વાંચવાનો શોખ એવો નશો છે કે દેશમાં ને આખી દુનિયામાં ફરજિયાત કરવો જોઈએ
આંખો સામે રહેતી વસ્તુઓના જ્ઞાન માટે પણ પુસ્તકો વાંચવા પડે છે – રવીન્દ્રનાથ ટાગોર
જે. ડી. મજેઠિયા
વર્લ્ડ બુક ડે છે આજે. આપણને લાગે કે વર્લ્ડ બુક ડે સાથે આપણે શું સંબંધ? આ તો અંગ્રેજોએ કે અમેરિકન લોકોએ કોઈ દિવસ બનાવ્યો હશે. જેમ વર્લ્ડ થિયેટર ડે, હેપ્પી મધર્સ ડે વગેરે વગેરે અને વરસને વચલે દિવસે આવે એમાં વિશેષ કરવાનું શું હોય? તો આ વિચાર થોડો ભૂલભરેલો છે. આ દિવસને આપણે બીજું નામ પણ આપી શકીએ. હેપ્પી બેસ્ટ ફ્રેન્ડ ડે. બુક્સ આપણા શ્રેષ્ઠ મિત્ર બની શકે. જેમ આપણો બેસ્ટ ફ્રેન્ડ આપણને એકલો ન પડવા દે કે સારા-ખરાબ દરેક પ્રકારના આપણા મૂળમાં આપણી પડખે ઊભા રહે અને આપણને જરૂર હોય ત્યાં માર્ગદર્શન આપે. આપણને દુનિયામાં થતા વિકાસની વાતે વાકેફ રાખે અને જે એક શ્રેષ્ઠ મિત્ર કરી શકે તેવું ઘણું બીજું બધું એક શ્રેષ્ઠ પુસ્તક-નવલકથા કરી શકે અને ફક્ત નવલકથાઓ જ શું કામ તમારા જીવનમાં કોઈપણ પ્રકારના પ્રશ્ર્નોનો ઉકેલ એ વિશેની પુસ્તકમાંથી મળી જાય. આયુર્વેદ માટે ચરકસંહિતા હોય, ધર્મ માટે ભાગવદ્ ગીતા હોય કે પછી ઍક્યુપંકચર, યોગા કે રેસિપી માટે તરલા દલાલની પુસ્તકો હોય. પુસ્તકો દરેક પ્રકારનાં પાત્ર તમારાં જીવનમાં ભજવી શકે.
પુસ્તકઓ સાથેનો સંબંધ આપણા બધાનો એટલે કે જે વાંચી શકે છે એ બધાનો બાળપણનો હોય છે. શાળા વખતથી મારી મનગમતી પુસ્તક હતી બાલભારતી. મારી શાળાનું નામ કાંદિવલીની બાલભારતી સ્કૂલ. મને બાલભારતીમાં આવતા પાઠ જે લગભગ નાનકડી વાર્તાઓ જેવાં જ હતાં અને કવિતાઓ… આ…હા…હા… મને અત્યારે જગજીતસિંહ સાહેબની એક ગઝલ યાદ આવી ગઈ આ લખતાં લખતાં. દૌલત ભી લે લો, યહ શૌહરત ભી લે લો… મગર મુઝે લૌટા દો બચપન કા સાવન, વો કાગઝ કી કસ્તી… આ એટલા માટે કે બધાને લગભગ ખબર છે ગઝલ પૂરી નથી લખતો, પણ એ બાળપણના વાંચનની મઝા જ જુદી છે. બાલભારતી શાળામાં મારી માએ કીધેલી વાર્તાઓ કહેવાની સફર મને શાળામાં પ્રતિષ્ઠા અને એક વ્યસન અપાવતી ગઈ. મારી માએ કીધેલી વાર્તા શાળામાં કહેતો અને સહુને એ બહુ ગમતી. હવે એ લોકોને સાંભળવાનો અને મને કહેવાનો ચશ્કો લાગ્યો હતો. હવે વાર્તા કહેવી કઈ અને ક્યાંથી લાવવી એ ચસ્કો મને લઈ ગયો કાંદિવલી હિતવર્ધક મંડળમાં ચાલતી લાઈબ્રેરી સુધી અને ત્યાંથી મારું નવલકથા વાંચન શરૂ થયું. કેટકેટલી વાર્તાઓ વાંચી અને વાર્તાઓ કહી એ સ્કૂલથી કૉલેજ અને એ દરમિયાન મેં વાંચી. મારી ઓલટાઈમ ફેવરિટ નવલકથા દિનકર જોષી સાહેબની પ્રકાશનો પડછાયો, જે મહાત્મા ગાંધી અને એમનાં જ્યેષ્ઠ પુત્ર હરિલાલની વાત છે.
વાંચવાનો શોખ એવો નશો છે કે દેશમાં અને આખી દુનિયામાં ફરજિયાત કરવો જોઈએ. હું સિડની સેલ્ડન અને જેફ્રી આર્ચરનો પણ સારો એવો ફેન છું. મને યાદ છે કે હું મુદ્રા નામની એડ. એજન્સીમાં જોબ કરવા મરીન લાઇન્સ જતો ત્યારે હંમેશાં એક નોવેલ મારી બેગમાં રાખતો. ટ્રેનમાં ગમે તેવી ગીરદી હોય એકવાર રસપ્રદ પુસ્તક વાંચવાનું શરૂ કર્યું પછી કાંદિવલી સ્ટેશનથી ઊભા-ઊભા બધાનાં ધક્કાં ખાતાં ખાતાં લોકોની વચ્ચે લિટરલી જેને કહેવાય પીસાતાં પીસાતાં પણ ધ્યાન આપણું વાંચવામાં જ રહેતું. આખું ફોકસ લાઈફમાં બહુ ઓછી જગ્યાએ રહી શક્યું છે. કોઈ બાજુમાંથી ધક્કો મારે તો પુસ્તક ઉપર કરી વાંચવી, જગ્યા ન હોય તો સાઈડમાં કરી વાંચવી, થોડી રાઈટમાં કરી વાંચવી, બસ વાંચ્યા જ કરવું, મુંબઈ લોકલની ભીડમાં વાંચવું અને સ્ટેશન આવી જાય એની પહેલાં ચેન ખેંચીને થોડીવાર ટ્રેનને ઊભી રાખી પ્રકરણને પૂરું કરી પછી જ સ્ટેશન પર ઊતરું એટલું ગમતું વાંચવાનું. આ વાંચનની જગ્યા સોશિયલ મીડિયા અને મોબાઈલ ફોને લઈ લીધી છે એ વાતનો ખૂબ અફસોસ છે. મને ખાતરી છે કે તમને પણ આ વાતનો અફસોસ થતો હશે. આખા વિશ્ર્વમાં કેટલા બધા મહાન લેખકો છે જેમને વાંચવા જોઈએ.
આપણા ભણતરની સિસ્ટમમાં વધારો કરવાનો મોકો મને આપવામાં આવે તો હું લોકોના જીવનમાં વરસમાં એક પરીક્ષા લાઈફટાઈમ માટે રાખું. બધાએ વરસમાં ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક પોતાની ગમતી નવલકથા પર પેપર લખી અને પરીક્ષા આપી બધાને જીવનભર વાંચતા કરી દઉં. સારા લેખકોને વાંચવા તમારા જીવનને બહેતર બનાવવા બહુ ફાયદાકારક હોય છે કારણ કે લેખક પોતે બહુ વાંચતો હોય, ફરતો હોય અને કલ્પનાશીલ સાથે સાથે જીવનમાં કંઈક જુદું તરી આવે તેવી ખેવના રાખતો હોય છે.
એટલે પોતાનું જ કામ લખી વારંવાર લખીને એને પરફેક્ટ બનાવી અને પછી જ નોવેલના રૂપમાં પ્રસ્તુત કરતા હોય છે, કારણ કે એમને બરાબર ખબર છે કે હવે આ બદલાશે નહીં, આ તો છપાઈ ગયું. એટલે બહું જ જવાબદારીપૂર્વક લખવું અને રજૂ કરવું પડે.
એમના વિચારો અને કલ્પના એવી હોય કે ભલે તમે એક જગ્યાએ બેસીને વાંચતા હો પણ ત્યાંથી એ તમને વિશ્ર્વમાં એવી એવી જગ્યાએ વિહાર પર લઈ જાય કે તમે વિઝા, પાસપોર્ટ કે પૈસા વગર વિશ્ર્વની સફર કરી આવો અને આ વાત ફક્ત સ્થળો સુધી જ મર્યાદિત નથી, પણ દુનિયાના ભિન્ન દેશોની સંસ્કૃતિથી લઈને પહેરવેશ, ખાણી-પીણી, રહેણી-કરણી, રીત-રિવાજોથી માંડીને રાજકારણ અને ધર્મ જેવા વિષયોને પણ આવરી લે અને એટલી મનોરંજક રીતે તમને એ સફર કરાવે, એક સુંદર શ્રેષ્ઠ લેખકની સુંદર કૃતિ તમને બહુ સારી ફિલ્મ જોવા કરતાં પણ વધારે સંતોષ, આનંદ અને મનોરંજન આપે.
એક સારી નવલકથાનું વાંચન તમને કલાકાર એક દિગ્દર્શક બનાવે છે. તમે એક સારી બેસ્ટ સેલર કહેવાય તેવી અને તમને ગમતાં વિષય અને લેખકની નોવેલ શરૂ કરો એટલે તમારું મન એક મુખ્ય પાત્ર સાથે જોડાવા માંડે અને તમે લગભગ પોતે જ એ પાત્ર છો એવા વિચારોમાં કયારે ઓતપ્રોત થઈ જાવ એ ખબર પણ ના પડે. તમારું પોતાનું મગજ એવી કલ્પનાની દુનિયામાં વિહરવા માંડે કે લેખકે વિસ્તૃતમાં ઝીણી ઝીણી વિગતોમાં લખવા માંડયું હોય કે તમારા મનમાં કંડારવા માંડે અને ધીમે ધીમે તમે આખી નવલકથાને મનમાં આકાર આપવા માંડો, પાત્રોમાં અજાણતાં તમારી નજદીકના લોકોને એની સાથે જોડવા માંડો અને તમે પોતે દિગ્દર્શકની ભૂમિકામાં કયારે આવી જાવ ખબર જ ના પડે. વાંચવું તો નસીબદારને મળે, સાચું કહું છું ખરેખર સાચું કહું છું. ધ્યાનથી જોજો જે વ્યક્તિ તલ્લીન થઈને વાંચતો હશે, પરીક્ષા આપવાવાળા વગરના લોકોની વાત કરું છું.
એ બધા બહુ નિરાંતમાં હશે. એકાગ્રતાથી વાંચતા હશે એનાથી તમારું સ્ટ્રેશ પણ ઓછું થઈ જાય. વાંચવું એક પ્રકારનો યોગ છે. સાધના છે. તમારા શબ્દોનું જ્ઞાન વધે, તમારા વિચારો ખૂલે, શીખવા મળે અને તમને કોઈ પર પ્રેમ, હક જમાવવાનું મન થાય, જમાવી શકો એવી વ્યક્તિ અને વસ્તુ મળે, તમે વિચારતા હશો કે આ શું બોલે છે જેડીભાઈ. તમને ગમતા લેખક માટે પઝેશીવ થાવ, તમારા જીવનમાં મળ્યા વગર એક એવી વ્યક્તિ પ્રવેશે છે જે તમને માર્ગદર્શન અને મનોરંજન આપે અને તમારો એક અદૃશ્ય સંબંધ બંધાય અને આ સંબંધ એક સાથે સીમિત ન રાખતાં વધારે લેખકોને વાંચીને મોટું કુટુંબ બનાવવું. અલગ અલગ દેશોથી, ભાષાઓથી, સંસ્કૃતિથી આવતાં લેખકોને
વાંચવા.
આજકાલ એક સુખ છે કે દરેક ભાષાના રૂપાંતર તમને તમારી આવડતી ભાષામાં મળી જાય એ પણ ઘેર બેઠા ઓનલાઈન પણ મજા તો પુસ્તકમેળામાં અથવા પુસ્તકની દુકાનમાં જઈને ખરીદવાની જ છે. સોનું ખરીદવા વરસમાં અક્ષયતૃતીયા કે ધનતેરસને દિવસે જાવ, પણ આ ખજાનો ખરીદવાનું મુહૂર્ત કે સારા દિવસો નથી હોતા.
એ તો જે દિવસે સારું પુસ્તક ખરીદ્યું તે સારું મુહૂર્ત અને વાંચ્યું તે સારો દિવસ બની જાય અને આજકાલના આ પુસ્તકના શોરૂમ તો એટલા મોટા, એટલા સરસ કે એરકન્ડિશનવાળા કે મજા આવી જાય. તો આજના વર્લ્ડ બુક ડેના દિવસે વાંચનનો શોખ આગળ ધપાવો અને ન કર્યું હોય તો કરો કંકુનાં અને સરસ પુસ્તક ખરીદો અને વાંચો. જીવનભર તમે તમારાં આ કાર્યને વધાવશો.
લખવાની બહુ જ મજા આવી, આ લખતાં લખતાં મને મારા બાપુજી ગૌલોકવાસી શ્રી નાગરદાસ મજેઠીયાની બહુ યાદ આવી. તેમની કોલેજની પુસ્તકઓની દુકાન હતી, રૂપારેલ કોલેજની બહાર માટુંગા વેસ્ટમાં. પુસ્તકઓ અમારા વારસામાં છે. મારી કેસર પણ ખૂબ વાંચે અને તમે તમારી આ મિલકત તમારા પરિવારને વારસામાં આપો આના જેવું જરૂરી બહું ઓછું છે તમારી આવનારી પેઢી માટે.
એજ લિ. મુંબઇનો મુંબઇ સમાચારનો પ્રિય જેડી.