તરોતાઝા

ફાઈનાન્સના ફંડાઃ આ રિવર્સ મોર્ગેજ લોન એટલે શું?

  • મિતાલી મહેતા

રહેણાક મિલકત વૃદ્ધાવસ્થામાં, ખાસ કરીને વારસદારો નહીં ધરાવતા વરિષ્ઠ નાગરિકોને કેવી રીતે ઉપયોગી થઈ શકે છે એનું એક સારું ઉદાહરણ એટલે રિવર્સ મોર્ગેજ લોન. આ પ્રકારની લોન ભારતમાં શરૂ થયાને સારો એવો સમય થઈ ગયો છે, પરંતુ લોકોમાં એના વિશે વધુ જાગરૂકતા નથી. તો ચાલો, ઘર વેચ્યા વગર એમાંથી નિયમિત રકમ પ્રાપ્ત કરવા માટેના આ વિકલ્પ વિશે જાણી લઈએ…

પોતાની માલિકીના ઘરને વેચ્યા વગર એને રિવર્સ મોર્ગેજમાં આપીને દર મહિને અમુક નિશ્ચિત રકમ પ્રાપ્ત કરી શકાય એવી આ વ્યવસ્થા છે. આ પ્રકારની લોનનો સૌથી મોટો ફાયદો એ છે કે વરિષ્ઠ નાગરિકોએ પોતાના બાકી રહેલા આયુષ્યમાં એની પરત ચુકવણી કરવાની હોતી નથી. આમ એમના પર મુદ્દલ અને વ્યાજની ચુકવણીનો બોજો આવતો નથી.

આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે રહેણાક પ્રોપર્ટી ભાડે આપીને એમાંથી આવક પ્રાપ્ત કરી શકાય છે. કેટલાક લોકો પ્રોપર્ટીની સામે લોન પણ લઈ લેતા હોય છે. જોકે, હવે આ બન્ને વિકલ્પ ઉપરાંત રિવર્સ મોર્ગેજનો વિકલ્પ ઉપલબ્ધ થયો છે.
રિવર્સ મોર્ગેજ કઈ રીતે કામ કરે છે એનું એક ઉદાહરણ લઈએ. ધારો કે તમારી પાસે રહેણાક પ્રોપર્ટી છે. તમે કોઈ બૅન્ક પાસેથી રિવર્સ મોર્ગેજના આધારે લોન લેવા માગો છો. બૅન્ક તમારી પ્રોપર્ટીનું મૂલ્યાંકન કરવા માટે વેલ્યૂઅરને મોકલશે. એમણે આપેલા વેલ્યૂએશન રિપોર્ટના આધારે બૅન્ક તમને તમારા ઘરની સામે મહત્તમ કેટલી લોન મળી શકે છે એ જણાવશે. મોટા ભાગની બૅન્કો રિવર્સ મોર્ગેજ સ્કીમ હેઠળ ઘરના મૂલ્યના 80 ટકા સુધીની લોન આપે છે. આ વાત એક ઉદાહરણ દ્વારા સમજીએ…

ધારો કે તમારા ઘરનું મૂલ્ય એક કરોડ રૂપિયા છે તો એ સ્થિતિમાં તમને મહત્તમ 80 લાખ રૂપિયાની લોન મળી શકે છે. જોકે, લોન આપતી વખતે બૅન્ક કરજ લેનારની ઉંમર, પ્રવર્તમાન વ્યાજદર વગેરે પરિબળોનો પણ વિચાર કરશે.
પ્રોપર્ટી સામે લોન આપવામાં આવે ત્યારે એકસામટી રકમ મળે છે, પરંતુ રિવર્સ મોર્ગેજમાં દર મહિને, ત્રણ મહિને, છ મહિને કે વર્ષે અથવા એકસામટી અથવા બન્ને પક્ષે નક્કી થયેલી શરતો મુજબ રકમ મેળવવાના વિભિન્ન વિકલ્પ ઉપલબ્ધ હોય છે. ઉક્ત ત્રણે વિકલ્પનું સંયોજન પણ કરી શકાય છે.

આ લોન પરના વ્યાજદરમાં દર ત્રણ મહિને ફેરફાર કરવામાં આવે છે તથા લોનની મુદત મહત્તમ 20 વર્ષની હોય છે. જોકે, મોટા ભાગની બૅન્કો 15 વર્ષની લોન આપવાનું જ પસંદ કરે છે.
કરજદારને નક્કી થયેલી શરતો મુજબ જેટલી રકમ ચૂકવવામાં આવે એના પર વ્યાજ લાગુ કરવામાં આવે છે.

સમય જતાં કરજદારને મળતી રકમ સતત વધતી જાય છે અને તેથી જેમ જેમ વધુ સમય પસાર થાય તેમ તેમ રિવર્સ મોર્ગેજ લોન પરના વ્યાજનું પ્રમાણ વધતું જાય છે. વ્યાજની આ રકમ બૅન્કે મંજૂર કરેલી રકમમાંથી બાદ કરવામાં આવે છે અને એના આધારે દર મહિને અપાનારી રકમ નક્કી થાય છે.

Also read: વિશેષ: ખાવાની આ કેટલીક આદત તમને શિયાળામાં ફિટ રાખશે…

લોનની મુદતના અંતે બૅન્ક પાસેથી મળનારી રકમ બંધ થઈ જશે, પરંતુ એ લોન પાછી ચૂકવવાની જરૂર નહીં પડે. કરજદાર પોતાની રહેણાક પ્રોપર્ટીમાં રહી શકશે. જો કરજદાર ઘર વેચવાનું નક્કી કરે અથવા કાયમ માટે ઘર છોડીને બીજે રહેવા જાય અથવા મૃત્યુ પામે એ જ સંજોગોમાં બૅન્ક એ પ્રોપર્ટીની માલિકી લઈ લેશે. જો કરજદારનું મૃત્યુ થાય અથવા એ કાયમ માટે પ્રોપર્ટી છોડીને બીજે રહેવા જાય એ સ્થિતિમાં ઘરના વેચાણ દ્વારા વ્યાજ અને મુદ્દલ પ્રાપ્ત કરવામાં આવે છે.

આમ તો કરજદાર કે એમના વારસદાર વ્યાજ અને મુદ્દલની ચુકવણી કરીને ઘરને મોર્ગેજમાંથી મુક્ત પણ કરાવી શકે છે. વળી, કરજદાર કે એમના વારસદાર મુદત પૂર્વે પણ લોન પરત કરી શકે છે. વધતી જતી આયુ અને વારસદાર વિનાનાં નિવૃત્ત એવાં પુરુષ-સ્ત્રી માટે આ એક આદર્શ વિકલ્પ કહી શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button