
આજે દુનિયાના મોટા ભાગના લોકો કબજિયાતના રોગથી પીડાય છે. ૬૦% પુરુષો અને ૮૦% સ્ત્રીઓને ઓછા-વત્તા અંશે કબજિયાતની તકલીફ હોય છે, પરંતુ મોટા ભાગના દર્દીઓ ‘પોતાને કબજિયાત છે’ તેવું સ્વીકારવા જ તૈયાર હોતા નથી. આ લોકો કબજિયાતને સામાન્ય રોગ સમજીને હળવાશથી લઈ લે છે, પરંતુ કબજિયાત અનેક ભયંકર રોગની ખાણ છે.
કબજિયાતનાં લક્ષણ
- રોજ એકવાર વ્યવસ્થિત મળત્યાગ ન થાય.
- દિવસમાં બેથી વધુ વાર સંડાસ જવું પડે.
- સંડાસમાં પાંચ મિનિટથી વધુ બેસી રહેવું પડે.
- ઝાડો બહુ દુર્ગંધવાળો, કઠણ, ચીકાશવાળો અને મુશ્કેલીથી આવે.
- શરીરમાં સ્ફૂર્તિ ન રહે તેમ જ માથું, પેટ, સાંધા, પીંડીઓ, સાથળ વગેરે અંગ દુ:ખે.
- આળસ, ઉદાસીનતા રહે અને કોઈ પણ કામ કરવામાં અરુચિ વર્તાય
- કબજિયાત થવાનાં કારણ:
- પૂરતું ચાવીને ન જમવાની આદતને કારણે.
- અનિયમિત સમયે ભોજન કરવું, શક્તિ ઉપરવટ જમવું, ભૂખ વગર જમવું, જમીને તરત પાણી પીવું, જમ્યા ને પછી તરત સૂઈ જવું વગેરે આદતોથી.
- બેઠાડું તથા તણાવયુક્ત જીવન અને વધુપડતા ઉજાગરા કરવાથી.
- કુદરતી આવેગોને રોકી રાખવાથી.
- મેંદાવાળી વાનગીઓ, ફાસ્ટ ફૂડ કે વધારે ખાંડવાળા પદાર્થો જમવાથી.
- કમજોર આંતરડાં હોવાં…. જેમનાં આંતરડાં કમજોર હોય એઓ એકસાથે સંપૂર્ણ મળત્યાગ કરી શકતા નથી. એમણે ૩-૪ દિવસે એક વાર અથવા દિવસમાં ૨-૩ વાર સંડાસ જવું પડે છે.
- દુ:ખાવો, એસિડિટી, એલર્જી, ડિપ્રેશન વગેરેની દવાઓ લેવાથી.
- રેચક દવાઓનો વધુપડતો ઉપયોગ કરવાથી. ઘણા લોકો અમુક પ્રકારની ફાકીના આદતી થઈ ગયા હોય છે, પરંતુ તે કાળક્રમે આંતરડાંને ખૂબ જ કમજોર કરે છે.
- નશીલા પદાર્થોના સેવનથી.
- ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી નારીઓનાં આંતરડાં વધુ ઢીલાં થઈ જાય છે, તેથી આંતરડાંની ક્ષમતા ઘટી જવાથી.
- તાવ કે થાઈરોડ હોર્મોનની કમી હોવાથી
કયું સંડાસ સારું વિદેશી કે ભારતીય?
આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિમાં જે કાંઈ પ્રણાલી છે, તે ખૂબ જ લાંબું વિચારી અમલમાં આવી છે. એના અનેક ફાયદા છે, પરંતુ આપણી ભૂલ એ છે કે, ભારતીય સંસ્કૃતિને ભૂલીને આપણે પશ્ચિમી સંસ્કૃતિ અને ત્યાંની રીત-ભાતના પ્રભાવમાં જીવતાં થઈ ગયા છીએ.
આપણી ભારતીય સંસ્કૃતિમાં હજારો વર્ષોથી ઉભડક બેસીને મળત્યાગ કરવાની રીત ચાલી આવે છે. તે રીત ખૂબ જ વૈજ્ઞાનિક છે, કેમ કે, તેમાં આંતરડાં પર ખૂબ જ ઓછું દબાણ આવે છે અને મળદ્વાર સંપૂર્ણ ખુલ્લો રહે છે તેથી સરળ રીતે મળત્યાગ થઈ શકે છે.
ઊભું અને બેઠું સંડાસ વાપરવાથી મળદ્વાર પર આવતું દબાણ
ઊભું સંડાસ….. અમુક અંશે મળદ્વાર દબાઈ જાય છે.
બેઠું સંડાસ…..મળદ્વાર સંપૂર્ણ ખુલ્લો રહે છે.
જોકે, હવે ભારતમાં ધીરે ધીરે ઘરોઘરમાં પશ્ચિમી સંડાસ (ઊભાં સંડાસ) નો ઉપયોગ વધવા લાગ્યો છે. ઊભા સંડાસમાં મળત્યાગ કરવામાં આંતરડાં પર સ્નાયુઓ દ્વારા દબાણ આવે છે અને તેમાં મળદ્વાર સંપૂર્ણ ખુલ્લો રહેતો નથી. તેથી ઘણા લોકોને ઊભાં સંડાસ વાપરવાથી કબજિયાત જેવા અનેક રોગ થાય છે.
વિદેશી ચિકિત્સકો પણ ઊભાં સંડાસના ઉપયોગથી થતાં નુકસાનથી સારી રીતે વાકેફ છે. ત્યાંના તબીબો પણ હવે સ્વીકારે છે કે આજના આધુનિક સંડોસોની બનાવટ માનવશરીરની રચનાને સંપૂર્ણ પ્રતિકૂળ છે માટે જો શારીરિક મુશ્કેલી ન હોય તો બિનજરૂરી ઊભાં સંડાસનો ઉપયોગ કરવાના આદતી ન બનવું…
હા, જો શારીરિક મુશ્કેલીના કારણે ઊભું સંડાસ વાપરવું પડે તો પગની નીચે અંદાજે ૮થી ૧૦ ઈંચ ઊંચાઈનું બાજોઠ જેવું મૂકવું, જેથી બેઠા સંડાસની જેમ મળદ્વાર સંપૂર્ણ ખુલ્લો રહે.
કબજિયાતમાં આહાર
- મેંદાની વાનગીઓનો સંપૂર્ણ ત્યાગ રાખવો.
- બાજરીના રોટલા આહારમાં ઓછા લેવા. અમુક સમયે ઘી સાથે લઈ શકાય.
- ઠંડાં પાણીની જગ્યાએ હૂંફાળું પાણી પીવાની ટેવ પાડવી.
- વધુ રેસાવાળો આહાર લેવો, જેમ કે, પોલિશ વગરના ઘઉં અને ભાત, જવ, પપૈયાં, મોસંબી, સંતરાં, સફરજન, દ્રાક્ષ અને ઉનાળામાં કેરી, કેળાં, પેરૂ, ગુલાબ, ફલાવર, ગાજર, ટમેટાં, મૂળા વગેરે.
કબજિયાતના ઉપચાર
- કડું અને કરિયાતુંનું ચૂર્ણ સરખા વજનમાં લઈ મિક્સ કરવું. સવારે અને રાત્રે ૧ સમચી ચૂર્ણ ફાકીને પાણી પીવું. સરેરાશ ૭ દિવસમાં જૂનો મળ નીકળીને આંતરડાં શુદ્ધ થાશે અને વર્ષો જૂનો કબજિયાત મટી જશે.
- રાત્રે સૂતી વખતે ૫૦ ગ્રામ જેટલા લીલા તાજા વટાણા ખૂબ જ ચાવીને જમવા. તેના ઉપર થોડું પાણી પીવું.
- સવારે જાગીને નરણાં કોઠે ૨-૩ ગ્લાસ હૂંફાળું પાણી પીવું.
- ચમચી ત્રિફળાચૂર્ણ અથવા સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ ગરમ પાણી સાથે રાત્રે સૂતાં પહેલાંં લેવું.
- ચમચી ઈસબગુલ ગરમ પાણી અથવા દૂધ સાથે રાત્રે સૂતાં પહેલાં લેવું.
- ૧-૨ ચમચી દિવેલ ગરમ દૂધ કે પાણી સાથે રાત્રે સૂતાં પહેલાં લેવું.
- જમ્યા પછી એકાદ કલાકે ૩-૫ નાની હિમેજ ખૂબ ચાવીને ખાવાથી કબજિયાત મટે છે.
- લીંબુનો રસ ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજિયાત મટે છે.
- ૧ કપ પાકાં ટમેટાંનો રસ પીવાથી આંતરડાંનો મળ છૂટો પડી કબજિયાત મટે છે.
- અંજીરના ટુકડા દૂધમાં ઉકાળીને જમ્યા બાદ તે દૂધ પીવું.
- ખજૂરને રાત્રે પલાળી, સવારે મસળી અને ગાળીને તે પાણી પીવું.
- ૧ ચમચી આદુનો રસ, ૧ ચમચી લીંબુનો રસ અને ૨ ચમચી મધ ગરમ પાણીમાં મેળવીને પીવું.
Also Read – નિવૃત્ત વ્યક્તિનાં મન કેવા કેવા કરે છે ખેલ…
આટલી સાવધાની પણ રાખો…
- જે લોકોને રાત્રે મોડા સૂવાની અને સવારે મોડા જાગવાની કુટેવ હોય છે એમને કબજિયાતની કાયમ ફરિયાદ રહે છે કેમકે, મોડે સુધી જાગતા રહેવાથી તે સમયે આંતરડું મળત્યાગ માટે સક્રિય હોતું નથી. તેથી મળત્યાગ કરવા માટે આંતરડાંને ખૂબ જ બળ કરવું પડે છે. મળત્યાગ કરવાનો શ્રેષ્ઠ સમય સવારના ૪થી ૬ દરમિયાન હોય છે. આ સમયે મોટું આંતરડું ખૂબ જ સક્રિય હોય છે.