બેદરકાર નહીં રહેતા વરસાદમાં તો વળી કિચન ગાર્ડનની નિયમિત દેખભાળ ખૂબ જરૂરી હોય છે
વિશેષ -અનુ આર.
વરસાદમાં આપણે છોડને પાણી નથી પાવું પડતું. વળી વરસાદના પાણીમાં ખૂબ ખનિજ તત્ત્વો પણ હોય છે અને વાતાવરણ પણ કુદરતને અનુકૂળ હોય છે. આ કારણે ચોમાસામાં આપમા કિચન ગાર્ડનના છોડવાઓનો વિકાસ ઘણો સારો થાય છે. છોડવાઓ પાણીથી ધોવાઇને વધુ સાફ અને ચમકીલા દેખાય છે. જોકે, આનાથી એમ માની લેવાની જરૂર નથી કે આ ઋતુમાં આપણા ગાર્ડનને દેખભાળ કે સારસંભાળની જરૂર નથી હોતી. હકીકત તો એ છે કે આ સમયમાં બાકીની ઋતુઓની તુલનામાં વધારે અને નિયમિત દેખભાળની જરૂર પડતી હોય છે. તો જ આપણને સંજીવની જેવા વરસાદનો વધુ લાભ મળે છે.
વરસાદની મોસમમાં આપણે ઉગાડેલા છોડનો વિકાસ તો થવા લાગે છે, પણ સાથે સાથે એની આજુબાજુ ન કામની, જંગલી વનસ્પતિ પણ ઊગી નીકળતી હોય છે, કારણ કે તેમને પણ વરસાદમાં પાણી અને કુદરતી વાતાવરણ મળતું હોય છે. એટલે આ દિવસોમાં રોજ નહીં તો અઠવાડિયામાં બે વાર આવી જ્યાં ત્યાં ઊગી નીકળેલી વનસ્પતિનો નિકાલ કરવો જરૂરી છે. નહીં તો માટીમાંથી મળતું પોષણ અને શક્તિ જે આપણા ઉગાડેલા છોડોને મળતી હોય એમાં આ છોડો પણ ભાગ પડાવે છે.
જો તમારા છોડ કુંડામાં હોય અને રાત્રે જોરદાર વરસાદ થયો તો કુંડા પાણીથી લથબથ થઇ જાય છે. સવારે કોઇ પણ હાલતમાં આ પાણી કુંડામાંથી કાઢી લેવું જોઇએ. આ જ ક્રિયા જમીનમાં ઉગેલા છોડો માટે પણ કરવી જરૂરી છે. છોડોની આસપાસ વધુ પાણી જમા થઇ જાય તો તેમનો વિકાસ થતો નથી ઉલટાના કરમાઇ જાય છે. આ ઋતુમાં એવું પણ બને છે કે ઘણા દિવસો સુધી- ક્યારેક અઠવાડિયા સુધી વરસાદ પડતો નથી અને તડકો પણ સારો એવો હોય છે. આ દિવસોમાં તમારે ધ્યાન દઇને છોડોને પાણી પાવું જોઇએ. વળી પાછો વરસાદ આવવા માંડે તો પાણી પાવાનું બંધ કરી શકાય. વરસાદી ઋતુમાં પાંદડાઓ ખૂબ ઝડપથી વિકસે છે. પાંદડાઓનું વધતું પ્રમાણ છોડને લાભ કરવાને બદલે નુકસાન વધુ કરે છે. આવા છોડના નીચલા હિસ્સામાંથી પાકી ગયેલા પર્ણોની કાટ-છાંટ કરી લેવા જોઇએ. વચ્ચે વચ્ચે પૂરા છોડની છટણી કરતા રહેવું જોઇએ. તો જ છોડનો સારી રીતે વિકાસ થશે.
આ ઋતુઓમાં છોડવાઓની આસપાસ ભાત ભાતના કીટક, પતંગિયાઓ, કીડી-મકોડાઓનું પ્રમાણ પણ વધી જાય છે.આમાંના કેટલાક ઉપયોગી તો કેટલાંક હાનિકારક પણ હોય છે. એટલે જ અવારનવાર છોડોની છટણી કરવી. કીટકનાશક દવાઓ છાંટવી.નહીંતર કીટકોના હુમલાથી છોડ વિકસવાને બદલે કરમાઇને નાશ પામે છે. વનસ્પતિને ફૂગથી બચાવવા ફૂગવિરોધી દવાઓ પણ છાંટતા રહેવું જોઇએ. છોડ અગર કુંડામાં વાવ્યા હોય તો અવારનવાર તેના સ્થાનની અદલાબદલી કરતા રહેવું જોઇએ. એક જ જગ્યા પર કુંડા રાખી મૂકવાથી ફૂગ લાગી દવાનો ભય રહે છે.
અગર કુંડાની નીચે પ્લેટ રાખી હોય જેથી કુંડામાંથી નીકળતું પાણી પ્લેટમાં જાય તો આ પ્લેટમાં ચોમાસાનું પાણી પણ ભળે છે તો પાણી ઝડપથી ખરાબ થાય છે જે છોડ માટે નુકસાનદાયક સાબિત થાય છે. આ ઋતુમાં પ્લેટો રાખવાની જરૂર નથી અને જો રાખી હોય તો તેમને વારંવાર સાફ કરતા રહેવું જોઇએ.
ટૂંકમાં બીજી મોસમ કરતા આ ઋતુમાં વધુ તકેદારી રાખવી પડે છે. એમ નહીં સમજતા કે છોડોને કુદરતી પાણી મળી રહ્યું છે તો આપણી પૂરી જવાબદારી ખતમ.