તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

વિશેષઃ ચિકનગુનિયાથી સાવધાન…! આ વિગતો જાણવી જરૂરી

-દિક્ષિતા મકવાણા

શું તમે ક્યારેય અનુભવ્યું છે કે અચાનક ત્રીવ તાવ, સાંધામાં અસહ્ય દુખાવો અને શરીરમાં નબળાઈએ તમારા રોજિંદા જીવનને અસર કરી છે? જો હા, તો તમારે ચિકનગુનિયા વિશે જાગૃત રહેવાની જરૂર છે. આ એક એવો રોગ છે જે મચ્છર કરડવાથી થાય છે અને ઝડપથી ફેલાય છે.

નેશનલ સેન્ટર ફોર વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ (એનસીવીબીડીસી) ના અહેવાલ મુજબ, ૨૦૨૩ માં ભારતમાં ચિકનગુનિયાના પુષ્ટિ થયેલા કેસોની કુલ સંખ્યા ૧૧૪૭૭ હતી, જ્યારે ૨૦૨૪ માં અત્યાર સુધીમાં આ સંખ્યા ૧૨,૫૮૭ થઇ છે. ચિકનગુનિયાથી બચવા માટે તેના વિશે વિગતવાર જાણવું જરૂરી છે. અહીં આપણે ચિકનગુનિયાના લક્ષણો, કારણો, નિદાન, સારવાર અને નિવારણના પગલાં વિશે વિગતવાર જાણીશું.

મચ્છરો દ્વારા ફેલાતો આ રોગ આફ્રિકા અને એશિયાના દેશોમાં વ્યાપકપણે જોવા મળે છે. જોકે યુરોપ અને અમેરિકાના ભાગોમાં પણ મચ્છરોથી થતા આ રોગના કેટલાક કિસ્સાઓ જોવા મળ્યા છે. ચિકનગુનિયા શબ્દ કિમાકોન્ડે ભાષામાંથી આવ્યો છે, જે દક્ષિણ-પૂર્વ તાંઝાનિયા અને ઉત્તર મોઝામ્બિકમાં બોલાય છે. આ વાયરલ રોગ સૌપ્રથમ પૂર્વ આફ્રિકામાં ૧૯૫૨માં જોવા મળ્યો હતો.

ચિકનગુનિયા શું છે?

આ એક વાઈરસ છે જે સંક્રમિત માદા મચ્છરો (એડીસ એજીપ્ટી અને એડીસ આલ્બોપીકટસ) ના કરડવાથી થાય છે. ચિકનગુનિયા એ આલ્ફાવાઈરસ જૂથના ચિકનગુનિયા વાઈરસના ચેપને કારણે થતો વાયરલ રોગ છે. આ મચ્છરો દિવસના સમયે કરડે છે અને ગંદા પાણીમાં પ્રજનન કરે છે. ચિકનગુનિયા ચેપગ્રસ્ત મચ્છરોના કરડવાથી મનુષ્યોમાં ફેલાય છે.

ચિકનગુનિયા સામાન્ય રીતે મચ્છર કરડ્યા પછી ૩-૭ દિવસની વચ્ચે શરૂ થાય છે. ચિકનગુનિયાનો ફેલાવો સામાન્ય રીતે ઘરની બહાર અને દિવસના સમયે થાય છે. ખાસ કરીને મચ્છર વહેલી સવારે અથવા મોડી બપોરે અંધારૂ થતાં પહેલાં સૌથી વધુ સક્રિય હોય છે, તેથી આ સમય દરમિયાન ચિકનગુનિયા ખૂબ જ ઝડપથી ફેલાય છે.

આ વાઈરલ ઈન્ફેક્શનને કારણે ખૂબ જ તાવ આવે છે અને સાંધા કે સ્નાયુઓમાં દુખાવો થાય છે. જો કે તે જાતે જ મટી જાય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે જીવલેણ પણ હોઈ શકે છે. આ સિવાય માથાનો દુખાવો, ચક્કર, થાક અને ચકામા જેવી સમસ્યાઓ પણ તેના અન્ય લક્ષણો હોઈ શકે છે. આ રોગની કોઈ દવા, રસી કે ઈલાજ નથી, પરંતુ લક્ષણોના આધારે તેની સારવાર કરવામાં આવે છે.

એ કેટલો સમય રહે છે?

ચિકનગુનિયામાં તાવ સામાન્ય રીતે ૨ થી ૩ દિવસ સુધી રહે છે. આ પછી તાવ ઉતરી જાય છે, પરંતુ ચિકનગુનિયા વાઈરસ ચેપગ્રસ્ત વ્યક્તિમાં લગભગ એક અઠવાડિયા સુધી રહે છે. આનો અર્થ એ છે કે તાવ મટાડ્યા પછી પણ વાઈરસ થોડા દિવસો સુધી તમારા શરીરમાં સક્રિય રહે છે. આવી સ્થિતિમાં જો તમને કોઈ મચ્છર કરડે તો તેને ચેપ લાગે છે અને તે જેને કરડે છે તેને ચિકનગુનિયાનો ચેપ ફેલાઈ જાય છે.

નિદાન

ચિકનગુનિયા વાઈરસનું નિદાન સામાન્ય રીતે લક્ષણોની ઓળખ અને વિશેષ પરીક્ષણો દ્વારા કરવામાં આવે છે. નિદાનની પ્રક્રિયામાં નીચેના પગલાં સામેલ છે.

લક્ષણોની તપાસ કરવી: ચિકનગુનિયાનાં સામાન્ય લક્ષણોમાં તાવ, સાંધામાં તીવ્ર દુખાવો, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ચામડી પર ફોલ્લીઓ અને થાકનો સમાવેશ થાય છે. ડોકટરો લક્ષણોના આધારે પ્રારંભિક નિદાન કરે છે.
તબીબી ઇતિહાસ: ડોક્ટર દર્દીને તાજેતરના પ્રવાસના ઇતિહાસ વિશે પૂછી શકે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં ચિકનગુનિયા પ્રચલિત છે.

રક્ત પરીક્ષણ: ચિકનગુનિયા વાઈરસની પુષ્ટિ કરવા માટે રક્ત પરીક્ષણ કરવામાં આવે છે. મુખ્યત્વે બે પ્રકારના રક્ત પરીક્ષણો કરવામાં આવે છે:

RT-PCR ટેસ્ટ: આ ટેસ્ટ વાઈરસની હાજરીની પુષ્ટિ કરે છે.

સેરોલોજિકલ પરીક્ષણો (IgM અને IgG એન્ટિબોડી પરીક્ષણો): આ વાઈરસ સામે શરીરમાં બનેલા એન્ટિબોડીઝને શોધી કાઢે છે. ઈંલખ એન્ટિબોડીઝ ચેપની શરૂઆતમાં રચાય છે, જ્યારે ઈંલૠ એન્ટિબોડીઝ પાછળથી બને છે અને લાંબા સમય સુધી ચાલે છે.

કેટલીકવાર ડેન્ગ્યૂ અથવા ઝિકા જેવા અન્ય વાઈરલ તાવ સાથેના લક્ષણોની સમાનતા જોતાં, સાચા રોગને ઓળખવામાં મદદ કરવા માટે અન્ય પરીક્ષણો કરવામાં આવી શકે છે.

ડૉક્ટરની સલાહ: લક્ષણો અને પરીક્ષણ પરિણામોના આધારે ડૉક્ટર નિદાનની પુષ્ટિ કરે છે અને યોગ્ય સારવાર કરે છે. ચિકનગુનિયા વાઈરસનું વહેલું અને યોગ્ય રીતે નિદાન રોગના અસરકારક સારવારમાં મદદ કરે છે.
સારવાર શું છે?

આ વાઈરલ ચેપ હોવાને કારણે, ચિકનગુનિયા માટે કોઈ ચોક્કસ દવા અથવા રસી ઉપલબ્ધ નથી. મોટા ભાગના કિસ્સાઓમાં દર્દી એક અઠવાડિયામાં સ્વસ્થ થઈ જાય છે. પરંતુ સાંધાના દુખાવાની સમસ્યા લાંબા સમય સુધી અથવા તો મહિનાઓ સુધી રહી શકે છે. ચિકનગુનિયાની પ્રારંભિક સારવાર માટે તાવ, સોજો અને સાંધા અથવા સ્નાયુઓમાં દુખાવો ઘટાડવા માટેની દવાઓની ભલામણ કરવામાં આવી શકે છે. ઉપરાંત દર્દીને શક્ય તેટલું વધુ પ્રવાહી પીવા અને આરામ કરવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો….Gujarat માં 12 થી 21 ડિસેમ્બર સુધી રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ યોજાશે

સારવાર માટે શું કરવું?

ચિકનગુનિયા માટે કોઈ ચોક્કસ દવા કે એન્ટિવાયરલ સારવાર નથી, પરંતુ તેના લક્ષણોને નિયંત્રિત કરવા માટે નીચેના પગલાં લઈ શકાય છે.

દુખાવાથી રાહત આપતી દવાઓ: પેરાસીટામોલ જેવી દવાઓ તાવ અને સાંધાના દુખાવાને ઘટાડવામાં મદદ કરી શકે છે. જો કે એસ્પિરિન અને નોન-સ્ટીરોઈડલ એન્ટી-ઈન્ફ્લેમેટરી દવાઓ (NSAIDs)નો ઉપયોગ ટાળવો જોઈએ, કારણ કે તે રક્તસ્રાવનું જોખમ વધારી શકે છે.

પોષણયુકત આહાર: સંતુલિત આહાર લો, જેમાં વિટામિન સી સમૃદ્ધ ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તાજા ફળો, શાકભાજી અને પ્રોટીનયુક્ત ખોરાક જેમ કે કઠોળ અને બદામ ખાઓ.

આરામ: શરીરને સંપૂર્ણ આરામ આપવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તે વાયરસ સામે લડી શકે અને ઝડપથી સ્વસ્થ થઈ શકે.

પાણીનું સેવન: હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે. વ્યક્તિએ પુષ્કળ પાણી, નાળિયેર પાણી અને અન્ય પ્રવાહી પીવું જોઈએ જેથી શરીરમાં કોઈ નિર્જલીકરણ ન થાય.

ચેપગ્રસ્ત વિસ્તારમાં જવાનું ટાળો. મચ્છર કરડવાથી બચવા માટે, મચ્છરદાનીનો ઉપયોગ કરો અને સંપૂર્ણ બાંયના કપડાં પહેરો. ઘરની આસપાસ પાણી ભેગુ થવા ન દો અને જંતુનાશક દવાનો ઉપયોગ કરો.

ઘરેલું ઉપચાર

કેટલાક ઘરેલું ઉપચાર ચિકનગુનિયાનાં લક્ષણોને ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

તુલસીના પાન: તુલસીના પાનનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને શરીરને ચેપ સામે લડવામાં મદદ મળે છે.

ગળોનું જ્યૂસ: ગળોનું જ્યૂસ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તાવ ઓછો કરવામાં મદદ મળે છે. આયુર્વેદમાં ગળોને અમૃત સમાન ગણવામાં આવે છે.

હળદરનું સેવન: હળદરમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે સાંધાના દુખાવાને ઘટાડી શકે છે. તેને દૂધમાં ભેળવીને પીવાથી ફાયદો થાય છે.

લીમડાના પાન: લીમડાના પાનની પેસ્ટ લગાવવાથી ત્વચા પર થતા ફોલ્લીઓ ઘટાડી શકાય છે અને ચેપથી બચી શકાય છે.

લસણનું સેવન: લસણના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય છે.

આદું: આદું સોજો અને દુખાવો ઓછો કરવામાં પણ મદદ કરે છે. આદુંની ચા બનાવીને અથવા કાચું આદુ ચાવીને તેનું સેવન કરી શકાય છે.

મેથીના દાણા: મેથીના દાણા દુખાવા અને સોજાને ઓછો કરવામાં મદદરૂપ છે. તમે તેને આખી રાત પાણીમાં પલાળી શકો છો અને સવારે ખાઈ શકો છો અથવા તેની પેસ્ટ બનાવીને દુખાવાની જગ્યા પર લગાવી શકો છો.

પપૈયાના ઝાડના પાંદડાં: પપૈયાના ઝાડના પાનનો રસ પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે. તેને બનાવવા માટે પાંદડાને પીસીને તેનો રસ કાઢીને પીવો.

આ ઉપરાંત વિટામિન-સી, નારંગી, લીંબુ અને આમળા જેવા વિટામિન સીથી ભરપૂર ફળો ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. સાંધાનો દુખાવો અને સોજો ઘટાડવા માટે સાધાંમાં ગરમ ફોમેન્ટેશન કરવું.

આ ઘરગથ્થુ ઉપચારોનો ઉપયોગ કરતી વખતે, ધ્યાનમાં રાખો કે જો લક્ષણો ગંભીર બની રહ્યાં છે અથવા તેમાં કોઈ સુધારો થતો નથી, તો તરત જ તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરો. ચિકનગુનિયાના સાચા નિદાન અને સારવાર માટે તબીબી સલાહ લેવી જોઈએ.

આ બીમારી દરમિયાન શું ન કરવું?

એસ્પિરિન અને NSAIDs દવા ટાળો: આ દવાઓ લેવાથી રક્તસ્રાવનું જોખમ વધી શકે છે, ખાસ કરીને જ્યારે પ્લેટલેટ્સ ઘટે છે.

અતિશય શારીરિક શ્રમ: શરીરને આરામ આપવો જરૂરી છે, તેથી ભારે કામ કરવાનું ટાળો.
અતિશય કેફીન અને આલ્કોહોલ: આ શરીરને નિર્જલીકૃત કરી શકે છે અને લક્ષણોમાં વધારો કરી શકે છે.

આફ્ટર કેર

ચિકનગુનિયામાંથી સાજા થયા પછી પણ, નબળાઇ અને સાંધાનો દુખાવો થોડા અઠવાડિયા તેમજ મહિનાઓ સુધી ચાલુ રહી શકે છે. આથી નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ:

સંતુલિત આહાર: પોષક તત્ત્વોથી ભરપૂર આહાર લો, જે શરીરને ઝડપી પુન:પ્રાપ્તિમાં મદદ કરશે.
હળવી શારીરિક પ્રવૃત્તિ: ધીમે ધીમે હળવી કસરતો અને યોગ કરો, જેથી શરીરના સ્નાયુઓ અને સાંધાઓની ગતિશીલતા સુધારી શકાય.

પૂરતો આરામ: શરીરને પૂરતો આરામ આપો અને જરૂરિયાત મુજબ ઊંઘ લો.
સ્વાસ્થ્યપ્રદ આદતો: અન્ય ચેપથી બચવા માટે નિયમિતપણે હાથ ધોવા અને સ્વચ્છતાનું ધ્યાન રાખો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button