તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

નિવૃત્તિમાં કેટલું ધન જરૂરી….? 

ગૌરવ મશરૂવાળા

નિવૃત્તિનું આયોજન એ શું ફક્ત નાણાકીય આયોજન હોય છે કે પછી ફક્ત માનસિક સંતોષ ખાતરનું આયોજન હોય છે? 

કોઈને પણ થાય :

નિવૃત્તિકાળમાં પોતાની પાસે કેટલાં નાણાં હોય તો સંપૂર્ણ માનસિક સલામતી સાથે નિવૃત્ત થઈ શકે?  સામાન્ય રીતે, મોટાભાગના લોકો નિવૃત્તિ વખતના ભંડોળનો અમુક આંકડો નક્કી કરી રાખે છે. જો કે, એટલી રકમ ભેગી થઈ ગયા પછી માણસની જરૂરિયાતો તો ઠીક, ઈચ્છાઓ વધી જતી હોય છે. જો ફરજિયાતપણે નિવૃત્ત કરી દેવામાં ન આવે તો કોઈ માણસ નિવૃત્ત થવાનું નામ જ ન લે ! આથી જ ઘણા નાના વેપારીઓ તબિયત  સારી હોય-સાથ આપે ત્યાં સુધી બિઝનેસ કરતા રહે છે.  ‘મારી ઉંમર ૮૦ વર્ષ થઈ ગઈ છે, પણ હું હજી રોજ દુકાને જાઉં છું’  એવું કહેતા ઘણા લોકોને આપણે જોયા-જાણ્યા છે.

Also read: સ્વાસ્થ્ય સુધા : મસાલાની રાણી એલચીના છે કમાલના લાભ

લોકો કામ-ધંધો ચાલુ રાખે છે તેનાં બે કારણ હોય છે :

એક:  એમણે કદી કોઈ હોબી વિકસાવી હોતી નથી અથવા તો નિવૃત્તિ પછી કરવાની કોઈ પ્રવૃત્તિ વિશે એમણે વિચાર્યું હોતું નથી. 

બે : પરિવારના ભરણપોષણ વિશે એમને ચિંતા હોય છે.

નિવૃત્ત થનારી વ્યક્તિ ભાવિ પેઢી વિશે પોતાની જવાબદારીને લઈને પણ ચિંતિત હોય છે. ઘણા વાલીઓને ચિંતા હોય છે કે એમનાં સંતાનો જીવનના ઝંઝાવાતોનો સામનો કરવા સજ્જ નથી. હજી ગયા મહિનાની જ વાત છે. એક વૃદ્ધ યુગલ મારી ઓફિસમાં આવ્યું. એમની પાસે નિવૃત્તિકાળ માટેનું પાંચ કરોડ રૂપિયાનું ભંડોળ જમા હતું. આમ છતાં વડીલ નિવૃત્ત થવા માગતા ન હતા. એમને લાગતું હતું કે  દીકરો હજી સેટલ થાય. એમને પૂછ્યું તો ખબર પડી કે દીકરો ઉચ્ચ શિક્ષિત યુવાન હતો. વાસ્તવમાં વડીલને  જ નિવૃત્ત થવાનું ગમતું ન હતું. રાબેતા મુજબનાં કામકાજ બંધ કર્યા પછી પોતે શું કરશે એ વિશે ખુદ અવઢવમાં હતા.

Also read: કેવું નઇ? આપણા બેસણામાં બધા હાજર ને આપણે જ ગેરહાજર?

એવું પણ જોવા મળ્યું છે કે કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરતા હોય એ વખતે સમાજમાં માન-મરતબો હોય છે, પણ પછી સામાન્ય વ્યક્તિની જેમ જીવવાનું ઘણાને ગમતું નથી. મોટી કંપનીમાં વાઈસ પ્રેસિડન્ટના હોદ્દે રહી ચૂકેલી એક વ્યક્તિને કામને લીધે એટલી બધી માનસિક તાણ રહેતી હતી કે તેને લીધે એમની તબિયત ઘણી કથળી ગઈ હતી. ડોક્ટરોએ એમને જોબ છોડી દેવાની સલાહ આપી હતી. 

જો કે, નિવૃત્ત થયા પછી એમણે તરત જ નવાં વિઝિટિંગ કાર્ડ બનાવડાવ્યાં અને ક્ધસલ્ટન્ટ તરીકેનો હોદ્દો લખાવી લીધો. વાઈસ પ્રેસિડન્ટના પદ પર રહ્યા પછી નિવૃત્ત થયે પોતાનું કોઈ વિઝિટિંગ કાર્ડ જ ન હોય એ સ્થિતિ-એ વાત પોતે પચાવી શક્યા નહીં.

નિવૃત્તિ એ જીવનનું એવું સંક્રમણ છે, જેમાં તમારે એક સ્થિતિમાંથી બીજીમાં પ્રવેશવાનું હોય છે.વ્યવસાયી જીવનમાંથી બહાર નીકળીને બિન-વ્યવસાયી જીવન જીવવા તરફનું અને કમાનાર વ્યક્તિ પરથી નિર્ભર વ્યક્તિ બનવા તરફનો એ તબક્કો હોય છે. એ સમયે છેલ્લા શ્ર્વાસ સુધી પોતાની પાસેનું ધન ટકશે કે કેમ એ ચિંતાનો વિષય હોય છે. પોતાના ભંડોળ પર કે સંતાનોની આવક પર નભવું એ સ્થિતિ કોઈ પણ નિવૃત્ત વ્યક્તિના મનમાં ગ્લાનિ સર્જતી હોય છે.

આ  મુજબની સ્થિતિમાં કોઈ સ્પષ્ટ ઉકેલ હોતો નથી, કારણ એ કે મનુષ્યની ચિંતાઓ અર્ધજાગૃત મનમાંથી જન્મતી હોય છે. તેમાં કોઈ તર્ક ચાલતા નથી. નિવૃત્તિકાળમાં સૌથી સારો ઉપાય પોતાની જાત સાથે સમજૂતી કરી લેવાનો છે. જોકે, આ વાત કહેવી સહેલી છે, એનો અમલ કરવો મુશ્કેલ છે.

Also read: ફોકસ: હાર્ટ-અટૅક ને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે શું છે તફાવત?

મોટાભાગના નિવૃત્ત લોકો ભૂતકાળને ભૂલી શકતા નથી. પોતે હવે અમુક કંપનીના ‘જનરલ મેનેજર મિસ્ટર મહેતા’ નહીં, પણ ફક્ત મિસ્ટર મહેતા’ જ છે. તે વખતેે એ પણ ભૂલી જાય છે કે કારકિર્દીની શરૂઆત કરતી વખતે પણ એ ફક્ત ‘મહેતા’ જ હતા. સમાજમાં તો એમને પ્રેમ અને આદર ત્યારે પણ મળતા હતા અને હવે પણ મળશે.

આમ છતાં, લોકો પોતાની પાસેની ધુરા- કાબૂ છોડવા પણ તૈયાર હોતા નથી. ઘણા વેપારીઓ નવી પેઢીને સુકાન આપવા તૈયાર થતા નથી. અહીં નોંધવું ઘટે કે માણસને પોતાની પાસેની સંપત્તિથી ક્યારેય સંતોષ થતો નથી. ખરું પૂછો તો સંપત્તિ સંતોષ આપી શકતી નથી. વાસ્તવમાં સંપત્તિ અવકાશ પૂરવાને બદલે અવકાશ સર્જે છે. આમ છતાંય માણસે ક્યારેક તો ખમૈયા કરવા જ  પડે છે. બીજા શબ્દમાં નિવૃત્તિ એટલે બીજું કંઈ નહીં, પણ ‘સ્વ તરફનું પ્રયાણ’. જીવનના આ સૌથી છેલ્લા અને સૌથી મોટા બદલાવ વખતે જો માણસ જાત સાથે સમજૂતી કરી લે તો આ સમય પણ ઘણી જ સરળતાથી પસાર થઈ જાય છે.                                       

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button