તરોતાઝા

આરોગ્ય માટે બ્રાઉન શુગરની વધતી લોકપ્રિયતા

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

ગરમીમાં મધમીઠો શેરડીનો રસ પીવાથી સંપૂર્ણ શરીરને ઠંડક મળી જતી હોય છે. શેરડીની ગણતરી કુદરતની અમૂલ્ય ભેટમાં થાય છે. પાકૃત્તિક રીતે સર્વે વ્યંજનોમાં મીઠાશ ભરતાં ગોળ કે ખાંડનો જન્મ મધુર શેરડીમાંથી થાય છે. તેથી જ તો કહેવાય છે કે `જે ના ખાય ગળ્યું તેનું જીવતર બળ્યું.’ ગળપણ વ્યક્તિના જીવનમાં મીઠાશ પ્રસરાવી દે છે.

ફ્કત એક મિનિટ વિચારો કે ચાના રસિયાઓને વહેલી સવારની ચાની ચૂસકી ખાંડ કે ગોળની મીઠાશ વગરની પીવડાવવામાં આવે તો? સંપૂર્ણ દિવસ બગડી ગયો તેવું લાગે. ગરમાગરમ જલેબીને ચાસણી વગર ખવડાવવામાં આવે તો કેવી લાગે? તેથી જ મીઠાશ સ્વાસ્થ્ય માટે અગત્યની છે. ગ્લુકોઝ શરીરને ટકાવી રાખવા આવશ્યક છે.

હા, એક વાત તો માનવી જ પડશે કે રિફાઈન્ડ કરેલી ખાંડ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. વજન વધારવાની સાથે ડાયાબિટીસ જેવાં રોગનું કારણ બને છે. તેથી જ સ્વાદની સાથે આરોગ્યની કાળજી જળવાય તેવા તંદુરસ્ત વિકલ્પો શોધવા જોઈએ. બ્રાઉન શુગર એક સારો વિકલ્પ ગણી શકાય. મીઠી હોવાની સાથે બ્રાઉન શુગર સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ગણાય છે. તેની કોઈ આડઅસર જોવા મળતી નથી. તેનું મુખ્ય કારણ તેમાં ઍન્ટિ-ઓક્સિડન્ટનું પ્રમાણ ભરપૂર છે. ઍન્ટિ-ઓક્સિડન્ટનું ઊંચું પ્રમાણ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. કૅન્સર સહિત અનેક રોગના જોખમથી બચાવે છે. બ્રાઉન શુગરમાં આયર્ન તેમજ કૅલ્શિયમ જેવા મિનરલ્સ સમાયેલાં છે.

બ્રાઉન શુગરના ફાયદા

શક્તિ વર્ધક
સામાન્ય કાર્બોહાઈડે્રટ લેવામાં આવે તો શરીર તેને સરળતાથી પચાવીને વ્યક્તિને શક્તિ પ્રદાન કરે છે. બ્રાઉન શુગર સરળ કાર્બોહાઈડે્રટનું એક રૂપ ગણવામાં આવે છે. સુપાચ્ય હોવાની સાથે શક્તિવર્ધક ગણાય છે.

પોષકતત્ત્વો તેમજ ખનિજથી ભરપૂર
બ્રાઉન શુગરમાં કૅલ્શિયમ, આયર્ન પોટેશિયમ તથા ઍન્ટિઓક્સિડન્ટ હોય છે. જે કોશિકાને કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવે છે. દાંત તેમજ હાડકાંને મજબૂત બનાવે છે. શરીરમાં લોહીનો પ્રવાહ નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.100 ગ્રામ બ્રાઉન શુગરમાં 83 મિલી ગ્રામ કૅલ્શિયમની માત્રા છે. જે હાડકાંની તંદુરસ્તી માટે ગુણકારી છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે
ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણ હોવાને કારણે બ્રાઉન શુગરનો ઉપયોગ ગુણકારી ગણાય છે. શરીરમાં અનેક વખત દેખાતા સોજાને ઘટાડવામાં મદદ મળે છે. વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારીને સમગ્ર શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઍન્ટિ-માઈક્રોબિયલ ગુણ સમાયેલાં છે. જેને કારણે શરીરને બૅકટેરિયાથી થતાં નુકસાનનાં જોખમથી બચાવવામાં મદદ કરે છે.

પાચનક્રિયાને સુદૃઢ બનાવે છે
બ્રાઉન શુગર પાચનક્રિયાને સુધારવા માટે ગુણકારી ગણાય છે. તેનું મુખ્ય કારણ તે ગોળમાંથી બનાવવામાં આવતી હોય છે. આમાં ફાઈબરની માત્રા સમાયેલી હોવાથી શરીરમાં શર્કરાની ઊણપને દૂર કરવામાં ઉપયોગી ગણાય છે. વળી લોહીમાં શર્કરાની માત્રાને કાબૂમાં લેવામાં ઉપયોગી બને છે.

માનસિક તાણમાં ગુણકારી
બ્રાઉન શુગરનો ઉપયોગ કરવાથી સંપૂર્ણ શરીરમાં ટાઢક ફેલાઈ ગઈ હોય તેવું લાગે છે. તન-મન સ્વસ્થ બની નિશ્ચલ બને છે. માનસિક તાણનો અનુભવ વારંવાર થયા કરતો હોય તેમને માટે બ્રાઉન શુગરનો ઉપયોગ શ્રેષ્ઠ ગણાય છે. શરીરના સ્નાયુઓ હળવા બની જાય છે.

ત્વચાને કોમળ બનાવે
ખાંડને પ્રાકૃતિક સ્ક્રબ તરીકે ઓળખવામાં આવે છે. બ્રાઉન શુગરમાં કુદરતી જ ઍક્સફોલિઍન્ટ નામક કૂચડા (બ્રશ) જેવા ગુણ છે. જે ત્વચાને કોમળ બનાવવાનું સામર્થ્ય ઘરાવે છે. સુકાયેલી તથા મૃત ત્વચાના સેલ્સને હટાવે છે. નવી કોમળ સ્વસ્થ ત્વચા બનાવવામાં મદદ કરે છે. બ્રાઉન શુગરમાં ગ્લાઈસેમિક એસિડ હોય છે. જે ત્વચાને ઍન્ટિ-એજિંગ બનાવવામાં મદદ કરે છે. ત્વચા અનેક કારણોને લીધે નિસ્તેજ બનવા લાગે છે. તેને ઘટાડવામાં ઉપયોગી છે. ઘરેલું સ્ક્રબ બનાવતી વખતે બ્રાઉન શુગરનો ઉપયોગ લાભકારી છે.

મોટાપો તથા ડાયાબિટીસના ખતરાને દૂર કરે છે
બ્રાઉન શુગરમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે. જેને કારણે બ્લડ શુગરનું સ્તર જળવાઈ રહે છે. સફેદ ખાંડનો શ્રેષ્ઠ વિકલ્પ છે બ્રાઉન શુગર. તેનું કારણ છે બ્રાઉન શુગરમાં થોડાં પ્રમાણમાં ફાઈબર હોય છે. જે બ્લડમાં શર્કરાની માત્રાને રોકવામાં મદદ કરે છે. બ્લડમાં રહેલી શર્કરાની માત્રાને અવશોષિત કરે છે. મોટાપો તેમજ ડાયાબિટીસના ખતરાને ઘટાડવામાં મદદરૂપ બને છે.

અસ્થમાની તકલીફમાં લાભદાયક
અસ્થમાની તકલીફ ધરાવતી વ્યક્તિને પ્રદૂષણ તેમજ હવામાનની અસરથી શ્વાસ લેવામાં તકલીફ થતી જોવા મળે છે. ક્યારેક ગભરામણ કે શરીર જકડાઈ જવું, સતત ઊધરસ જેવી સમસ્યા સતાવતી હોય છે. આવા સંજોગોમાં સફેદ ખાંડની અવેજીમાં બ્રાઉન શુગરનો ઉપયોગ લાભકારક બને છે. આ ફ્કત એક ઉપાય છે. નિષ્ણાત ડૉક્ટરની સલાહ તેમજ યોગ્ય દવાનો ઉપયોગ આવશ્યક ગણાય છે.

ગર્ભાવસ્થામાં ગુણકારી
ગર્ભાવસ્થામાં સર્ગભાને વિવિધ પોષક તત્ત્વોની આવશ્યક્તા હોય છે. જેવાં કે કૅલ્શિયમ, આયર્ન, ફોલેટ, કાર્બોહાઈડે્રટ, વિટામિન્સ, પોટેશિયમ ગણાવી શકાય. બ્રાઉન શુગરમાં ઉપરોક્ત બધા જ પોષક તત્ત્વોની માત્રા સમાયેલી છે. તેથી ગર્ભાવસ્થા દરમિયાન સફેદ ખાંડને બદલે બ્રાઉન શુગરનો ઉપયોગ વધુ કરવો જોઈએ.

બ્રાઉન શુગરનો ઉપયોગ
સફેદ ખાંડનો ઉપયોગ જ્યાં કરવામાં આવતો હોય તે બધી જ જગ્યાએ બ્રાઉન શુગરનો ઉપયોગ કરી શકાય છે.
ચા, કોફી, ઉકાળો બનાવતી વખતે કરી શકાય છે.
ચિક્કી કે સુખડી જેવી મીઠાઈમાં થઈ શકે છે.
લીંબુનું શરબત, કેરી પન્હા કે અન્ય મિલ્ક શૅકમાં કરી શકાય છે.
બ્રાઉન શુગરનો ઉપયોગ સ્ક્રબ બનાવીને કરી શકાય.
કુકીઝ, બિસ્કીટ કે ચોકલેટમાં ઉપયોગ કરી શકાય.

બ્રાઉન શુગર બનાવવાની રીત
સામગ્રી :1 કપ સફેદ ખાંડ, 2 ચમચી ગોળની રસી કે સીરપ. ગોળની રસી બનાવવાની રીત : 2 ચમચી સફેદ ખાંડને ઘી લગાવેલી જાડી કડાઈમાં ગરમ કરીને ઓગાળી લેવી. ઓગળી જાય ત્યારબાદ તેમાં અડધો કપ ગોળનો ભૂકો ભેળવવો. ધીમા તાપે ગરમ કરવું. ગોળ બરાબર ઓગળી જાય ત્યારબાદ અડધો કપ પાણી ઉમેરીને હલાવી લેવું. ઠંડું થાય ત્યારબાદ ઉપયોગમાં લેવું. બ્રાઉન શુગર બનાવવા માટે : 1 કપ સફેદ ખાંડમાં તૈયાર કરેલી ગોળની રસી ભેળવીને ખાંડમાં બરાબર ભેળવી લેવી. ફક્ત મિનિટોમાં બ્રાઉન શુગર તૈયાર થઈ જશે. તેનો ઉપયોગ ચા કે કુકીઝ બનાવવામાં કરી શકાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…