તરોતાઝા

જાણવા જેવું -આચરવા જેવું…

પૂરતું ધ્યાન રાખીએ તો ગંભીર રોગ-બીમારીથી ઉગરી શકાય

આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’

સામાન્ય માંદગી આપણે ત્યાં એટલી બધી સામાન્ય બની ગઈ છે કે એની તરફ આપણે પૂરતું લક્ષ્ય આપી શકતા નથી. એકવીસમી સદી જાણે કે એક વસમી સદી બની રહી છે. સતત તણાવયુક્ત, દોડાદોડીવાળી જીવનશૈલી, દૂષિત વાતાવરણ, દૂષિત જળ, ભેળસેળવાળા ખાદ્યપદાર્થો, કેમિકલવાળા શાકભાજી -ફળ વગેરેને લીધે બીમારી અને બીમારોની સંખ્યા તીવ્રતાથી વધી રહી છે.

નાની-મોટી બીમારીઓમાં સારવાર ખૂબ જ જટિલ અને ખર્ચાળ બની રહી છે. આવા સમયે ‘સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ… ’ ઉક્તિ મુજબ દરેક વ્યક્તિએ નાના- મોટા રોગમાં પ્રાથમિક સારવાર અને ખાસ તો આહાર વિહારની ચરી કે પરહેજનું જ્ઞાન મેળવવું ખૂબ જરૂરી બની ગયું છે.

જો કે, સેલ્ફ મેડિકેશન-તબીબી સલાહ વગર જાતે પોતાના કે અન્યના ઉપચાર કરવા અમુક હદથી વધુ જોખમી છે એટલે માહિતી હોવાં છતાં અમુક દવા રોગી જાતે નથી લઈ શકતા ને ન લેવી પણ જોઈએ. હા, આહાર -વિહારમાં ધ્યાન રાખવું કે સાવચેત રહેવું એ એક એવી વાત છે કે જે બધાં આચરણમાં મૂકી શકે છે.

તબિયત મસ્ત હોય- સ્વસ્થ હોઈએ ત્યારે ને નાની- મોટી માંદગી દરમિયાન લેવાતો ખોરાક ખૂબ જ અગત્યનો છે. મોટાભાગનાં લોકો હવે સામાન્ય લક્ષણોમાં દવા કરતાં રોગને અનુલક્ષીને સમતોલ આહાર લેવાનું પસંદ કરે છે એને ‘ડાયટ થેરપી’ પણ કહી શકાય છે. જાણ્યે – અજાણ્યે તમામ લોકો બીમારી દરમિયાન કોઈને કોઈ રીતે ખોરાક વિશે સાવચેતી રાખતાં જ હોય છે.

આજે એવા જ રોજબરોજનાં રોગમાં ખાનપાનમાં શું કાળજી રાખવી તે જોઈએ તો..

શરદી ને સાધારણ તાવ:

આ બન્નેની ગણતરી નાની ને સહજ માંદગીમાં થાય છે. ઘણાને શરદી વારંવાર થઈ જાય છે, જેને રોજિંદી ભાષામાં જે તે દર્દીની પ્રકૃતિ-તાસીર કે કોઠો કહીએ છીએ. માત્ર શરદી, નાકમાંથી પાણી નીકળવા, નાક બાઝી જવું, આંખમાં ખંજવાળ, આંખમાંથી પાણી નીકળવું, પુષ્કળ છીંકો આવવી આ બધાં એલર્જીની શરદીનાં લક્ષણ છે. તેમાં જે વસ્તુની એલર્જી હોય તેનાંથી દૂર રહેવું. અત્યંત ખાટાં, અભિષ્યંદી પદાર્થો જેમ કે દહીં-આંબલી વગેરે ન લેવા. બહારનાં જંક ફૂડ- ફાસ્ટફૂડ, આઈસ્ક્રીમ- કોલ્ડડ્રિંક્સ- બેકરીની આઈટમ તથા પેકડ – ટીન્ડ ફૂડ, પ્રિઝર્વેટિવવાળી વસ્તુઓ- કૃત્રિમ ખાદ્યરંગો નાખેલી વસ્તુઓ કે પછી આથાવાળી વસ્તુઓ, વાસી ફ્રીઝમા લાંબો સમય રાખેલી વસ્તુઓ વગેરે ન લેવી.
એની બદલે હળવો-સાદો- ગરમ અને પ્રવાહી ખોરાક વધુ લેવો. વધારે સુગંધવાળી વસ્તુઓ સાબુ- શેમ્પુ, સ્પ્રે- ડીઓ કે ક્રિમ- પાઉડર વગેરે ન વાપરવા.

શરદી સાથે તાવ હોય તો એ મોટેભાગે કોઈ સંક્રમણ એટલે કે ઇન્ફેક્શનનું લક્ષણ હોઈ શકે છે. આ સ્થિતિમાં ઉપરોકત લક્ષણો સાથે શિરશુલ, કળતર, ખોરાક લેવાની ઈચ્છા ન થવી અને બેચેની લાગવી એ મુખ્ય ચિહ્નો છે. પણ આ નજીવી ગણાતી માંદગી લાંબો સમય ચાલતા શરીરમાં ખોરાકના અભાવે પોષક તત્ત્વોની અછત લાગવા માંડે છે. આનાથી આગળ જતા બીજા ગંભીર રોગો થવાની શક્યતા પણ રહે છે. દરેકને જુદા જુદા કારણોસર શરદી થાય છે, ઘણી વખત અપચાને કારણે પણ શરદી થતી હોય છે.
આવા સમયે નિયમિત આહાર ખૂબ અગત્યનો થઈ પડે છે. પચવામાં હલકો અને પ્રવાહી ખોરાક લેવો જોઈએ. વિટામિન સી અને વિટામિન એ યુક્ત ખોરાક જેવા કે તાજા ફળ-ગાજર-દૂધ- કઠોળ- સૂપ-જ્યુસ, વગેરે યોગ્ય પ્રમાણમાં લેવાથી શરીરમાં નબળાઈ આવતી નથી.

કબજિયાત:

રોજ પેટ બરાબર સાફ ન થવું તે કબજિયાત પણ એક એવી બીમારી છે કે જે ઘણાંબધાં રોગોનું મૂળ છે. શરૂઆતમાં કબજિયાતને ઘણાં લોકો મહત્ત્વ આપતાં નથી. કબજિયાત રોગ જો લાંબો સમય ચાલે તો શરીરમાં પ્રોટીનની કમી સહિત ઘણાં બધાં નુકશાન થઈ શકે છે.

કબજિયાત સામાન્ય રીતે રેસાવાળા ખોરાકના અભાવે અને પ્રવાહી ઓછું લેવાથી થાય છે. કબજિયાતના દર્દી જો પોતાના ખોરાકમાં રેસાવાળા પદાર્થ જેમ કે પાલક- મેથી-તાંદળજો વગેરે ભાજી, વાલોળ, ગવાર, લીલી ડુંગળી જેવાં શાક, વિટામિન એ યુક્ત ફળો જે રેચક હોય છે જેવા કે પપૈયું, કેરી, કેળાં વગેરેયુક્ત ખોરાકને મહત્ત્વ આપવું જોઈએ. આ ઉપરાંત દિવસના લગભગ ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી પીવું જોઈએ.

ઝાડા – ઊલટી:

આ રોગમાં શરીરમાંથી વિપુલમાત્રામાં પાણી નીકળી જાય છે. એને કારણે શરીરમાં પાણીની અછત ઊભી થાય છે. એમાંય નાના બાળક-શિશુમાં જો ખોરાક અને ઉપચાર તરફ જરૂરી ધ્યાન રાખવામાં ન આવે તો ડિહાઈડ્રેશનથી મૃત્યુ પણ નીપજી શકે. આવી બીમારી વખતે શરીરમાં પુષ્કળ પ્રમાણમાં પાણી જવું જ જોઈએ. તે માટે દર્દીને પાણીને બદલે ખાંડ મીઠાનું પ્રવાહી આપવું જરૂરી છે. એને ‘ઓ આર એસ’ કે ‘જીવનરક્ષક પ્રવાહી’ તરીકે ઓળખવામાં આવે છે. દર્દીની ઉંમર ધ્યાનમાં રાખીને દર્દીને તાજા ફળના રસ, લીંબુનું શરબત, દાળનું ઓસામણ, ભતનું પાણી, ખીચડી, મગ, દહીં, છાશ, વગેરે છૂટથી આપવા જોઈએ. ખૂબ જ નાના બાળકને માતાનું દૂધ આપી શારીરિક નબળાઈ અને ડિહાઈડ્રેશનની સમસ્યાને નિવારી શકાય છે.

તાવ પછીની નબળાઈ:

અત્યારની ઋતુમાં વારંવાર થોડો થોડો તાવ આવવો સહજ થઈ ગયું છે અને તે સાથે જ ઘણી બધી દવા લેવી એ પણ સરળ થઈ ગયું છે. આવા દર્દીને દવાના રિએક્શન અને શારીરિક નબળાઈમાંથી ઉગારી લેવા માંદગી દરમિયાન હળવો અને પ્રવાહી ખોરાક વધારે આપવો જેમ કે છાશ- સૂપ-ઓસામણ વગેરે. તાવ ઉતરે તે પછી પોચો ને પચવામાં હલકો ખોરાક આપવો જોઈએ, જેમાં મગ અથવા તુવેરની દાળની ખીચડી, ફણગાવીને બાફેલા કઠોળને સમાવી શકાય. આનાથી શરીરને પોષણ મળી રહે. તાવ ઉતર્યા પછી એકસાથે ભારે રોજિંદા ખોરાક પર ચડવાને બદલે ક્રમશ: ધીમે ધીમે સામાન્ય રોજિંદો આહાર લેવો અન્યથા મંદ થયેલ જઠરાગ્નિ સાવ ઠરી જઈ વધુ વિકૃતિ ઉત્પન્ન કરે છે.

એક વાતનું ખાસ ધ્યાન રાખવું : આવી નાની મનાતી બીમારી દરમિયાન ખૂબ તીખો- તેલ-મસાલાવાળો- ચટપટો કે ચટાકેદાર ખોરાક કે વાનગી જે તે રોગમાં નુકસાનકારક ખોરાક ત્યાગવો જોઈએ.

આમ નાની-નાની અને નજીવી લાગતી માંદગીમાં જો ખોરાક તરફ પૂરતું ધ્યાન આપવામાં આવે તો માંદગીને વહેલી મટાડી શકાય ઉપરાંત એમાંથી ઉત્પન્ન થતી બીજી ગંભીર બીમારીઓમાંથી બચી શકાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો