલાં છે, જે વ્યક્તિને કુદરતી રીતે જ તાણમાંથી બચવામાં રાહત અપાવે છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો