ચીકણા ગુંદામાં છે અનેક ગુણો

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક
ઉનાળો શરૂ થાય તેની સાથે બજારમાં વિવિધ પ્રકારની કેરીની આવક શરૂ થવા લાગે. કાચી કેરીનો ઉપયોગ અથાણાં બનાવવામાં થાય. તો પાકી કેરીની મોજ રસ, કટકા કરીને કે મેંગો મિલ્કશૅક બનાવીને કરવામાં આવે.
અનેક કેરી રસિયાઓને તો કેરીની મોજ માણવાની મજા પડી જતી હોય છે. બજારમાં અથાણું બનાવવામાં ઉપયોગમાં લેવાતાં ચીકાશ ધરાવતાં ગુંદા સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી ગણાય છે.
વડીલો તો ગુંદાનો ઉપયોગ વિવિધ રીતે કરવાનું પસંદ કરતાં જ હોય છે. અનેક લોકો પાકા તેમજ તાજા કાચા ગુંદાનું સ્વાદિષ્ટ શાક બનાવતાં હોય છે. તો અનેક ઘરોમાં આજે પણ ગુંદા-કેરીનું અથાણું બનાવીને તેનો ઉપયોગ વર્ષભર કરવામાં આવતો હોય છે. ગુંદા સ્વાદમાં જેટલાં સ્વાદિષ્ટ લાગે છે તેનાથી વધુ સ્વાસ્થ્યવર્ધક ગુણો ધરાવે છે. શું આપે ગુંદાના સ્વાદિષ્ટ તાજા શાક કે અથાણાંનો સ્વાદ માણ્યો કે નહીં? આયુર્વેદમાં ગુંદાનો ઉપયોગ કરીને ખાસ રોગનો ઈલાજ કરવામાં આવે છે. તેના ફળની સાથે ફૂલ, પાન, છાલ તેમજ ડાળીનો ઉપયોગ મોટા પમાણમાં કરવામાં આવે છે.
ગુંદાને ભારતની વિવિધ ભાષામાં અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. જેમ કે હિંદીમાં લસોડા કે ડેલા, અંગ્રેજીમાં ગ્લૂ બેરી કે પિંક પર્લ બ્રેડ લાઈમ ટ્રી, ક્નનડમાં ચલલે કાયી કે ચલ્લા કાયી, ક્નનડમાં એક કહેવત છે `ચલલેકાયી તિનિસુ’ કહેવામાં આવે છે તેનો અર્થ થાય છે કે લસોડા ખાવા એટલે કે કોઈને દગો આપવો. તુલુ નામ છે ચલલંગયી કે ચેલંગઈ, મરાઠીમાં ભોંકર ગુજરાતીમાં વડગુંંડા, મધ્ય પૂર્વમાં નામ હતું બંબર વૃક્ષ. ગુંદાના બીજ અત્યંત ચીકણા હોય છે. તેનો ઉપયોગ ગુંદર તરીકે કરવામાં આવતો. તેથી જ ગુંદાને અંગ્રેજીમાં ગ્લૂ બેરી કહેવામાં આવતું હશે.
ગુંદા વિશે જાણકારી પ્રાચીન કાળમાં હતી. એવું માનવામાં આવે છે કે ગુંદાનું ફળ હિમાલય, નેપાળ, મ્યાનમાર, તાઈવાન, થાઈલૅન્ડ, મલેશિયા, ચીન, પૉલિનેશિયા, ઑસ્ટે્રલિયા સહિત વિભિન્ન ક્ષેત્રમાં જોવા મળતું હતું. આયુર્વેદિક ગ્રંથો જેવા કે ચરકસંહિતામાં થયેલો જોવા મળે છે. જે 7મી-8મી ઈસ. પૂર્વમાં ભારતમાં લખવામાં આવી હતી. તેનો ઉલ્લેખ પીચહિલના રૂપે સંદર્ભિત કરેલો જોવા મળે છે. ગુંદાનું વાનસ્પતિક નામ છે કૉર્ડિયા માયસ્કા છે. અનેક લોકો તેને ગોંદી, નિસોરા કે પછી લિસોડાના નામથી ઓળખે છે. ગુંદામાં પ્રોટીન, કોર્બોહાઈડે્રટ, કૅલ્શ્યિમ, ફાઈબર, ફૈટ, આયર્ન, ફોસ્ફરસ જેવાં અનેક ગુણકારી તત્ત્વો જોવા મળે છે. ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર લિસોડાનું સેવન કરવાથી શરીર ઉપરના સોજા ઘટવા લાગે છે.
વાસ્તુ અનુસાર ગુંદાના વૃક્ષનું ખાસ મહત્ત્વ જોવા મળે છે. ઊધઈની તકલીફ હોય તેવાં સ્થળોમાં ગુણકારી બને છે. એવી માહિતી મળે છે કે ગુંદાના વૃક્ષની ડાળી ઘરમાં એક ખૂણામાં રાખવાથી ઘરમાં શાંતિ અનુભવાય છે. સંસ્કૃતમાં શ્લેષ્માતક કહેવામાં આવે છે.
ગુંદાના વૃક્ષનો સમાવેશ 16 ખાસ વૃક્ષમાં કરવામાં આવે છે. જેનો ઉપયોગ ગોજિહ્યાદિ કષામય: નામક આયુર્વેદિક ફૉર્મ્યુલેશનનો ઉપયોગ કરવામાં આવે છે. જેના પ્રયોગ દ્વારા જૂની ખાંસી, શ્વાસની તકલીફ જેવાં રોગથી રાહત મેળવવામાં થાય છે. કફ સિરપ બનાવવામાં ગુંદા ઉપયોગમાં લેવાય છે. ગુંદાની ખેતી ખેડૂતોને માટે ઉપજાઉ ખેતી ગણી શકાય. ભરતપુર સ્થિત ખેડૂતોનું કહેવું છે કે ઓછા ખર્ચમાં વધુ કમાણી ગુંદાના વૃક્ષ કરાવી શકે છે. તેમણે 10 વૃક્ષ વાવ્યાં છે. વર્ષમાં લગભગ 1 લાખ જેટલી આવક ગુંદાની ખેતીમાંથી 2 માસમાં થતી જોવા મળે છે.
દક્ષિણ ભારત, ગુજરાત તેમજ રાજસ્થાનમાં ગુંદાનો ઉપયોગ મોટા પ્રમાણમાં વિવિધ રીતે કરવામાં આવે છે. ગુંદાના વૃક્ષની અનેક પ્રજાતિ જોવા મળે છે. લમેડાં તેમજ લિસોડા વધુ
જાણીતી છે.
શરીરને મજબૂત બનાવે છે
ગુંદામાં પ્રોટીનની સાથે કાર્બ્સ, ફાઈબર, કૅલ્શ્યિમ, ફોસ્ફરસ તેમજ આયર્નનું સારું સ્ત્રોત ગણાય છે. ગુંદાનો ઉપયોગ વિવિધ રીતે કરવામાં આવતો હોય છે. અનેક લોકો તેને કાચા ખાવાનું પસંદ કરે છે. અનેક જગ્યાએ તેની સૂકવણીનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ ગુંદાને સૂકવીને તેમાં અન્ય સામગ્રી ભેળવીને તેના સ્વાદિષ્ટ લાડું બનાવે છે. તેનો ઉપયોગ આહારમાં કરવાથી સંપૂર્ણ દિવસ સ્ફૂર્તિલો બની જાય છે.ગુંદાની સૂકવણી બાદ તેનું ચૂરણ લેવામાં આવે છે. જે હાડકાંની મજબૂતાઈ માટે ઉત્તમ ગણાય છે.
દાંતના દર્દમાં લાભકારી
અનેક વખત દાંતમાં દુખાવો થવા લાગે છે. તેનું મુખ્ય કારણ આજકાલની ભાગદોડ ભરેલી જિંદગી ગણાવી શકાય. ગુંદાના વૃક્ષની છાલનો પાઉડર બનાવીને દાંત ઉપર ઘસવાથી અથવા કાઢો બનાવીને પીવાથી દાંતનો દુખાવો, દાંતમાં કાણું પડવું કે પેઢાંમાં સોજા આવવાની તકલીફમાં રાહત મેળવી શકાય છે. મોંમાં ચાંદા પડ્યા હોય તો તેમાં કાઢો અત્યંત અકસીર ગણાય છે.
લિવરના સ્વાસ્થ્યની સંભાળ માટે ફાયદાકારક
2007ના જાન્યુઆરીમાં નાઈઝીરિયન જર્નલ ઑફ નેચરલ પ્રોડક્ટ ઍન્ડ મેડિસિન દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું હતું. તેમાં ઉંદર ઉપર થયેલાં એક રિસર્ચ મુજબ ગુંદાનો ઉપયોગ તેમનાં ખોરાકમાં કરવાથી લિવરની તંદુરસ્તી જળવાઈ રહી હતી. લિવર સંબંધિત તકલીફમાં અત્યંત ગુણકારી ગણાય છે.
ત્વચા સંબંધિત સમસ્યામાં લાભદાયક
ઉનાળાની ગરમી હોય કે વરસાદની મોસમ શરીર ઉપર પરસેવાને કારણે ઝીણી ઝીણી ફોડલીઓ થવી આમ વાત બની જાય છે. ગુંદાના વૃક્ષના પાનનો લેપ લગાવવાથી રાહત મેળવી શકાય છે. ખરજવું, ત્વચા ઉપર લાલ ચકામાને કારણે વારંવાર ખંજવાળ આવવાની સમસ્યામાં પાનને વાટીને બનાવેલો લેપ લગાવવાથી રાહત મેળવી શકાય છે.
ગળાની ખારાશથી રાહત અપાવે
બદલાતી મોસમને કારણે ગળામાં ખારાશની તકલીફ જોવા મળે છે. આવા સંજોગોમાં લિસોડાના વૃક્ષની છાલને પાણીમાં ઉકાળ્યા બાદ ગાળીને પીવાથી રાહત મળે છે. પાણીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં મધ, મરી, સંચળ તેમ જ લીંબુના રસનો ઉપયોગ કરી શકાય છે. છાલનો કાઢો
પીવાથી પિરિયડસ્માં થતાં પેટના દુખાવામાં રાહત મેળવી શકાય છે.
હાઈ બ્લડપ્રેશરમાં ગુણકારી
21મી સદીમાં હાઈ બ્લડપ્રેશર તથા ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે. ઘરેલુ ઉપચાર દ્વારા તેને નિયંત્રણમાં લાવી શકાય છે. વર્ષ 2016માં પ્રકાશિત એક અધ્યયન દ્વારા જાણવા મળ્યું કે ગ્લૂ બેરીમાં હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં લાવવાના ગુણ છે. અધ્યયન 5 સપ્તાહ સુધી કરવામાં આવ્યું હતું. હાઈ બ્લડપ્રેશરને નિયંત્રણમાં લાવવામાં ગુંદા ગુણકારી છે. ઑક્સિડેટિવ તણાવને ઘટાડવામાં મદદ મળી હતી.
ડાયાબિટીસને કાબૂમાં રાખે છે
એવી પણ માહિતી મળે છે કે ગુંદાનું સેવન કરવાથી ડાયાબિટીસની તકલીફમાં રાહત મેળવી શકાય છે. ગુંદાના ફળમાં મૂત્રવર્ધક ગુણો હોય છે. જેથી શરીરમાં જમા થયેલી વધારાની શર્કરા મૂત્ર વાટે બહાર નીકળી જાય છે. ઈન્ટરનેશનલ જર્નલ ઑફ ફાર્માસ્યુટિકલ સાયન્સ દ્વારા પ્રકાશિત રિસર્ચ મુજબ ગુંદાના ફળ તેમજ બીજમાં ઍન્ટિ-ડાયાબિટીક ગુણો હોય છે. જેના સેવનથી લોહીમાં વધતી બ્લડ શુગરને કાબૂમાં રાખવામાં મદદ મળે છે.
ગુંદાનું ભરેલું શાક
સામગ્રી : 300 ગ્રામ લીલા ગુંદા, 1 મોટી વાટકી ચણાનો શેકેલો લોટ, 1 ચમચી ઘાણા જીરું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી આખા ઘાણા, 1 ચમચી તલ, 1 ચમચી શેકેલાં સિંગદાણાનો ભૂકો, 1 ચમચી અથાંણાનો મસાલો, 1 ચમચી કોપરૂ, સ્વાદપ્રમાણે મીઠું, ચપટી હિંગ. 1 ચમચી આમચૂર પાઉડર,1 વાટકી તેલ
બનાવવાની રીત : ગુંદાના ડીંટા કાઢી લેવા.ચપ્પુની ધાર ઉપર મીઠું લગાવી ઠળિયા કાઢી લેવા. શેકેલા ચણાના લોટમાં ઉપરોક્ત દર્શાવેલ મસાલો ભેળવીને તૈયાર કરવો. ગુંદામાં મસાલો ભરી લેવો. કડાઈમાં તેલ મૂકીને હિંગ નાખવી. ત્યારબાદ ગુંદા ગોઠવવા. ધીમા તાપે ગુંદાનું શાક બનાવવું. 10 મિનિટમાં શાક તૈયાર થઈ જશે. વધેલો મસાલો ઉપરથી છાંટીને થોડું સીઝવ્યા બાદ ગેસ બંધ કરી દેવો. ગરમા-ગરમ સ્વાદિષ્ટ તાજા ગુંદાના શાકની મોજ પરાઠા સાથે માણવી.