તરોતાઝા

વરસાદની મોસમમાં કારેલાંની મજા તો માણવી જ જોઈએ !

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

કારેલાંના સ્વાસ્થ્યવર્ધક ગુણો વિશે જાણી લઈએ

આવ રે વરસાદ… ઘેબરિયો પરસાદ,
ઊની ઊની રોટલીને કારેલાનું શાક.
કારેલાંનું નામ સાંભળીને કે વાંચીને નાકનું ટેરવું ના ચડાવશો.
આપણાં માનીતા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રી હીરાબાની એક વાત આજે જાણી લઈએ. તેમનું માનવું હતું કે ‘પ્રત્યેક વ્યક્તિએ કામ બુદ્ધિથી કરવું જોઈએ તથા જીવન શુદ્ધિથી જીવવું જોઈએ’. જીવન શુદ્ધિથી જીવવું હોય તો વિચારો શુદ્ધ રાખવા પડે. વિચારો શુદ્ધ ત્યારે જ બને કે જ્યારે આપણે સાત્ત્વિક ભોજન કે આરોગ્યપ્રદ આહારને અપનાવીએ. જેથી તન-મન ચુસ્ત રહે.
માન્યું કે વરસાદની મોસમમાં ગરમા-ગરમ તળેલાં ભજિયાં, બટાટાવડા કે દાલવડા ખાવાનો જે આનંદ હોય છે, તે અવર્ણનિય ગણાય છે. વારંવાર તળેલી વાનગી આરોગ્યને બગાડતી હોય છે. તેથી જ આપણે વડીલોને અનેક વખત કહેતાં સાંભળીએ છીએ કે જે વ્યંજન જીભને ભાવતું હોય તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. વળી જે જીભને પસંદ ન પડે તેવાં વ્યંજન સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. જેમ કે કારેલાં, મેથી, ગલકાં, તુરિયાં કે પછી દૂધી.
પ્રત્યેક મોસમના શાકભાજી કે ફળોનો ઉપયોગ જે તે મોસમમાં ઉત્તમ ગણાય છે. ચોમાસામાં તબિયતને તંદુરસ્ત રાખવી હોય તો વિવિધ પાચક રસનો ઉપયોગ આહારમાં કરવો જોઈએ. તેમાં પણ વેલ ઉપર ઊગતાં શાકભાજીનો ઉપયોગ કરવાનો ખાસ આગ્રહ રાખવામાં આવે છે. કારેલાં સ્વાદમાં ભલે કડવાં રહ્યા પરંતુ આરોગ્યની જાળવણી માટે તેનો ઉપયોગ ચોમાસામાં કરવો જ જોઈએ. તેનું મુખ્ય કારણ છે કારેલાં સ્વાસ્થ્ય માટે અતિગુણકારી ગણાય છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી, સોડિયમ, પોટેશિયમ, આયર્ન, ફાઈબર, ઝિંક વગેરે મિનરલ્સ સમાયેલાં હોય છે. કારેલાંમાં કૈરોટીન, પૈંટોથૈનિક એસિડ એટલે કે વિટામિન બી-૫, વિટામિન બી-૯ એટલે કે ફોલેટ જેવા ઍન્ટિ-ઓક્સિડન્ટની માત્રા સમાયેલી જોવા મળે છે. જે વ્યક્તિને વિવિધ બીમારીથી બચાવવામાં ઉપયોગી બને છે.
કારેલાંને (બિટર ગૉર્ડ) મોમોર્ડિકા ચારૈન્ટિયા એલના નામથી ઓળખવામાં આવે છે. હજારો વર્ષથી કારેલાંનો ઉપયોગ થતો આવ્યો છે. ભારત, ચીન, જાપાન, થાઈલૅંડ, વિયેતનામ, સિંગાપુર, કોલંબિયા, બ્રાઝીલ, ક્યૂબા, ન્યૂઝીલૅન્ડ, મધ્ય તથા દક્ષિણ અમેરિકામાં તેનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે. કારેલાંને સંસ્કૃતમાં કરવેલી, ગુજરાતીમાં કારેલાં કે કરેલો, મરાઠીમાં કર્લી, બંગાળીમાં બરમસિયા, મલયાલમમાં કાયપા, ક્ધનડમાં કરાલી, તેલુગુમાં કાકરા, તમિલમાં પાકર તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તર પ્રદેશની ખાસ વાનગી એટલે ભરેલાં કારેલાં બનાવવાની રીત
સામગ્રી : ૨૫૦ ગ્રામ કારેલાં, ૧ નાની ચમચી મીઠું
મસાલો બનાવવા માટે સામગ્રી : ૧ ચમચી શેકેલી વરિયાળી, ૧ ચમચી શેકેલી મેથી, ૧ ચમચી આખા શેકેલા ધાણા, ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર, ૧ નાની ચમચી ધાણાજીરું, ૧ નાની ચમચી હળદર, ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ, ચપટી હિંગ, ૧ ચમચી ચણાનો લોટ, સ્વાદાનુસાર મીઠું, ૧ નાની ચમચી ખાંડ, અડધી ચમચી આમચૂર પાઉડર. સજાવટ માટે કોથમીર તથા એક ચમચી સૂકું કોપરાનું છીણ.

બનાવવાની રીત : સૌ પ્રથમ કારેલાંને છોલી લેવાં. અંદરના બી પણ અડધો ચીરો લગાવીને કાઢી લેવાં. હવે તેમાં મીઠું લગાવીને ૩૦ મિનિટ માટે ઢાંકીને રાખી દેવાં. જેથી કારેલાંની કડવાશ દૂર થશે. મસાલાની સામગ્રી ભેગી કરીને મિશ્રણ બનાવી લેવું. કારેલાંનું પાણી અડધો કલાક બાદ કાઢીને તેને સૂકા કરી લેવાં. તેમાં તૈયાર મિશ્રણ ભરી લેવું. લોખંડની કડાઈ કે પિત્તળની કડાઈમાં તેલ મૂકીને ધીમી આંચ ઉપર ભરેલાં કારેલાંને ગોઠવી દેવાં. ૧૦ મિનિટ બાદ ચપ્પુથી જોઈ લેવું. કારેલાં ચડી જાય એટલે તેની ઉપર કોથમીર, સૂકા કોપરાથી સજાવીને ગરમા-ગરમ રોટલી સાથે શાક પીરસવું.

ડાયાબિટીસમાં ગુણકારી

કારેલાંનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ગુણકારી ગણાય છે. કારેલાંના સેવનથી લોહીમાં શર્કરાની માત્રા નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. તેનું મુખ્ય કારણ કારેલાંમાં હાઈપોગ્લાઈસેમિક ઈન્ડેક્સ્નું પ્રમાણ ઘણું જ ઓછું જોવા મળે છે. કારેલાંમાં એવું કેમિકલ સમાયેલું હોય છે. જે ઈન્સ્યુલિન જેવું જ કામ કરે છે. ટાઈપ-૧, ટાઈપ-૨ બન્ને ડાયાબિટીસના દર્દીઓમાં ગ્લુકોઝના પાચનમાં બદલાવ લાવી શકે છે. વળી ઈન્સ્યુલિનના રિલીઝને નિયંત્રિત કરી શકે છે. ૧ ગ્લાસ કારેલાંનો રસ થોડા દિવસ પીવાથી પણ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

વજન નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ
કારેલાંમાં રહેલું કેમિકલ ઈન્સ્યુલિનની જેમ જ કામ કરે છે. કારેલાંમાં કૅલરીની માત્રા ઘણી ઓછી જોવા મળે છે. વળી ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. ફાઈબરનું પ્રમાણ ભરપૂર હોવાને કારણે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. કારેલાનું સેવન કરતી વખતે તેના કડવાં સ્વાદને એક કોરાણે મૂકી દેવાથી ડાયાબિટીસના દર્દમાંથી અચૂક બચાવ કરી શકાય છે.

ગર્ભાવસ્થા દરમિયાન પ્રસૂતાને થતાં ડાયાબિટીસમાં પણ રાહત મળે છે. આપણે એવાં અનેક કિસ્સા સાંભળતા હોઈએ છીએ કે ડાયાબિટીસના દર્દીઓ જેમણે આહારમાં કારેલાંનો રસ પીવાનું નિયમિત શરૂ ર્ક્યું હોય છે તેમનો ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.

વજન નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ
કારેલાંમાં રહેલું કેમિકલ ઈન્સ્યુલિનની જેમ જ કામ કરે છે. કારેલાંમાં કૅલરીની માત્રા ઘણી ઓછી જોવા મળે છે. વળી ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. ફાઈબરનું પ્રમાણ ભરપૂર હોવાને કારણે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. કારેલાનું સેવન કરતી વખતે તેના કડવાં સ્વાદને એક કોરાણે મૂકી દેવાથી ડાયાબિટીસના દર્દમાંથી અચૂક બચાવ કરી શકાય છે.

ગર્ભાવસ્થા દરમિયાન પ્રસૂતાને થતાં ડાયાબિટીસમાં પણ રાહત મળે છે. આપણે એવાં અનેક કિસ્સા સાંભળતા હોઈએ છીએ કે ડાયાબિટીસના દર્દીઓ જેમણે આહારમાં કારેલાંનો રસ પીવાનું નિયમિત શરૂ ર્ક્યું હોય છે તેમનો ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.

સદાકાળ યુવાન રહેવામાં મદદરૂપ

એવું કહેવાય છે કે કારેલાંનુ સેવન કરવાથી વ્યક્તિ સદાકાળ યુવાન બની રહે છે. તેનું મુખ્ય કારણ કારેલાંમાં સમાયેલાં છે ફાઈબરના ગુણો તથા વળી કેલરીની માત્રા અત્યંત ઓછી જોવા મળે છે. પાચનક્રિયામાં સુધાર થવા લાગે છે. કારેલાંમાં સમાયેલું ઍન્ટિ-ઓક્સિડન્ટ શરીરને ડિટોક્સિફાઈ કરવામાં મદદ કરે છે. જેને કારણે વ્યક્તિને ઝડપથી વજન નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

ત્વચા તથા વાળ માટે અત્યંત ગુણકારી

કારેલાંમાં ઍન્ટિ-ઓક્સિડન્ટ, વિટામિન એ, વિટામિન સીની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. વધતી વયને કાબૂમાં રાખવામાં મદદ કરે છે. કારેલાંનો રસ પીવાથી ખીલ, ચહેરા ઉપર કાળા ડાઘા, ત્વચા ઉપર વારંવાર ખંજવાળ વગેરે તકલીફથી બચાવે છે. કારેલાંના રસનું સેવન કરવાથી વાળમાં ચમકની સાથે ખોડાની સમસ્યાથી છુટકારો મળે છે. વાળ ખરવાં કે વાળ બરછટ બનતાં રોકવામાં મદદ કરે છે.

હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી

કહેવાય છે કે પ્રત્યેક વ્યક્તિમાં એક બાળક સમાયેલો હોય છે. આપણી જાતનું ધ્યાન સ્વયં રાખવું અત્યંત આવશ્યક છે. કારેલાંનું સેવન પ્રમાણભાન રાખીને કરવાથી લોહીના ખરાબ એલડીએલને ઘટાડવામાં મદદ મળે છે. જેને કારણે અચાનક છાતીમાં દુખાવો થવો કે એટેક આવવાની સમસ્યાથી બચી શકાય છે. કારેલાંમાં સમાયેલું ફાઈબર રક્તવાહિનીને સુચારુ રીતે કામ કરવામાં મદદ કરે છે.

ઘાવને ઝડપથી રૂઝવામાં ઉપયોગી
કારેલાંમાં ભરપૂર પ્રમાણમાં ઔષધિય ગુણો સમાયેલાં જોવા મળે છે. કારેલાંનું નિયમિત પ્રમાણભાન રાખીને સેવન કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સુચારુ રીતે થવા લાગે છે. લોહી ગંઠાઈ જવું કે તેની ગાંઠ બનતી અટકાવે છે. ઘા પડ્યા હોય તો તેમાં ઝડપથી રૂઝ આવે છે.
વિશ્ર્વમાં કારેલાનો પાક ભારતમાં તથા ચીનમાં સૌથી વધુ જોવા મળે છે. ભારતમાં કારેલાનું ઉત્પાદન સૌથી વધુ મધ્ય પ્રદેશમાં થાય છે. જે કુલ ઉત્પાદનના ૧૭ ટકા જેટલું છે. ત્યારબાદ અનુક્રમે છત્તિસગઢ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, આસામ, પંજાબમાં થાય છે.
કારેલાંને વિવિધ રીતે બનાવી શકાય છે. તેની કડવાશ દૂર કરવાની રીત જાણી લેવી જરૂરી છે. કારેલાંનું શાક, ભરેલાં કારેલાં, કાજુ-કારેલાં, કારેલાંની ચીપ્સ, કારેલાં-બટાકા વગેરે. પંજાબમાં તો એવું પણ મનાય છે કે કારેલાંનું અથાણું જેટલું જૂનું એટલું વધુ આરોગ્યદાયક.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button