રાજસ્થાનની ઔષધિ ગણાતી `કેર સાંગરી’
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક
સામાન્ય રીતે લીલા શાકભાજી ખાવાની સલાહ વડીલો તેમ જ નિષ્ણાત આહાર તજજ્ઞો દ્વારા આપવામાં આવતી હોય છે, પણ શું આપે ક્યારેય સાંભળ્યું છે કે સૂકા શાકભાજી સ્વાસ્થ્ય માટે લાભકારક બને?
નહીં…ને ? તો સાંભળો…
રાજ્સ્થાનનું લોકપ્રિય શાક જે સૂકવણી બાદ બનાવવામાં આવે છે તે `કેર સાંગરી' છે. તેનો ઉપયોગ અથાણું તેમજ વિવિધ વ્યંજનો બનાવવામાં થાય છે.
રાજસ્થાનનું નામ સાંભળતાની સાથે ત્યાંના રંગીલા લોકો તેમ જ સ્વાદિષ્ટ વ્યંજનોની યાદ આવે તો બીજી તરફ, ત્યાંનો રણપ્રદેશ, બંજર- બિનખેતાળ જમીન તેમ જ સૂકાં વૃક્ષો નજરે ચઢે. પાણીની અછત હોવા છતાં રાજસ્થાનમાં કેટલાંક વૃક્ષ એવા છે જે પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. તેમાંના એક વૃક્ષનું
નામ છે
ખેજડી' આ ઝાડને લોકો ખેજરી, જાંટી, ખાર તથા શમીના નામથી ઓળખે છે. આ ઝાડને રાજસ્થાનનું રાજ્ય વૃક્ષ' ઘોષિત કરવામાં આવ્યું છે. વળી આ ઝાડની વિશેષતા એ છે કે એ ગરમીમાં વધુ ખીલે છે. તેના ફળને સાંગરી' કહેવામાં આવે છે. તેના મૂળ માટીમાં ઊંડે સુધી ફેલાયેલાં હોય છે. સાત મહિના સુધી વૃક્ષ પોતાના મૂળમાં પાણી સાચવી રાખે છે. શું છે કેર સાંગરી?: સૂકા એટલે કે રણપ્રદેશમાં આપોઆપ ઊગી નીકળતા વૃક્ષની સિંગોની સરખામણી બીજ પરિવાર સાથે થતી હોય છે.
ખેજડી’ તરીકે જાણીતા વૃક્ષની ઉપર લહેરાતી સિંગ છે. વૃક્ષ કાંટેદાર હોય છે.
ખેજડી' વૃક્ષની ખાસ વાત એટલે ભર ઊનાળામાં ગમે તેટલી ગરમી હોય, પાણીની અછત હોય તેમ છતાં તે ફળ આપતાં રહે છે. કાચી હોય ત્યારે સિંગ લીલા રંગની હોય છે. પાકી ગયા બાદ ભૂરા રંગની બની જાય છે. સિંગની અંદરના બીજનો રંગ સૂકાયા બાદ પીળા રંગના હોય છે. જોધપુર જિલ્લામાં આવેલાં
ખેજરાલી’ ગામને કારણે વૃક્ષનું નામ `ખેજડી’ પડ્યું છે.
રાજસ્થાનના પ્રત્યેક ઘરમાં કેર સાંગરીનું શાક બનતું હોય છે. શાક બનાવવું થોડું અઘં છે. સાંગરી જેટલી ઝીણી સમારેલી હશે તેટલી સ્વાદિષ્ટ બને. સાંગરીને બાફ્યા બાદ ખાસ મસાલા ભેળવીને તૈયાર કરવામાં આવે છે.
વધુ પડતી ચડી જાય તો સ્વાદ બગડી જતો હોય છે. તેથી ખાસ દેખરેખની સાથે બનાવવી પડે છે. કાચા હોય ત્યારે તેનું શાક બનાવવામાં આવે છે. પાકી ગયા બાદ તેનું અથાણું બને છે. અન્ય શાક સાથે તેને ભેળવીને સ્વાદિષ્ટ ભાજી બનાવવામાં આવે છે. કેર સાંગરીની કઢી બનાવવામાં આવે છે. જેસલમેરની પ્રખ્યાત વાનગી એટલે સાંગરી પચડી.' આ એક સ્વાદિષ્ટ ચટનીનો પ્રકાર છે. જેનો સ્વાદ ભાત, ઢોંસા તેમ જ ખાસ પ્રકારની રોટલી સાથે માણવામાં આવે છે. એવી લોકમાન્યતા છે કે રાજસ્થાની લોકોનાં ખડતલ બાંધાનું રહસ્ય પણ
કેર-સાંગરી’માં છુપાયેલું છે.
દેશ-વિદેશમાં કેર-સાંગરીની ભારે માગ જોવા મળે છે. ઊનાળો શરૂ થાય તેની સાથે રાજસ્થાનમાં તાપમાન 40 ડિગ્રીની ઉપર પહોંચી જતું હોય છે. ગરમીના દિવસોમાં લીલા શાકભાજીની અછત વર્તાય છે, જ્યારે ગરમીના દિવસોમાં કેર-સાંગરીનો માલ મોટા પ્રમાણમાં બજારમાં છલકાવા લાગે છે. કેર-સાંગરી ઉગાડવા માટે મોટા રોકાણની આવશ્યક્તા નથી. રણપ્રદેશમાં આપમેળે ખેજડીનું વૃક્ષ ઊગી જતું હોય છે.જે ઝાડી જેવું દેખાય છે. તેની ઊપર લાંબી સિંગો આવે છે. જે સાંગરી તરીકે ઓળખાય છે. બોર જેવું દેખાવે લાગતું ફળ એટલે જ કેર. બંને સાથે બનાવવામાં આવે છે એટલે તેમનું ભેગું નામ બોલાય છે `કેર-સાંગરી’.
કેર -સાંગરીને રાજસ્થાનમાં સ્થાનિક લોકો ખાસ વાનગી તરીકે ઓળખે છે. કેર-સાંગરીને અત્યંત ગુણકારી ગણે છે, જ્યારથી આ શાકના ગુણો વિશે દેશ-વિદેશમાં લોકપ્રિયતા મળી છે ત્યારબાદ શહેરમાં તેનો ભાવ આસમાને પહોંચી ગયો છે. આપમેળે ઊગી નીકળતાં આ વૃક્ષની સિંગનો કિલોનો ભાવ 400-2500ની આસપાસ બોલાય છે. ઑનલાઈન ખરીદતા 200 ગ્રામનું પેકેટ 500 રૂપિયાનું મળે છે.
રોગ-પ્રતિકારક-શક્તિ વધારી કોલેસ્ટ્રોલને એ નિયંત્રણમાં રાખે છે: સતત બેઠાડું જીવન તેમ જ ફાસ્ટ ફૂડની બેફામ આદતને કારણે નાની વયમાં કોલેસ્ટ્રોલ વધી જતું હોય છે. આની સીધી અસર હૃદયની તંદુરસ્તી ઉપર પડે છે. કેર-સાંગરી પ્રોટિન, ફાઈબર તેમ જ સૈપોનિનનું સારું સ્ત્રોત ગણાય છે. એ લોહીમાં કોલેસ્ટ્રોલને તેમ જ બ્લડપ્રેશરને જાળવી રાખે છે. મેગ્નેશિયમ સારા પ્રમાણમાં હોવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. વળી, કોલેસ્ટ્રોલની માત્રા જળવાઈ રહેતી હોવાથી મોટાપાની સમસ્યાથી બચી શકાય છે.
ગરમીના દિવસોમાં શરીરને ઠંડક પહોંચાડે છે: કેર-સાંગરીનું શાક અનેક બીમારીથી બચાવે છે. એસિડિટી, ગૅસ, અપચો, કબજિયાત જેવી તકલીફથી રાહત મળે છે. શરીરનું તાપમાન જાળવીને ઠંડક પહોંચાડવામાં મદદ કરે છે. ગરમીને કારણે થતો માથાનો દુખાવાથી બચી શકાય છે. લૂથી બચાવે છે. કેર સાંગરી સર્વગુણ સંપન્ન શાક ગણાય છે. એને કારણે હાડકાંથી લઈને હૃદયનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
વૃદ્ધત્વને પાછળ ઠેલતું શાક: કેર સાંગરી માટે અવું કહેવાય છે કે તેનું શાક નિયમિત રૂપે પ્રમાણભાન રાખીને ખાવાથી વૃદ્ધત્વને પાછળ ઠેલી શકાય છે. એવો દાવો કરવામાં આવે છે કે કેર-સાંગરીનું શાક ખાવાથી શરીરની એજિંગ પ્રોસેસ ધીમી પડે છે. મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલશિયમ, આર્યન તેમ જ ઝિંક પ્રમુખ ગણાય છે. વળી પ્રોટીન તેમ જ ફાઈબરનું પ્રમાણ ઊચું છે.
કેર સાંગરી બનાવવાની રીત
સામગ્રી:
અડધી વાટકી કેર, 1 વાટકી સાંગરી, 10-15 કિશમિશ. 10-15 નંગ સૂકી દ્રાક્ષ, 3-4 નંગ આખા લીલા મરચાં, ચપટી હિંગ, સ્વાદાનુસાર હળદર, ધાણાજી, લાલ મરચાંનો પાઉડર, 1 મોટી ચમચી દહીં, સ્વાદાનુસાર મીઠું.
બનાવવાની રીત:
સૂકી સાંગરીના બીજ કાઢી લેવા. 8-10 કલાક પાણીમાં પલાળી રાખવા. પલાળેલી સાંગરી હૂંફાળા પાણીમાં 8-10 કલાક પલાળીને રાખવી. પ્રેશર કુકરમાં 1 સિટી વગાડ્યા બાદ ઢાંકણ કાઢીને ચડી જાય ત્યાં સુધી તેને ઉકાળી લેવી. એક કડાઈમાં દેશી ઘી ઉમેરીને તેમાં જી, હિંગ ભેળવીને બરાબર કેર-સાંગરીને ભેળવવી. ત્યારબાદ સ્વાદાનુસાર ધાણાજી, હળદર, લાલ મરચું વગેરે ભેળવવું. દહીંને બરાબર વલોવીને ભેળવવું. કિશમિશ તેમ જ સ્વાદપ્રમાણે મીઠું ઉમેરવું. ગરમાગરમ કેર સાંગરીનું શાક બાજરીના કે મકાઈના રોટલા સાથે પીરસવું.