તરોતાઝા

એક જ જગ્યાએ બેઠા રહેવું એ નોતરે છે કૅન્સર-ડાયાબિટીસને…

ફોકસ -વિવેક કુમાર

બ્રિટનની ગ્લાસગો કૈલેડિયન યુનિવર્સિટીએ તાજેતરમાં કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે દિવસમાં સૌથી વધુ સમય બેઠા રહેતા લોકોમાં ડાયાબિટીસ, સ્થૂળતા અને કૅન્સર જેવી બીમારીઓ થવાનું જોખમ વધુ હોય છે. તેથી વિવિધ બીમારીઓથી છુટકારો મેળવવા નિયમિત વ્યાયામ કરવાની જરૂર હોય છે. વ્યાયામ કરવાથી ફક્ત બીમારીઓથી બચી જવાતું નથી, પરંતુ અચાનક થતા મોતનું જોખમ પણ 30 ટકા ઘટી જાય છે. જે લોકો દિવસમાં ચારથી છ કલાક બેઠા રહે છે તેઓને 12થી 18 મિનિટ, છથી આઠ કલાક બેઠા રહેતા લોકોને 18થી 24 મિનિટ અને આઠથી 10 કલાક બેઠા રહેતા લોકોને દિવસમાં 24થી 30 મિનિટ વ્યાયામ કરવાની જરૂર હોય છે.

ઘણા લોકોને પોતાની નોકરી-વ્યવસાય માટે એક જ જગ્યાએ કલાકો સુધી બેઠા રહેવું પડતું હોય છે. કામ કરતી વખતે જરાય હલનચલન થતું નથી. કલાકો સુધી એક જ જગ્યાએ બેસવું આવી વ્યક્તિઓ સ્વીકાર કરી લેતા હોય છે. આ ગંભીર બાબતને આપણે સરળતાથી નજરઅંદાજ પણ કરી દેતાં હોઈએ છે. ઘણા દેશોમાં સંશોધકો માટે આ ચિંતાનો વિષય બન્યો છે. યેલ મેડિસિન ફિઝિયાટ્રિસ્ટ એરિક કે. હોલ્ડર (એમડી) જણાવે છે કે લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેઠા રહેવાથી થતી બીમારીઓના દર્દીઓ મારી ક્લિનિકમાં રોજ આવે છે. આવા દર્દીઓને વિવિધ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો પાસેથી સારવાર કરાવવાની ફરજ પડે છે. કામને કારણે કૉમ્પ્યુટર સામે બેઠાં રહેવું, ટીવી જોતાં રહેવું, ટ્રેનો-વિમાનમાં લાંબી મુસાફરી કરવી વગેરેને કારણે સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ માંદગીઓ થતી હોય છે. આવા લોકોમાં પગનો દુખાવો, સંધિવાની સમસ્યા થવા લાગે છે. ત્યાં લોહીનો પ્રવાહ અટકી પડ્યો હોવાનું આપણને પોતાને ખબર પડવા લાગે છે. ત્યાં સોજા ચઢી જાય છે, દરદ વધવા લાગે છે. લોહીનો પ્રવાહ અટકી પડતાં ફેંફસાં સુધી લોહી પહોંચતું નથી અને તેને કારણે વિવિધ બીમારીઓ શરૂ થઈ જતી હોય છે. તેથી 30 મિનિટ અથવા એક કલાકના અંતરે ઊભા થઈને હલનચલન કરવું જરૂરી છે.

ડૉક્ટરના જણાવ્યાનુસાર લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી કરોડરજજુ અને ખભાઓ પર પણ ભાર પડે છે. કમ્પ્યુટર પર કામ કરતી વખતે આપણે થોડા આગળ વળીને બેઠા રહીએ છીએ, ટટ્ટાર બેસતા નથી તેથી માંસપેશીઓ પર આડઅસર થાય છે. પીઠની નીચેના ભાગ પર દબાણ પડવાથી કરોડરજ્જુને વળવામાં મુશ્કેલી નડે છે. 18થી 64 વર્ષના લોકોએ રોજ 150 મિનિટ એરોબિક એક્સરસાઇઝ કરવી જરૂરી છે. થોડા થોડા સમયે ઊભા થઈને અથવા હલનચલન કરીને કંઈ પણ પ્રવૃત્તિ કરવી જોઈએ, પોતાનું વર્ક સ્પેસ એવું બનાવો જ્યાં સ્ટેન્ડિંગ પ્લેસ હોય. એવું નથી તો પોતાના લેપટોપ અથવા ડેસ્કટોપને થોડી ઊંચાઈ પર રાખો અથવા થોડી થોડી વારે ઊભા થતા રહો. પોતાની પાસેની પાણીની બોટલ નાની રાખવી જેથી પાણી ભરવાના બહાને પણ ઊભા થવું પડે. ટીવી જોતા હો તો જાહેરખબરો દરમિયાન થોડી અવરજવર કરી લેવી જોઈએ.

શારીરિક ગતિવિધિઓ ધીમી પડવાને કારણે હૃદય સંબંધિત સમસ્યાઓ પણ વધી જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે થોડી થોડી વારે અવરજવર કરવું એ સૌથી ઉત્તમ ઉપાય છે. કલાકો સુધી એક જ જગ્યાએ બેઠા રહેવાથી ડાયાબિટીસ, હૃદયરોગનો હુમલો સહિતની વિવિધ બીમારીઓ થતી હોય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી પોતાનું કામ ઊભાં-ઊભાં કરવું જોઈએ. આવી આદત કૅન્સરની બીમારી પણ આમંત્રિત કરી શકે છે. આપણે આપણી જીવનશૈલી જ એવી બનાવી દીધી છે કે કામ કરતી વખતે બેઠાં રહેવું. કલાકો સુધી આપણને ખબર પણ પડતી નથી કે આપણે પોતાના રૂમની બહાર ગયા જ નથી. વ્યાયામ કરવાનો સમય મળતો નથી, પરંતુ હલનચલન કરવા પણ લોકો એક જગ્યા પરથી ઊઠતાં નથી. તેમની તમામ જરૂરિયાતો તેમને તે જ જગ્યાએ પૂરી પાડવામાં આવે છે તેથી હલનચલન કરવાનો કોઈ મોકો જ મળતો નથી. આવી જીવનશૈલીથી વિવિધ બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે.

તેમાં ધૂમ્રપાન, શરાબનું સેવન, ખાણી-પીણીની ખોટી આદતો આગમાં ઘી હોમવાનું કામ કરે છે. પહેલાંના જમાનામાં લોકોની કાર્યશૈલી બહુ અલગ હતી. તેઓને કામ-ધંધા માટે હરવું ફરવું પડતું હતું. તેમની શારીરિક ગતિવિધિઓ વધુ હતી. તેથી તેઓમાં બીમાર પડવાનું પ્રમાણ પણ ઓછું હતું. હવે મોબાઇલ, લેપટોપ, કમ્પ્યુટર જેવી ટેક્નોલૉજીને કારણે માણસો એક જ જગ્યાએ બંધાઈ જવા મજબૂર થયા છે. આ બધી સમસ્યાથી છુટકારો મેળવવા દિવસમાં હલનચલન કરતાં રહેવું જરૂરી છે. જો તે શક્ય ન હોય તો રાત્રે સૂતાં પહેલાં અડધો કલાક લટાર મારવા નીકળી જવું, પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિવાય આહારમાં પૌષ્ટિક ખોરાક જ લેવો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button