ફાઈનાન્સના ફંડા: સુક્નયા સમૃદ્ધિ યોજના

- મિતાલી મહેતા
આપણે ત્યાં અત્યારે બેટી બચાઓ, બેટી પઢાઓ' ઝુંબેશ ચાલી રહી છે. ક્નયાઓની કેળવણી અને એમનાં રક્ષણ માટે સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જેમને ક્નયારત્નની પ્રાપ્તિ થાય છે એમના ઘરે
લક્ષ્મીજી પધાર્યાં’ એમ કહેવાય છે. સરકારે એને ખરા અર્થમાં લક્ષ્મીજીનું રૂપ આપનારી યોજના અમલમાં મૂકી છે, જે અનેક રીતે ઉપયોગી થઈ રહી છે.
ચાલો, આજે એ યોજના વિશે જાણીએ
સુક્નયા સમૃદ્ધિ યોજના
સુક્નયા સમૃદ્ધિ યોજના', જે SSY ય તરીકે જાણીતી છે, તે ભારત સરકારનું સમર્થન ધરાવતી થાપણ યોજના છે. ફક્ત બાળકીઓ માટેની આ યોજના જાન્યુઆરી, 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ
બેટી બચાઓ, બેટી પઢાઓ’ની ઝુંબેશના ભાગરૂપે શરૂ કરી હતી. આ યોજના ભારતમાં બાળકીના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરવા માટેની છે. છોકરીનાં માતા-પિતા એ ક્નયાના યોગ્ય શિક્ષણ અને લગ્નના ખર્ચ માટે ભંડોળ ભેગું કરી શકે એવો એની પાછળનો ઉદ્દેશ્ય છે.
આ પણ વાંચો: ફાઈનાન્સના ફંડાઃ આ રિવર્સ મોર્ગેજ લોન એટલે શું?
યોગ્યતાના માપદંડ
ચાલો, જોઈએ કે `સુક્નયા સમૃદ્ધિ યોજના’ હેઠળ ખાતું ખોલાવવા માટે પાત્રતાનાં કયાં માપદંડ પૂરા કરવાં જરૂરી છે:
ખાતું કોણ ખોલાવી શકે છે:
આ સ્કીમ હેઠળ માત્ર માતા-પિતા અથવા ક્નયાના કાનૂની વાલી જ ખાતું ખોલાવી શકે છે.
ઉંમર- રહેઠાણનો દરજ્જો:
ખાતું ખોલાવતી વખતે બાળકી નિવાસી ભારતીય અને 10 વર્ષથી ઓછી ઉંમરની હોવી જોઈએ.
SSY હેઠળ ખાતાંની સંખ્યા:
એક બાળકી માટે માત્ર એક જ ખાતું ખોલાવી શકાય છે.
આ યોજના હેઠળ એક પરિવાર દ્વારા વધુમાં વધુ બે ખાતાં ખોલાવી શકાય છે, એટલે કે દરેક બાળકી માટે એક-એક મળીને બે બાળકી માટે કુલ બે.
આ પણ વાંચો: ફાઈનાન્સના ફંડા : વરિષ્ઠ નાગરિક બચત યોજના જાણી લો, બીજા કેટલાક મહત્ત્વના મુદ્દા
ખાસ સંજોગો:
જો પ્રથમ બાળક ક્નયા હોય અને ત્યાર બાદ જોડિયા કે ત્રિપુટી બાળકીઓ જન્મે અથવા તો પહેલી જ વારમાં ત્રણ બાળકીઓ જોડિયા જન્મે તો માતા-પિતા અથવા કાનૂની વાલી ત્રીજું ખાતું ખોલાવી શકે છે. જોકે, જોડિયા અથવા ત્રિપુટી બાળકીઓ બાદ ક્નયા જન્મે તો ત્રીજું ખાતું ખોલાવી શકાતું નથી.
આ SSYની વિશેષતા:
`સુક્નયા સમૃદ્ધિ યોજના’ની કેટલીક વિશેષતાઓ આ પ્રમાણે છે:
- જમા રકમ:
ખાતું ચાલુ રાખવા માટે દરેક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછી 250 રૂપિયાની રકમ જમા કરવી જરૂરી છે. નાણાકીય વર્ષમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. આ રકમ રોકડ, ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ મારફતે જમા કરાવી શકાય છે.
- ખાતું પુન: સક્રિય કરવું:
જો કોઈ કારણોસર ખાતામાં લઘુતમ રકમ જમા કરાઈ ન હોય તો ખાતું ફરીથી સક્રિય કરવા માટે લઘુતમ રકમ ભરવા ઉપરાંત 50 રૂપિયાનો દંડ ભરવો પડે છે. ખાતું ચાલુ જ રહે છે.
- ખાતાની મુદત અને પરિપક્વતા:
આ યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાની પાકતી મુદત ખાતું ખોલાવ્યાની તારીખથી 21 વર્ષ પૂરાં થાય ત્યારની અથવા 18 વર્ષ પૂર્ણ કર્યા પછી ક્નયાનાં લગ્ન થાય ત્યારની છે. જોકે, યોગદાન માત્ર 15 વર્ષના સમયગાળા માટે જ આપવાનું હોય છે. ત્યારપછી, ખાતામાં કોઈ થાપણ ન કરવામાં આવે તો પણ પાકતી મુદત સુધી વ્યાજ મળતું રહે છે.
- ખાતાનું નિયંત્રણ: ખાતાની લાભાર્થી, એટલે કે ક્નયા પોતે 18 વર્ષની થાય ત્યારે ખાતું એના હસ્તક આવી જાય છે.
- નિશ્ચિત વળતર:
`સુક્નયા સમૃદ્ધિ યોજના’ સરકાર દ્વારા સમર્થિત હોવાથી વળતર મળવાની હંમેશાં ખાતરી હોય છે.
આ પણ વાંચો: ફાઈનાન્સના ફંડા: કરજની લેતી-દેતી વખતે શું ધ્યાનમાં રાખવું?
- એકાઉન્ટ ટ્રાન્સફર:
SSY એકાઉન્ટમાં રહેલી બેલેન્સ ભારતમાં ગમે ત્યાં નિ:શુલ્ક ટ્રાન્સફર કરી શકાય છે. આ ટ્રાન્સફર એક પોસ્ટ ઓફિસથી બીજીમાં, એક બેન્કમાંથી બીજી બેન્કમાં અને પોસ્ટ ઓફિસથી બેન્કમાં કરી શકાય છે.
આ ફેરફાર કરાવવા માટે વાલી અથવા ક્નયાના રહેઠાણમાં ફેરફારનો પુરાવો આપવાનો હોય છે. અન્ય કોઈ સંજોગો હોય તો ટ્રાન્સફર લઘુતમ ફી ચૂકવીને કરી શકાય છે.