તરોતાઝા

હીટ સ્ટ્રોકથી બચાવે છે બદ્ધકોણાસન

સ્વાસ્થ્ય – દિવ્યજ્યોતિ `નંદન’

પ્રાચીનકાળમાં ઋષિ-મુનિઓ પાસે સ્વાસ્થ્ય સંબંધી દરેક સમસ્યાની એક જ ચમત્કારિક દવા હતી યોગાસન! જી હાં, ભાગ્યે જ કોઈ એવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હશે, જેનું સમાધાન યોગાસનોમાં ન હોય. હાલમાં ત્રાહિમામ્‌‍ પોકારાવી દેતી કાળઝાળ ગરમીની જ વાત કરો તો આવી ગરમીનો સામનો કરવાના ઉપાય પણ યોગાસનો પાસે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે ઉનાળામાં ખૂબ પાણી પીવું જોઈએ. કાકડી-તરબૂચ ખાવાં જોઈએ. તેમ છતાં અસહ્ય ગરમી હોવાથી કાકડી-તરબૂચ ખાવાની સાથે આ દિવસોમાં શારીરિક રીતે મજબૂત રહેવા માટે સંબંધિત યોગાસનો કરવાનું ભૂલવું ન જોઈએ. આમાંય સૌથી ઉપયોગી યોગાસન છે બદ્ધકોણાસન.

આ આસનની વિશેષતાઓ
બદ્ધકોણાસન શરીરને ઠંડું રાખવામાં મદદ કરે છે. આગ ઓકતી ગરમીના આ દિવસોમાં આપણા શરીરની ઈમ્યુનિટી વધારે છે. અસહ્ય ગરમી અને લૂ દરમિયાન જે બેચેની થાય છે તેને કારણે લોકોને ઘણો થાક અને તાણનો અનુભવ થાય છે. બદ્ધકોણાસન આવા બધા પ્રકારની તકલીફોથી આપણને બચાવે છે. ગરમીને કારણે થતી બેચેની, તાણ, ઊલટી જેવી ફિલિંગ અથવા ખરેખર ઊલટી થવાની સમસ્યાથી પણ આ આસન બચાવે છે. ઉપરાંત, આ આસન નિયમિત રીતે કરવાથી સાઈટિકા અને હર્નિયા જેવી તકલીફોથી બચી શકાય છે. તેથી સામાન્ય રીતે આ આસન ન કરતા હો તોય ઉનાળામાં જરૂર કરવું.

ખાસ કરીને આગ ઓકતી ગરમીમાં કોલ્ડ ડ્રિન્ક અથવા બીજા તાત્કાલિક ઉપાયો અજમાવીને શરીરને ઠંડું રાખવાનો પ્રયાસ કરવાને બદલે બદ્ધકોણાસન જેવી શારીરિક એક્સેસાઈઝ પર વધુ વિશ્વાસ કરી શકાય.
કઈ રીતે કરવું?

બદ્ધકોણાસન કરવું સરળ છે. આ આસન માટે સૌપ્રથમ સીધા પગ કરીને યોગા મેટ પર બેસી જાઓ. પછી ઘૂંટણથી પગને વાળીને પાનીને એકબીજા સાથે જોડો અને ઘૂંટણને નીચેની તરફ જમીનને સ્પર્શ થાય ત્યાં સુધી દબાઓ. યાદ રહે, આવું કરતી વખતે તમારે બન્ને પગને હાથથી પકડી રાખવા. શરીર લચીલું થાય ત્યાં સુધી આ આસન કરવું.

બદ્ધકોણાસનના ફાયદા
બદ્ધકોણાસન બેસીને કરવાનું હોવાથી તેનાથી એવા ઘણા લાભ થાય છે, જે બીજાં આસનોથી નથી થતા. તે સૂવાની મુદ્રાને યોગ્ય બનાવે છે અને અનિદ્રાથી રાહત આપે છે. તાણ ઓછી કરે છે, મનને શાંત કરે છે અને શરીરમાં ભરપૂર લચીલાપણું વધારે છે. પીઠ અને પેટની માંસપેશીઓને મજબૂત કરે છે. લાંબો સમય એક જ જગ્યાએ બેસી રહેવાથી આપણને જે નુકસાન થાય છે તેનાથી આ આસન બચાવે છે. તેને નિયમિત રીતે કરવાથી છાતી ખૂલે છે અને કરોડરજ્જુનું હાડકું મજબૂત તથા લાંબું થાય છે. શ્વાસની પ્રક્રિયા સરળ બનાવે છે. માસિક ધર્મ સાથે સંકળાયેલી સમસ્યાઓમાં પણ આના કારણે રાહત મળે છે.

સાઈટિકાથી છુટકારો મળે છે તથા હાઈ બ્લડ પ્રેશર અને વાંઝિયાપણાથી મુક્તિ મળે છે. આ આસન કરવાથી અસ્થમાને દૂર રાખી શકાય છે.
શરીરમાં બ્લડ
સર્ક્યુલેશન સારું થાય છે. આ રીતે જોઈએ તો બદ્ધકોણાસનના અનેક ફાયદા છે, પરંતુ સૌથી વધુ લાભ શરીરને ઠંડું અને શાંત રાખવામાં થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button