વરિષ્ઠ નાગરિકોનો આરોગ્ય વીમો પ્રીમિયમમાં વર્ષે 10 ટકા કરતાં વધારે વૃદ્ધિ નહીં થાય

નિશા સંઘવી
જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ વીમાની જરૂર પણ વધતી જાય છે. જોકે, ઉંમર વધવાની સાથે સાથે જ્યારે વીમાના પ્રીમિયમમાં વધારો થાય ત્યારે ઘણું આકરું લાગે…
આ વાતને ધ્યાનમાં રાખીને ‘ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ઇરડાઇ)એ હમણાં 30 જાન્યુઆરીએ વરિષ્ઠ નાગરિકોના વીમા વિશે એક અગત્યનો નિર્ણય લીધો છે. એ અનુસાર, વરિષ્ઠ નાગરિકો એટલે કે 60 વર્ષથી વધુ વયના લોકો માટેના વાર્ષિક પ્રીમિયમમાં વર્ષે 10 ટકા કરતાં વધારેની વૃદ્ધિ થવી જોઈએ નહીં…
‘ઇરડાઇ’ના નિર્ણયની પાર્શ્વભૂમિ
‘ઇરડાઇ’એ ઉક્ત નિર્ણય લેવો પડ્યો, કારણ કે છેલ્લા થોડા સમયમાં વીમા કંપનીઓએ વરિષ્ઠ નાગરિકો માટેની આરોગ્ય વીમાની કેટલીક પ્રોડક્ટ્સના પ્રીમિયમમાં ધરખમ વધારો કર્યો હતો. એક બાજુ ફુગાવો ને બીજી બાજુ પ્રીમિયમમાં વૃદ્ધિ, એમ બન્ને બાજુએથી વરિષ્ઠ નાગરિકો પર મોટો બોજ આવી ગયો હતો. પરિપત્રકમાં શું કહ્યું છે…
‘ઇરડાઇ’એ કહ્યું છે કે વીમા કંપનીઓ વરિષ્ઠ નાગરિકો માટેના પ્રીમિયમમાં વર્ષે 10 ટકા કરતાં વધારે વૃદ્ધિ કરી નહીં શકે. જો વીમા કંપનીને એનાથી વધારે વૃદ્ધિ કરવાની જરૂર જણાય અથવા તો વરિષ્ઠ નાગરિકો માટેની કોઇ પ્રોડક્ટ પાછી ખેંચી લેવાનો એનો વિચાર હોય તો એણે પહેલાં ‘ઇરડાઇ’ સાથે ચર્ચાવિચારણા કરવાની રહેશે. એમણે પ્રીમિયમમાં 10 ટકા કરતાં વધારે વૃદ્ધિ કરવાની રહેશે અને એની જરૂરિયાત પણ ‘ઇરડાઇ’ના ગળે ઉતારવાની રહેશે.
વરિષ્ઠ નાગરિકોને રાહત
સ્વાભાવિક છે કે પ્રીમિયમમાં વૃદ્ધિની એક મર્યાદા આવી જવાથી વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત મળશે અને વીમાનું કવચ વધારે બોજ વગર ટકાવીને રાખી શકશે. વરિષ્ઠ નાગરિકોની આવક પણ ઓછી થઈ ગઈ હોય છે અને જેમને પારિવારિક ટેકો ન હોય એવા વૃદ્ધો માટે તો પ્રીમિયમમાં કરાયેલી વૃદ્ધિ ઘણી ભારે પડતી હોય છે.
વીમા ઉદ્યોગનો શું છે પ્રતિસાદ..
વીમા ઉદ્યોગે હવે ‘ઇરડાઇ’ના આ નિર્ણયને અમલમાં મૂકવો પડશે અને એની માર્ગદર્શિકા મુજબ પ્રીમિયમનું માળખું ઘડવું પડશે. એમણે વરિષ્ઠ નાગરિકોને પ્રીમિયમ બોજારૂપ લાગે નહીં એની તકેદારી લેવી પડશે.
‘ઇરડાઇ’એ વરિષ્ઠ નાગરિકોની આર્થિક અને સામાજિક સ્થિતિનો વિચાર કરીને આ નિર્ણય લીધો એ ઘણું સારું કહેવાય. એનાથી વરિષ્ઠ નાગરિકોનાં હિતનું રક્ષણ થશે. દેશમાં વધુ ને વધુ લોકો જીવન વીમો અને આરોગ્ય વીમાનો લાભ લે એ અગત્યનું છે, કારણ કે વીમા દ્વારા આર્થિક સુરક્ષા મળે છે. મોટી ઉંમરે આ સુરક્ષાની જરૂર પણ વધારે હોય છે. આરોગ્ય વીમાની મદદથી સિન્યિર સિટિઝન્સ પોતાના આરોગ્યને વધુ સારી રીતે સાચવી શકે છે.
પ્રીમિયમમાં ઓચિંતો વધારો થાય એ કોઈ પણ વ્યક્તિને ઘણું ભારે પડતું હોય છે. વીમા પોલિસીના નવીનીકરણ વખતે આવી પડેલો મોટો ખર્ચ માણસને વિચારતો કરી મૂકે છે. શક્ય છે કે લોકો પોતાના વીમાનું કવચ ઘટાડી નાખે અથવા તો પૉલિસી બંધ કરાવી દે. આ સ્થિતિ એમના માટે વધુ હાનિકારક પુરવાર થાય છે. દેશમાં જ્યારે વીમાનું કવચ વધારે લોકો સુધી પહોંચાડવા માટે સરકાર નવા સુધારા લાવી રહી છે ત્યારે વીમા કંપનીઓ પ્રીમિયમમાં આડેધડ વધારો કરે એ પગલું સરકારના ઉદ્દેશ્યથી વિપરીત કહેવાય. આથી સ્વાભાવિક છે કે સારા નિયમનકાર તરીકે ‘ઇરડાઇ’ પ્રીમિયમમાં વૃદ્ધિની મર્યાદા નક્કી કરે અને વરિષ્ઠ નાગરિકોને રક્ષણ આપે તે આ તબક્કે ઉપકારક અને જરૂરી હતું, જે એણે કર્યું છે.