છત્તીસ ગઢની સૌથી સ્વાદિષ્ટ ભાજી `બોહાર ભાજી
‘
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક
છત્તીસગઢ એક સુંદર, ખુલ્લો પ્રદેશ ગણાય છે. ત્યાંના લોકો જેટલાં મિલનસાર હોય છે તેથી વધુ ત્યાંની ખાણીપીણી વખણાય છે. મેદાની ભાગ વિશાળ હોવાની સાથે ત્યાં વિવિધ વનસ્પતિ આપમેળે ઊગી નીકળતી હોય છે. સામાન્ય રીતે ભાજી જમીનમાં ઊગતી હોય છે. તેને ચૂંટીને કે હળવે હાથે તોડીને ઉપયોગમાં લેવાય છે.
જો કે, આજે આપણે જે ભાજીની વાત કરવાના છીએ તે ભાજી વૃક્ષ ઉપર ઊગે છે. બોહાર ભાજીનો દેખાવ મોતીના લીલા દાણા જેવો છે. છત્તીસગઢમાં વસતા સ્થાનિકો વિવિધ ભાજીનો ઉપયોગ ઘણા જ શોખથી કરે છે. રોજબરોજની ભાજીની વાત કરીએ તો પાલક, મેથી, તાંદળજો. લાલ ભાજી. વળી ત્યાં પાકતી વિવિધ સ્થાનિક ભાજી ઘણી લોક્પ્રિય જોવા મળે છે. જેમ કે તિનપતિયા, બથુઆ, ખોટની, ઘમરા, કોલિયારી વગેરે ગણાવી શકાય.
છત્તીસગઢની સૌથી લોકપ્રિય `બોહાર ભાજી’એ વર્ષોથી પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો છે. મુખ્ય કારણ એ છે આ ભાજીનો અપ્રતિમ સ્વાદ. સ્વાદની સાથે ભાજીના ભાવની વાત કરીએ તો તેની કિમત કિલોના રૂ.200- 400ની આસપાસ જોવા મળે છે. ભારતમાં સ્થાનિકોને મોંઘી લાગતી ભાજીનો ભાવ વિદેશમાં 1200-1500 જોવા મળે છે. વર્ષના ફ્કત ત્રણ મહિના જ આ ભાજી મળે છે. માર્ચ-એપ્રિલ -મેં માસમાં બજારમાં જોવા મળે છે.
આ ભાજીનો ઉપયોગ શરીરને ઠંડક પહોંચાડે છે. તેથી જ છત્તીસગઢના સ્થાનિકોમાં તો કહેવત જોવા મળે છે કે `બોહાર ભાજી નથી ખાધી તો તમે ખાધું છે શું?’ બોહાર ભાજી વૃક્ષ ઉપર ઊગવાની સાથે તેની પાતળી કળી જેવાં પાનને તોડવામાં આવે છે. તે પણ ફૂલ બને તે પહેલાં. તેનો સ્વાદ ત્યારે જ સ્વાદિષ્ટ લાગે છે. ઊંચા વૃક્ષ ઉપર પાતળી ડાંડી ઉપરના ફક્ત કળી જેવા ગોળ ભાગને તોડવાનું કામ અઘં છે. તેને તોડવા માટે ભાજીના ખાસ જાણકારની આવશ્યક્તા રહે છે. પેંડ્રા, મરવાહી, ખોંડરી તથા ખોંગસરાના જંગલોમાં બોહાર ભાજીના વૃક્ષો મોટી સંખ્યાંમાં છે. હાલમાં તો આ વૃક્ષોના સંવર્ધનનું કામ મોટા પાયે ચાલી રહ્યું છે. બોહાર ભાજીનો ઉપયોગ સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. ગરમીમાં મળતી આ ભાજીની પ્રકૃત્તિ ઠંડી છે, જેથી ગરમીને કારણે પાચનમાં થતી તકલીફના શ્રેષ્ઠ ઉપાય તરીકે બોહાર ભાજી અત્યંત લોકપ્રિય હોઈ શકે. બોહાર ભાજીનું વૃક્ષ સમગ્ર ભારતમાં જોવા મળે છે.
વિવિધ રાજ્યોમાં તે અલગ અલગ નામે ઓળખાય છે. તેના ફળનું અથાણું બનાવવામાં આવે છે. બોટનિકલ નામ કોર્ડિયા ડિકોટામા છે. બર્ડ લાઈમ ટ્રી કે બ્લૂ બેરી તરીકે અંગ્રેજીમાં જાણીતું છે. તેની ભાજી ખાવાનું ચલણ છત્તીસગઢમાં સૌથી વધુ જોવા મળે છે. વળી વૃક્ષ દ્વારા વીજળી પેદા કરવામાં આવે છે.
પોષણથી ભરપૂર :
બોહાર ભાજીમાં વિટામિન એ, વિટામિન સી તથા કેલ્શિયમ, આયર્ન, ફોલેટ, મેગ્નેશિયમ, પોટેશિયમ તેમજ મિનરલ્સ ભરપૂર માત્રામાં છે. તેના પાન ફૂલ જેવાં હોય છે. તે સ્વાદિષ્ટ હોય છે. પોષક તત્ત્વો તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે અતિ-આવશ્યક ગણાય છે. જેમ આપણે શિયાળામાં વિવિધ પાક બનાવીને વર્ષભરની શક્તિ મેળવી લેતાં હોઈએ છીએ તે જ પ્રમાણે છત્તીસગઢના સ્થાનિકો `બોહાર ભાજી’ 3 મહિના ખાઈને શરીરને બળવાન બનાવે છે.
હૃદય હેમખેમ રાખે :
ભાજીમાં કુદરતે સુંદરતાની સાથે સ્વાથ્યને તાજગી બક્ષે તેવા ગુણો જેવા કે ઍન્ટિ-ઓક્સિડન્ટ, વિટામિન્સ, મિનરલ્સ વગેરે સમાવ્યા છે. જે હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. વળી બ્લડ પ્રેશરની તકલીફમાંથી રાહત મેળવવામાં મદદરૂપ બને છે.
કફ્-કૃમિથી બચાવે છે :
બોહાર ભાજીમાં પોષક તત્ત્વોની માત્રા ભરપૂર છે. કફ, કૃમિ તેમજ વિષનાશક તત્ત્વોથી થતાં નુકસાનથી શરીરને બચાવે છે. ઍન્ટિઓક્સિડન્ટ તેમજ પોષક તત્ત્વ હોવાને કારણે શરીરને વિવિધ બિમારીથી બચાવવામાં ઉપયોગી બને છે.
બીમારી ઉપર નિયંત્રણ :
બોહાર ભાજીમાં ઍન્ટિ-ઓક્સિડન્ટ તેમજ પોષક ગુણો હોય છે. જે શરીરની રોગપ્રતકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. અસાધ્ય રોગ જેવા કે કેન્સર, ડાયાબિટિસ, હૃદય રોગને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે બોહાર ભાજીનો ઉપયોગ આહારમાં કરવાથી વિટામિન, મિનરલ્સની ઉણપ ઘટે છે. જેને કારણે ધીમે ધીમે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. વિષાણુથી થતાં સંક્રમણથી વ્યક્તિ બચી જાય છે.
બોહાર ભાજીને વ્યવસ્થિત સાફ કરીને તેમજ યોગ્ય પદ્ધત્તિથી પકાવવી જોઈએ. કારણ કે તેમાં રહેલાં બેક્ટેરિયા તેમજ જીવાણુંને કારણે ક્યારેક શરીર ઉપર ખંજવાળ કે બળતરાની તકલીફ થતી હોય છે. જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને. તેથી જ ભાજીને યોગ્ય રીતે સાફ કરવી આવશ્યક છે.
પાચન ક્રિયાને
સુધારવામાં ઉપયોગી
બોહાર ભાજીમાં ફાઈબરની માત્રા સમાયેલી છે. પાચનક્રિયાને સુધારવામાં ફાઈબર શરીર માટે અગત્યનું પોષક તત્ત્વ ગણાય છે. બહારનું ભોજન શરીરમાં ગેસ, એસિડીટી, અપચો જેવી ઘણી સમસ્યાને અકારણ આમંત્રણ આપે છે. તેથી જ સતત મોંઘા ભાવના ફાસ્ટ ફૂડની પાછળ વ્યર્થ આવક ખર્ચવાનું ટાળવું જોઈએ. તેને બદલે શરીરના આંતરિક અવયવોની સ્વસ્છતા જળવાઈ રહે
તેવા ઋતુ પ્રમાણેના ફળો, શાકભાજી તેમજ પોષક તત્ત્વોથી સમૃદ્ધ ભાજીને પ્રાધાન્ય આપવું જોઈએ. જે શરીરની આંતરિક તંદુરસ્તી જાળવવામાં ઉપયોગી બને છે.
બોહાર ભાજી બનાવવાની રીત
સામગ્રી : 250 ગ્રામ બોહાર ભાજી, 2-3 નંગ ડુંગળી, 1 વાટકી પલાળેલી મગની ફોતરાવાળી દાળ, 1 નાની વાટકી દહીં, 4 નંગ ટમેટાં, 2-3 કળી લસણ, 1 વાટકી પલાળેલી આમલી,1 ચમચી આદું-મરચાંની પેસ્ટ, સ્વાદાનુસાર મીઠું, ચપટી હિંગ,1 નાનો ટૂકડો તજ, વધાર માટે ઘી-તેલ 2 ચમચી મિકસ.
બનાવવાની રીત : સૌ પ્રથમ બોહાર ભાજીને પાણીથી બરાબર સાફ કરી લેવી. કડાઈમાં થોડું તેલ મૂકીને ડુંગળી સાંતળવી. ત્યારબાદ તેમાં બોહારભાજી ઉમેરીને શાક પકાવવું. ઝીણાં સમારેલાં ટમેટાં ઉમેરવા. પલાળેલી મગની દાળ ઉમેરવી. ધીમે તાપે શાક પકાવવું.
દાળ બરાબર ચઢી ગયેલી લાગે ત્યારબાદ તેમાં આમલી ભેળવવી. શાકમાં 2-5 મિનિટ બાદ ધીમે ધીમે ઉપરોક્ત મસાલા ભેળવવા. તેલ-ઘીનો એક સાથે વઘાર કરવો. દાળ બરાબર સિઝી જાય તેની કાળજી રાખવી. મગની દાળ ભેળવ્યા વગર ફક્ત ભાજીના ગરમાગરમ શાકને પરાઠા, પુલાવ કે દાળભાત સાથે ગરમાગરમ પીરસવું.