તરોતાઝા

આપણી ગેરહાજરીમાં પણ કોઈ જુએ આપણી આંખથી દુનિયા

હેલ્થ વેલ્થ – શૈલેન્દ્ર સિંહ

હિન્દુસ્તાનમાં આજે પણ લગભગ ત્રણ કરોડ લોકો એવા છે જેઓ અંધાપાના વિવિધ સ્તરથી પીડિત છે. એક થી સવા કરોડ લોકો એવા છે જેમને સાવ મામુલી, જાણે કોઈ પડછાયો હોય તેવું, અથવા તો બિલકુલ દેખાતું નથી. આવા લોકો માટે દિવસ અને રાતમાં કોઈ ફરક હોતો નથી. ભલે, એ લોકો સાંભળીને કે બ્રેઇલ લિપિ દ્વારા દુનિયાને ગમે તેટલી જાણી લે, પણ પોતાની આંખોથી દુનિયાને જોઈને જે અહેસાસ મળે છે તેનો અનુભવ કમનસીબે તેઓ કરી શકતા નથી. પણ જો આપણો સમાજ તેમની આ સમસ્યાને સહાનુભૂતિપૂર્ણ રીતે વિચારે તે તેનો ઉકેલ જોતજોતામાં થઇ શકે તેમ છે. ભારતમાં દર વર્ષે દોઢથી પોણાબે લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. તેમાંથી લગભગ ૭૦ ટકા લોકોની આંખો તેમના દુ:ખદ અકસ્માત પછી સલામત હોય છે. જો આ આંખો એમને મળી જાય, જેઓ જન્મજાત અંધાપાનો શિકાર બન્યા હોય તો એક મોટી સંખ્યામાં લોકોના જીવનમાંથી અંધકાર દૂર કરવામાં મદદ મળી શકે છે.

એક કે બે નહીં, પણ એવા ડઝનબંધ કારણો છે જેનાથી દર વર્ષે ૭૦ થી ૭૫ લાખ લોકોનાં મૃત્યુ થાય છે. તેમાંથી ઓછામાં ઓછા ૧૦ થી ૧૨ લાખ લોકોની આંખો તેમના મૃત્યુ સમયે એવી સ્થિતિમાં હોય છે કે જેથી બીજા જીવિત લોકોના જીવનમાં રોશની થઇ શકે. પરંતુ આપણે ત્યાં મૃત્યુ પછીની ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ એવી છે એને કારણે તેમના પરિવાર તેમના અંગોનું દાન કરવાનું ભાગ્યે જ વિચારે. હવે આ ચલણમાં બદલાવ લાવવાની જરૂર છે અને આપણે વૈજ્ઞાનિક ઢબે એ વિચારવાની જરૂર છે કે આપણી ગેરહાજરીમાં પણ આપણા અંગો જો બીજાને કામ આવી શકે તો એ મોટા પુણ્યની વાત કહેવાય અને તેનાથી આપણને કોઈ નુકસાન પણ થવાનું નથી. આ સંભવ ત્યારે બની શકે જ્યારે આપણે અંગદાન વિશે વિસ્તારથી જાણીએ અને તેના માટે સંકલ્પબદ્ધ થઈએ, તો ચાલો જાણીએ અંગદાન કરવાની પ્રક્રિયા શું છે?

પોતાના મૃત્યુ પછી કોઈને આંખો દાન કરવાને આપણે નેત્રદાન કહીએ છીએ. દાન અપાયેલી આ આંખો કોર્નિયા સબંધિત દૃષ્ટિહિનતાથી પ્રભાવિત લોકોને દૃષ્ટિ પાછી લાવવામાં મદદગાર સાબિત થઇ શકે છે. આ પ્રક્રિયામાં દૃષ્ટિહીન વ્યક્તિની આંખમાં દાન કરાયેલ કોર્નિયાનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. તમે પણ ચાહો તો નેત્રદાન કરીને આ પુણ્ય કમાઈ શકો છો. નેત્રદાન કરવા, તમે જે કોઈ શહેરમાં રહેતા હો તેની નેત્ર બેંક કે આઈ કલેક્શન સેન્ટરનો સંપર્ક કરી શકો છો. આ કલેક્શન સેન્ટર કે બેંક કોઈ મેડિકલ કોલેજ કે આંખની હોસ્પિટલમાં જ સ્થિત હોય છે. તમારી આસપાસની આવી તમામ સંસ્થાઓની જાણકારી તમને ઈન્ટરનેટના માધ્યમથી મળી શકે છે. ત્યાં તમે સ્વયં જઈને કે ટેલિફોન દ્વારા સંપર્ક કરીને નેત્રદાન માટે નોંધણી કરાવી શકો છો. નેત્રદાન કરવાનો અર્થ છે, કોઈ આઈ બેક કે આઈ કલેકશન સેન્ટરને એ અધિકાર આપવો કે જ્યારે તમે આ દુનિયાથી વિદાઈ લઇ ચુક્યા હો ત્યારે એ જેટલી ત્વરાથી બની શકે તેટલું જલદી તમારી આંખો કોઈ જરૂરિયાતમંદને પ્રત્યારોપિત કરાવી શકે. તમે નેત્રદાન માટે નોંધણી કરાવો છો તેના માટે તમારી પાસેથી કોઈ શુલ્ક લેવામાં આવતું નથી.

મૃત્યુના તુરંત બાદ દાન કરાયેલી આંખો મૃતકમાંથી લેવાની હોય છે, જેથી એ અન્યને કામ આવી શકે. દાન કરનારના મૃત્યુની જાણકારી મળતાં જ આઈ કલેક્શન સેન્ટરના ડોકટરો મૃતકના ઘરે જઈને ૧૫-૨૦ મિનિટના ઓપેરશન વડે કોર્નિયા કાઢી લે છે. આ મૃત્યુના તુરંત બાદ કરવું એટલે જરૂરી છે, કેમકે ચિકિત્સા વિજ્ઞાન અનુસાર મૃત્યુના ૫-૬ કલાક સુધી જ આંખો સ્વસ્થ રહે છે. કોર્નિયા આંખની કીકી ઉપર એક પારદર્શી પડળ સમાન હોય છે. દ્રષ્ટિહિનતાનું એક સૌથી મોટું કારણ આ કોર્નિયાની ખરાબી હોય છે. કોર્નિયાની ખરાબી જન્મજાત પણ હોઈ શકે છે, ઇજાને કારણે પણ થઇ શકે છે અથવા કોઈ બીમારીના પરિણામે પણ થઇ શકે છે. કોર્નિયા પ્રત્યારોપણ અંતર્ગત દર્દીના અપારદર્શી કોર્નિયાને કાઢીને તેની જગ્યાએ દાનમાં પ્રાપ્ત થયેલ પારદર્શક કોર્નિયા લગાવી દેવામાં આવે છે. આ રીતે કોઈ દૃષ્ટિહીન દેખતા થઇ શકે છે. આ ખૂબ જ સામાન્ય પ્રક્રિયા છે જે માત્ર ૨૦ મિનિટમાં પુરી થઇ જાય છે, એ સાથે તેનો સફળતા દર પણ ૯૦ ટકા હોય છે. પણ આપણે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે મૃત્યુના પાંચ થી છ કલાકમાં કાઢેલો કોર્નિયા જ કામમાં આવી શકે છે. તે પછી કોઈ મૃત વ્યક્તિનો કોર્નિયા કામ કરતો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button