તરોતાઝા

એક હજાર પુસ્તકો વાંચો, કલમ સડસડાટ દોડશે

અનિલ રાવલ

સ્કોટીશ નવલકથાકાર-કવિ રોબર્ટ લ્યુઇસ સ્ટીવન્સનનું એક ફેમસ વાક્ય છે: ‘આઇ કેપ્ટ ઓલવેયઝ ટુ બુક્સ ઇન માય પોકેટ, વન ટુ રીડ એન્ડ વન ટુ રાઇટ.’ (હું કાયમ મારા ખિસ્સામાં બે બુક રાખું. એક, વાંચવા માટે અને બીજી લખવા માટે.) ભાઇ રોબર્ટે એક વાત તો સ્પષ્ટ કરી આપી છે કે તમે સાચા સર્જકો (જેમાં વાર્તાકારો, કલાકારો, ફિલ્મ દિગ્દર્શકો, ચિત્રકારો વગેરે બધા આવી ગયા) હો તો વાંચવું અનિવાર્ય છે. વાંચનથી જ વિચારોની નવી નવી દિશાઓ ઉઘડે….કમલ બળકટ બને. માટે હે વત્સ,,,,હે માણસ…હે મનુષ્ય તું વાચ.

સામાન્ય રીતે વાચકો બે પ્રકારના હોય છે. એક સમજવા માટે વાંચનારા અને બીજા મોજશોખ માટે વાંચનારા. તમે માર્ક કરજો. માત્ર વાંચવાના શોખ ખાતર વાંચનારા વાચકોની વૈચારિક શક્તિ ગજબની હોય છે. એમની સામાન્ય વાતચીતમાં પણ એમનું વાંચન સ્પષ્ટ રીતે તરી આવતું દેખાય. એમની તાર્કિક દલીલો તમને આંજી નાખે. મતલબ હી કી ભૈયા, તમે સર્જક હો કે સામાન્ય માણુસ. વાંચન ઇઝ એ મસ્ટ. પઢના ઝરૂરી હૈ. બંને પ્રકારના વાંચકો ભુખ્યાડાંસ હોવા જોઇએ. રાત જાગીને પણ પુસ્તક વાંચે, પુસ્તક ખરીદવા પોકેટ મની ફુંકી મારે…પેટ બાળીને મનને ટાઢક આપે એ સાચો વાચક.

એક નવલકથાકાર લખતા લખતા અચાનક બજારમાં પેન લેવા દોડી જાય. એકવાર એની પત્નીએ કહ્યું: ‘તમારે આ રીતે વારેવારે પેન લેવા જવું પડે છે એના કરતા ડઝનેક પેન લઇને ઘરમાં રાખતા હો તો.’ લેખક મહાશયે એ વખતે જવાબ ન આપ્યો, પણ બજારમાં સારી એવી લટાર મારીને આવ્યા બાદ પત્નીને કહ્યું કે ‘હું બજારમાં માત્ર પેન લેવા નથી જતો…હું બજારમાં ફરતા જુદા જુદા લોકોનું નિરીક્ષણ કરવા જાઉં છું. મને એમાંથી મારી નવલકથાના જીવંત પાત્રો મળે છે. શાકવાળા ભૈયા સાથે ભાવની રકઝક કરતી ડોશીના હાવભાવ, ઓફિસે જવા ઓટો પકડવા દોડતો યુવાનનો ચહેરો, સ્કૂલવેનમાં બેસતાં પહેલાં માને બાય કહેતા ભૂલકાઓનાં ચહેરા પરનું સ્મિત, નિવૃત્તિ પછી પાર્કમાં વોક કરતો વરિષ્ઠ નાગરિકની બેફિકરાઇ, હાથમાં ઝોળી ઝુલાવતો ટહેલતો પારસીબાવો, દરિયાકિનારે હાથમાં હાથ ભેરવીને ફરતા યુગલની હળવી ચાલ….આહાહાહા..કેટકેટલાં પાત્રો આપણી આસપાસ ફરે છે. બધાની વિશિષ્ટ ચાલઢાલ, અલગ બોલી, જુદી શૈલી, નોખી ઢબ…આ બધું મારે મારી વાર્તામાં ઉતારવું હોય છે…..એટલે વાંચવા-લખતા પહેલા હું ટહેલું છું, રખડું છું, પ્રવાસ ખેડું છું. નીતનવા લોકોને મળું છું…એમની સાથે વાતો કરું છું….બસ, એમને જોયા કરું છું….પછી આપોઆપ મારી કલમ ચાલે છે. વાંચન અને નિરીક્ષણ-આ બંને સર્જકોના સાચા મિત્રો અને શસ્ત્રો છે.’

તાજેતરમાં મધુ રાયને કેટલાક લેખક મિત્રો મળ્યા હતા. એક મિત્રએ એમને સવાલ કર્યો કે ‘હું શબ્દચિત્ર સારું લખી શકું છું, પણ વાર્તા-નવલકથા વગરેમાં હથોટી નથી. તો શું કરવું.?’ મધુ રાયનો જવાબ હતો: ‘અભાનપણે લખો.’ હું માનું છું કે મધુ રાયનો કહેવાનો અર્થ ‘અભાનપણે’ એટલે કે કોન્સિયસ બનીને ન લખો…સહજ રીતે જે મનમાં આવે એ રીતે લખતા રહો. વાંચનની બાબતમાં પણ એવું જ હોવું જોઇએ. અભાનપણે વાંચો. મોજ ખાતર વાંચો, સર્જન માટે વાંચો, પોતાના માટે વાંચો…તમને જે ફાવે…જે ગમે તે વાંચો…પણ વાંચો ખરા….વાંચતા રહો….કદાચ કોઇ ભૂખ્યોડાંસ વાચક ક્યારેક ઉત્તમ દરજ્જાનો સર્જક થઇ જાય. મેં ક્યાંક વાંચેલું કે તમે એક હજાર પુસ્તકો વાંચી કાઢો, તમારી કલમ સડસડાટ દોડશે. જોકે આજના સોશિયલ મીડિયાના દોરમાં અને જોરમાં કશું ન વાચતા લેખકોનો રાફડો ફાટ્યો છે.

આવા અર્ધદગ્ધ લોકો અભાનપણે નહીં, પણ બેભાનપણે લખે છે. ને જેઓ ખરેખર લખી શકે છે…જેમણે લખવું જોઇએ, તેઓ હજી વાંચે છે. કેવી વિચિત્રતા. જોકે કોઇ વાંચતું નથી..પુસ્તકો વેંચાતા નથી એવી બુમરાણ તદન ખોટી છે. આવા અરણ્યરુદનને જંગલમાં મૂકી આવવું જોઇએ. મારો જાત અનુભવ કહું તો ‘મુંબઇ સમાચાર’ દ્વારા યોજાયેલા પુસ્તકમેળામાં વાચનભૂખ્યા લોકો હજારો રૂપિયાના પુસ્તકો ખરીદતા જોયા. પુસ્તકમેળામાં કેટલાંક વાચકોને એમના પ્રિય લેખકોના જ પુસ્તકો ખરીદતા જોઇને નવાઇ લાગી હતી. પોતાના પ્રિય લેખકો પ્રત્યેની એમની વફાદારી…અહોભાવને સલામ. પણ એમની લાગણીને લીધે ક્યારેક આપણા આજના નવાં છતાં ઉત્તમ સાહિત્યસર્જન કરતા વાર્તાકારોની અવગણના થતી હોય એવું પણ લાગ્યું. આ વફાદર વાચકોએ એ ન ભૂલવું જોઇએ કે એમના આદરપાત્ર લેખકો પણ ક્યારેક નવાસવા હતાં.

પુસ્તકો ખરીદાય છે, વંચાય પણ છે અને સારા યુવાન લેખકો પણ ગરજી રહ્યાં છે, ગજું કાઢી રહ્યાં છે. આજે ઘણું ઉત્તમ લખાય છે. સાહિત્યિક પ્રવૃત્તિઓના નિયમિત આયોજન પણ થતાં રહે છે. ચિત્ર નિરાશાજનક નથી જ નથી. હા, સોશિયલ મીડિયાની વોલ પર છૂટાહાથે વેરાતાં સેક્ધડહેન્ડ કે થર્ડ ગ્રેડ સાહિત્યને અનુસરતા કેટલાંક અબુધ લોકોની ચિંતા થાય છે. સાચું સાહિત્ય ઉત્તમ પુસ્તકોમાં છે.

કોઇ પૂછે કે તમારું પ્રિય પુસ્તક કયું ને તમારા પ્રિય લેખક કોણ.? પ્રશ્ર્ન સરળ હોવા છતાં અઘરો છે. હું બહુ વિચાર કર્યા વિના કહું તો મારું પ્રિય પુસ્તક ‘ચૌરંઘી’ છે. મૂળ બંગાળી નવલકથાનો અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે. જેના લેખક હતા શંકર. આખું નામ મણિશંકર મુખરજી. મેં હિન્દી અનુવાદ વાંચ્યો છે. આ નવલકથા પરથી ફિલ્મ અને નાટક પણ બન્યા છે. જોકે મેં જોયા નથી…પણ જે મજા નોવેલ વાંચવામાં આવી એવી ફિલ્મ કે નાટકમાં ન આવત…કારણ જે ડિટેલિંગ નવલકથામાં લેખક આપે એવું ફિલ્મ કે નાટક આપે એવી અપેક્ષા અસ્થાને છે. માધ્યમનો ફરક સમજતે હોના.
ગુજરાતીમાં મને ગમે ધ્રુવ ભટ્ટ સાહેબ. મેં એમની ‘ન ઇતિ’ સિવાયની લગભગ બધી જ વાર્તાઓ વાંચી છે.

એક મજ્જાની વાત કહું. આપણે પુસ્તક છોડીને ફિલ્મો કે નાટકો કે સિરીઝો પાછળ દોટ મુકીએ છીએ, પણ આ મનોરંજનના મૂળમાં તો લખાણ છે. ‘ઇફ ઇટ ઇઝ ઓન પેપર…ઇટ ઇઝ ઓન સ્ક્રીન’ કાગળ પર લખેલું હશે તો પરદા પર બતાવી શકાશે. મોટા ભાગની ઉત્તમ ફિલ્મો કે સિરીઝો નવલકથા પરથી બને છે…એટલે જ ઓસ્કર અવોર્ડમાં પણ બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લેની કેટેગરી છે. આજના પુસ્તક દિને એક સુવાક્ય: ‘જે વાંચે છે તે બડભાગી છે અને નથી વાંચતો એ અભાગી છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button