તરોતાઝા

`મસાલાની રાણી’ તરીકે ઓળખાતી ઈલાયચી આરોગ્યવર્ધક ગણાય છે

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

`એક કપ ગરમાગરમ એલચીવાળી ચા પીવડાવી દોને’, તેમ ઘરે આવેલાં ખાસ અતિથિના આગમન બાદ યજમાન દ્વારા ઘરની ગૃહિણીને ધીમા લહેકાથી કહેવામાં આવતું. થોડી જ વારમાં ઘરમાં એલચી નાંખેલી ગરમાગરમ ચાની સોડમ સંપૂર્ણ ઘરમાં ફેલાઈ જતી. અતિથિની સાથે ઘરના લોકો પણ ખાસ પ્રકારે ચૂસકી લેતાં ચાનો આનંદ માણતાં. વળી એક જમાનો એવો પણ હતો, જ્યારે ભોજન બાદ ઈલાયચી કે લવિંગનો મુુખવાસ નિયમિત ઉપયોગમાં લેવામાં આવતો. તે સમયે નાગર કુટુંબોમાં તો એલચી-લવિંગથી બનાવેલું નાગરવેલનું પાન ખાવાની શોખીનોમાં ખાસ જોવા આદત મળતી. હવે જમાનો બદલાઈ ગયો છે. લોકો મુખવાસનુું નામ પડે એટલે તૈયાર મુખવાસની નાની નાની બોટલ મહેમાન આગળ ગોઠવી દે.
ચાલો આજે જાણી લઈએ નાની અમથી એલચીમાં સમાયેલાં સ્વાસ્થ્યવર્ધક ગુણો વિશે
સામાન્ય રીતે મસાલાની શ્રેણીમાં રસોડાની રાણી તરીકે એલચીનો ઉપયોગ અવારનવાર કરવામાં આવતો જ હોય છે. ચાથી લઈને પ્રત્યેક મીઠાઈ હોય કે ખાસ ગ્રેવીવાળા ફરસાણમાં એલચીનો સ્વાદ વાનગીને સ્વાદિષ્ટ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ભારતીય ઉપમહાદ્ધીપમાં ઊગતી એલચી સ્વાદસભર જોવા મળે છે. ભારતમાં કર્ણાટક, તમિલનાડુ તથા કેરલમાં તેની ખેતી સૌથી વધુ જોવા મળે છે.
સામાન્ય રીતે એલચીનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે કેટલો અધિક ગુણકારી છે તે વિશે બહોળા વર્ગમાં જાણકારી જોવા મળતી નથી. એચલી આરોગ્યવર્ધક ગુણોની દૃષ્ટિએ ઉત્તમ ફળ ગણાય છે. શરદી-ખાંસી,પાચન સંબંધિત તકલીફ, ઊલટી-ઊબકા, પેશાબ સંબંધિત સમસ્યા, કૅન્સર-કૉલેસ્ટ્રોલ સંબંધિત વ્યાધિ, બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ જેવા રોગમાં ઉપચાર તરીકે અત્યંત કારગર સાબિત થઈ છે.
ઈલાયચી મુખ્યત્વે બે પ્રકારની જોવા મળે છે. એક નાની લીલી તથા બીજી મોટી કાળા રંગની. નાની ઈલાયચી મોંમાં આવતી વાસને દૂર કરવામાં કે વધુ પડતું ભોજન લીધા બાદ એક ઈલાયચી ચાવી લેવાથી પેટમાં ચડી ગયેલા આફરામાં રાહતરૂપ બને છે.
ઈલાયચીના પોષક ગુણોની વાત કરીએ તો કાર્બોહાઈડે્રટ, ડાયટરી ફાઈબર, કૅલ્શિયમ, પોટેશિયમ, મૈગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. નિષ્ણાત આયુર્વેદાચાર્યના જણાવ્યા પ્રમાણે એલચીનો ઉપયોગ પ્રત્યેક વ્યક્તિએ પોતાના શરીરને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. સામાન્ય રીતે દિવસમાં બે એલચીનો ઉપયોગ કરી શકાય છે.
પાચન સંબંધિત સમસ્યામાં લાભકારક: અપચો, ગેસ એસિડિટી, કબજિયાત કે ભોજન બાદ વ્યક્તિને બેચેની લાગવી જેવી સમસ્યામાં ઘરેલુ ઉપાય તરીકે એલચીનો ઉપયોગ કારગર સાબિત થયો છે. પાચનતંત્રને મજબૂત બનાવીને પેટ સંબંધિત સમસ્યાથી રાહત મેળવી શકાય છે.
શરદી-ખાંસી કે ગળામાં ખારાશમાં લાભદાયક : મોસમમાં બદલાવ સાથે નાના-મોટા પ્રત્યેકને શરદી-ખાંસીની તકલીફ જોવા મળે છે. તેનું કારણ વ્યક્તિની રોગપ્રતિકારકશક્તિ નબળી હોઈ શકે. શરદીને કારણે ગળામાં ખારાશ કે વારંવાર કફ ભરાઈ જવાની સમસ્યા જોવા મળે છે. આવા સંજોગોમાં એલચીનો પાઉડર-લવિંગ-તજ-મરી વગેરે એક ચમચી મધમાં ભેળવીને ધીમે ધીમે ચાટવાથી લાભ થાય છે. ગરમ દૂધમાં એલચી-તાજી પીળી હળદર ભેળવીને પીવાથી અચૂક લાભ થતો જોવા મળે છે.

નપુસંકતા દૂર કરવામાં ઉપયોગી
ઘણા ઓછા લોકોને જાણકારી હશે કે નાની અમથી એલચીનું સેવન કરવાથી નપુસંક્તા જેવી બીમારીથી બચી શકાય છે. ઈલાયચીમાં કામોત્તેજક ગુણો સમાયેલાં હોય છે. જે સ્ત્રી અથવા પુરુષની સૅક્સની ઈચ્છાને વધારવામાં મદદ કરે છે. ઈનફર્ટિલિટીની સમસ્યામાં રાહત મળે છે. તેનું મુખ્ય કારણ એલચીનું સેવન કરવું શક્તિવર્ધક ગણાય છે.

વિષાણુથી બચાવે છે
એલચી માટે એવું કહેવાય છે કે તેનું સેવન કરવાથી બીમારીથી બચી શકાય છે. અનેક વખત ખોરાકી ઝેરની અસરથી શરીરમાં ઝેરીલા વિષાણુ ફેલાઈ જતા હોય છે. એલચીમાં સમાયેલાં રાસાયણિક ગુણો ફ્રી-રેડિકલ્સ તથા અન્ય ઝેરી તત્ત્વોને દૂર કરવામાં મદદ કરે છે. એલચીનું સેવન કરવાથી પ્રાકૃતિક રીતે જ લોહી શુદ્ધિકરણ થવા લાગે છે.

મોંની દુર્ગંધને દૂર કરવામાં મદદરૂપ
ઍન્ટિ બૅક્ટેરિયલ કે ઍન્ટિ-ઈન્ફેલેમેટરી ગુણોથી ભરપૂર હોવાથી તેનું સેવન કરવાથી મોંની વાસની સમસ્યા ઘટી જાય છે. એલચીને પાણીમાં ઉકાળીને તેનો કાઢો પીવાથી મોંના 50 ટકા કીટાણુંનો નાશ થવા લાગે છે. શ્વાસમાં તાજગી અનુભવાય છે. પેટમાં ખરાબી હોય કે વધુ પડતાં કાંદા-લસણવાળો ખોરાક ખાવાને કારણે મોંમાંથી એક વાસ આવવા લાગે છે. આવા સમયે એક એલચી છોલીને તેનું સેવન કરવાથી થોડી જ વારમાં વાસ દૂર થવા લાગે છે. તેથી જ એલચીને એક ઉત્તમ માઉથ ફ્રેશનર તરીકે ઓળખવામાં આવે છે.

પ્રવાસ સમયે થતી ઊલટી કે ચક્કરની સમસ્યામાં ગુણકારી
અનેક લોકોને પ્રવાસ દરમિયાન ઊલટી કે ઊબકાની સમસ્યા સતાવતી હોય છે. તો વળી શરીર ઉપર મોટી સર્જરી થયા બાદ ઊલટી કે વારંવાર ઊબકા આવવાની સમસ્યા જોવા મળે છે. આવા સંજોગોમાં એક નાની પોટલીમાં એલચી-ફૂદીનો-આદુંના ટુકડાને કાપીને ગોઠવી દેવો. તેને સુંઘતા રહેવાથી ઊબકામાં રાહત મળે છે. અનેક વખત જોવા મળ્યું છે કે પહાડી રસ્તા ઉપર સફર કરતી વખતે ઈલાયચીના દાણા ચાવી જવાથી રાહત મેળવી શકાય છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ગુણકારી
ઊંચું લોહીનું દબાણ રહેતું હોય તેમને માટે નાની એલચીનો ઉપયોગ અત્યંત લાભકારી ગણાય છે. નેશનલ લાઈબ્રેરી ઑફ મેડિસિન દ્વારા કરવામાં આવેલાં એક સંશોધન મુજબ 3 ગ્રામ નાની એલચીનો પાઉડર ત્રણ મહિના સુધી દિવસમાં ત્રણ વખત 20 લોકોને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તે 20 લોકોના બ્લડ પ્રેશરમાં ઘણો બદલાવ જોવા મળ્યો હતો. એલચીમાં ડ્યૂરેટિક ઈફેક્ટ જોવા મળી હતી. જે શરીરમાં રહેલાં વધારાના પાણીને મૂત્રમાર્ગે બહાર ફેંકી દેવામાં ઉપયોગી સાબિત થઈ. જેને કારણે વ્યક્તિના બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી હતી.
ઈલાયચીમાં ઍન્ટિ-ઓક્સિડન્ટ, ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી, ઍન્ટિમાઈક્રોબિયલ ગુણો સમાયેલાં જોવા મળે છે. જેની મદદ થકી શરીરમાં ડાયાબિટીસ, તણાવ, લીવર તથા કૅન્સર સંબંધિત બીમારીને દૂર કરી શકાય છે. એલચીમાં કાર્ડામોનિન તત્ત્વ સ્તન, કોલોરેક્ટલ કૅન્સર, સહિત અનેક પ્રકારના કૅન્સરમાં કિમો પ્રિવેન્ટિવ એજન્ટ તરીકે કામ કરવામાં સહાયરૂપ બને છે.

કૅન્સરથી બચી શકાય છે
કૅન્સરથી બચવા માટે નાની એલચીનું સેવન કારગર સાબિત થયું છે. રોગપ્રતિકારકશક્તિ વધારે છે. તેમજ શરીરમાં કૅન્સર સંબંધિત સૅલને રોકવામાં મદદ કરે છે. કલકત્તાની ચિત્તરંજન રાષ્ટ્રીય કૅન્સર સંસ્થા દ્વારા કરવામાં આવેલાં એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે એલચીનું સેવન કરવાથી શરીરમાં ઍન્ટિ-ઓક્સિડન્ટનું પ્રમાણ વધે છે. જેને કારણે કોલોરેક્ટલ કૅન્સરની સામે લડતમાં લગભગ 50 ટકા સહાયતા મેળવી શકાય છે. વળી એલચીમાં ફાઈટોકેમિકલ્સની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી હોય છે. જેને કારણે મોંના કૅન્સરના ઈલાજમાં એલચી લાભદાયી બને છે. એવું પણ કહેવાય છે કે મોંના કૅન્સરની કોશિકાને વધતી રોકવામાં મદદગાર ગણવામાં આવે છે.

બ્લડ પ્રેશરને કાબૂમાં
રાખવામાં ગુણકારી
એક અધ્યયન પ્રમાણે એલચીનો ઉપયોગ નિયમિત કરવાથી બ્લડ પ્રેશરની તકલીફમાં રાહત મળે છે. તેનું મુખ્ય કારણ છે કે એલચીમાં પોટેશિયમ, મૈગ્નેશિયમ, જેવા ખનિજ પદાર્થ સમાયેલા જોવા મળે છે. જેને કારણે તેના સેવન થકી બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ મળે છે.

એલચી-તાજી હળદરવાળું દૂધ
બનાવવાની રીત : 1 લિટર દૂધ, ખડી સાકર 50 ગ્રામ, 1 નાની તાજી પીળી હળદરનો ગાંઠો, 2 તાંતણા કેસર ગરમ દૂધમાં પલાળેલી, 1 ચમચી એલચીનો પાઉડર, ચપટી જાયફળનો પાઉડર, બદામ-પિસ્તાની કતરણ 1 ચમચી
બનાવવાની રીત : સૌ પ્રથમ દૂધને ઉકાળવા મૂકવું. થોડું ઉકળવા લાગે એટલે તેમાં ખડી સાકર ભેળવવી. તાજી લીલી પીળી હળદરને છીણીને દૂધમાં ભેળવવી. એલચી પાઉડર, જાયફળ પાઉડર ભેળવીને દૂધ પાંચ મિનિટ માટે ઉકાળવું. દૂધ ઉકળી જાય એટલે ગરમ દૂધમાં કેસર ભેળવવી. બદામ-પિસ્તાની કતરણથી સજાવીને ગરમાગરમ સ્વાસ્થ્યવર્ધક દૂધ પીરસવું.

વધતાં વજનને રોકવામાં લાભદાયી :
વિટામિન્સ તથા મિનરલ્સથી ભરપૂર એલચીને પાણીમાં ઉકાળીને તેનું સેવન કરવાથી વજન વધતું રોકવામાં મદદ મળે છે. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન મુજબ એલચી શરીરમાં વધતી ચરબીને ઘટાડવામાં મદદરૂપ બને છે. તેમાં સમાયેલાં પોષક સત્ત્વો જેવાં કે કૅલ્શિયમ, પોટેશિયમ, મૈગ્નેશિયમની સાથે મર્યાદિત માત્રામાં કૅલરીઝ વધતાં વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
ઈલાયચી ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. કેરલમાં 89.68 ટકા, 39697 હૅક્ટરમાં 10,075 ટન ઉત્પાદન કરવામાં આવે છે. બીજા ક્રમાંકે કર્ણાટક રાજ્ય આવે છે. 25135 હૅક્ટરમાં 620 ટન એલચીનું ઉત્પાદન કરવામાં આવે છે. ત્રીજા ક્રમાંકે તમિલનાડુ રાજ્ય આવે છે. 4.81 ટકાનો ફાળો જોવા મળે છે. 5162 હૅક્ટરમાં 540 ટન પાક રળવામાં આવે છે. એલચીનો મુખ્ય ઉત્પાદનનો હિસ્સો કુલ 60 દેશોમાં નિકાસ કરવામાં આવે છે. 100 ગ્રામ એલચીનો ભાવ અંદાજે 350 થી 500 રૂપિયાની આસપાસ જોવા મળે છે. એલચી માટે એવું કહેવાય છે કે વિશ્વના સૌથી કિમતી મસાલામાં ત્રીજા ક્રમાંક ધરાવે છે. પ્રથમ ક્રમાંકે વેનિલા તથા બીજા ક્રમાંકે કેસર આવે છે. કાર્ડમોમ-કાર્ડમોન, કારકો-સબટ કે કાર્ડેમુના કે હેલ નામે ઓળખાય છે. ભારતમાં મરાઠીમાં વેલચી, મલયાલમમાં એલક્કા, તેલુગુમાં યેલાકુક્કુ, બંગાળીમાં એલચ, કશ્મીરીમાં લાબુડ્ડા તરીકે ઓળખવામાં આવે છે.

અસ્થમાના દર્દમાં ગુણકારી
એલચીનું સેવન કરવાથી અસ્થમાની તકલીફમાં રાહત મળે છે. તેનું મુખ્ય કારણ તેમાં સમાયેલાં ગુણોને કારણે ફેફસાંમાં લોહીનો પ્રવાહ સુધારે છે. જેને કારણે ફેફસાં સ્વસ્થ રહે છે. સતત આવતી ખાંસી કે અસ્થમાની તકલીફમાં અત્યંત ગુણકારી ગણાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker