તરોતાઝા

ઉગે છે રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં… (૨)

‘સૂર્યનમસ્કારની ક્રિયાઓ બાર પણ ફાયદા હજાર

કવર સ્ટોરી -મુકેશ પંડયા

શિયાળામાં કૂમળો તડકો તમારા આંગણે આવે ત્યારે સૂર્ય નમસ્કાર કરવાનું ભૂલતા નહીં.

સૂર્યનમસ્કાર એ ઉત્તમ કસરત નહીં, પણ કસરતોનો સમૂહ છે. કોઇ તમને નાનકડી ભેટ આપે ત્યારે એમ કહે છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીએ છીએ, પણ સૂર્યનમસ્કાર ફૂલ નહીં ફૂલોનો આખો બૂકે (ગુલદસ્તો) તમને ભેટમાં આપે છે. એ કેવી રીતે તે હવે આપણે જોઇએ.

જેમ સૂર્યપ્રકાશ સાત રંગનો બનેલો છે એમ સૂર્યનમસ્કારમાં પણ સાત પ્રકારની વિધિ-ક્રિયાઓથી થતા ફાયદા તમને મળે છે.

૧. યોગાસનોથી થતા ફાયદા:
ભારતમાં ઉત્પન્ન થયેલો યોગાસન શબ્દ હવે દુનિયાભરમાં ગુંજે છે. ભારતના લોકોને પણ ખબર નહીં હોય તેટલી માહિતી અત્યારે અમેરિકનો પાસે હશે. વિદેશોમાં યોગાસનને માન્યતા મળી એટલે આપણી શાળાઓને પણ શરમ આવવા લાગી અને અત્યાર સુધી હિન્દુઓની એક ધાર્મિક પ્રક્રિયા તરીકે અછૂત રહેલાં આ યોગાસનો હવે કેટલીક શાળાઓમાં પણ શીખવાડાય છે. આવા યોગાસનો અને તેના ફાયદા વિશે તો રોજ ઘણું બધું લખાય છે અને તેના વૈજ્ઞાનિકપણા વિશે પણ આપણે ભવિષ્યમાં જાણશું, પણ અત્યારે તેમને યાદ કરવાનું કારણ એ છે કે સૂર્યનમસ્કાર કરતી વખતે જે બાર આસન થાય છે એમાં ઘણાં બધાં યોગાસનોથી થતાં ફાયદાઓનો સમાવેશ થઇ જાય છે, જેમ કે પર્વતાસન, હસ્તપાદાસન, એકપાદપ્રસારણાસન, મુદ્રાસન, અષ્ટાંગપ્રણિગયાદાસન, ભુજંગાસન વગેરે. આ પ્રત્યેક આસનમાં શરીરના વિવિધ અંગોને લાભ થાય છે.

૨. દોડવા કે તરવાથી થતી કસરતના ફાયદા:
સૂર્યનમસ્કાર કરતી વખતે તમે પગને આગળપાછળ લઇ જાવ છો, ઊભા થાવ છો, કે પછી સાષ્ટાંગ દંડવત્ પ્રણામની મુદ્રામાં આવો છો, ત્યારે દોડવા કે તરવાની કસરતમાં થતા ફાયદા જેટલો જ લાભ તમને આમાંથી મળી રહે છે, ખાસ કરીને હદય બને પેટ માટે આ જાતની કસરત ખૂબ જ ઉપયોગી છે. મોંઘીદાટ ક્લબોમાં તરવા જવાની તમારી આર્થિક સ્થિતિ ન હોય અથવા તો રોજ તમને ત્યાં જવાનો સમય ન હોય તો સૂર્યનમસ્કાર તમારી સેવામાં હાજર છે. જોગિંગ કે તરવાથી જે ફાયદા તમને થાય છે એ ફાયદા તમે સૂર્યનમસ્કારથી ઘેર બેઠાં પણ મેળવી શકો છો.

૩. પ્રાણાયામથી થતા ફાયદા:
સૂર્યનમસ્કારનાં આસનોમાં જ્યારે જ્યારે તમે ઉપર તરફ જુઓ છો ત્યારે ઊંડા શ્ર્વાસ લેવાના હોય છે અને જ્યારે જ્યારે મોં જમીન તરફ જાય ત્યારે શ્ર્વાસ છોડવાના હોય છે. આમ, સૂર્યનમસ્કારની સાથે સાથે પ્રાણાયામ પણ થઇ જાય છે, જેના અનેક ફાયદા વૈજ્ઞાનિક રીતે થાય છે.

૪. દંડબેઠકથી થતા ફાયદા:
આપણી વ્યાયામશાળાઓમાં કે અખાડાઓમાં દંડબેઠકને ખૂબજ મહત્ત્વ અપાય છે. સુદ્દઢ શરીર, મજબૂત ખભા અને બાવડાં, કમર અને સાથળની મજબૂતાઇ અને કાંડાનું બળ તમને દંડબેઠકથી મળે છે. સૂર્યનમસ્કારની ક્રિયામાં દંડબેઠક પણ આવી જાય છે.

૫. સૂર્યસ્નાનથી થતા ફાયદા:
સૂર્યનમસ્કારની ક્રિયામાં મોટામાં મોટો ફાયદો એ છે કે પગથી લઇ માથા સુધી, છાતીથી લઇ પીઠ સુધી, કમરથી લઇ નિતંબ સુધી અને હાથનાં બાવડાંથી લઇ સાથળ સુધી દરેક અંગને સૂર્યસ્નાનનો લાભ મળે છે. ચામડીનાં દરેકેદરેક છિદ્રોમાં સૂર્યકિરણો પ્રવેશી શરીરને કેલ્શીયમ અને વિટામિન-ડી પ્રદાન કરે છે. આનાથી આપણાં હાડકાં તો મજબૂત બને જ છે, સાથેસાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. પ્રત્યેક સ્નાયુઓનાં કદ અને બળની વૃદ્ધિ થાય છે. ચામડીના રોગ દૂર થાય છે. વાળની વૃદ્ધિ થાય છે. સગર્ભા સ્ત્રીઓ માટે પણ તે ઉત્તમ છે. બાળકના જન્મ પહેલાં સગર્ભા સ્ત્રી સૂર્યસ્નાન કરે તો ધાવણ સારું આવે છે. ડૉ. આર. ટી. ટ્રોલના સર્વેક્ષણ અનુસાર ખાણમાં કામ કરતા કે અંધારી જગ્યાઓમાં રહેતા લોકોમાં સામાન્ય રોગ પણ ગંભીર સ્વરૂપ પકડતા હોય છે. આવી જગ્યાઓમાં ક્ષય તેમ જ અન્ય ચેપી રોગ ઝડપથી ફેલાય છે. ડૉ. હર્બટ શેલ્ટન લખે છે કે પૃથ્વીના જે જે ભાગમાં સૂર્યપ્રકાશ મળતો હોય ત્યાં કૅન્સરનું પ્રમાણ ઓછું જોવા મળે છે. વિદેશોમાં સૂર્યસ્નાન ખૂૃબ જ લોકપ્રિય છે. આપણને સૂર્યનમસ્કારની સાથે સાથે સૂર્યસ્નાનનો ફાયદો તો મળે જ છે. સાથે સાથે શરીર વધુ ચપળ અને ખડતલ બને છે.

જૈનો લાભપાંચમને ‘જ્ઞાનપંચમી’ તરીકે ઊજવે છે. જૂની પરંતુ દુર્લભ હસ્તપ્રતોને સૂર્યસ્નાન કરાવી ભેજમુક્ત બનાવે છે અને આ રીતે જ્ઞાનની પૂજા કરે છે.

૬. મંત્રવિજ્ઞાનના ફાયદા:
સૂર્યનાં બાર નામનાં બાર આસન સાથે મંત્રજાપ કરીને તમે સૂર્યનમસ્કારનો મહત્તમ ફાયદો ઉઠાવી શકો છો. ઑમ મિત્રાય નમ:,ઑમ સૂર્યાય નમ:, ઑમ ખગાય નમ:, ઑમ હિરણ્યગર્ભાય નમ:, ઑમ આદિત્યાય નમ:, ઑમ અર્કાય નમ:, ઑમ રવયે નમ:, ઑમ ભાનવે નમ:, ઑમ પૂષ્ણે નમ:, ઑમ મરીચયે નમ:, ઑમ સવિત્રે નમ:, ઑમ ભાસ્કરાય નમ: મંત્રનું સતત રટણ કરવું એ માત્ર આધ્યાત્મિક જ નહીં શારીરિક અને માનસિક દૃષ્ટિએ પણ ફાયદાકારક છે. મંત્ર એક શક્તિ છે. જેમ દવાનો પાવર હોય છે તેમ મંત્રોનો પણ પાવર હોય છે. મંત્રોનું સતત રટણ શરીરમાં ઔષધનું કામ કરે છે. મનને નીરોગી રાખી શકે છે. સૂર્ય નમસ્કાર સાથે મંત્રોચ્ચાર ભળે તો જાણે સોનામાં સુગંધ ભળે.

૭. ‘સૂર્યનમસ્કાર’ના ભવ્ય બુકેનું સાતમું પણ આપણી જ સંસ્કૃતિમાં ખીલતું અગત્યનું ફૂલ એટલે નમસ્કારની મુદ્રા. નમસ્કાર કરવાથી શું ફાયદા થાય છે તે આપણે જોઇએ. આપણા હૃદયમાં શુદ્ધ થયેલું લોહી દરેક અંગમાં ફરતું ફરતું હાથ પગની આંગળીઓના ટેરવા સુધી પહોંચે અને ત્યા અથડાયને પાછું ફરે ત્યારે ત્યાં ઊર્જા પેદા થતી હોય છે. હવે આ ઊર્જા હાથ પગના ટેરવા દ્વારા વાતાવરણમાં વેડફાય જતી હોય છે. તેને બદલે આપણે જ્યારે સમય મળે ત્યારે હાથ જોડી ને નમસ્કાર કરીએ તો આ ઊર્જા શરીરને પાછી મળે છે અને દરેક અંગનુ રિપેરિંગ થતું રહે છે. આમ નમસ્કારની મુદ્રા આપણા શરીરને અચૂક ફાયદો કરે છે. જિમ્નેશિયમમાં કસરત કરીને તમે બાવડાં અને શરીરવૈભવનું પ્રદર્શન કરો છો અને અહમ્ને પોષણ આપો છો, જ્યારે સૂર્યનમસ્કારમાં આ જ વૈભવ મેળવી તમે સૂર્યને બે હાથ જોડી વધુ નમ્ર બની અહમ્ને ઓગાળો છો, કારણકે ગમે તેટલું બળ અને તે જ પ્રાપ્ત થાય સૂર્યની ટનબંધ શક્તિ સામે તો આપણે વામણાં જ છીએ. બળવાન પણ હોવું અને નમ્ર પણ હોવું એ ભારતીય સંસ્કૃતિની વિશેષ દેણ છે.

જે રીતે તમામ રંગ સૂર્યના પ્રકાશમાં સમાયા છે. તે રીતે તમામ કસરત સૂર્યનમસ્કારમાં સમાયેલી છે. સૂર્યને નમસ્કાર કરીને તમે વધુ બળ, તેજ અને નમ્રતા પ્રાપ્ત કરો એવી પ્રભુને પ્રાર્થના.
નોંધ: સૂર્યનમસ્કારના આસનો કોઇ નિષ્ણાતને પૂછી પોતાની તબિયત અને રુચિ અનુસાર કરવાં. સૂર્જનમસ્કારનો શ્રેષ્ઠ સમય સવારે સાતથી આઠનો છે. રોજ ત્રણથી પાંચ સૂર્યનમસ્કાર કરી નિષ્ણાતોને પૂછી ધીરે ધીરે સંખ્યા વધારતાં જવી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button