સ્વાસ્થ્ય માટે વરદાન સમાન વ્રતમાં ઉપયોગી `કુટીનો ડારો’

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક
હાલમાં ચૈત્રિ નવરાત્રિ ચાલી રહી છે. અનેક ભક્તો માની આરાધના, નોરતામાં ભાવ-ભક્તિથી કરતાં હોય છે. મંગળપર્વમાં વ્રત-જપ-તપ દ્વારા ભક્તો રોજબરોજના જીવનથી કાંઈક વિશેષ મેળવ્યાનો આનંદ પામતાં હોય છે. તા. 17મી એપ્રિલના રોજ એટલે કે આવતીકાલે રામનવમીનું પાવન પર્વ છે.
ભારતીય સંસ્કૃતિ-શાસ્ત્રોમાં વ્રત દ્વારા ભક્તો અગમ્ય શક્તિ મેળવતાં હોય તેવાં અનેક દૃષ્ટાંત જોવા મળે છે. મનોબળ મજબૂત કરવા માટે, આત્મવિશ્વાસ વધારવા માટે વ્રત અકસીર ઉપાય ગણાય છે. વ્રતને વિવિધ રીતે પૂર્ણ કરી શકાય છે. કોઈ સંપૂર્ણ ઉપવાસ કરીને કરે છે. અનેક વ્યક્તિ ફળોનો રસ, દૂધ-લસ્સી-છાસ-લીંબુ શરબત જેવાં પ્રવાહી ગ્રહણ કરવાનો સંકલ્પ લેતાં હોય છે. મોટા ભાગે લોકો સ્વાસ્થ્યની કાળજી સાથે વ્રતમાં ખાઈ શકાય તેવી વાનગીનો રસાસ્વાદ લઈને વ્રતનું ફળ મેળવવાનું પસંદ કરે છે. વ્રતમાં ખાઈ શકાય તેવાં લોટ તરીકે જાણીતો લોટ `કુટ્ટીનો ડારો’. જે સ્વાસ્થ્ય માટે લાભકારી છે. સ્વાદની સાથે પોષક-તત્વોનો ખજાનો ધરાવતો આ લોટ ગ્લુટેન ફ્રી ગણાય છે. ડાયાબિટીસ, કાર્ડિયોવૅસ્ક્યુલર રોગ, પાચન ક્રિયા સંબંધિત સમસ્યાથી રાહત મેળવવા માટે રામબાણ ઉપાય ગણાય છે.
કુટ્ટીના ડારામાંથી તૈયાર થતાં લોટમાં પ્રોટીન, મૈગ્નેશ્યિમ, આયર્ન, કૅલ્શ્યિમ, ફૉલેટ, મૈંગેનિઝ તથા ફોસ્ફરસ હોય છે. મિનરલ્સ તેમજ ઍન્ટિ-ઑક્સિડન્ટના ગુણો જોવા મળે છે.
ચાલો જાણી લઈએ કુટીના ડારાના ફાયદા
લોહીમાં શર્કરાની માત્રાને નિયંત્રણમાં રાખે છે
લોહીમાં શર્કરાની માત્રાને અંકુશમાં રાખવા માટે કુટ્ટીનો ડારો અત્યંત ઉપયોગી સાબિત થયેલ છે. તેનું મુખ્ય કારણ આ લોટમાં પ્રોટીન, ફાઈબર તેમજ ફ્લેવનૉઈડસ્ જેવા પોષક તત્ત્વો સારા પ્રમાણમાં સમાયેલાં છે. જેને કારણે ટાઈપ -2 ડાયાબિટીસને કાબૂમાં રાખવામાં મદદ મળે છે. ઈન્સ્યુલિનની માત્રા જળવાઈ રહેવાથી લોહીમાં શર્કરાની માત્રા નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. વળી સેચ્યુરેટેડ ફેટની માત્રા શૂન્ય હોવાથી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ છે.
સેલિયાક રોગમાં ગુણકારી
(ગ્લૂટેન મુક્ત છે)
અનેક લોકોને ઘઉંનો લોટમાંથી બનતી કોઈપણ વાનગી ખાવાથી શરીરમાં એલર્જી થતી હોય છે. તેનું મુખ્ય કારણ ઘઉંમાં ગ્લૂટેનની માત્રા સમાયેલી હોય છે. આ એલર્જીને `સેલિયાક રોગ’ કહેવામાં આવે છે. કુટ્ટીનો ડારો ગ્લૂટેન ફ્રી હોવાથી તેનું સેવન ઉપરોક્ત રોગ ધરાવતી વ્યક્તિ સરળતાથી કરી શકે છે. અન્ય લોટની સરખામણીમાં આ લોટમાં ફાઈબર, વિટામિન તેમજ મિનરલ્સનું પ્રમાણ વધુ જોવા મળે છે.
કાર્ડિયોવસક્યૂલર રોગથી રાહત અપાવે :
નિયમિત રીતે કુટ્ટુના લોટનો ઉપયોગ આહારમાં કરતી વ્યક્તિનું કૉલેસ્ટ્રોલ, ટ્રાઈગ્લિસરાઈડ તેમજ બ્લડસુગર નિયંત્રણમાં રહે છે. વળી હૃદય સંબંધિત બિમારીના ખતરાથી બચી શકાય છે.
શરીરમાં સોજા કે બળતરાની સમસ્યામાં લાભકારી:
કુટ્ટુના લોટ માટે એવું કહેવાય છે કે તેનો આહારમાં ઉપયોગ કરવાથી રક્તકોશિકાની તંદુરસ્તી જળવાઈ રહે છે. તેનું મુખ્ય કારણ આ લોટમાં ફ્લેવોનોઈડ્સ રૂટિન તેમજ ક્વેરસેટિન સારા પ્રમાણમાં હોય છે. રૂટિન શરીરની રક્ત કોશિકાને મજબૂત કરે છે. જ્યારે ક્વેરસેટિન શરીરને વિવિધ ઈન્ફ્લેમેશનથી બચાવવામાં મદદ કરે છે.
પથરીના રોગમાં રામબાણ
લિવરના સ્વાસ્થ્ય માટે કુટ્ટુનો લોટ ગુણકારી ગણાય છે. તેનું મુખ્ય કારણ લોટમાં ઍન્ટિ-આોક્સિડન્ટ તેમજ ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો સારા પ્રમાણમાં છે. જેથી પથરીને બહાર કાઢવામાં તે કારગર ગણાય છે. વળી કુટ્ટુના લોટમાં વિટામિન બી કૉમ્પલેક્સ હોય છે. જેથી લિવર સંબંધિત બીમારીને દૂર કરવામાં તેમજ તેના સંક્રમણથી બચવામાં મદદ કરે છે.
કુટ્ટીનો ડારો શું છે ? કુટ્ટુને અંગ્રેજીમાં `બકવ્હીટ’ કહેવામાં આવે છે. લેટિન નામ ફૈગોપાઈરમ ઍસ્કલૂલેંટ છે. પોલીગોનેસિએઈ પરિવારનો છોડ ગણાય છે. કુટ્ટુના બીજને અન્ય છોડ ઉપરથી જે પ્રમાણે બીજ કે ફળ મેળવવામાં આવે છે તે જ રીતે તેના બીજ તોડવામાં આવે છે. બીજને તોડીને તેનો લોટ તૈયાર થાય છે.બીજ ત્રિકોણ આકારના હોય છે. ભારતમાં કુટ્ટુની ખેતી અનેક જગ્યાએ કરવામાં આવે છે. જેમાં જમ્મૂ-કાશ્મીર, હિમાચલ તેમજ ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.
100 ગ્રામ કુટ્ટુના લોટમાં પાણી 10 ટકા, 13.3 ટકા પ્રોટીન, કાર્બ્સ 71.5 ટકા, ફાઈબર 10 ગ્રામ, ફેટની માત્રા 3.4 ગ્રામ જોવા મળે છે.
કુટ્ટુના બીજ છ માસ સુધી સારા રહેતાં હોય છે. તેનાં લોટની મર્યાદા વધારવા માટે લોટનો ઉપયોગ કરી લીધા પછી તેને ફ્રિઝમાં મૂકવો. જેથી લોટની તાજગી જળવાઈ રહેશે. કુટ્ટુના લોટમાં મિલાવટ કરવામાં આવે ત્યારે રંગ બદલાઈ જતો હોય છે. તાજો લોટ દળાવીને ખાવો જરૂરી છે.
પાચનશક્તિમાં
સુધારો લાવે :
કુટ્ટુનો લોટ ફાઈબરથી ભરપૂર જોવા મળે છે. એવું કહેવાય છે કે 30 ગ્રામ લોટમાં 11 ટકા ફાઈબર હોય છે. ફાઈબરયુક્ત આહાર લેવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે. કબજિયાતની તકલીફમાં રાહત મળે છે.
હાડકાંની તંદુરસ્તી
માટે ગુણકારી :
મેંગેનિઝનું પ્રમાણ ભરપૂર હોવાથી કુટ્ટુનું સેવન કરવાથી હાડકાંની મજબૂતાઈ જળવાઈ રહે છે. મેંગેનિઝને કારણે હાડકાં બરડ બનતાં અટકે છે. જેથી ઓસ્ટિયોપોરોસિસ જેવી બિમારીના જોખમથી બચી શકાય છે.
ત્વચાની ચમક વધારે છે
કુટ્ટુનો ઉપયોગ આહારમાં કરવાથી તેમજ તેના લોટમાં થોડું ગુલાબજળ અથવા ચંદન ભેળવીને તૈયાર કરેલ ફેસપૅક લગાવવાથી ચહેરાની ચમક વધી જતી હોય છે.
વાળના સ્વાસ્થ્ય માટે ઉપયોગી
વાળ પાતળાં હોય, વારંવાર ખરતાં હોય કે ખોળાની સમસ્યા સતાવતી હોય તેમને
માટે આ લોટનું સેવન ઉપયોગી ગણાય છે. તેનું મુખ્ય કારણ લોટમાં આયર્ન, પ્રોટીન, તેમજ કૉમ્પલેક્સ કાર્બોહાઈડે્રટ હોય છે. જેને કારણે વાળની તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે.
કુટ્ટુ -કાકડીના પરોઠા :
2 કપ કુટ્ટુનો લોટ, 1 નંગ છીણેલી કાકડી , 1 ચમચી મરી પાઉડર, અડધી ચમચી સેંધા નમક, 2 નંગ બાફેલા બટાકા, 1 ચમચી આદુ-મરચાંની પેસ્ટ, પરાઠા શેકવા માટે તેલ કે ઘી.
બનાવવાની રીત: સૌ પ્રથમ કાકડીને છીણી લેવી. 2 કપ લોટમાં સ્વાદાનુસાર સિંધવ, બાફેલાં બટાકાનો માવો, મરી પાઉડર, આદું મરચાંની પેસ્ટ, છીણેલી કાકડી ભેળવવી, આવશ્યક્તા મુજબ પાણી ભેળવીને લોટ બરાબર બાંધી લેવો. લોટમાંથી પરાઠા વણી લેવાં. ઘી લગાવીને શેકી લેવું. દહીં તેમજ બટાકાની સૂકી ભાજી સાથે ગરમાગરમ પરાઠાનો આસ્વાદ માણવો.