તરોતાઝા

ધાર્મિક દ્રષ્ટિએ થતા ઉપવાસનું વૈજ્ઞાનિક મહત્વ

કવર સ્ટોરી – અભિમન્યુ મોદી

મેદસ્વિતા, મધુપ્રમેહ, હૃદય, યકૃત તથા મૂત્રપિંડના રોગો, ટાઇફોઇડ તાવ વગેરે રોગોમાં ઉપચારાર્થે અમુક પ્રકારના અન્નનો ત્યાગ સૂચવાય છે.

ઉપવાસના અનેકવિધ પ્રકારો હોય છે. શ્રાવણના ઉપવાસમાં ફરાળ કરી શકાય, એકટાણું કરી શકાય. જૈનોના ઉપવાસ વધુ આકરા હોય છે. દિવસ દરમિયાન ઉકાળેલા પાણી સિવાય બધા જ પ્રકારના ખોરાકનો સંપૂર્ણ નિષેધ હોય છે. ઉપવાસનું ભારત દેશમાં ધાર્મિક મહત્વ ખુબ છે પરંતુ સાથે સાથે તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ જાણવા જેવું છે.

હિંદુ સંસ્કૃતિ મુજબ ઉપવાસ ઉપવાસ એટલે સમીપે રહેવું. ઇન્દ્રિય નિગ્રહપૂર્વક મનને ઇષ્ટદેવમાં પરોવવું એ તેનો ફલિતાર્થ છે. વૈદિક તેમજ સ્માર્ત કર્મકાંડમાં મુખ્ય કર્મવિધિ જે દિવસે કરવાનો હોય તેના આગલા દિવસે યજમાને તે કર્મમાં ઉપયુક્ત સાધનસંભાર અગ્નિશાળામાં એકઠાં કરી, દીક્ષા ગ્રહણ કરી, અનૃત વ્યવહાર તજી, સત્યાચરણપૂર્વક રાત્રે અગ્નિશાળામાં વસવાનું હોય છે. તે કર્મમાં નિમંત્રિત દેવો પણ તે રાત્રે અતિથિ થઈ અગ્નિશાળામાં આવી વસે છે. યજમાને આમ અગ્નિ અને દેવોની સંનિધિમાં વસવાનું બને છે. તેથી ઉપવાસનો લાક્ષણિક અર્થ, વ્રતોપવાસપૂર્વક દેવ સમીપે વસવું’ એવો થાય છે.

ઉપવાસ એ શ્રૌતગૃહ્યાદિ કર્મોમાં આવશ્યક શુદ્ધિનું સાધન છે. તેથી કર્મકાંડમાં ઉપવાસનું વિધાન છે. ધર્મશાસ્ત્રો અને પુરાણોમાં ઉપવાસનો ઘણો મહિમા વર્ણવાયો છે. સ્વતંત્ર વ્રત રૂપે તેનું નિરૂપણ કરાયું છે તથા પ્રસંગ અને પ્રકારભેદે તેનું સૂક્ષ્મ નિરૂપણ થયેલું છે. દેવતા પ્રત્યેની ભક્તિના નિમિત્તે, શુદ્ધ નિમિત્તે, કોઈ કર્મવિધિ કે વ્રતના અંગ રૂપે, વિશિષ્ટ પ્રસંગ નિમિત્તે કે પ્રાયશ્ચિત્ત નિમિત્તે ઉપવાસ થાય છે. નિમિત્ત અનુસાર અને આહાર, અનાહાર તેમજ સમયમર્યાદા અનુસાર તેના અનેક ભેદો છે. શિવરાત્રી, કૃષ્ણજન્માષ્ટમી, રામનવમી આદિના ઉપવાસ તે તે દેવ પ્રત્યેની ભક્તિશ્રદ્ધાના દ્યોતક છે. એકાદશી હરિવાસર (હરિનો દિવસ) કહેવાય છે તે પણ વિષ્ણુભક્તિનો દ્યોતક છે. જુદા જુદા માસોની અનેક તિથિઓ તે તે દેવની જયન્તી તરીકે ઊજવાય છે. એ નિમિત્તનો ઉપવાસ પણ ભક્તિદ્યોતક ઉપવાસ છે. શ્રૌતગૃહ્ય કર્મોમાં દીક્ષા નિમિત્તે અને શુદ્ધિ અર્થે ઉપવાસ થાય છે. મન-કર્મ-વચનની શુદ્ધિ અર્થે પણ ઉપવાસ થાય છે. કોઈ અપવિત્ર કે અમેધ્ય પદાર્થના સંસર્ગને લીધે આવેલી અશુદ્ધિ દૂર કરવા સારુ ઉપવાસ થાય છે. ગ્રહણના અશૌચ વગેરે પ્રસંગે ઉપવાસ થાય છે. ધર્મવિધિમાં થયેલી ક્ષતિ કે પાપાચરણના પ્રાયશ્ર્ચિત્ત રૂપે પણ ઉપવાસ થાય છે.

એક ઉપવાસમાં આગલા દિવસનું સાયં ભોજન, મુખ્ય દિવસના બંનેય ભોજન અને પછીના દિવસનું પ્રથમ ભોજન એમ ચાર ભોજન તજવાં એમ વિહિત છે. કૃચ્છ્ આદિવ્રતોમાં એક પક્ષ જેટલા સમયના ઉપવાસ થાય છે. ચાંદ્રાયણ વ્રતમાં શુક્લ-કૃષ્ણ પક્ષ અનુસાર ચંદ્રકલાની વધઘટ પ્રમાણે તેટલા ગ્રાસ લઈ પરિમિત ભોજન કરાય છે. કેટલાક ઉપવાસોમાં નિરાહાર રહેવાનું હોય છે.

બધા ઉપવાસ પૂર્ણ નિરાહારરૂપ હોતા નથી. નિરાહાર ઉપવાસમાં પણ નિયત હવિષ્યાન્ન, દૂધ કે ફળનો પરિમિત આહાર કરી શકાય છે. પ્રાયશ્ર્ચિત્ત નિમિત્તના ઉપવાસમાં અનાહાર કે અતિ પરિમિત આહાર કરવાનો હોઈ આવા ઉપવાસ કષ્ટસાધ્ય હોય છે. કોઈ વ્યાવહારિક હેતુની સિદ્ધિ માટે કે કોઈ કારણે હઠપૂર્વક આમરણ અનશન થાય છે, એને પ્રાયોપવેશન કહે છે પણ તે ઉપવાસ નથી.

કોઈ પણ અનશનમાં મન, કર્મ, વચનની ત્રિવિધ શુદ્ધિ અને મન દ્વારા દેવતાનું સાંન્નિધ્ય હોય ત્યારે જ તે નિમિત્તનો અનાહાર ઉપવાસ કહેવાય. અન્નાભાવે થતો અનાહાર કે સ્વાસ્થ્યસાધનાર્થે થતો મિતાહાર કે અનાહાર પણ પ્રસ્તુત અર્થમાં ઉપવાસ નથી.

અન્નત્યાગ સ્વૈચ્છિક અથવા અન્ય કારણસર હોઈ શકે. અપચો, યકૃત(લીવર)ના કમળા જેવા વિકારો, મનોવિકારી અરુચિ એટલે કે મેન્ટલ સ્ટ્રેસ, ચિંતા તથા અન્ય માનસિક અસ્વસ્થતાઓ, લાંબા ગાળાના ક્ષય જેવા ચેપજન્ય રોગો વગેરેમાં ભૂખ ન લાગવાને કારણે પણ સંપૂર્ણ અથવા મર્યાદિત અન્નત્યાગ થાય છે. ઘણી વખતે શારીરિક કે પ્રયોગશાળાકીય ચકાસણી માટે પણ ટૂંકા સમય પૂરતો અન્ન તથા પાણીનો ત્યાગ કરવાનું સૂચવાય છે. મેદસ્વિતા, મધુપ્રમેહ, હૃદય, યકૃત તથા મૂત્રપિંડના રોગો, ટાઇફોઇડ તાવ વગેરે રોગોમાં ઉપચારાર્થે અમુક પ્રકારના અન્નનો ત્યાગ સૂચવાય છે. પાણીના ત્યાગથી નિર્જલન – ડી હાયડ્રેશન અને ધાતુક્ષારોના આયનોના પ્રમાણમાં વિકારો સર્જાય છે.અન્નત્યાગથી થતા ચયાપચયી- મેટાબોલીક ફેરફારો સમજવા માટે પ્રાણીઓ અને માણસો પર અભ્યાસો થયા છે. નોંધાયેલા કિસ્સાઓ પ્રમાણે જોતાં સંપૂર્ણ અન્નત્યાગ પછી માણસ વધુમાં વધુ ૯થી ૧૦ અઠવાડિયાં જીવી શકે છે. અન્નત્યાગને કારણે વજન, ન્યૂનતમ ચયાપચયી દર એટલે કે બેઝલ મેટાબોલિક રેટ, લોહીનું દબાણ, નાડીના ધબકારા તથા શરીરનું તાપમાન ઘટે છે; જ્યારે ૨થી ૫ દિવસમાં કીટોન દ્રવ્યનું ઉત્પાદન અને લોહી તથા પેશાબમાંનું તેમનું પ્રમાણ વધવા માંડે. અન્નત્યાગના સમયે શક્તિ એટલે કે કેલરી સૌપ્રથમ કાર્બોહાઇડ્રેટ-ગ્લાયકોજનમાંથી મળે છે. બીજા તબક્કામાં સંગ્રહિત ચરબી અને છેલ્લે પેશીમાંનું પ્રોટીન વાપરીને શક્તિ મેળવાય છે, શક્તિ મેળવ્યા પછી બાકી રહેતો નાઇટ્રોજનવાળો પ્રોટીનનો ભાગ પેશાબમાં યુરિયા રૂપે વહી જાય છે. પેશાબમાંના નાઇટ્રોજનને ૬.૨૫ વડે ગુણતાં તે સમયે થઈ રહેલો પ્રોટીનનો વ્યય જાણી શકાય છે. સામાન્યત: શરીરના પ્રોટીનમાં દર ૨૪ કલાકે થતો ઘટાડો ૫૦ ગ્રામ જેટલો હોય છે. અન્નત્યાગ સમયે શરીરની બધી પેશીઓમાં એકસરખો ઘટાડો થતો નથી. ચરબીનો વ્યય થતો હોય ત્યારે કોષ બહારનું પાણી અને જ્યારે પ્રોટીનનો વ્યય થતો હોય ત્યારે કોષની અંદરનું પાણી ઘટે છે. સૌથી છેલ્લે કોષોમાંની અંગિકાઓ ઘટે છે. શરીરના વજનના ઘટાડા સાથે યકૃત, સ્નાયુઓ, બરોળ અને જઠર-આંતરડાંના વજનનો ઘટાડો સમાંતર રીતે થાય છે, પરંતુ અન્ય અવયવોના વજનમાં થતો ઘટાડો ઓછો હોય છે. જ્યારે સ્નાયુઓમાં થયેલો ઘટાડો ૩૫ % જેટલો હોય ત્યારે મૂત્રપિંડમાં ૨૦ % જેટલો, અંત:સ્રાવી ગ્રંથિઓ અને જનનગ્રંથિઓમાં ૨ %થી ૮ % જેટલો અને કેન્દ્રીય ચેતાતંત્રમાં માંડ ૫ % જેટલો જ ઘટાડો નોંધાયો હોય છે.

લાંબા સમયના અન્નત્યાગથી ક્ષીણતા, અવયવભ્રંશ, સોજા આવવા, ન્યૂનતમ ચયાપચયી દરમાં ઘટાડો, ચેપ-પ્રતિકારમાં ઘટાડો, માનસિક અસ્વસ્થતાઓ, કીટોન દ્રવ્યોમાં વધારો, અમ્લતા- એસીડીટી વગેરે વિકારો ઉત્પન્ન થાય છે. મધુપ્રમેહના દર્દીમાં ચયાપચયી વિકારો વધુ ઝડપી અને તીવ્ર હોય છે. ક્ષીણતા, ચેપ અને કીટોઅમ્લતા વિવિધ અવયવોના કાર્યમાં વિક્ષેપ આણે છે. તેથી ગાઢ બેભાન-અવસ્થા અને મૃત્યુ થાય છે. તેથી લાંબા ગાળાના ઉપવાસ કરતી વખતે કે છોડતી વખતે તબીબી નિરીક્ષણ થવું જોઈએ. પુખ્તવયની દરેક વ્યક્તિએ નિયમિતપણે તેના શરીરને માફક આવે એ રીતે ઉપવાસ કરતા રહેવા જોઈએ. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button