તરોતાઝા

આરોગ્યને જાળવી રાખે એવું ઉપયોગી અનોખું કંદ : સલગમ

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

સામાન્ય રીતે કંદમૂળનો રંગ થોડો ઘેરો કથ્થાઈ જોવા મળે છે, જેમાં બટાટા, સૂરણ, અળવી વગેરેનો સમાવેશ કરી શકાય.
શું આપે કદી સફેદ- થોડી આછી ગુલાબી-જાંબુડી ભાત ધરાવતાં કંદનો સ્વાદ ચાખ્યો છે?
ચાલો, આજે જાણી લઈએ દેખાવે આકર્ષક, તેવાં સફેદ કંદમૂળ `સલગમ’ના સ્વાસ્થ્યવર્ધક ગુણો વિશે.
સલગમ વિશે એવું કહેવાય છે કે નાના અમથાં કંદમાં પોષ્ટિક્તાનો ખજાનો સમાયેલો છે. જે લોકો સદાબહાર યુવાની જાળવીને તંદુરસ્ત રહેવા માગતા હોય એમણે સલગમનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. કંદની સાથે તેના પાન સ્વાસ્થ્ય માટે લાભદાયક ગણાય છે. મૂળાના પાન જેવા તેના પાન છે. તેનાં ફૂલ પીળા રંગના છે. એક સમય હતો કે જ્યારે સલગમ ફક્ત ઠંડીમાં બજારમાં દેખાતું હવે તો બારેમાસ સલગમ શાકમાર્કેટમાં મળી રહે છે.


સલગમને સંસ્કૃત ભાષામાં રક્તસર્ષપ, હિન્દીમાં શલજમ, ક્નનડમાં કપ્પૂસાસો, મરાઠીમાં શીરસ કે શલધમ, બંગાળીમાં શલોગોમ, અરબીમાં લફાચ તો અંગ્રજીમાં વ્હાઈટ ટર્નીપ તરીકે ઓળખવામાં આવે છે.
શ્વેત કંદમૂળ તરીકે સલગમ આગવી ઓળખ ધરાવે છે. માનવ ઉપભોગ તેમજ પશુઓનાં ભોજનમાં વિશ્વસ્તરે તેનો ઉપયોગ થતો આવ્યો છે. વિશ્વભરનાં સમશિતોષ્ણ ક્ષેત્રોમાં સલગમની ખેતી કરવામાં આવે છે. કંદને કાચું ખાવામાં આવે છે. એજ રીતે, તેના પાનનો રસ કાઢીને, ઠંડા પાણીમાં પલાળ્યા બાદ તેને વાટીને ઉપયોગમાં લેવામાં આવે છે.


બે હજાર વર્ષથી માનવ આહારમાં તેનો ઉપયોગ એક મહત્ત્વ પૂર્ણ કંદમૂળ તરીકે થતો આવ્યો છે. સલગમ માટે એવું કહેવાય છે કે 21મી સદીના રોગ જેવાં કે ડાયાબિટીસ તેમજ સ્થૂળતાને ઘટાડવામાં મદદ કરે છે. બ્રાઝિલ, ઈંગ્લેન્ડ, જાપાન, ઈરાન, ઈરાક નોર્વેમાં તેની ખેતી મોટા પાયે થાય છે. ભારતમાં બિહાર, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ તથા તમિલનાડુમાં સલગમની ખેતી થાય છે.


સલગમના ફાયદા જોઈએ તો તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, પોલિ -ન્યૂટ્રિએન્ટસ, પોલિફિનોલ્સ, ઍન્ટિ-ઓક્સિડન્ટ, મિનરલ્સ, ફાઈબર, વિટામિન સી, કેલ્શિયમ પોલિ-ફિનોલ્સ, જેવા પોષક ગુણ છે. આયુર્વેદમાં સલગમનો ઉપયોગ અનેક બીમારીમાં કરવામાં આવે છે.

વજન નિયંત્રણમાં રાખે
કેલરીની વાત કરીએ તો સલગમમાં તેનું પ્રમાણ નહિવત હોય છે. ફાઈબરની માત્રા ભરપૂર હોવાને કારણે સલગમનો ઉપયોગ વિવિધ રીતે વજનને નિયંત્રણમાં રાખવામાં થતો હોય છે. જેમ કે તેનું શાક બનાવવું કે તેનો રસ પીવો કે તેને સલાડમાં કાચા ખાવા.

હૃદયની તંદુરસ્તીમાં ઉપયોગી
સલગમમાં અનેક આવશ્યક પોષક તત્ત્વ છે, જે શરીરને ટકાવી રાખવા માટે આવશ્યક ગણાય છે- જેમ કે પોટેશિયમ તથા ફાઈબર, પોટેશિયમનો ઉપયોગ બ્લડપ્રેશરની તકલીફને ઘટાડવામાં ઉપયોગી ઘટક ગણાય છે. રક્તકોશિકાઓમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય તેની કાળજી લે છે. અનેક વખત રક્ત કોશિકાઓ સખત થવાથી, તેની ઉપર તણાવ વધવા લાગે છે. જેને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. શરીરમાં વધી ગયેલાં કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.

સલગમથી થતું નુકસાન
થાઈરોઈડ જેવી સમસ્યાવાળા લોકોએ સલગમનું સેવન ઓછું કરવું, કારણ કે તેમાં ગિટ્રિઓસ નામક પદાર્થ હોય છે. એ થાઈરોઈડની ગ્રંથીના કામકાજમાં વિક્ષેપ બની શકે છે. સલગમમાં સલ્ફરની માત્રા હોય છે, જે પચવામાં ભારે હોય છે. એને કારણે પેટમાં ગેસ,અપચો એસિડીટી જેવી સમસ્યા વધી જાય છે.

કૅન્સરના જોખમથી બચાવે
સલગમમાં જોવા મળતાં પોષકગુણો કૅન્સરના જોખમથી વ્યક્તિને બચાવવામાં મદદ કરે છે, કારણ કે તેમાં વિટામિન સી, વિટામિન ઈ, મૈંગેનિઝ, બીટા-કેરોટીન છે, જે શરીરમાં ઍન્ટિ-ઓક્સિડન્ટના પમાં કામ કરી શકે છે. બ્રેસ્ટ કૅન્સરના જોખમની સાથે પેટ કે મગજના કૅન્સરથી, બચાવવામાં સહાયક બને છે.

ડાયાબિટીસમાં ગુણકારી
સલગમમાં હાઈ-ફાઈબર તેમજ લો-ગ્લાઈસેમિક ઈન્ડેક્સ જોવા મળે છે, જે ડાયાબિટીસની તકલીફમાં અત્યંત ગુણકારી ગણાય છે. એનસીબીઆઈ (નેશનલ સેન્ટર ફોર બાટોટેકનોલોજી ઈન્ફોર્મેશન) ના સંશોધન મુજબ સલગમના અર્કમાં ડાયાબિટીસને ઘટાડવાનો ગુણ છે. વળી સલગમ ઈન્સ્યુલિનને વધારીને ગ્લુકોઝના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે, જેને કારણે ડાયાબિટીસની સમસ્યામાં રાહત મળે.

હાડકાં મજબૂત બનાવે
શલગમમાં ભરપૂર કેલ્શિયમની માત્રા સમાયેલી હોય છે, જે હાડકાંની તંદુરસ્તી જાળવી રાખવામાં મદદ કરે છે. હાડકાંમાં ખનિજના ઘનતત્ત્વને વધારવામાં કેલ્શ્યિમ આવશ્યક ગણાય છે. જેમ જેમ વય વધે તેમ શરીરમાં વિવિધ રોગ જેવા કે સંધિવા, ઑસ્ટિયોપોરોસિસ પ્રવેશતાં હોય છે. જો તેનાથી બચવું હોય, શરીરમાં તાકાત જળવાઈ રહે તે માટે કેલ્શ્યિમ જેમાં ભરપૂર માત્રામાં હોય તેવો આહાર લેવો જોઈએ. ઓસ્ટિયોપોરોસિસ એક એવી તકલીફ છે જેમાં હાડકાં નબળાં-તેમજ પાતળાં પડી જતાં હોય છે. સલગમમાં વિટામિન `કે’ હોય છે, જે શરીરમાં વધતાં ઘનતત્ત્વને વધારવામાં મદદ કરે છે.

પરસેવાની ગંધથી બચાવ
ઉનાળા-ચોમાસામાં શરીર પરસેવાથી તરબતર બની જતું હોય છે. કોઈ વ્યક્તિ પરસેવાથી તરબતર બની જાય તો કોઈ ને મોસમમાં આવેલાં બદલાવની કોઈ અસર થતી ના હોય. સતત એક જ વસ્ત્ર બે-ત્રણ દિવસ સુધી પહેરવાની આદતને કારણે શરીરમાંથી પરસેવાની ગંધ આવવા લાગે. પરસેવાની ગંધથી બચવું હોય સલગમનો રસ કાઢીને પીવો જોઈએ. શરીરને પરસેવાની ગંધથી બચાવે છે.

ત્વચા-વાળ માટે ગુણકારી
સલગમનું વારંવાર સેવન કરવાથી ત્વચા ચમકદાર બને છે. વય વધવાની સાથે ત્વચા ઉપર કરચલી પડવા લાગે છે. ક્યારેક ત્વચા સૂકી બની જતી હોય છે. આવા સંજાગોમાં વિટામિન એ, વિટામિન સી, બીટાકેરોટીન લ્યૂટેન, જેક્સૈંટીનની માત્રા ભરપૂર હોય તેવો આહાર લેવો જોઈએ. સલગમમાં આ બધા જ પોષક ગુણો છે, જે ત્વચા તેમજ વાળની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. તેમાં તાંબાની સારી માત્રા સમાયેલી હોય છે. એને કારણે મેલેનિનનું શરીરમાં ગઠન થતાં અટકાવે છે. ત્વચા ચમકીલી બની જાય છે.

પાચનક્રિયાની તંદુરસ્તી
આપણે બધા જ જાણીએ છીએ કે ફાઈબરવાળો આહાર લેવાથી પાચનક્રિયા મજબૂત બને છે. જેમને વારંવાર કબજિયાત થવી, આફરો ચઢવો, સતત ઝાડા થવા કે વા છૂટની તકલીફ રહેતી હોય તેમને માટે સલગમ કંદ અત્યંત ગુણકારી છે.

વિવિધ ઉપયોગ
સલગમનું શાક તેમજ જ્યૂસ બનાવી શકાય છે. સલાડ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે. બપોરે કે રાત્રિના ભોજનમાં તેનો સમાવેશ કરી શકાય છે. બટાટા-સલગમનું શાક સ્વાદિષ્ટ બને છે. સૂપ કે અથાણું બનાવી શકાય છે.

સલગમ-બટાટા-વટાણાનું સ્વાદિષ્ટ શાક
સામગ્રી : 250 ગ્રામ સલગમ, 2 નંગ ટમેટાં, 2 નંગ કાંદા, 1 મોટી ચમચી આદું-મરચાં-લસણની પેસ્ટ, 1 નાનો કપ તાજાં લીલા બાફેલાં વટાણા, 2 નંગ મધ્યમ આકારના બટાટા, 1 નાની વાટકી ઝીણી સમારેલી કોથમીર, 2 ચમચી તેલ 1 ચમચી ઘી, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણાજી, 1 ચમચી લાલ મરચું, 1ચમચી ખાંડ, 1 નાની ચમચી જી, ચપટી હિંગ, જરૂર મુજબ પાણી.
બનાવવાની રીત : એક કડાઈમાં 1 ચમચી તેલ -1 ચમચી ઘી લેવું, ગરમ થાય ત્યારબાદ તેમાં જી-હિંગ નાંખવી. આદું-મરચાં-લસણની પેસ્ટ નાખીને સાંતળવું. કાંદાને ઝીણા સમારીને સાંતળવા. ટમેટાની પ્યુરી બનાવીને ભેળવવી. સ્વાદાનુસાર મીઠું ભેળવવું. મસાલા બરાબર ધીમી આંચ ઉપર સંતળાઈ જાય ત્યારબાદ સાફ કરીને નાના ટુકડા કરેલાં સલગમ ભેળવવાં. બટેટાં ભેળવવાં. જરૂર મુજબ પાણી ભેળવીને શાક ધીમી આંચ ઉપર પકાવવું. વટાણા ભેળવવાં. સ્વાદાનુસાર મીઠું તેમજ હિંગ ભેળવીને શાકને 10 મિનિટ માટે બરાબર પકાવવું. ગરમ મસાલો, ખાંડ વગેરે ભેળવીને શાકને બીજી 5 મિનિટ પકાવવું. ત્યારબાદ કોથમીરથી સજાવીને ગરમાગરમ પરાઠા કે ભાત સાથે પીરસવું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત… કાજુ, કિસમીસ અને બદામનો બાપ છે આ Fruit, ખાતા જ મળશે… Virat Kohliએ અહીં બનાવ્યું કરોડોનું આલિશાન ઘર, જોયા ઈનસાઈડ ફોટોઝ? સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ…