ઉગે છે રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં…
શિયાળામાં સૂર્યના કુમળા કિરણો વૈદ બનીને આપણે આંગણે આવે છે
કવર સ્ટોરી – મુકેશ પંડ્યા
ઉગે છે રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં
કવિ કલાપીની આ પંક્તિ માણવા જેવી છે.
ચોમાસામાં વાદળોની પાછળ સંતાઈ રહેતો અને ઉનાળામાં આકરો બનીને કેર વર્તાવતો સૂર્ય હવે શિયાળાના પ્રારંભ અર્થાત્ હેમંત ઋતુમાં મૃદુ બની તમારી સાથે મિત્રતા કેળવવા આવે છે. તમારો ડોક્ટર બનીને આવે છે. આ સૂર્યદેવની કૃપાનો બની શકે એટલો લાભ લેવો જોઈએ.
આપણી ધાર્મિક પરંપરામાં સૂર્ય પૂજા ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. શિયાળાની શરૂઆતમાં બિહાર અને ઉત્તર ભારતમાં છઠ પૂજા થાય છે તેમાં પણ સૂર્યની પૂજાને જ અનેરું સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીન કાળથી ભારતમાં સૂર્યને અંજલિ આપવાની પ્રથા અને સૂર્યનમસ્કારની પરંપરા ચાલી આવે છે. આપણા ઋષિમુનિઓ સૂર્યનું મહત્વ સમજ્યા હતા. તેમને કારણે ઉપરોક્ત રિવાજો અને પૂજા પદ્ધતિ અમલમાં આવ્યા હતા જેથી લોકો એ બહાને સૂર્યની સન્મુખ થાય અને તેમના કૂમળા કિરણોનો તન-મનના સ્વાસ્થ્ય માટે લાભ ઉઠાવી શકાય.
આજનું વિજ્ઞાન પણ સૂર્યને એક સર્વોચ્ચ ઊર્જા કેન્દ્ર માની જ ચૂક્યુ છે. સૂર્યકિરણ દ્વારા આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા પહોંચે છે. આપણી ચામડી સૂર્યકિરણનો ઉપયોગ કરીને જ વિટામિન ડી બનાવે છે. આ ઉપયોગી વિટામિન કોઈ ફેક્ટરીમાં બનતું નથી. સૂર્ય પ્રકાશ જ તેનો એક મહત્વના સ્રોત છે. વિટામિન ડી આપણા હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. સાંધાના દુખાવામાં રાહત આપે છે. શિયાળામાં શરીરમાં સાંધાના દુખાવાનું પ્રમાણ વધી જતુ હોય છે એટલે આ ઋતુમાં તો સૂર્ય વધુ ઉપયોગી થઈ પડે છે. ડો. ચાર્લ્સ ઠેનેન અને ડો. એડવર્ડ સોની તો જણાવે છે કે સૂર્યના કિરણો છેક શરીરના અંદરના ભાગો સુધી પહોંચી તેમને સ્વસ્થ કરવાનું કામ કરે છે.
બ્રિટિશ વૈજ્ઞાનિક ડો. ડબલ્યૂ એમ. ફ્રેજરે તો તેમના એક પુસ્તકમાં જણાવ્યું છે કે સૂર્યના કિરણોમાં હાનિકારક જીવાણુઓને મારવાની અદ્ભુત ક્ષમતા છે. આપણા ઘરમાં ધનધાન્ય કે મસાલા ખરાબે ચઢ્યા હોય તો આપણે તે ચીજવસ્તુઓને તડકામાં મૂકીએ છીએ.
શિયાળાની સવારે દરરોજ થોડી ક્ષણો કુમળા તડકામાં ગાળવાથી માનસિક સ્વાસ્થ્યમાં પણ ઘણો વધારો થાય છે. એન્ઝાઇટીમાં ઘટાડો થાય છે. ડિપ્રેશન ઓછું થાય છે. કૃત્રિમ લાઇટ અને ઓછા સૂર્ય કિરણો મળવાથી ઘણી વાર મૂડ ખરાબ થઈ જતો હોય છે. સવારના સૂર્ય કિરણો શરીર પર ઝીલવાથી મૂડ ખીલે છે. શરીર અને મન તાજગી અને સ્કૂર્તિ અનુભવે છે.
સૂર્યસ્નાનથી ડોપામાઇન નામના અંત:સ્ત્રાવમા પણ વધારો થાય છે. જેનાથી આપણા મનને આનંદની લાગણી થાય છે.
સવારનો ઝીલેલો સૂર્યનો કુમળો તડકો રાતના સમયે આપણા શરીરમાં મેલેટોનિનનું પ્રમાણ વધારવામાં મદદરૂપ થાય છે જે સારી ઉંઘ લાવવા માટે ખૂબ જ મહત્વનું અંત:સ્ત્રાવ સાબિત થયું છે.
આપણા ગુજરાતીઓમાં હાઈ બ્લ્ડપ્રેશર ધરાવતા ઘણા દર્દીઓ હોય છે. તેઓ સૂર્યસ્નાન કરે તો એ બ્લડપ્રેશર નીચું લાવવામાં અગત્યનો ભાગ ભજવે છે.
સૂર્યસ્નાનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
સૂર્યની સામે આંખ મીચીને થોડી વાર ઊભા રહેવાથી મગજની પિનિયલ ગ્રથિ ઉત્તેજિત થાય છે જે શરીરના સોજા અને બ્લડ પ્રેશર ઘટાડવામાં ઉપયોગી બની રહે છે.
રોજ સવારે દસથી પંદર મિનિટ સૂર્ય કિરણોના સાંનિધ્યમા રહેવાથી ઉપરોક્ત તમામ ફાયદા મેળવી શકાય છે. જો તમે નોકરી ધંધાને કારને વ્યસ્ત હો તો કમસે કમ ચા નાસ્તો ખુલ્લી જગ્યામાં લેવાનો આગ્રહ રાખવો જોઈએ સૂર્યને અંજલી આપવાની તેમ જ સૂર્ય નમસ્કારની આપણી પ્રાચીન પરંપરા પણ શરીર અને મનન આરોગ્ય માટે ઘણી જ લાભકારક છે.તે વિષે આપણે આવતા અઠવાડીએ જાણીશું.