તરોતાઝા

દિલ દઈને વાંચો રે વાંચો!

ગુણવંત શાહ

તમે જે પુસ્તક વાંચો એની સીધી અસર તમારા મન પર પડે છે. પુસ્તક બે પ્રકારનાં હોય છે: મનની શાંતિ જાળવનારાં અને મનની શાંતિ ખોરવનારાં. મનની સમતુલા ખોરવાય તો શરીરની સમતુલા અચૂક ખોરવાય છે. મન અને શરીર વચ્ચે જબરી ભાઈબંધી છે. એ ભાઈબંધી સાઈકો-સોમેટિક છે. મન દુ:ખી તો શરીર દુ:ખી. મન સુખી તો શરીર સુખી. આવી મૈત્રી જગતમાં બીજી નથી.
આજનો માણસ વારંવાર ડિપ્રેશન, એકલતા અને બેચેની અનુભવે છે. આજકાલ બ્રિટનમાં માનસિક રોગની સારવાર કરનાર ડૉક્ટર્સ દરદીઓને સારાં સારાં પુસ્તક વાંચવાની સલાહ આપે છે. સુંદર પુસ્તક દરદીનો આત્મવિશ્ર્વાસ વધારે છે. કોઈ મહામાનવ કે આદર્શ પાત્રની વાત વાંચીને દરદીને પૉઝિટિવ થિન્કિંગની પ્રેરણા પ્રાપ્ત થાય છે. લાઈબ્રેરીને જરા જુદી જુદી દૃષ્ટિએ જોવામાં આવે તો એમાં એક ક્લિનિકનાં દર્શન પણ થશે.

જેમ માણસ બે ટંક ખાવાનું રાખે તેમ બે ટંક વાંચવાનું રાખે તો! અનાજ ભરવાની સીઝન હોય એમ સુંદર સામયિકોનાં લવાજમ ભરવાની સીઝન હોવી જોઈએ. દવાનું મોટુંમસ બિલ ચૂકવવા કરતાં લવાજમ ચૂકવવું સારું! એક અંગ્રેજ કવિએ પુસ્તકોને “never failing friends’ તરીકે બિરદાવ્યાં છે. પુસ્તકને મિત્રભાવે જોવાની ટેવ કેળવવી પડશે. મિત્ર દગો દઈ શકે, પુસ્તક કદી દગો નથી દેતું. એ ખોવાઈ જાય પછી પણ જીવનભર પ્રેરણા આપતું રહે છે. દિલ દઈને વાંચો રે વાંચો!

સરકાર અને પ્રજા સાથે મળીને કોઈ આંદોલન ચલાવે એવું ઝટ બનતું નથી. ગુજરાતમાં એવી રળિયામણી ઘટના બની છે. ‘વાંચે ગુજરાત’ એક એવો પ્રોજેક્ટ છે, જેમાં સુંદર વાંચનની ઝુંબેશ ગામેગામ પહોંચી છે. ગુજરાતના દૃષ્ટિવંત શિક્ષણસચિવ હસમુખ અઢિયા સરકારી બાબુ નથી. તેઓ પુસ્તકપ્રેમી છે અને વાંચે ગુજરાત પ્રોજેક્ટ સરકારી નહીં, પ્રજાનો બને એ માટે પ્રતિબદ્ધ છે.
ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી રાજેન્દ્ર પટેલ સાથે નવસારીના મહાદેવ દેસાઈ અને બારડોલીના હર્ષદ શાહ ગુજરાતમાં વાંચનનું વાતાવરણ પ્રસરે એ માટે નિરાંતે બેસવા તૈયાર નથી.
૩ જુલાઈથી ૧૦ જુલાઈના એક અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં લગભગ ૧૯૯ જેટલાં સ્થળે ‘મારું પ્રિય પુસ્તક’ કાર્યક્રમ મોટા પાયે શરૂ થઈ રહ્યો છે.

જેમ વરસાદ સર્વત્ર પડે એક સમગ્ર ગુજરાત વાંચતું-વિચારતું થાય એ માટે સુજ્ઞ વક્તાઓ પોતાના પ્રિય પુસ્તકની વાત શ્રોતાઓને સંભળાવશે. ગુજરાતી સાહિત્યની પરિષદે તો એક ડગલું આગળ જઈને ગુજરાતની જેલોમાં કવિસંમેલન યોજવાની શરૂઆત કરી દીધી છે. આવો ઉત્સાહ ટકી રહે તો ગુજરાતની આબોહવા બદલાશે. જે આદમી વાંચે છે, વિચારે છે અને જે વિચારે છે એ જ જીવે છે! વિચાર વિનાનું જીવન એટલે બાખડી ભેંસનું જીવન! પુસ્તક વિનાનું ઘર તબેલાથી ચડિયાતું નથી હોતું.

સાહિત્યકાર કશુંક લખે એ કોઈ યાંત્રિક કર્મ નથી. સાચો સર્જક દિલ નીચોવીને કશુંક લખે છે. એનો મૂડ વાચકને પહોંચે છે. રૉબર્ટ ફ્રોસ્ટ કહી ગયો કે સર્જકની આંખમાં આંસુ નહીં હોય તો વાચકની આંખ પણ ભીની નહીં થાય. કલમના જાદુગરોની વાત હિંદી પુસ્તક: ‘સાહિત્યકારોં કે હાસ્ય-વ્યંગ’માં થઈ છે. અહીં થોડીક વાત રસ પડે એવી છે.

વિશ્ર્વકવિ રવીન્દ્રનાથ ઠાકુર પોતાની સર્જનપ્રક્રિયાને કહેતા. એ કવિતા ગુનગુનાવતા અને એ વખતે દેહભાન પણ ભૂલી જતા. એમણે રચેલી કવિતાને મધુર સ્વરમાં ગાતા અને ધીરે ધીરે ચાલવાનું રાખતા. કોઈ બીજું પંક્તિઓ લખતું. નવલકથાના સમ્રાટ પ્રેમચંદજી સૂકો રોટલો ખાઈને ભણ્યા. એમના લખવાનો કોઈ નિશ્ર્ચિત સમય નહોતો. એ ઘોંઘાટ વચ્ચે પણ લખી શકતા. તેઓ સાવ જૂના ટેબલ પર લખતા રહ્યા (તેઓ વાર્તા લખે એ પહેલાં પ્લૉટના મુદ્દા લખતા અને ક્યારેક એ મુદ્દા અંગ્રેજીમાં લખતા. બનારસ હિંદુ યુનિવર્સિટીના કલાભવનમાં એ નોંધ મેં વાંચી હતી).

વિક્ટર હ્યુગોની વાત સાવ અનોખી છે. એ બેસીને લખી શકતા નહોતા. લા મિઝરેબલ જેવી અમર નવલકથાના એ મહાન લેખક કાયમ ઊભા ઊભા જ લખતા. એમણે લખવા માટે પોતાની છાતી જેટલી ઊંચી ડૅસ્ક બનાવડાવી હતી. લખતી વખતે એ બહારની દુનિયા બિલકુલ ભૂલી જતા. પંદર-પંદર કલાક લગાતાર ઊભા ઊભા લખવા માટે એ જાણીતા હતા. આપણા રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગુપ્ત જે લખતા એ કાગળ પર નહીં, સ્લેટ પર લખતા. કાગળ પર લખવાની એમને ટેવ નહોતી. (‘ધળફટ્રિૂ મર્ળૈક્કપ્રૂ’, ચૌક, વારાણસી, જૂન, ૨૦૧૦)
સાચો લેખક જે લખે એમાં પોતાનું હૃદય ઠાલવી દેતો હોય છે. ભારતીય પરંપરાનો મહાન કવિ દણ્ડિન્ કહે છે: “જો આ સંસારમાં શબ્દનો પ્રકાશ ન હોય તો ત્રણેય ભુવન ગાઢ અંધકારમાં ડૂબી જાત.
જ્ઞાન એ જ પ્રકાશ છે. અજ્ઞાન એ જ અંધકાર છે. સમાજમાં અંધારાનો પ્રભાવ વધારે હોય તો જ ગરીબી ટકી શકે છે. જ્ઞાન આપનારાં સુંદર પુસ્તકોનું વાંચન ગરીબી દૂર કરવામાં મદદરૂપ થાય એવું કોણ માનશે? ઘરની લાઈબ્રેરી એ પણ ઘરમાં સર્જાયેલું મંદિર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button