સોનોગ્રાફી: એક વરદાન
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’
આધુનિક તબીબી વિજ્ઞાનની અનેક આશીર્વાદરૂપ શોધખોળમાંની એક મહત્વપૂર્ણ શોધ એટલે સોનોગ્રાફી.
સોનોગ્રાફીને અલ્ટ્રા સાઉન્ડ સ્કેન તરીકે પણ ઓળખવામાં આવે છે.
સોનોગ્રાફી એટલે એક પ્રકારનું ધ્વનિચિત્રણ.
શરીરની અંદરના અવયવોની હાલત,તેની સ્થિતી અને આકાર આ સાધન મારફત જાણી શકાય છે.
આ સાધનનો શરીર માટે સૌપ્રથમ ઉપયોગ ડોક્ટર આયર્ન ડોનાલ્ડે ૧૯૫૦ ની સાલમાં કર્યો હતો. તે પહેલા આને મળતી આવતી ટેકનીક દરિયાનું ચિત્રણ અને અભ્યાસ કરવા માટે વપરાતી હતી. એ ટેકનિક રડાર જેવી હતી ને સોનાર ટેકનિક તરીકે ઓળખાતી હતી.
કોઈપણ વસ્તુનું ચિત્ર મેળવવા માટે ઉપયોગી તમામ પદ્ધતિઓની અંદર જે વસ્તુ કે અવયવનું ચિત્ર મેળવવું હોય તેના પર કોઈને કોઈ પ્રકારના કિરણો ફેંકવામાં આવે છે. દાખલા તરીકે ફોટોગ્રાફી કરવા માટે આપણે જોઈ શકીએ છીએ કે કુદરતી પ્રકાશનાં કિરણો પડે છે અથવા ફ્લેશલાઈટનો પ્રકાશ ફેકવામાં આવે છે. કુદરતી કે કૃત્રિમ પ્રકાશના કિરણો જ્યારે કોઈપણ વસ્તુ પર ફેંકાય છે ત્યારે તેમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની પ્રક્રિયાઓ થાય છે.
(૧) કિરણો સામેની વસ્તુની સપાટીને અથડાઈને પાછા ફરે છે જેને પરાવર્તન કહેવામાં આવે છે.
(૨) જો સામેની વસ્તુ કિરણો માટે પારદર્શક હોય તો કિરણો તેમાં પ્રવેશી, દિશા બદલી વક્રીભૂત થઈ અને સામેની બાજુએ નીકળે છે. જે પ્રક્રિયાને વિજ્ઞાનની પરિભાષામાં વક્રીભવન અથવા રિફ્રેક્શન તરીકે ઓળખવામાં આવે છે.
(૩) ત્રીજી ઘટનામાં અમુક કિરણો શોષાઈ જાય છે.જેને એબસોર્પશન તરીકે ઓળખવામાં આવે છે.
કિરણોનું પરાવર્તન, વક્રીભવન કે શોષણ એ સામેની વસ્તુની બનાવટ,આકાર અને એનાં ગુણધર્મ પર આધાર રાખે છે.
કેમેરા દ્વારા મળતી છબિ એ છાયાચિત્રણ કહેવાય છે. જ્યારે સોનોગ્રાફી એ ધ્વનિચિત્રણ છે. ધ્વનિચિત્રણમાં છાયાચિત્રણની જેમ જ આપણા અવયવોનું ચિત્ર મળે છે.
છાયાચિત્રણમાં જે રીતે પ્રકાશકિરણોનો અથવા ક્ષ કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે તે રીતે સોનોગ્રાફીમાં વિશિષ્ટ ધ્વનિ તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે માણસ સાંભળી ના શકે તેવાં શ્રાવ્યાતીત એટલે કે અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે. જેની ફ્રિકવન્સી ૨૦ કિલો હર્ટઝ કરતાં વધારે હોય તેવાં તરંગો વપરાય છે. સામાન્ય રીતે ૧ થી ૧૫ મેગા હર્ટઝ ફ્રિકવન્સી ધરાવતાં તરંગો વાપરવામાં આવે છે.
પ્રકાશ છાંયાચિત્રણમાં પરાવર્તિત પ્રકાશ વાપરવામાં આવે છે પરંતુ તેના શોષણ દ્વારા શરીરની અંદરનાં અવયવોનું ચિત્રણ કરી શકાતું નથી. આ માટે હાલ લેઝર કે ક્ષ કિરણો વાપરીને પ્રકાશ વડે નલિકા દ્વારા અંદરના અવયવો પ્રકાશિત કરીને પરાવર્તિત પ્રકાશ ફરી પાછો મેળવી અને છાંયાચિત્રણ કરવામાં આવે છે.
શરીરનાં માંસલભાગમાંથી અંદર જનારા કિરણો વાપરીને આંતરિક અવયવોનું ચિત્રણ કરવામાં આવે છે.આ રીતે પાડવામાં આવતો ફોટો એક્સરે તરીકે જાણીતો છે.
ધ્વનિ તરંગો શરીરનાં કેટલાક ભાગોમાંથી સામેની બાજુ પણ જઈ શકે છે અને શરીરના આંતરિક ભાગનું ચિત્ર તેના કારણે કરી શકાય છે. આવા ધ્વનિચિત્રમાં શ્રાવ્યાતીત એટલે કે અલ્ટ્રાસોનિક ધ્વનિતરંગો વાપરવાનું એક કારણ એ છે કે એ સંભળાય એવાં ન હોવાંથી આપણને ત્રાસ થતો નથી. બીજું મુખ્ય કારણ એ છે કે તેની તરંગ લંબાઈ ખૂબ જ નાની હોવાનાં કારણે અંદરના નાનાં અવયવો જેવા કે રક્તવાહિનીઓ, ગર્ભસ્થ બાળક તેનાં વિવિધ અંગ -અવયવ, બાળકનું મગજ હૃદય વગેરેનું ચિત્રણ કરી શકાય છે.
જો તરંગોની લંબાઈ પદાર્થ કરતાં મોટી હોય તો આપણા હાથની વેંત વડે કીડીની લંબાઈ માપવા જેવું મુશ્કેલ કાર્ય થાય.
સોનોગ્રાફી(ધ્વનિચિત્ર)નું આકલન જરા અઘરું હોય છે. કારણ કે વાપરવામાં આવેલ ધ્વનિતરંગોનું પરાવર્તન અથવા શોષણ કયા અવયવોમાં કેટલું થયું તે તમામ બાબતોનો વિચાર કરવો પડે છે. જે ધ્વનિતરંગો શરીરમાંના વિવિધ અવયવો સાથે અથડાઈને પાછા ફરે છે તેનું ફરીથી દાબ વિદ્યુતસ્ફટિક દ્વારા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. સોનોગ્રાફીમાં ફોટોગ્રાફીની જેમ સાધનો નહીં વપરાતાં હોવાથી એક ક્વાર્ટઝ સ્ફટિક દ્વારા શરીરનાં એક બિંદુનું ચિત્રણ થાય છે. શરીરની અંદરના ઊંડાણમાં શું છે અને તે કેટલું બદલાયું છે તે પ્રતિધ્વનિ માટે લાગનારાં સમય પરથી સમજાય છે.
આ રીતે શરીરનો જે કોઈ ચોક્કસ ભાગ જોવો હોય તે ભાગ પરથી પ્રોબ (સ્ફટીક) ફેરવવો પડે છે. પછી આવા બધા સંદેશાઓ યોગ્ય માધ્યમ મારફતે ટીવીનાં પડદા (મોનિટર) પર જોઈ શકાય છે અને નિષ્ણાંતો તેનો અભ્યાસ કરીને તારણ કાઢે છે.
ક્ષ-કિરણોની આડઅસરોને કારણે એક્સ-રેનાં ઉપયોગની એક મર્યાદા છે. જ્યારે સોનોગ્રાફી એક્સરેની સાપેક્ષે આડઅસર રહિત સાધન હોવાથી એનો આધુનિક તબીબી વિજ્ઞાનમાં ખૂબ જ સુંદર અને ઉત્તમ ઉપયોગ થઈ રહ્યો છે.