વહેલો કે મોડો, આવે માથામાં ખોડો!
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’
સામાન્ય લાગતી આ સમસ્યા તરફ બેદરકારી રાખવામાં આવે તો માથાનો ખોડો બારમાસી પણ બની શકે છે. ક્યારેક લાંબે ગાળે આ તકલીફ હઠીલું કે જટિલ સ્વરૂપ પણ લઈ શકે છે
નવરાત્રિ કે દશેરાથી ઋતુમાં પરિવર્તનનાં પ્રારંભિક લક્ષણો અનુભવી શકાય છે. વહેલી સવારે અને સાંજે બદલાતું વાતાવરણ પ્રાય: સ્ફૂર્તિ આપતું જણાય છે. ચોમાસાના ભેજવાળા પવનની સાપેક્ષે શિયાળાનો સુક્કો પવન આરોગ્ય માટે વધુ અનુકૂળ રહે છે, પણ શિયાળાની સૂકી અને ઠંડી હવા ફકત શરીરને ધ્રુજાવીને પોતાનું કાર્ય પૂરું થયાનો સંતોષ નથી માનતી, આ ઠંડા અને રૂક્ષ ગુણો શરીરની આંતરિક સંરચનાનું સંચાલન કરતાં મહત્ત્વના પરિબળો પર પણ અસર કરે છે.
વાયુદોષ અને કફદોષ માટે શિયાળાનું ઠંડું-ઠંડું વાતાવરણ મિત્રની ભૂમિકા ભજવે છે. આ ક્લાયમેટ બંને દોષોને સહાયક બનીને વિકૃતિના પંથે દોરી જાય છે.
વાયુ અને કફ વિકૃત થતાં શિયાળામાં પણ અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થઈ શકે છે.
એમાંનો જ એક રોગ એટલે માથાના વાળમાં થતો ખોડો. ખોડાની સમસ્યામાં પણ આ બંને દોષો વાયુ અને કફ દોષનું પ્રાધાન્ય હોય છે.
ખોડાની સમસ્યા મહદંશે શિયાળામાં ચાલુ થતી હોય છે અથવા તો આ ઋતુ દરમિયાન આ તકલીફ વધતી કે વકરતી હોય છે. સામાન્ય લાગતી આ સમસ્યા તરફ બેદરકારી રાખવામાં આવે તો માથાનો ખોડો બારમાસી પણ બની શકે છે. ક્યારેક લાંબે ગાળે આ તકલીફ હઠીલું કે જટિલ સ્વરૂપ પણ લઈ શકે છે.
નાની લાગતી ખોડાની સમસ્યા ઘણા દર્દીઓને જળોની જેમ વળગી જતી જોવા મળે છે. ખોડાનું ઓછું કે વધુ પ્રમાણ આવા લોકોની ખાવા-પીવાની કુટેવો, રોજેરોજ માથામાં વપરાતા સાબુ-શૅમ્પૂ, ફેશનના નામ પર તેલ ન નાખવું વગેરે અપચાર, તે સિવાય દર્દીની પ્રકૃતિ અને દોષોનું તારતમ્ય વગેરે પર આધાર રાખે છે.
ખોડાના દર્દીઓએ સૌ પ્રથમ તો રોજેરોજ શૅમ્પૂથી વાળ ધોવાનું બંધ કરવું જોઈએ. માથામાં જેટલા વાળ છે તેને બચાવવા હોય તો માથામાં રોજ તેલ જરૂર નાખવું જોઈએ. માથામાં તેલ નહીં નાખવાની ફેશન એક દિવસ વિકરાળ સમસ્યા બની જવાની છે.
આહારમાં વાયુ અને કફદોષ પેદા કરતા તમામ ગળ્યા અને ભારે પદાર્થો બંધ કરવા જોઈએ.
તેલ, મીઠાઈ, દહીં, ભીંડા, ગોળ, અડદ વગેરેનો ખૂબ સાવધાની સાથે ઉપયોગ કરવો જોઈએ.
પથ્યપાલન બાદ ઔષધમાં વાયુ અને કફ બંને દોષોને અંકુશમાં લાવે તેવા ઔષધ પ્રયોજવા જોઈએ.
જેમ કે, વૈદ્યની સલાહ મુજબ ગંધક રસાયણની બે-બે ગોળી સવાર-સાંજ લેવાની, માથું ધોવા માટે શિકાકાઈ ૧૦ ભાગ, બહેડા એક ભાગ અને હળદર એક ભાગના પ્રમાણનો ઉકાળો બનાવી તેનાથી માથું ધોવું જોઈએ અને તે પણ અઠવાડિયે એક જ વાર.
વાયુ અને કફનાશક તેલનું માથામાં રોજ માલિશ કરવું જોઈએ.
ઉત્તમ વૈદ્યની દેખરેખ નીચે થતું નસ્યકર્મ પણ વાળ માટે અમૃતતુલ્ય બની રહે છે.
અત્યારે માર્કેટિંગના યુગમાં ખોડો મટાડવા, વાળ ખરતા અટકાવવા અને વાળને લાંબા-જાડા કરવા માટે ભાત ભાતના શૅમ્પૂઓ, હેર ઓઈલ્સ, હેર સિરમ વગેરે જાત જાતના દાવાઓ સાથે રોજે-રોજ બજારમાં ખડકાયે જાય છે. આવા કડક અને ક્ષારયુક્ત રસાયણોવાળા સાબુઓ અને શૅમ્પૂઓથી વારંવાર વાળને ધોવાય તો વાળના મૂળમાં આવેલી ગ્રંથિઓ (સીબાસીયસ ગ્લેન્ડ)માંથી ઝરતો પ્રાકૃતિક સ્ત્રાવ બંધ થઈ જાય છે અથવા તો ઓછો થઈ જાય છે. એમાં પણ જે લોકો માથામાં નાખવા માટે તેલ સદંતર વાપરતા જ નથી એના વાળ તો બટકણા અને રુક્ષ તો થાય જ છે સાથે સાથે માથાની ત્વચા પણ શુષ્ક અને લૂખી થઈ જાય છે. એવી ત્વચા અને તેના કોષો સૂક્ષ્મ રક્તવાહિનીઓમાંથી પોષણ મેળવી શકે એટલી કાર્યક્ષમતા પણ ગુમાવી દે છે. પરિણામે એ કોષો નકામા અને મૃત બની જાય છે. આ મૃત કોષો એટલે જ ખોડો! આધુનિક વિજ્ઞાન તેને ડેન્ડરફ, સેબોરિયા કે સેબોરિક ડર્મેટાઈટીસ તરીકે ઓળખે છે.
અંતમાં, શિયાળામાં આયુર્વેદમાં વર્ણીત ઋતુચર્યાનું યોગ્ય પાલન કરવાથી શિતઋતુજન્ય ખોડા સહિત અનેક રોગોથી બચી શકાય છે ને શિયાળાનાં સ્વાસ્થ્યવર્ધક ગુણોનો ભરપૂર લાભ લઈ શકાય છે.