દેખાવે નાના અમથાં એલચી કેળામાં સમાયેલો છે પૌષ્ટિક્તાનો ખજાનો
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક
કેળાનું નામ પડતાં જ આપણી આંખ સમક્ષ લાંબા પીળા કે લીલા કેળા દેખાય. બજારમાં
કેળાની વિવિધ પ્રકારની વેરાયટી જોવા મળે છે. નાના-મોટા તેમ જ લાલ રંગના કેળા
મળતાં હોય છે. તેમાંના એક એટલે એલચી કેળાં. દેખાવે એકદમ નાના જોવા મળે છે.
બૅંગલુરૂમાં તેને યેલ્લકી કેળા તરીકે ઓળખવામાં આવે છે. તો બિહારમાં ચિનિયા તરીકે
જાણીતા છે. યેલ્લકી શબ્દનો અર્થ થાય છે ઈલાયચી, તથા ચિનિયાનો અર્થ થાય છે
દેખાવમાં નાનું. તેથી જ તેને એલચી કેળા કહેવામાં આવતાં હશે તેવું અનુમાન લગાવી
શકાય.
કેળાંનું ફળ કુદરતની એક અદ્ભુત કરામત ગણાય છે. કેળાની છાલ ફળ ઉપર એટલી તો
સુંદર રીતે લપેટાયેલી હોય છે કે અંદરના ફળની સુરક્ષા જળવાઈ રહે છે.
કાચા કેળાની વેફર, પેટિસ, કટલેટ વગેરે બનાવવામાં આવતી હોય છે. જ્યારે પાકા કેળાનો
સૌથી શ્રેષ્ઠ ઉપયોગ તેની છાલ કાઢીને ખાવાનો જ ગણાય છે. અનેક વ્યક્તિ રાત્રિના સમયે
ફક્ત દૂધ કેળાનો જ આહારમાં ઉપયોગ કરે છે. તો વળી અનેક લોકો કેળાના રાયતાના
દીવાના હોય છે. ઘરમાં શાકભાજી ના હોય કે શાક ઓછું પડે તેવું લાગે ત્યારે કેળાનું રાયતું
ગૃહિણીની આવડત દર્શાવે છે. પાકેલાં કેળાનો ઉપયોગ ફ્રૂટ સલાડમાં પણ કરી શકાય છે.
પાકા કેળાનો ઉપયોગ કરીને માલપુઆ બનાવી શકાય છે. સૌરાષ્ટ્રમાં તો કેળાનો ઉપયોગ
મેથીના ગોટા તથા ઊંધિયું બનાવવામાં ખાસ કરવામાં આવે છે.
દેખાવે નાના હોવાની સાથે એલચી કેળામાં કૅલરીની માત્રા ઓછી સમાયેલી હોય છે.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કેળામાં કૅલરીની માત્રા વધુ સમાયેલી છે. તેથી
આહારતજજ્ઞ કેળાનો ઉપયોગ ઓછો કરવાનું સૂચવે છે. કેળા ત્વરિત એનર્જી આપે છે. તેથી
જ સતત મજૂરીનું કામ કરતાં કે મહેનતનું કામ કરતાં કારીગરો બપોરના ભોજન સમયે
બે-ત્રણ કેળાનો આહારમાં સમાવેશ કરવાનું પસંદ કરે છે. જેથી કામ કરતી વખતે શરીરને
જરૂરી શક્તિ મળી રહે. એલચી કેળામાં સમાયેલી મીઠાશ અત્યંત મનભાવન હોય છે.
મલાઈદાર માવો હોવાથી તેનો ચાહક વર્ગ બહોળો જોવા મળે છે. તેની છાલ અન્ય કેળાં
કરતાં પાતળી હોય છે. તેમ છતાં લાંબા સમય સુધી તેનો માવો તાજો જ લાગે છે.
એલચી કેળાના સ્વાસ્થ્યવર્ધક ગુણો જાણી લઈએ.
શક્તિવર્ધક ગણાય છે
ઈલાયચી કેળામાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ તથા સુક્રોઝ જેવી કુદરતી મીઠાશ સમાયેલી હોય છે.
તેથી જ એવું કહેવાય છે કે એલચી કેળાનું સેવન ર્ક્યા બાદ તુરંત જ શરીરમાં શક્તિનો
અનુભવ થવા લાગે છે. તેથી જ રમતવીર તેનો ઉપયોગ અધિક માત્રામાં કરતાં હોય છે.
ટેનિસ સ્ટાર રોજર ફેડરર કે રફેલ નદાલને આપે તેમના શોર્ટ બ્રેકમાં એલચી કેળું પકડીને
ખાતા જોયા જ હશે.
પાચનમાં લાભકારક
કેળામાં ફાઈબરનું પ્રમાણ ભરપૂર માત્રામાં સમાયેલું હોય છે. ફાઈબરયુક્ત ભોજન લેવાથી
પાચનક્રિયા સુચારૂ રીતે કામ કરવા લાગે છે. લાંબા સમયથી કબજિયાતની તકલીફ હોય
તેમના માટે દિવસમાં બપોરના ભોજન બાદ એક કેળું ખાવું હિતાવહ ગણાય છે. ભૂખને
નિયંત્રિત કરીને વજનને ઘટાડવામાં મદદ કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન કબજિયાતની
તકલીફ વધી જતી જોવા મળે છે. તેવા સંજોગોમાં એલચી કેળાનો સમાવેશ આહારમાં
કરવાથી શરીરમાં ઊર્જાની સાથે કબજિયાતની તકલીફમાં રાહત મળે છે.
હૃદયની તંદુરસ્તી માટે લાભકારક
એલચી કેળામાં પોટેશિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જે પોટેશિયમ
બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી ગણાય છે. બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે તો
હૃદય સબંધિત રોગથી બચી શકાય છે. પોટેશિયમ શરીરમાં સ્વસ્થ પ્રવાહીનું સંતુલન
બનાવી રાખવામાં મદદ કરે છે. જે હૃદયની તંદુરસ્તી જાળવવામાં ઉપયોગી ગણાય છે.
પોષક તત્ત્વોથી ભરપૂર
કેળામાં પોષક તત્ત્વોનો ખજાનો સમાયેલો હોય છે તેવું નિષ્ણાત આહાર તજજ્ઞો વારંવાર
કહેતાં જ હોય છે. એલચી કેળામાં સામાન્ય કેળા કરતાં પોષક ગુણો અધિક માત્રામાં
સમાયેલાં હોય છે. જેમ કે વિટામિન સી, વિટામિન બી ૬, પોટેશિયમ, મૈગ્નેશિયમ તથા
ફાઈબરનું પ્રમાણ ભરપૂર સમાયેલું હોય છે.
જેને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. શરીર ઊર્જાવાન બને છે. હૃદય સ્વસ્થ
બનવાની સાથે પાચન ક્રિયામાં સુધારો જોવા મળે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી
એલચી કેળાનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓ સરળતાથી નિયંત્રિત માત્રામાં કરી શકે છે.
પ્રમાણભાન રાખીને ખાવાથી લોહીમાં શર્કરાની માત્રા વધતી નથી. અન્ય કેળાની તુલનામાં
એલચી કેળામાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સની માત્રા ઓછી જોવા મળે છે. જેને કારણે લોહીમાં
શર્કરાની માત્રાને નિયંત્રિત રાખવામાં મદદ મળે છે.
ગાઢ ઊંઘ માટે લાભકારી
નિરાંતની ઊંઘ લેવી હોય તેમણે એલચી કેળાનો ઉપયોગ આહારમાં અચૂક કરવો જોઈએ.
કેળાનું સેવન કરવાથી આપ ઊંઘ ન આવવાની તકલીફને દૂર કરી શકો છો. તેનું મુખ્ય
કારણ છે એલચી કેળાનું સેવન કરવાથી શરીરમાં સેરોટોનિન નામક હાર્મોન્સનું નિર્માણ
થાય છે. જે ગાઢ ઊંઘ લાવવામાં મદદ કરે છે.
એલચી કેળામાંથી વિવિધ પ્રકારની મીઠાઈ બનાવી શકાય છે. બ્રેડ પુડિંગથી લઈને પૅનકેક,
મફિન્સ, વગેરેમાં થાય છે.
દેશી વાનગીની વાત કરીએ તો એલચી કેળાની ખીર, કેળાના પુડલા, કેળાના ભજિયા પણ
બનાવી શકાય છે.
બનાના પૅનકેક
સામગ્રી : ૧ કપ એલચી કેળાનો માવો, ૧ ચમચી દહીં, ચપટી બેકિંગ સોડા, ૧ કપ ઘઉંનો
લોટ, અડધો કપ ચોખાનો લોટ, ૧ નાની ચમચી એલચીનો પાઉડર, ૧ કપ નાળિયેરનું દૂધ.
સજાવટ માટે અખરોટ તથા બદામ-પિસ્તાની કતરણ, ૨ ચમચી મધ. જરૂર મુજબ ઘી.
બનાવવાની રીત :
સૌ પ્રથમ એલચી કેળાનો માવો બનાવી લેવો. એલચી પાઉડર ભેળવવો. નાળિયેરનું દૂધ
જરૂર મુજબ ભેળવવું. દહીં નાખીને બરાબર ફિણી લેવું. ત્યારબાદ ઘઉંનો તથા ચોખાનો
માપ પ્રમાણે લોટ ભેળવવો. મિશ્રણને અડધો કલાક માટે ઢાંકીને રાખવું. ઉતારતાં પહેલાં
તેમાં બેકિંગ સોડા ભેળવવો. ઉપરથી ગરમ ઘી નાંખીને હલાવી લેવું. નૉન સ્ટીક તવા ઉપર
પૅનકેક ધીમા તાપે ઘીથી સાંતળીને ઉતારવી. ગરમાગરમ પૅનકેક ઉપર મધ લગાવીને
સૂકોમેવો ભભરાવ્યા બાદ તેનો આસ્વાદ માણવો.
વજન ઘટાડવા માટે અત્યંત ઉપયોગી
૧૦૦ ગ્રામ કેળામાં ફાઈબરનું પ્રમાણ ૨.૬ ગ્રામ જેટલું સમાયેલું હોય છે. ફાઈબરવાળું
ભોજન કરવાથી પેટ સંબંધિત તકલીફથી બચી શકાય છે. લાંબા સમય સુધી પેટ ભરાયેલું
રહે છે. વારંવાર આચરકૂચર ખાવાની ઈચ્છાથી બચી શકાય છે. ધીમેધીમે ભૂખ ઓછી થવા
લાગે છે. જેને કારણે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.