ચૈત્ર માસમાં આરોગ્ય બાબત બનો સતર્ક
સ્વાસ્થ્ય – રાજેશ યાજ્ઞિક
હિન્દુ નવવર્ષનો જેનાથી પ્રારંભ થાય છે તે ચૈત્ર માસ આવતાની સાથે જ વાતાવરણમાં ગરમીનો પારો ઊંચે ચડવા માંડે છે. આ સમયે બદલાતી મોસમ સાથે આરોગ્ય પર ખાસ ધ્યાન આપવા સતર્ક થવાનો સમય છે. આયુર્વેદમાં ચૈત્ર મહિનામાં ખૂબ જ સાવધાની રાખવાનું કહેવાયું છે. ખાસ કરીને શું ખાવું અને શું ન ખાવું તેની આપણે ત્યાં ઋતુ અને મોસમવાર વિશદ ચર્ચા થઇ છે. ચૈત્ર મહિનામાં પણ ખાનપાનની કાળજી વિશે ઘણી જાણકારી આપી છે જે આપણા માટે ઉપયોગી થઇ શકે તેમ છે.
ગોળથી રહો દૂર: ગોળ ખૂબ જ ગરમ માનવામાં આવે છે. અને ચૈત્ર મહિનો પણ ગરમ કહેવાય છે. આયુર્વેદ અનુસાર બદલાતી ઋતુમાં એટલે કે ચૈત્ર મહિનામાં ગોળથી દૂર રહેવું જોઈએ. કારણ કે ગોળનો સ્વભાવ ગરમ હોય છે. તેનાથી તમને અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને, નાકમાંથી રક્તસ્રાવની શક્યતા નોંધપાત્ર રીતે વધે છે.
વાસી ખોરાક ન ખાવો: આયુર્વેદ અનુસાર ચૈત્ર મહિનામાં વાસી ખોરાક બિલકુલ ન ખાવો જોઈએ. ઘણી વખત આપણે જોયું છે કે શિયાળાની ઋતુમાં આપણે બચેલો ખોરાક ખાઈએ છીએ, પરંતુ ચૈત્ર મહિનામાં આપણે વાસી ખોરાક ટાળવો જોઈએ. જેના કારણે તમને અપચો, ઊલટી અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
સાદું દૂધ ન પીવું જોઈએ: ઘણા લોકોને સાદું દૂધ માત્ર ગરમ કરીને પીવાની આદત હોય છે. આમ તો તેમાં કશું ખોટું નથી. પણ આયુર્વેદ અનુસાર ચૈત્ર મહિનામાં સાદું દૂધ પીવાને બદલે તેમાં સાકર (ખડી સાકર) નાખીને પીવું જોઈએ. તમે નોંધ્યું હશે કે ઉનાળાની શરૂઆત ગણાતી હોળીમાં પણ `ઠંડાઈ’ પીવાની પરંપરા છે. તેને પણ આરોગ્ય સાથે સંબંધ છે. તેમાં વપરાતા વરિયાળી, ખડી સાકર જેવા પદાર્થો ઠંડક પહોંચાડનારા હોય છે અને તેને દૂધમાં મિશ્રિત કરવામાં આવે છે.
વધારે પડતો ગરમ ખોરાક ન લો: ગરમાગરમ ખાવું સહુને ગમે, પરંતુ ગરમીની મોસમમાં વધારે પડતો ગરમ ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. જે પદાર્થોની તાસીર ગરમ હોય તેને આરોગવાની માત્રા પણ ઓછી કરી નાખવી હિતાવહ છે. કેમ કે ગરમીના આ કાળમાં ગરમ ખોરાક લેવાથી પેટ સંબંધી તકલીફો વધી શકે છે.
વધુ પાણી પીઓ
ચૈત્ર મહિનામાં ગરમી ખૂબ વધી જાય છે. તેથી ડિહાઇડે્રશનથી પીડિત થવાની સંભાવના છે. આ સિઝનમાં રાત અને દિવસના તાપમાનમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. આવી સ્થિતિમાં શરીરનું તાપમાન સામાન્ય કરવા માટે શક્ય તેટલું વધુ પાણી પીઓ.
પલાળેલા ચણાનું સેવન કરો: આયુર્વેદ અનુસાર ચૈત્ર મહિનામાં પલાળેલા ચણાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી આપણા શરીરનું રક્ત પરિભ્રમણ સુધરે છે. આ ઉપરાંત તે બ્લડ શુગરને પણ કંટ્રોલ કરે છે. પલાળેલા ચણાનું સેવન કરવાથી કેન્સરથી બચી શકાય છે. આટલું જ નહીં, જો તમે નિયમિતપણે પલાળેલા ચણા ખાઓ તો તેનાથી આંખોની રોશની વધે છે.
લીમડાનું સેવન કરો: ચૈત્ર મહિનામાં શીતળા માતાની પૂજા કરવામાં આવે છે, જે દરમિયાન તેમને લીમડો અર્પણ કરવામાં આવે છે અને પ્રસાદ તરીકે પણ ખાવામાં આવે છે. મહારાષ્ટ્રમાં પણ ગૂડીપડવા નિમિત્તે લીમડાનું સેવન કરવામાં આવે છે. તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે ચૈત્રને ઋતુઓનો સંક્રાંતિકાળ માનવામાં આવે છે. તેથી રોગ પેદા કરતા કીટાણુઓ અને વાયરસ આ મહિનામાં વધુ સક્રિય રહે છે. શીતળા માતાને કીટાણુઓનો નાશ કરનાર માનવામાં આવે છે, તેથી ચૈત્ર મહિનામાં તેમની પૂજા કરવામાં આવે છે જેથી શરીર પ્રતિકૂળ હવામાન સામે રોગપ્રતિકારક રહે.
આ વાતોનું પણ ધ્યાન રાખો –
- આયુર્વેદ મુજબ ચૈત્ર મહિનામાં અન્નનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને ફળોનો બને તેટલો વધુ ઉપયોગ કરવો જોઈએ.
- ચૈત્ર મહિનામાં સૂતા પહેલા હાથ અને મોં સાફ કરવા જોઈએ.
- ચૈત્ર મહિનો શરૂ થતાંજ પાતળા સુતરાઉ કાપડનાં વસ્ત્રો પહેરવા જોઈએ જે ગરમ વાતાવરણમાં રાહત દાયક અને અનુકૂળ હોય.