આપ સૌને મારા નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. ૨૦૮૦ની શરૂઆત કારતક સુદ એકમને મંગળવાર તા. ૧૪-૧૧-૨૦૨૩થી થાય છે. ‘શોભન’ નામે સંવત્સર રહેશે. તેમાં વર્ષની શરૂઆતમાં ચંદ્ર તુલા રાશિમાં સ્થિત છે. રાહુ ગ્રહ મીન રાશિમાં રેવતી નક્ષત્ર અને કેતુ ક્ધયા રાશિમાં હસ્ત નક્ષત્રમાં રહે છે. ગુરુ ગ્રહ તા. ૧-૫-૨૦૨૪થી વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે જે ભરણી નક્ષત્રમાં વર્ષભર રહે છે. શનિ વર્ષ દરમિયાન કુંભ રાશિમાં આધિપત્ય બનાવશે. જે શતતારા નક્ષત્રમાં રહે છે. અન્ય ગ્રહો પોતાની ગતિ મુજબ જ પરિભ્રમણ કરે છે.
- જલધારા દિપક પંડ્યા
મેષ (અ, લ, ઈ)
આપની રાશિમાં પ્રથમ ભાવે ગુરુ ૧-૫-૨૦૨૩ સુધી રહેશે. પ્રથમ ભાવે ગુરુ સો ગુના માફ કરે એટલે શુભદાયી બનો. રાહુ બારમા ભાવે રહે છે અને શનિ અગિયારમા ભાવે રહે છે. શુભદાયી બને છે.
માનસિક અને શારીરિક સ્થિતિ: આ વર્ષે વિચારવાયુના રોગ થાય. મનથી વાસ્તવિક વર્તમાન જીવન જીવવા પ્રયત્ન કરવો ઉત્તમ રહે. ભૂતકાળની વાતોને વાગોળવી નહિ અને મન સ્વસ્થ હશે તો શરીરને સ્વસ્થ રાખી શકશો.
શારીરિક આરોગ્ય મધ્યમ રહે. સાંધાના દુ:ખાવા વાયુજન્યરોગ, પડવા-વાગવાથી સાચવવું. મોટી બીમારી નથી પણ બીમારીનો ઈલાજ લાંબો સમય ચાલશે. તમારા આયામ – વ્યાયામની મદદથી શરીરમાં યોગ્ય શક્તિ અને દવાથી ઉત્તમ આરોગ્ય જળવાય.
પારિવારિક: પરિવારમાં સંબંધો નવા બંધાય. નવા મહેમાનનું આગમન થાય. વિવાહ યોગ્ય યુવાનો માટે શુભ સમય રહે. દાંપત્ય જીવનમાં ગૂંચવાયેલા પ્રશ્ર્નો ઉકેલાય. સંતાન અંગેની ઈચ્છા પૂરી થાય. સંતાનોના વિદ્યા-અભ્યાસ – વિવાહનાં કાર્યો સંપન્ન થાય. વડીલોના આરોગ્ય અંગે કાળજી લેવી. માતા કે માતા તુલ્ય વ્યક્તિને હૃદય-પ્રેશર સંબંધી તકલીફ અંગે કાળજી લેવી.
નોકરી-વેપારી વર્ગ: નોકરિયાત વર્ગ ઉત્તમ નોકરી મેળવો. સરકારી કે અર્ધસરકારી નોકરીના પ્રયત્નો સફળતા આપે. નોકરીમાં સહકર્મચારી સાથે વિવાદ દૂર થાય.
વેપારમાં અવરોધ દૂર થાય. વેપારી વર્ગને મોટા પાયે ઉદ્યોગના સાહસ થાય. મોટી તક મેળવો. વિદેશ, વ્યાપારના પ્રયત્ન સફળ થાય.
આર્થિક સ્થિતિ: આવકમાં વર્ષ દરમિયાન વધારો થાય. દ્રવ્ય સુખમાં વધારો થાય. નોકરીથી ધનલાભ થાય. અગત્યની લોન પાસ થાય. આકસ્મિક કરજ લેવાની ફરજ પડે માટે વર્ષની શરૂઆતથી બચત થાય તેવા પ્રયત્ન કરવા. સ્થાવર મિલકત અને યાત્રા-પ્રવાસ પાછળ ખર્ચા વધશે. દવા-કાયદાકીય દંડ અંગે આકસ્મિક ખર્ચા વધશે. મોટા પાયે વેપારમાં નાણાં રોકાણ થાય. વિદેશથી ધનલાભ થાય.
સ્થાવર સંપત્તિ સુખ: જમીન-મકાનનાં કાર્યોમાં આ વર્ષે વિલંબ બાદ કાર્ય થાય. નવા મકાન ખરીદવાની ઈચ્છા પૂરી થાય. મોટા વાહનની ખરીદી થાય. જૂના મકાન વહેંચાય ને વારસાગત મિલકતના પ્રશ્ર્નો ઉકેલાય.
પ્રવાસ: આ વર્ષે અવારનવાર યાત્રા થાય. વિદેશ જવાની ઈચ્છા પૂરી થાય. લાંબી યાત્રા ફળે. ધાર્મિક યાત્રા અનાયાસે પૂરી થાય.
શત્રુ-મિત્ર વર્ગ: મિત્ર વર્ગ વિશાળ ધરાવો. મિત્રોથી લાભ થાય. સમાજમાં મોટા વર્ગ ધરાવનાર વ્યક્તિથી લાભ થાય. યાદ રાખવું ઓળખાણ મોટી ખાણ છે.
વેપારમાં હરીફો વધશે. કાયદાકીય ઉકેલ મેળવો. છુપા શત્રુ વધે. જૂના કેસનો ઉકેલ આવે.
અભ્યાસ: વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં સફળતા મળે. ઉચ્ચ ડિગ્રી મળે. અભ્યાસમાં યોગ્ય લાઈન મેળવો.
બાર મહિનાનું રાશિફળ:
કારતક: રાજકીય ક્ષેત્રે સફળતા મળે. વાણીથી વેપાર વધે. જીવનસાથી સાથે ગેરસમજ ઊભી થાય. મિત્રથી લાભ થાય. લાંબો પ્રવાસ ફળે.
માગશર: અભ્યાસમાં અવરોધ આવે. સંતાન અંગે ચિંતા વધે. ભાગ્ય સાથ આપે. વિવાહિત જીવનમાં ગેરસમજ ઊભી થાય. મિત્રોથી લાભ થાય. વાણીના વેપારથી ધનલાભ થાય.
પોષ: વેપારમાં નવીન તક મળશે. દાંપત્ય જીવનમાં મધુરતા રહે. યાત્રા ફળે. વિદેશ જવાની ઈચ્છા પૂરી થાય. સરકારી લાભ થાય. રાજકીય ક્ષેેત્રે સાવધાની રાખવી.
મહા: નવા વેપાર માટે માર્ગ મોકળો થાય. ધનલાભ થાય. મિત્રો સાથે વિશ્ર્વાસઘાત થાય. રાજકીય ક્ષેત્રે છેતરામણી થાય. કોર્ટનાં કાર્યોમાં સફળતા મળે. સમયની કિંમત રાખવી. કાર્ય પ્રત્યે સજાગ રહેવું. વેપારમાં ઠગાઈ ન જાવ માટે ખોટા લોભ-લાલચમાં ફસાઈ ના જાવ.
ફાગણ: અભ્યાસ અર્થે વિદેશ જવાની ઈચ્છા પૂરી થાય. શેર-લોટરીથી લાભ થાય. સરકારી દંડ કે સજા થાય નહિ તેની કાયદાકીય નોંધ અંગે કાળજી લેવી. ખોટા આળ આવે. નોકરીમાં બઢતી મળે. શત્રુ વિજયી બનો.
ચૈત્ર: તમારી પ્રગતિના પંથે યશ મળે. કાર્યની કદર થાય. દાંપત્ય જીવનમાં સુલેહ ભર્યો સમય રહે. મિત્રથી મોટા વર્ગની ઓળખાણથી અગત્યના કાર્યની પતાવટ થાય.
વૈશાખ: આરોગ્ય કથળે. વિદેશ યાત્રા થાય. પડવા-વાગવા કે નાની શસ્રક્રિયા થાય. વાણીથી ધનલાભ થાય. વેપારમાં લાભ થાય.
જેઠ: સહોદરથી લાભ થાય. તમારા વિચારેલાં કાર્યોનો અમલ શરૂ થાય. અગત્યના દસ્તાવેજ – કાગળોમાં સફળતા મળે. આરોગ્ય સુધરે. રક્ત સંબંધી સમસ્યા દૂર થાય.
અષાઢ: વાણીથી સંબંધ સુધરે, નાની યાત્રા થાય. નોકરીમાં મિત્રો તેમ જ મોટા અધિકારીથી લાભ થાય. નવી નોકરીમાં ઈચ્છા પૂરી થાય. કોર્ટનાં કાર્યોમાં કાળજી લેવી. ધન ઉપાર્જન સારું રહે.
શ્રાવણ: જીવનસાથી સાથે ગેરસમજ ઊભી થાય. વેપારમાં ભાગીદાર સાથે મતભેદ વધે. કોર્ટ-કેસ થઈ શકે. અભ્યાસમાં ઉચ્ચ ડિગ્રી મેળવો. સ્થાવર સુખ વધે.
ભાદરવો: વિવાહ યોગ્ય યુવાનો માટે શુભ સમય રહે. કોર્ટ-કચેરીમાં વિજય મળે. નોકરીમાં બદલી થાય. સાહસભર્યાં કાર્યો થાય. સરકારી ખાતામાં વિશ્ર્વાસઘાત થાય. રાજકીય ક્ષેત્રે કલંક ના લાગે તેની સાવધાની રાખવી.
આસો: નવી સ્થાવર સંપત્તિમાં વધારો થાય. વેપારમાં હરીફોથી વિજય બનો. ઉચ્ચ શિખરે બિરાજો. વાણીથી વ્યવહાર સચવાય. વારસાગત મિલકતથી ધનલાભ થાય.
આમ આ વર્ષ વસંતઋતુ જેવું રહેશે. નવા સંબંધો – નવા વેપાર – નવીન દિશાને વેગ મળશે. બંધન જેવું વાતાવરણ અનુભવશો. પણ સુખદ ફળ મળશે.
વૃષભ (બ, વ, ઉ)
આપની રાશિમાં સ્થિર ગ્રહો મુજબ ગુરુ ૧-૫-૨૦૨૪થી પ્રથમ ભાવે રહેશે. રાહુ અગિયારમાં ભાવે અને શનિ દસમા ભાવે રહે છે.
માનસિક અને શારીરિક સ્થિતિ: મનના તરંગો સાથે વિચારમાં ફેરફાર થતાં રહે. મનને મજબૂત કરતા મનની શાંતિ રાખવી યોગ્ય રહે. સમયને અનુરૂપ મનની વિચારધારા બદલવી જરૂરી રહે. આરોગ્ય મધ્યમ રહે. વાયુપ્રકૃતિના રોગ થાય. હૃદય-પ્રેશરની તકલીફ હોય તેમણે કાળજી લેવી. અનિદ્રા અને થાકને લગતી બીમારી આવે. ચામડીના, અસ્થિભંગના રોગ થાય. જૂના રોગમાં રાહત અનુભવો. ગુપ્ત અંગોની પીડા થાય. તેની ત્વરિત દવા કરાવવાથી સારું થાય.
પારિવારિક: પરિવારના સભ્યોનો પુરુષાર્થ ‘પ્રારબ્ધ બની જશે’ આ સમયમાં પરિવારના સભ્યો નાણાકીય નુકસાન અનુભવશે પણ પરિવારમાં વિભાજનની લાગણીનો અનુભવ થાય. હૃદયની લાગણી પર તિરાડ પડી જાય. તમે તમારું હિત શામાં છે? તે વિચારી ચૂપ રહેવું પરિવારમાં વડીલ તરીકે આપના સુમેળભર્યાં નિર્ણયને વળગી રહેવાનું યોગ્ય રહે. નાણાકીય ઘસારો થાય તે જોશો નહિ પણ માનવના લોહીના સંબંધો સચવાય તે અગત્યનું છે. દાંપત્ય જીવનમાં મધુરતા રહે. સંતાન અંગેની ઈચ્છા પૂરી થાય. વિવાહ યોગ્ય યુવાનો માટે અહમને દૂર કરી પાત્ર પસંદગી માટે નમતું રાખશો તો સફળતા મળશે.
નોકરી વ્યવસાય: વર્ષના શરૂઆતમાં નોકરિયાત વર્ગને સ્થળાંતર પ્રમોશન લાભ મળે. જેણે સરકારી પરીક્ષા આપી હોય તેમને નવી નોકરીની તક મળે. સરકારી નોકર વર્ગને લાભ. પણ સરકારી ઉપરી અધિકારીઓ માટે ખોટા આળ આવે. બેકારોને રોજગારીની તક સાંપડે.
વ્યવસાયમાં નવીન તકો આવે. વેપારી વર્ગને પ્રગતિકારક સમય રહે નવા સાહસ કરવામાં કાળજી રાખવી, વિશ્ર્વાસઘાત થાય. મોટા માણસોની વગથી અગત્યનાં કાર્યોની પતાવટ થાય. આયોજનપૂર્વક અને ગાફેલ રહ્યા વગર કાર્ય કરશો તો તમારું કામ દીપી ઊઠશે.
આર્થિક સ્થિતિ: નાણાકીય સ્થિરતા જળવાય. નવા આયોજન અમલમાં આ વર્ષે મૂકશો નહિ. લક્ષ્મીજીને રિઝવવા મહેનતની સાથે બુદ્ધિનો ઉપયોગ કરશો તો ઝરમરિયો નાણાકીય વરસાદ થશે. ગયા વર્ષ કરતાં આર્થિક સ્થિતિ સુધરતી લાગે. જૂના દેવાની પતાવટ થાય. નવું સાહસ, નાના વ્યવસાયમાં કરવું હિતાવહ રહે. શેર લોટરીથી વર્ષના અંતે લાભ થાય. વર્ષની શરૂઆતમાં જાવક વધે. હથેળીમાં ચાંદ દેખાય તેમ આવક થાય તેવા દિવાસ્વપ્નો જ રહે. પોતાનાં કાર્યોને આધીન નાણાંં મેળવી સંતોષ માનવો હિતાવહ છે.
સ્થાવર સંપત્તિ સુખ: આ વર્ષે સ્થાવરમાં વધારો ના થાય. ભાડાના મકાનમાં રહેતા હોય તો પરેશાની ભોગવો. જમીન – મકાનની લે – વેંચના સોદા કરતાં હોય તો વિચારીને પગલાં ભરવાં. કોઈને વચ્ચે રાખી સોદા ના કરશો. ખોટી વ્યક્તિની સાથે સોદો ભારે પડી શકે. “સાપ છછુંદર ગળે, તેવું બની શકે. વારસાગત મિલકત હોય તો વેચવી પડે. દેવા કે કરજની મુક્તિ માટે મિલકત વેચવી પડે.
પ્રવાસ: લાંબો પ્રવાસ વર્ષની શરૂઆતમાં છે. નાની યાત્રા વધે – પરિવાર સાથે પ્રવાસ ટાળવો.
શત્રુ – મિત્રવર્ગ: મિત્રવર્ગ સાથે મીઠાશ ભર્યા સંબંધો રહે પણ, હિસાબનીશ – વ્યવહારિક મિત્રો રહે શત્રુવર્ગથી પીછેહઠ થાય. કોર્ટ-કચેરીમાં સફળતા માટે મદદની સલાહ લેવી રહે. વિશ્ર્વાસઘાત કાયદાકીય ગૂંચમાં થાય. યાદ રાખવું વ્યવસાયને આંચ નહિ.
અભ્યાસ: ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવાની ઈચ્છા પૂર્ણ થાય. અભ્યાસમાં લાઈન બદલાય. સંશોધન ક્ષેત્રમાં સફળતા મળે.
બાર મહિનાનું રાશિફળ:
કારતક: અભ્યાસમાં અવરોધ આવે. શેર-લોટરીમાં જોખમ ન કરવું: મિત્રોથી વિશ્ર્વાસઘાત થાય. વિવાહિત જીવનમાં સંવાદિતતા જળવાય. વાણીથી વેપાર સચવાય.
માગશર: નોકરિયાત વર્ગને સહકર્મચારી સાથે સુલેહ રાખવી. કુંટુંબમાં વાણીથી વિવાદ વધે. ખર્ચા વધશે. વેપારમાં નવા સાહસ ન કરવા. નાણાકીય સ્થિતિ જોખમાય. ઉધાર નાણાંની આપ-લે ન કરવી.
પૌષ: અંગત આરોગ્ય બગડે. બૅંકને લગતાં કાર્યોની પતાવટ થાય. આવકમાં સ્થિરતા ન મળે. કોર્ટ-કચેરીમાં નિર્ણય વણઉકેલ્યા રહે. આપની હોશિયારી અને આવકનો લાભ બીજા ન લે તેની સાવધાની રાખવી. સમયને માન આપવું. શાંત રહેવું. વિશ્ર્વાસ મૂકવો નહિ. દાંપત્ય જીવનમાં વાણીથી વિવાદ વધે.
મહા: જમીન-મકાનમાં કાર્યમાં પ્રગતિ થાય. નવા વેપાર અર્થે સ્થાવર સંપત્તિમાં વધારો થાય. નાણાં ધીરધારનાં વ્યવસાય કરનારને તકેદારી રાખવી. ખોટા ખર્ચને કાબૂમાં રાખવો. સંતાનની પ્રગતિ થાય.
ફાગણ: આ માસમાં અગત્યનાં કાર્યો થાય. વ્યવસાયમાં મહત્ત્વની યોજના અમલમાં આવે. મિત્ર વર્ગથી લાભ થાય. સમાજ કલ્યાણ તેમ જ જાહેર જીવન સાથે સંકળાયેલ જાતકો માટે ઉત્તમ સમય રહે. વ્યવસાય અર્થે પ્રવાસ સફળ થાય. કુટુંબમાં આનંદભર્યું વાતાવરણ જળવાય.
ચૈત્ર: નાણાકીય પ્રશ્ર્નો હલ થાય. માસની શરૂઆતમાં નાણાકીય સગવડ કરો તે માસના અંતે વેડફાઈ જાય. બેલેન્સ ઘટે અંગત જવાબદારીના કારણે મન ચિંતાઓથી ઘેરાયેલું અને દિશાશૂન્ય રહેશે. આગ અકસ્માતથી સાચવવું.
વૈશાખ: બહારના સંપર્કથી લાભ થાય. તમારી મહત્ત્વકાંક્ષા સાકાર થાય. નાણાકીય આવકમાં વધારો થાય. ભાગ્ય સાથ આપે. આરોગ્ય અંગે કાળજી લેવી. માનસિક સ્થિતિ અશાંતિ ભરી રહેશે.
જેઠ: આપના મનોરથ પૂર્ણ થતાં જણાય. બુદ્ધિના ઉપયોગથી ધનલાભમાં વધારો થાય. વાણી પર સંયમ રાખવો આપના માટે હિતાવહ છે. મિત્રોથી વિશ્ર્વાસઘાત થાય. સ્થાવર મિલકત પાછળ ખર્ચ થાય. વ્યવસાયમાં પ્રગતિ માટે નવી દિશા મળે. અવરોધ બાદ કાર્ય પૂર્ણ થાય.
અષાઢ: ખોટા નાણાકીય સાહસ કરાય નહિ. લાંબી મુસાફરીમાં આનંદિત વાતાવરણ રહે. કૌટુંબિક સુખ-શાંતિ જણાય. નોકરીમાં બદલી-બઢતીના સંજોગો છે.
શ્રાવણ: વાણી પર કાબૂ રાખવો. ઈત્તર પ્રવૃત્તિમાં વધારો થાય. નોકરિયાત વર્ગને પ્રગતિ થાય. જમીન-મકાનનાં કાર્યો પૂરા થાય. બૅંક લોન પાસ થાય. કાયદાકીય સફળતા મળે. સમાજમાં મોટા માણસોની વગથી અગત્યના કામ પતે.
ભાદરવો: આપનાં આરોગ્યમાં સુધારો થાય. ઓપરેશન કરવાનું હોય તો માસની શરૂઆતમાં સફળ થાય. આંખનાં દર્દો થાય. વ્યવસાયમાં નવી લેણદેણ કરવી નહિ. મનોરંજન પાછળ ખર્ચ વધે. સંતાનોની પ્રગતિ થાય. વિદ્યાભ્યાસમાં મહેનતનું ફળ મળે.
આસો: વિવાહ યોગ્ય યુવાનો માટે આ સમય ઉત્તમ રહે. ગૃહજીવનમાં લાગણીભર્યા સંબંધો રહે. શત્રુઓ સાથે વિવાદમાં વિજયી બનો. કોર્ટ-કચેરીમાં વિજય મળે. આવકમાં વધારો થાય. નોકરી માટે નવી તક ઊભી થાય. સરકારી નોકરિયાતને પ્રમોશન મળે. ઉદરને લગતી તકલીફ થાય.
આ વર્ષે થોડીક પ્રતિકૂળતા બાદ સફળતા મળે. શાંતિ રાખી ધીરજપૂર્વક નિર્ણય કરવા તમારા હિતમાં રહે. આ વર્ષે અગત્યના કાર્ય થશે. એકંદરે આ વર્ષ સારું રહેશે.
મિથુન (ક, છ, ઘ)
આ વર્ષેની શરૂઆતમાં ગુરુ મહારાજ અગિયારમા ભાવે ૧-૫-૨૦૨૩થી બારમા ભાવમાં રહે છે. રાહુ દસમા ભાવે ૧૮-૫-૨૦૨૩થી બારમા ભાવે રહે છે. રાહુ દસમા ભાવે ૧૮-૫-૨૦૨૩થી આવે છે અને વર્ષ દરમિયાન શનિ નવમા ભાવે રહે.
માનસિક સ્થિતિ: આપની મનની સ્થિતિ તણાવયુક્ત રહે. વિચારોનો તાગ ન મળે. અશાંતિ જણાય. ઈશ્ર્વરનું સ્મરણ તમને માનસિક શાંતિ અપાવે. મનના તરંગો કાબૂમાં રાખશો. ચિંતાથી ઘેરાયેલું મન રહે. મોટા સાહસભયાર્ં કાર્યો કરવા નહિ. નિરાશાનાં વાદળો દૂર થતાં જણાય. તમારા જીવનમાં સોનાનો સૂરજ ઊગવાની ઘડીઓ નજીકના સમયમાં દેખાય છે. આમ આ સમય આશાનું કિરણ ક્યારેય છોડવું નહિ.
આરોગ્ય મધ્યમ રહે. હૃદય-છાતીનાં દર્દો થાય. શરીર નરમ-ગરમ રહ્યા કરે. માથાનો દુ:ખાવો ઉદરને લગતી ફરિયાદ રહ્યા કરે. પડવા – વાગવાથી અસ્થિભંગ થાય. શરીરમાં કોઈ અંગમાં ખામી આવી જાય. નાની બીમારીને માથે મારી ન મૂકશો.
પારિવારિક: આ વર્ષે આપના કુટુંબમાં નવા સભ્યોનો ઉમેરો થાય અને નવા સંબંધો બંધાય. પરિવારમાં માંગલિક પ્રસંગો ઉજવાય. કુટુંબીજનોનો સાથ આ સમય આનંદભર્યો પસાર થાય. કુટુંબના સભ્યોથી આર્થિક આવક વધે. રંકમાંથી રાય બનો. દાંપત્ય જીવનમાં મધુરતા રહે. લગ્નયોગ યુવાનો માટે પાત્ર પસંદગી થાય અને પ્રભુતાના પગલાં મંડાય. સંતાનોની તબિયત બગડે તેમ જ તેમનાથી ચિંતાજનક પ્રસંગો સર્જાય. વડીલવર્ગની મીઠી નજર મેળવો.
નોકરી – વ્યવસાય: નોકરિયાતવર્ગને ઉપલા અધિકારી સાથે સંઘર્ષમાં ઊતરવું નહિ. નરમાશથી કામ લેવું તો જરૂરી લાભ થાય. તમારા વણ ઉકેલ્યા પ્રશ્ર્નોનો ઉકેલ મળશે. વ્યવસાય કરનારા માટે આ સમય કસોટી ભર્યો રહે. ગ્રાહક, ભાગીદાર, કે અન્ય વેપારી વર્ગ સાથે સંઘર્ષમાં ઊતરવું નહિ. કોર્ટ-કચેરી થાય. સાચવવું, નોકરીમાં સાહસિકતા કરતા ધ્યાન રાખવું. અગત્યના દસ્તાવેજો ખાસ તકેદારી રાખવી. નહિતર નોકરીમાંથી બરતરફ થાય. તેવો સમય બતાવે છે. વ્યવસાય માટે કુટુંબમાંથી સહાય મળે. પણ દેવું બહારથી કરવાથી નુકસાન થાય. તો તે ન કરતાં અને ઓછામાં જ સંતોષમાંથી વેપાર ચાલુ રાખવો યોગ્ય રહે.
આર્થિક સ્થિતિ: આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ મધ્યમ રહે. બહારથી નાણાકીય સ્થિરતા જળવાય પણ અંદરથી તો આપનું મન જ જાણે કે નાણાકીય મુશ્કેલી કેટલી છે? જૂની બચતો આપની શાખ બચાવવા મદદરૂપ બને. નાના પાયે મૂડીરોકાણ શક્ય બને. વારસાગત મિલકતમાંથી આવક વધે. શેરલોટરીથી આવક વધે. જમીન-મકાનમાં રોકાણ નાણાકીય ન કરવું અને આ પ્રકારના વેપારીમાં મુશ્કેલી, ધનસંકટ આવે. ધાર્મિક પ્રવાસ પાછળ ધનખર્ચ થાય.
સ્થાવર સંપત્તિ સુખ: આ વર્ષેના અંતે સ્થાવર સંપત્તિ સુખમાં વિલંબ થાય. વર્ષની શરૂઆતમાં કાર્યમાં સફળતાના પગલા મંડાય. જૂનાં મકાનને અદ્યતન સ્વરૂપમાં ફેરવી શકશો અને ભાડાના મકાનમાં રહેતા હશો તો પોતાના મકાનનું સ્વપ્ન સાકાર થાય. જાગૃત રહી આપે આ સમયે કાર્ય કરવું. દસ્તાવેજમાં ઠગાઈ ન થાય તેની તકેદારી રાખવી. જમીન – મકાનના-લે-વેંચ કરનારને સમય શુભ નથી. વારસાગત મિલકતના પ્રશ્ર્નો ઉકેલાય. – વેપાર અર્થે નવી મિલકત ન વસાવવી.
પ્રવાસ: જન્મના ગ્રહો વિદેશના યોગ સૂચવતા હશે તો જ સફળતા મળશે. નામી ધાર્મિક યાત્રા થાય. સપરિવાર પ્રવાસ ટાળવો હિતાવહ છે. વેપાર અર્થે – નોકરી અર્થે નાની મોટી મુસાફરી થાય.
શત્રુ – મિત્ર વર્ગ: મિત્ર વર્ગથી લાભ થાય. મિત્રો સાથે બગડેલા સંબંધો સુધરે. મિત્રો નવા મળે. જે જીવન માટે માર્ગદર્શક સાબિત થાય.
શત્રુ વર્ગ મીઠાબોલા વધશે. તમારા હરીફો વધશે આથી તમારે ચતુરાઈ દાખવવી જરૂરી બને. સમાજમાં અપયશ મળે. તેમ જ નોકરિયાત વ્યવસાયમાં નુકસાની થાય. જન્મના ગ્રહો જો આપના બળવાન હશે તો કોર્ટ-કચેરીમાં વિજય મળશે.
અભ્યાસ: આ વર્ષે જેમને કારકિર્દીનું વર્ષ હશે તેમણે પહેલેથી જ સખત મહેનત કરવી. કારણ કે તમારી સામે વધુ તક વિદ્યા અર્થે આવશે. લાયકાત પ્રમાણે આગળ વધી શકશો.
બાર મહિનાનું રાશિફળ:
કારતક: નોકરી – વ્યવસાયમાં પ્રગતિ થાય, નોકરીમાં બદલી થાય. ઉપરી અધિકારીથી સંબંધો સુધરે. ઉચ્ચ પદ મળે. જવાબદારીઓ વધશે. વિવાહ યોગ્ય યુવાનો માટે શુભ – સમય ધાર્મિક કાર્યો થાય. સંતાનો અંગેની ચિંતા વધે. ભાગ્ય સાથ આપે. જમીન-મકાનનાં કાર્યો ખોરંભે ચડે. કોર્ટ-કચેરીમાં વિજય મળે. સમાજમાં મોટા માણસોની ઓળખાણ થાય.
માગશર: નોકરી વેપારમાં ફેરફાર થાય. માતા-પિતા માટે આ સમય શુભ રહે. મિત્ર વર્ગ ઉપર વિશ્ર્વાસ ન મૂકવો. શત્રુવર્ગની પીછેહઠ થાય. કુટુંબમાં મતભેદ સર્જાય.
પોષ: આ માસમાં અગત્યનાં કાર્યો થાય. દાંપત્ય જીવનમાં મધુરતા જળવાય. વિવાહ યોગ્ય યુવાનો માટે શુભ સમય રહે. જીવનસાથીની તબિયત બગડે. શત્રુ વિજયી બનો. સંતાનોની પ્રગતિ થાય. વેપારમાં નવીન મિલન-મુલાકાત થાય જે. ભવિષ્યમાં લાભકર્તા રહે.
મહા: આ સમય આપને માટે સુખમય રહે. માનસિક તણાવ ઓછો થાય. આકસ્મિક ધનલાભ થાય. મહત્ત્વના કાર્યમાં સફળતા મળે. સંતાન માટે શુભ સમય વારસાગત મિલકતનો ઉકેલ આવે. વડીલ વર્ગની તબિયત બગડે. જાહેર જીવનમાં મંત્ર દીપક તરીકે આગવી પ્રતિષ્ઠા મળશે.
ફાગણ: જમીન-મકાનની ખરીદી માટે શુભ સમય રહે. નવા વાહન-વ્યવસાય અંગે સ્થાવર સાધનોમાં વધારો થાય. વેપારમાં ઉન્નતિ થાય. નાની મુસાફરીમાં સફળતા મળે. ગૃહજીવનમાં અશાંતિ વધે. ભાગ્યને આધીન આવકમાં વધારો થાય.
ચૈત્ર: આકસ્મિક ખર્ચનો પ્રસંગ બને. મિત્ર વર્ગથી ઊભી થયેલી મુશ્કેલી દૂર થાય. સ્થાવર સંપત્તિમાં વધારો થાય. શુભ કાર્ય થાય. નવીન શુભ સમાચાર મળે. વિદ્યાર્થીવર્ગને ઈત્તર પ્રવૃત્તિમાં સફળતા મળે. શેર-લોટરીથી લાભ થાય. પ્રગતિ માટે નવી દિશાના દર્શન થાય.
વૈશાખ: વ્યવસાયમાં અજાણ્યા સાથે સંબંધો બાંધવા નહિ. પડવા-વાગવાથી અસ્થિભંગ થાય – નોકરિયાત વર્ગને ખરાબ સમય સૂચવે છે. અપમાન થાય તેમ જ અપયશના પ્રસંગો બને માટે સાચવવું. ઉતાવળા નિર્ણય કરવા નહિ. વાદળોથી ઘેરાયેલું આકાશ જોઈ વરસાદ આવશે તેવી આશા ન રાખશો. તમારા નસીબમાં તો બળબળતો તાપ જ હમણાં રહેશે. આખી વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ રહેવું આપને માટે યોગ્ય રહે.
જેઠ: અહિ આપે શારીરિક અને માનસિક આરોગ્ય સાચવવું. વિદ્યાર્થી વર્ગે અભ્યાસમાં અધ્યયન વધારવું. નોકરી વ્યવસાયમાં મોટી ઓળખાણ થાય. જીવનમાં આકસ્મિક પરિવર્તન આવે. સ્થળાંતર માટે આ સમય યોગ્ય રહે. વડીલવર્ગની ચિંતા રહે. ઘણી વખત સાથે દેખાય તે સત્ય પ્રમાણે સોડ તાણવી આપની માટે યોગ્ય રહે.
અષાઢ: ઝાકળરૂપી ધનપ્રાપ્તિ થાય. વ્યવસાયમાં નાણાંકીય લાભ થાય. બાહ્ય સંપર્કથી તેમ જ વાણીથી ધનલાભ થાય. કુટુંબમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. મોજ-મનોરંજન પાછળ ખર્ચ થાય. બૅંક લોન પાસ થાય.
શ્રાવણ: મુસાફરીમાં સફળતા મળે. સહોદરોથી લાભ થાય. સગા-સંબંધી સાથે બગડેલા સંબંધો સુધરે. વ્યવસાયમાં આવડતથી ધન ઉપાર્જન થાય અને બૅન્ક બૅલેન્સમાં વધારો થાય. દાંપત્ય જીવનમાં ગેરસમજણ દૂર થાય. શત્રુવર્ગથી સાવધાની રાખવી.
ભાદરવો: આ માસની શરૂઆતમાં મનબેચેન રહ્યા કરે. કાર્યોમાં અવરોધ બાદ સફળતા મળે. વિદ્યાર્થીવર્ગને મહેનતનું પરિણામ શુભ મળે. જમીન-મકાન વાહન અંગેની ખરીદી માસનાં અંતે પૂર્ણ થાય. પ્રવાસ-યાત્રા શુભ રહે. સહોદર સાથે ચોક્કસ ચકમક ઝરે. પણ સમાધાન થાય. નોકરીમાં પ્રગતિ થાય.
આસો: આ સમયે આપના મનોરથ પૂર્ણ થાય. નિરાશામાંથી બહાર આવી શકશો. વારસાગત મિલકતમાં પ્રશ્ર્નો ઉકેલાય. વાહન ખરીદીમાં લાભ મળે. વ્યવસાયમાં નવી તકો સાંપડે. સંતાનો માટે વૈભવી વસ્તુમાં વધારો થાય. એકંદરે સમય શુભ રહે.
આ વર્ષ આપના માટે જીવનમાં પરિવર્તન લાવશે. સમાજમાં યશ, કીર્તિ, પદ, સારું મેળવો. રાજકારણ વર્ગમાં લાભ થાય. નવા સાહસ કરનારને સફળતા મળે. ‘કમ ખાઓ અને ગમ ખાઓ’ની નીતિ અપનાવવાથી આનંદપૂર્વક વર્ષ પસાર થાય.
કર્ક (ડ, હ)
આપની રાશિમાં સ્થિર ગ્રહો મુજબ ૧-૫-૨૦૨૩થી ગુરુ અગિયારમા ભાવે રહે છે, રાહુ નવમા ભાવે રહે અને શનિ મહારાજ આઠમા ભાવે નાની પનોતી લોખંડના પાયે કષ્ટદાયક રહેશે. આ વર્ષ આપને સારા-નરસા બાબતો શીખવા મળશે. કોણ પોતાના અને કોણ પારકા તેનો ભેદ સમજાશે. લોખંડના પાયે પનોતી માનસિક ચિંતા રખાવે. “ખોટા ગધ્ધા-વૈતરું કરાવે, બેચેની રહ્યા કરે. અશુભ કર્તા રહે. દરેક કાર્યમાં વિલંબ બાદ કાર્ય થાય.
માનસિક સ્થિતિ અને શારીરિક સ્થિતિ
શનિની પનોતી તમને માનસિક રીતે શાંતિ લેવા નહીં દે. તમારી ખોટી શંકા, વહેમથી દૂર રહેવું અને મનને પ્રશંસામાં રાખવું હિતાવહ રહેશે. ગુરુ તમારા માટે નવી દિશા બતાવે છે જેનાથી વર્ષાન્તે આકાશમાં ઉડતા પંખીને જેમ મુક્ત અને હળવાશમય વાતાવરણ માણી શકશો. ખોટા વિચારો ન કરશો.
શારીરિક આરોગ્ય સારું રહે, કોઈ મોટી બીમારી નથી. હૃદય-ટીબી જેવા રોગ ધરાવતા જાતકોએ રાહત અનુભવાય. ‘સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન રહે છે. માનસિક ચિંતાઓથી તમે પગ ઉપર કુહાડી મારી જાતે જ’ બીમારીને નોતરું આપો છો. આ સમયે આપે માનસિક સમતુલા જાળવી રાખવી જરૂરી બને છે.
પારિવારિક : પરિવારમાં સુખમાં અવરોધ આવે. મનથી અસંતોષ રહે. વડીલ વર્ગ સાથે મતભેદ સર્જાય. લગ્ન કરવા માટેની યોગ્ય તકો આ સમયે ઊભી થશે. જીવનસાથી સાથે ખોટી ગેરસમજ ઊભી થાય. ગૃહજીવનમાં શાંતિ હણાતી જણાય. કુટુંબના સભ્યોની સલાહ આપને પુરુષાર્થ માટે પ્રેરણા આપે છતાં આપનું કંઈ જ ન ઊપજે. આપનો પુરુષાર્થ ઘાંચીના બળદની માફક ફેરવે પણ ઘાણીમાંથી તેલ ન નીકળે માટે તમારે તમારા નિર્ણયો જાતે જ લેવા. નાણાકીય અને બહારની ચિંતા ઘરમાં પ્રશ્ર્નો રૂપે લાવવી નહીં. સંતાનો સાથે મતભેદ થાય. ખોટા વિવાદ ટાળવો. જૂના સંબંધો ફરી બંધાય. કોણ પોતાના કોણ પારકા તેની કદર આ વર્ષે થાય. સ્વજનોથી અપમાનનાં ઘૂંટડા પી લેશો તો સંબંધ જળવાશે.
નોકરી વ્યવસાય: નોકરિયાત વર્ગને આ વર્ષ મિશ્રણ ફળદાયી રહેશે. સખત પરિશ્રમ-માનસિક મહેનત વધુ માંગી લે. જો કે તે પ્રમાણે ફળ અલ્પ મળે. ઉપરી અધિ-કારીથી લાભ થાય. સરકારી વર્ગને પ્રગતિ થાય. વર્ષના અંતે સ્થળાંતર થાય. મોટી જવાબદારી માથે લેવી નહીં.
વ્યવસાય કરનારે મોટા સાહસ ખેડવા નહીં. આયોજનપૂર્વક કાર્ય કરશો તો સફળતા મળશે. ભાગીદાર વર્ગથી મધ્યમ રહે. વેપારને ટકાવી રાખવો અગત્યની બાબત બને છે.
આર્થિક સ્થિતિ : આ વર્ષની શરૂઆતમાં આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે. પુરુષાર્થ પ્રમાણે નાણાં મળે. કર્મ તમારું વ્યય રહે. ઉધાર નાણાં કે લોન પર નાણાં મળી રહે. પણ વેપારમાં નાણાકીય આવક વધે નહીં. પ્રવાસ-સ્થાવર મિલકત પાછળ ખોટા નાણાંનું રોકાણ થાય. બચત કરી ગણતરીપૂર્વક ચાલશો તો વર્ષના અંતે કંઈક સ્થિરતા મેળવી શકશો. લાગણીના પ્રવાહમાં વધુ પડતો દોર છૂટો ન મૂકશો, નહીંતર ગુલાંટ ખાઈ જશો.
સ્થાવર સંપત્તિ સુખ: સ્થાવર મિલકત માટે આ વર્ષે યોગ્ય વિચાર ને નિર્ણય કરવા. ઉતાવળા નિર્ણય આપને મુશ્કેલીમાં મૂકી દેશે. જૂના મકાન-વાહનની ખરીદીમાં લાભ રહે. ઈચ્છાઓનો ત્યાગ કરવો યોગ્ય રહે. વારસાગત મિલકત પ્રશ્ર્નો ઉકેલાય. સ્થાવર મિલકતમાં વધારો થાય.
પ્રવાસ: પ્રવાસ-યાત્રા વર્ષ દરમિયાન મધ્યમ રહે. નાની મુસાફરી થાય. અવરોધ આવે કે આકસ્મિક બહાર જવાનું બંધ રહે. અને મુસાફરી થાય તો ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે. માટે વણજોઈતી મુસાફરી ટાળવી યોગ્ય રહે. અસર આપના આરોગ્ય ઉપર પડે છે.
શત્રુ-મિત્ર વર્ગ: મિત્રતાની યુગલ જોડી બનશો. તમારા મિત્રો આર્થિક, સામાજિક રીતે મદદરૂપ થાય. મિત્રો સાથે સાહસભર્યા કાર્યો થાય. ભાગીદારી મિત્રોથી લાભ થાય.
મીઠાબોલા શત્રુ ઊભા થાય. કોર્ટ-કચેરીમાં અગાઉનો કેસ ચાલતો હોય તો તમારે મધ્યસ્થીથી સમાધાનથી સુલેહ થાય. પાડોશી પણ મીઠાબોલા શત્રુ ઊભા થાય.
અભ્યાસ: અભ્યાસમાં પ્રગતિ થાય. ધાર્યું પરિણામ મળે. ઉચ્ચ ડિગ્રી મેળવો.
બાર મહિનાનું રાશિફળ:
કારતક : ભાગ્ય સાથ આપે. નવી સ્થાવર મિલકત વસાવવા સાહસ કરો. નોકરી-વેપારમાં ઉન્નતિકારક સમય રહે. વ્યવસાયમાં નવીન તકો મળે. ભાગીદારથી ધન લાભ થાય. રાજકીય ક્ષેત્રે સાવધાની રાખવી. પ્રવાસ ટાળવો. કાચબાની ગતિએ કાર્યમાં સફળતા મળે.
માગશર: અમાસમાં નાણાકીય ખર્ચા, કાયદાકીય, બીમારી અને સરકારી દંડ કે ફી ચૂકવવામાં જાય. દામ્પત્યજીવનમાં સુખ-શાંતિ જળવાય. પરિવારમાં વિવાદ વધે. વિદેશમાં નવી મિલકત વસાવો કે વિદેશથી મિલકત માટે લાભ થાય. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં અવરોધ આવે. સંતાનોને વ્યાધિ વધે.
પોષ: આ સમયે “વટના માર્યા ગાજર ખાવ. કાર્યમાં પ્રગતિ માટે પુરુષાર્થ અને સંઘર્ષ બન્ને જોઈએ. દામ્પત્ય જીવનમાં ગેરસમજ દૂર ના થાય. નોકરવર્ગથી લાભ થાય. વિદેશથી લાભ થાય. જીવનસાથી સાથે ગેરસમજ વધતી જાય. નોકરિયાત વર્ગને સમય શુભ રહે. બૅન્ક લોન પાસ થાય.
મહા: પસંદગીનું પાત્ર મળે. તમારા મિત્રોથી ધાર્યા લાભ થાય. વેપારમાં વધારો થાય. નવા આયોજન થાય. વાણીથી વિવાદ વધે. નાણાભીડ જણાય. કાયદાકીય સાંકળમાં ફસાઈ જાવ. રાજકીય ક્ષેત્રે અપયશ મળે.
ફાગણ: મિત્રથી ધનલાભ વારસાગત મિલકતના પ્રશ્ર્નો ઉકેલાય અને તેનાથી આવક વધે. આકસ્મિક ધનલાભ થાય. આરોગ્ય અંગે કાળજી લેવી. પરિવારમાં વાણીથી વિવાદ થાય. ખર્ચાને કાબૂમાં રાખવા. પ્રવાસ ટાળવા.
ચૈત્ર: વેપારમાં ઉચ્ચ શિખરે બીરાજો. વેપારથી ધનલાભ થાય. પરિવારમાં નાણાભીડ દૂર થાય. લાંબા પ્રવાસ માટેની તૈયારી થાય. વાણીથી વેપાર વધશે. જાહેર જીવનમાં પ્રતિષ્ઠા વધે તેવા કાર્યો થાય. સરકારી કાર્યો પૂરા થાય.
વૈશાખ: વેપારમાં મોટી ઓળખાણથી અગત્યના કાર્યો થાય. અભ્યાસમાં અવરોધ આવે. શૅર-લોટરીથી લાભ થાય. મિત્રોથી ધનલાભ થાય. મોજ મનોરંજનમય સમય પસાર થાય.
જેઠ: સમાજમાં પ્રતિષ્ઠા વધે તેવા કાર્યો થાય. ઉચ્ચ હોદ્દો વેપારમાં વધે. સંતાનોની પ્રગતિ થાય. અભ્યાસમાં ઉચ્ચ ડિગ્રી મળે. ધાર્યું પરિણામ મળે. કુટુંબથી વિયોગ થાય. વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ થાય.
અષાઢ: વિદેશથી ધનલાભ થાય. મોટી વગ ધરાવનાર વ્યક્તિથી લાભ થાય. મનોરથ પૂર્ણ થાય. રાજકીય ક્ષેત્રે સફળતા મળે. ખોટા ખર્ચને કાબૂમાં રાખવા, વિવાહના કાર્યોમાં સફળતા મળે. વાણી પર સંયમ રાખવા. આંખના રોગ થાય. મિત્રથી વેપારમાં લાભ થાય. નોકરીમાં ઉપરી અધિકારીથી લાભ થાય. કાયદાકીય વિજય મળે.
શ્રાવણ: લાંબી મુસાફરી સફળ થાય. જૂની ઉઘરાણી પરત આવે. લોન-દેવાને લગતી પતાવટ થાય. ભાઈ-બહેન મદદ મળી રહે. માનસિક શાંતિ અને આનંદિત રહે. આરોગ્ય કથળે. અભ્યાસ અર્થે વિદેશ જવાય. નોકરીની તક મળે. વિદેશ વ્યપારથી લાભ થાય.
ભાદ્રપદ: આકાશમાં ખુલ્લા મને ઊડી શકશો. મિત્રવર્ગથી લાભ થાય. વેપારમાં અજાણ્યા સાથે વ્યવહાર ન કરવા. સ્થાવર મિલકત પાછળ ખર્ચ થાય. પરિવારમાં વિવાદ થાય. સહોદર સાથે મનદુ:ખના પ્રસંગો બને. પ્રવાસ ટાળવો. નવા સાહસ ન કરવા.
આસો: સમાજમાં ઉચ્ચ હોદ્દો મળે. રાજકીય ક્ષેત્રે ઉચ્ચપદ મળે. વિવાહયોગ્ય યુવાનો માટે શુભ સમય રહે. અભ્યાસમાં સફળતા મળે. વિદેશ અભ્યાસઅર્થે જવાય.
આ સમય માનસિક ચિંતાઓથી ઘેરાયેલું મન રહે. ઈશ્ર્વર ઉપર નિર્ણય છોડશો તો વધુ શાંતિ રહે. મનને મક્કમ બનાવી વર્તમાન સમયને અનુરૂપ વર્તણૂક રાખવી. ઈષ્ટદેવ અને શનિદેવની ઉપાસના કરવાથી વર્ષ દરમ્યાન સંકટ દૂર થાય. એકંદરે સમય શુભ રહે.
સિંહ (મ, ટ)
આ વર્ષ આપના માટે ગુરુ નવમા ભાવે જે ૧-૫-૨૦૨૪થી દસમા ભાવે રહે છે. શનિ સાતમા ભાવે રહે છે. રાહુ આઠમા ભાવે રહે છે. જે અશુભ ફળ આપે છે. વડીલ વર્ગ માટે નુકસાનકર્તાનું વર્ષ રહે છે.
માનસિક અને શારીરિક સ્થિતિ: આ વર્ષે આપના માનસિક દૃષ્ટિએ મેના શરૂઆતનો તબક્કો ઉચાટ અને અકળામણ ભર્યો રહે. છાતીમાં ગભરામણ થાય, વિવાદ બને ત્યાં સુધી ટાળવો. ‘ગરજે ગધેડાને બાપ’, કહેવા પડે, એમાં જ તમારું શાણપણ રહેશે. કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો. ‘સંતોષી નર સદા સુખી’ આ સમયે જે મળે છે તેમાં જ સંતોષ માની બેસશો તો સારું રહેશે.
આરોગ્ય મોસમ પ્રમાણે બીમારી આવે. મોટી બીમારી નથી. ખોટા ભ્રમમાં રાચતા નહીં. લોહીવિકાર, સાંધાના દુ:ખાવાનાં દર્દો થાય. પણ ટૂંકા સમયમાં રોગ દૂર થાય. વયોવૃદ્ધને મૃત્યુ તુલ્ય ફટકા પડે. જો જન્મના ગ્રહો મજબૂત હશે તો શુભ વર્ષ રહેશે.
પારિવારિક: સપરિવાર આનંદ ભર્યો ઉત્સવ ઉજવશો. ઘરમાં માંગલિક પ્રસંગો સર્જાય. કુટુંબ પાછળ નાણાં વાપરશો નહીં પણ વેડફશો. વૈભવી વસ્તુનો ઘરમાં વધારો થાય. વિવાહ માટે શુભ આશાવાદી વર્ષ રહે. સમય તમારો મિત્ર છે એટલે જીવનસાથીની પસંદગી કરી શકશો. સંતાનો માટે સારું વર્ષ રહે. સંતાનો તરફ વધુ કાળજી રાખશો તો ભાગ્યનો ઉદય થાય.
નોકરિયાત-વેપારી વર્ગ: નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધરે. બદલી થાય. સહકર્મચારીથી ચેતીને ચાલવું. તમારી પાછળ કાવતરા ઘડાય માટે વિશ્ર્વાસ મૂકશો નહીં અને કૂટનીતિથી નોકરીમાં સફળતા મળે.
વ્યવસાયમાં પુરુષાર્થ માગે છે પણ શઠ મિત્રોથી દૂર રહેવું તેમની વાતમાં આવવું નહીં. વધુ પડતો આત્મવિશ્ર્વાસ વેપારમાં હરીફો વધારે છે. આપના કાર્યક્ષેત્રમાં સતત સાવચેત રહેવું. બેકાર જાતકોએ નોકરીની તક ઝડપી લેવી અને ચાલુ નોકરી હોય તો તેમણે શું મળે છે તે જોવું નહીં પણ કેવી રીતે ટકવું તે વિચારવું જરૂરી બને છે.
આર્થિક સ્થિતિ: આર્થિક સ્થિતિ ગયા વર્ષ કરતાં મધ્યમ કફોડી રહેશે. ખોટા સાહસ કરવા નહીં. પછેડી પ્રમાણે સોડ તાણવી, ખર્ચાઓ ખૂબ જ છે. પણ કાર્ય અટકશે નહીં. કૌટુંબિક ખર્ચ વધુ થાય. જૂની લોન કે દેવું ભરપાઈ થાય. શૅર-લોટરીમાં જોખમ ન કરવું. નાણાં રોકાણ માટે સો વખત વિચારીને નિર્ણય કરવા. “લાલચ બૂરી ચીજ છે. માટે વધુ મેળવવામાં ક્યાંક લાખના બાર હજાર થાય. બૅન્ક બેલેંસમાં ઘટાડો થાય. લક્ષ્મીને રીઝવવા પ્રાર્થના ફળ મળે. નોકરીયાત વર્ગને આવક વધે નહીં. વારસાગત મિલકતથી આવક વધે.
સ્થાવર સંપત્તિ સુખ:
આપની સ્થાવર મિલકતમાં વધારો થાય. તમારી ઈચ્છાઓ પૂર્ણ થતી લાગે. થોડી ઘણી બાંધછોડ કરશો તો મકાન-વાહનનાં સ્વપ્નાં પૂર્ણ થાય. વારસાગત મિલકતના પ્રશ્ર્નો ઉકેલાય.
પ્રવાસ : નાની ધાર્મિક યાત્રા થાય. સપરિવાર પ્રવાસ ન કરવો. તમારા મુસાફરીના કાર્યક્રમમાં અવરોધ આવે કે અડધેથી પાછા આવવાનું થાય. નોકરી-વેપાર અંગે પ્રવાસ ન કરવો યોગ્ય રહે. વસ્તુ ચોરાઈ કે જોખમમાં મુકાઈ જાવ તેમ છે.
શત્રુ-મિત્ર વર્ગ: રામ રમતની ચાલમાં તમારી જીત નિશ્ર્ચિત છે. મિત્રથી વધુ પડતા લાગણીશીલ ના થવું. મિત્રોથી વિશ્ર્વાસઘાત થાય.
જૂના કોર્ટ કચેરીના ધક્કામાં રાહત અનુભવો. તમારો વિજય નિશ્ર્ચિત બની જાય છે. શત્રુઓ તમારું કંઈ બગાડી શકવાના નથી. માટે બેફિકર બનશો. કોર્ટકચેરીના ધક્કામાં રાહત અનુભવો.
અભ્યાસ: અભ્યાસ કરનારે શરૂઆતમાં ટાઈમટેબલ પ્રમાણે અભ્યાસ કરવાથી વર્ષના અંતે શુભ પરિણામ મળે.
બાર મહિનાનું રાશિફળ:
કારતક: મિત્રવર્ગથી લાભ થાય. વ્યવસાયમાં આવક વધે. સ્થાવર મિલકતમાંથી નાણાકીય આવકમાં વધારો થાય. કોર્ટકચેરીમાં વિજય મળે. કુટુંબમાં સુખ-શાંતિ જળવાય. નોકરિયાત વર્ગમાં જવાબદારી વધે.
માગશર: જમીન-મકાનનાં કાર્યો આગળ વધે. માતાનું સ્વાસ્થ્ય બગડે. મન અશાંત રહે. નાણાં ભીડ અનુભવો. આકસ્મિક ધન લાભ થાય. મુસાફરી ટાળવી. ખોટી દલીલમાં ન ઊતરતાં ચુપ રહેવું યોગ્ય રહે. સહોદર સાથે વિવાદ થાય.
પોષ: આ માસમાં અધૂરાં કાર્યો પૂરાં થાય. સંતાનને વ્યાધિ આવે. દામ્પત્ય જીવનમાં ચકમક ઝરે. વારસાગત મિલકતમાં આવક વધે. સંતાનો ગેરમાર્ગે ન જાય તેની તકેદારી રાખવી. ઉતાવળા નિર્ણય કોઈ બાબતે કરવા નહીં.
મહા: વ્યવસાયમાં ભાગીદારીથી લાભ થાય. જીવનસાથીની તબિયત બગડે. નાના પાયે વ્યવસાય કરનારને લાભ થાય. ધીરધારના વ્યવસાય કરનારને નુકસાન થાય. લાંબી મુસાફરી બને ત્યાં સુધી ટાળવી.
ફાગણ: આપના આરોગ્ય અંગે સાચવવું. અસ્થિભંગ થાય. સંતાનોની પ્રગતિ થાય. નોકરિયાત વર્ગને નોકરીમાં અડચણ દૂર થાય. કોર્ટ-કચેરીના પ્રશ્ર્નો હલ થતા જણાય. પ્રભાવશાળી વ્યક્તિત્વથી ઘણી મુશ્કેલીઓ દૂર થાય.
ચૈત્ર: નાણાકીય આવકમાં વધારો થાય. વ્યવસાયમાં ઉઘરાણી પરત આવે. કોર્ટ-કચેરીમાં વિલંબ થાય. દામ્પત્ય જીવનમાં વાતાવરણ સંઘર્ષમય રહે. કૌટુંબિક સુખ સારું મળે. મુસાફરીમાં સારું રહે. વિદ્યાર્થીવર્ગને મહેનતનું ફળ મળે.
વૈશાખ: આપના ભાગ્યમાં લાગેલું તાળું ખુલી જશે અને ચાવી તમારા હાથમાં જ હશે. અત્યાર સુધીના અવરોધ એકપછી એક દૂર થતા જાય. સંપત્તિની લે-વેચમાં સાનુકૂળતા રહે. વ્યવસાયમાં સફળતા મળે. વિકાસના માર્ગે નવી દિશા ખુલે.
જેઠ: મિત્રવર્ગથી લાભ થાય. આગ અકસ્માતથી નુકસાન થાય. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથેના સંબંધો સુધરે. સગાઈ-વિવાહના શુભ પ્રસંગો કુટુંબમાં આવે. પ્રશંસા કરનાર મિત્રો ઉપર વિશ્ર્વાસ મૂકશો નહીં.
અષાઢ: બહારના સંપર્કથી લાભ થાય. આવકમાં વધારો થાય. વેપારમાં સ્થળાંતર થાય. નોકરિયાત માટે બદલીના સંજોગો ઊભા થાય. ઉપરી અધિકારી સાથે વિવાદ ટાળવો. વિદેશ યાત્રા શુભ રહે.
શ્રાવણ: આપની નાણાકીય આવક વધે પણ ખર્ચને કાબુમાં રાખવા પડે. પ્રવાસ યાત્રામાં સફળતા મળે. લગ્ન બાબતે સમય ઉત્તમ રહે. વૈભવ-વિલાસી વસ્તુની ખરીદી માટે આ સમય શુભ રહે.
ભાદરવો: આ સમયમાં નવીન આશાઓ જણાય. વ્યવસાયમાં પ્રશ્ર્ન ઉકેલી શકશો. વાણી દ્વારા ધનઉપાર્જન કરશો. કુટુંબમાં પ્રેમાળ અને લાગણીભર્યા સંબંધો રહે.
આસો: પરિવારમાં આપની જવાબદારીઓ વધે. દામ્પત્ય જીવનમાં ગેરસમજો દૂર થાય. સરકારી કાર્યો ઉકેલાતા જણાય. વ્યવસાય સંબંધી મિલકતમાં વધારો થાય.
આપના માટે આ વર્ષ આપનું નથી. ‘સિંહ ભૂખ્યો રહે પણ ઘાસ ખાતો નથી તમારે આ વાક્યને અનુસરવું. જેથી આપની શાખ જળવાય અને ભાગ્ય સાથ આપશે. પણ ધનસંચય ન થાય. ધનની લાલચ છોડી આવકની સ્થિરતાને ટકાવી રાખવી. સાચી કદર આ વર્ષે થાય.
ક્ધયા (પ, ઠ, ણ)
આપની રાશિમાં સ્થિર ગ્રહો મુજબ ગુરુ આઠમા ભાવે જે ૧-૫-૨૦૨૪થી નવમા ભાવે રહે છે. રાહુ સાતમા ભાવે રહે છે. શનિ છઠ્ઠા ભાવે રહે છે. જે શુભ ફળદાયી બને છે. સમય તમને સાથ આપે છે. ચિત્રરૂપી નાવડીમાં બેસી બંને હાથમાં અન્ન અને અગ્નિ છે તો નાવડીના હલેસા કોણ મારે અને નાવડીના હલેસા મારવા જાશો તો હાથ ખાલી થઈ જશે. આ વાક્યનો મર્મ સમજી શકશો. એકંદરે શુભ વર્ષ રહેશે.
માનસિક અને શારીરિક સ્થિતિ:
આ વર્ષે આપની માનસિક સમતુલા જળવાશે. મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. સમાજમાં શુભ કાર્યો થાય. તમારી કદર થાય. મનમાં શાંતિ અને સંતોષનો અનુભવ થાય. ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ આ વાક્યની ગાંઠ મારી ગમે તે કાર્યમાં જંપલાવશો તો ફતેહના ડંકા વાગશે જ. શારીરિક-આરોગ્ય વર્ષ દરમિયાન અસ્વસ્થ રહ્યા કરે. છતાં મોટી બીમારી નથી. મંદવૃદ્ધિ થાય. લોહીને લગતી તકલીફ થાય. મગજની નબળાઈનાં દર્દો થાય. ખાવામાં ઝેરી કે નશીલા પદોર્થોથી દૂર રહેવું. ગુપ્ત અંગોનાં દર્દો થાય. ટૂંકા ગાળાના રોગ થાય. ત્વરિત સારું થઈ જાય.
પારિવારિક: અહીં ‘ધરતીનો છેડો ઘર’ આ વાક્ય આપને લાગુ પડે છે. તમારા પરિવારજનોથી સહકાર અને પ્રેમનું વાતાવરણ મળે. દામ્પત્ય જીવનની ગેરસમજો દૂર થશે અને સંવાદિતાભર્યું મધુર લગ્નજીવન જીવી શકશો. વિવાહ યોગ્ય યુવાનો માટે આ વર્ષ ઉત્તમ રહે. સંતાનો અંગેની ચિંતા દૂર થાય અને સંતાનોની પ્રગતિ થાય. પરિવારના સભ્યો તરફથી સાથ-સહકાર મળે. પણ બહારની અન્ય વ્યક્તિની વાત ઉપર વિશ્ર્વાસ કરવો નહીં નહીંતર તિરાડ પડી જશે અને સંયુક્ત કુટુંબ ઉપર નજર લાગી હોય તેવું દૃશ્યમાન થશે. સૌનું વિચારીને નિર્ણય કરવા. વડીલવર્ગની સલાહને માન આપશો તે યોગ્ય રહે.
નોકરિયાત-વેપારી વર્ગ: નોકરિયાત વર્ગને ચઢતીનો સમય રહે. સહકર્મચારી સાથે બગડેલા સંબંધો સુધરે. ખોટા વિવાદમાં ઊતરતા નહીં. સૌની હામાં હા મેળવી ચાલશો તો બાજી તમારા હાથમાં છે. નોકરીમાં બદલી થાય. વર્ષની મધ્યમાં સ્થળાંતર થાય.
વ્યવસાયમાં આ વર્ષે વિકાસ અને વૃદ્ધિકારક રહે. અવરોધ આવે પણ તેની પરવા કર્યા વિના પોતાના લક્ષ્ય તરફ મીટ માંડશો તો સફળતાના શિખરે બિરાજમાન થશો. ખોટાં સાહસ કરવા નહીં. નવીન તક આવશે જેને વધાવી લેવી. નવી યોજના અમલમાં મૂકશો તો તેનાથી લાભ થશે. નવી મિલન-મુલાકાતો ભવિષ્યમાં કામ આવશે. વેપારી વર્ગને માટે આ વર્ષ ‘સોનાનો સૂરજ’ સમાન છે.
આર્થિક સ્થિતિ: અહીં આપની નાણાકીય સ્થિતિ સુધરતી જાય. અર્થ પ્રાપ્તિ માટેનો સમય બળવાન છે. માટે આ વર્ષે નાણાં પ્રાપ્તિનાં સ્થળોનો લાભ લઈ શકશો. શેર લોટરીથી ધનલાભ થાય. જૂના દેવાનો પતાવટ થાય. બૅંક બેલેન્સમાં વધારો ન થાય છતાં નાણાકીય આવકમાં વધારો જરૂર થશે. ખર્ચ પ્રવાસ, પરિવાર પાછળ નાણાકીય આવકમાં વધારો જરૂર થશે. ખર્ચ પ્રવાસ, ધર્મ કલ્યાણ પાછળ ખર્ચ થાય. વારસાગત મિલકતની લે-વેચથી લાભ થાય. નોકરી દ્વારા આવકમાં વધારો થાય. લક્ષ્મીજીની પૂર્ણ કૃપા આપની ઉપર છે. પુરુષાર્થને નીતિથી ધન ઉપાર્જન કરશો તો એળે નહીં જાય.
સ્થાવર સંપત્તિ સુખ: સ્થાવર સંપત્તિમાં વર્ષ દરમિયાન વધારો જોઈ શકાય. (સપનો કા મહલ) આ વર્ષે સાકાર થાય. તે અંગે જરૂરી લોન અને અન્ય રીતે નાણાકીય સહાય મળતી જણાય. નવા વાહન ખરીદવાની ઈચ્છા પૂર્ણ થાય. તમારો પુરુષાર્થ ઘરનું ઘર કરવામાં સફળતા આપે છે.
પ્રવાસ: આ વર્ષે પ્રવાસ યાત્રા શુભ છે. વિદેશયાત્રા કરવાની ઈચ્છા પૂર્ણ થતી જણાય. આનંદીત વાતાવરણ રહે. પ્રવાસ-યાત્રામાં વધારે સમય ગાળો. સપરિવાર યાત્રા સફળતા મળે. વ્યવસાય અર્થે પ્રવાસ સફળ થાય.
શત્રુ-મિત્રવર્ગ: મિત્રો ફક્ત કહેવાના જ રહેશે. વિઘ્ન પડે ત્યારે દુ:ખમાં પાછળ રહે તેવા મિત્રોની ઓળખ ઊભી થાશે. માટે આપની સમસ્યા મિત્રોને આગળ ‘બંધ મુઠ્ઠી ન ખોલવી’ યોગ્ય રહે.
શત્રુ વર્ગ માટે આ વર્ષે અવળા પાસા પડતા જણાય. એટલે કે તમારા માટે ‘પોબારા’ સાચાં છે. કોર્ટ-કચેરીમાં સફળતા મળે. કાયદાકીય ક્ષેત્રે સંકળાયેલા હશો તો પ્રમોશન મળે. તમારા કાર્યની કદર થાય. વેપારમાં હરીફો ફાવે નહીં.
અભ્યાસ: આ વર્ષે મહેનતના પ્રમાણમાં ફળ મળતું જણાય. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે સફળતાની તકો છે.
બાર મહિનાનું રાશિફળ:
કારતક: વ્યવસાયમાં નાણાકીય સાહસથી લાભ થાય. નોકરિયાત વર્ગને આ સમય ઉન્નતિકારક રહે. અંગત આરોગ્ય બગડે. વાણી દ્વારા ધન ઉપાર્જન થાય. વારસાગત મિલકતથી લાભ થાય. કુટુંબમાં વડીલ વર્ગ સાથે મતભેદ સર્જાય. દામ્પત્ય જીવનમાં સ્નેહભર્યા સમય પસાર થાય.
માગશર: આ માસમાં યાત્રા પ્રવાસ સફળ થાય. નોકરીમાં બદલી થાય. ન ધારેલા કાર્યમાં સાહસથી સફળતા મળે. નવીન મુલાકાતો થાય. સહોદરથી લાભ થાય. નાણાકીય મુશ્કેલી વધે. આવક કરતાં જાવક વધી જાય.
પોષ : આ માસમાં મનબેચેની અને વ્યગ્રતા અનુભવે. દામ્પત્યજીવનમાં ખટરાગ થાય. કવચિત વિયોગના પ્રશ્ર્નો બને. વ્યાપારમાં ચડતી-પડતી થાય. છુપા શત્રુ ઊભા થાય. સંતાનોની તબિયત અસ્વસ્થ જણાય.
મહા: સ્થાવર મિલકતના પ્રશ્ર્નો હલ થાય. નવા વાહન-મકાનની ખરીદી કરવામાં ફાયદો થાય. તબિયત નાદુરસ્ત જણાય. ગૃહજીવનમાં ગેરસમજો ઊભી થાય. જે માસના અંતે સમાધાન થાય. વ્યવસાયોમાં યોગ્ય નિર્ણય ન લઈ શકાય. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીથી લાભ થાય.
ફાગણ: દામ્પત્ય જીવનમાં માનસિક તણાવ રહે. અશાંતિ અને ઉદ્વેગ ભરેલું વાતાવરણ રહે. નોકરીમાં ધાર્યું પરિણામ ન મળે. બદલી થાય. સગાઈ-વિવાહ અંગેના કાર્યમાં પ્રગતિ થાય. સંતાનોની પ્રગતિ થાય. વેપારમાં હરીફ શત્રુ ઊભા થાય.
ચૈત્ર: લગ્નજીવનની શરૂઆત કરનાર માટે આ સમય શુભ રહે. અભ્યાસમાં ધાર્યું પરિણામ મળે. આરોગ્ય હજુ અસ્વસ્થ રહેશે. શત્રુવર્ગ પીઠ પાછળ નિંદા કરનાર ઊભા થાય. ભાગીદારથી લાભ થાય.
વૈશાખ: આકસ્મિક ધન લાભ થાય. તમારા વેપારમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. ખર્ચ વધી જાય. શૅર-લોટરીમાં જોખમ કરવું નહીં. સંતાન સંબંધી ચિંતાઓ દૂર થાય. જીવનસાથી સાથે વિસંવાદિતા વધે. ‘કમ ખાઓ અને ગમ ખાઓ’ની નીતિ અપનાવવી શાંતિ જળવાય. વિદેશયાત્રા સફળ થાય. કોર્ટ કચેરીમાં નુકસાન થાય. મનની મૂંઝવણ વધે. સઘળું ઈશ્ર્વર ઉપર છોડવાથી આ સમય શુભ રહેશે.
જેઠ: આ માસમાં ઘણાં જ અવરોધ આવે. કામ વગર દોડાદોડી થાય. ભાગીદાર સાથે મનદુ:ખના પ્રસંગો બને અથવા વેપારમાં ભાગીદાર છુટા થાય. ગૃહજીવનમાં ચકમક રહે. બજેટમાં ઉધાર પાસુ વધુ રહે. ગૃહજીવનમાં નવીન માંગલિક કાર્યો થાય. જે આકસ્મિક ખર્ચ પણ ગણી શકાય. કોર્ટ-કચેરી થાય. તમારા વિરુદ્ધ કાવાદાવા થાય. જેના ભોગ બની શકો. આધ્યાત્મિક વાતાવરણમાં રહેવાથી શાંતિ જળવાય.
અષાઢ: વારસાગત મિલકતના પ્રશ્ર્નો ઉકેલાય. મિત્ર વર્ગથી ધનલાભ થાય. વ્યવસાયમાં હજુ સમય પ્રગતિકારક નથી. સ્થિરતાને ટકાવી રાખવી. ધીરજ અને બુદ્ધિપૂર્વક સમયને પસાર કરવાથી આપ લાભમાં રહો. વાણી દ્વારા સંબંધો વણસી શકે છે.
શ્રાવણ: નોકરીમાં ઉપરી અધિકારી સાથે સંબંધો બગડે. લાંબી યાત્રા માટેની તૈયારી શરૂ થાય. વડીલવર્ગને તબિયત લથડતી જણાય. ખોટી દલીલોનો ત્યાગ કરવો. વ્યવસાયમાં કાર્યબોજ વધે. પણ આવકમાં શૂન્ય જ મળે. બહારના સંપર્કથી લાભ થાય.
ભાદરવો: દામ્પત્ય જીવનમાં વિશ્ર્વાસ મૂકી કાર્ય કરવું. મનોબળ મજબૂત કરી આપ અધૂરા કાર્ય પૂરા કરી શકશો. નવીન દિશા મળે. એક પછી એક કાર્ય પૂરા થવા લાગે. વિદેશયાત્રા સફળ થાય. આરોગ્ય સાચવવું.
આસો: વ્યવસાયમાં વાણી દ્વારા ધન ઉપાર્જન થાય. જૂની ઉઘરાણી પરત આવે. પરિવારમાં શુભ પ્રસંગો બને. દામ્પત્ય સુખમાં ઊણપ રહે. માનસિક રીતે શાંતિ રાખવાથી પરિસ્થિતિ થાળે પડતી જણાય.
આ વર્ષ તમારા માટે શુભ છે. ગ્રહોની માયાજાળ અશુભ ફળ આપતી નથી. વર્ષમાં ધારેલાં અનેક કાર્યો પાર પડે. ઈશ્ર્વરનો ડર રાખી શુભ કાર્ય કરશો તો સફળતા અચૂક મળશે જ અને હંમેશાં હકારાત્મક વલણ અપનાવવું યોગ્ય રહે.
તુલા (ર, ત)
આ વર્ષ ગુરુ મહારાજ સાતમા ભાવે ૧-૫-૨૦૨૪થી આઠમા ભાવે આગમન કરશે. ધર્મ ક્ષેત્રે સફળતા આપે. રાહુ છઠ્ઠા ભાવે શુભ ફળદાતા બને છે. નોકરીમાં ઉચ્ચપદની પ્રાપ્તિ માટે શુભ બને છે. શનિ મહારાજ પાંચમા ભાવે સમાજમાં વાહવાહ કરાવે. શાખ-પ્રતિષ્ઠામાં વધારો કરાવે.
માનસિક સ્થિતિ: બાહ્ય વાતાવરણની મનમાં ઊંડી છાપ ન પાડવી. ‘પછેડી પ્રમાણે સોડ તાણવી’. મનથી સંતોષ રાખવો. ખુશામત કરવાથી અવગુણો ઢંકાઈ જાય છે. માટે આપની ચેતના શક્તિ અને આત્મવિશ્ર્વાસને ટકાવી શકશો. અહંકાર અને જીદ્દી વર્તનનો ત્યાગ કરવો, નહીં તો મન દુ:ખોથી ભરાઈ જશે. ખોટી શંકા, વહેમથી દૂર રહેવું. સામે પવને ચાલવાનું હોવાથી મનને અણ રાખી વિજયની કૂચ કરવી, કોઈ શું કહેશે તેની પરવા ક્યારેય કરશો નહીં. તમારા માટે શું યોગ્ય છે તે વિચારીને ચાલશો તો માનસિક સ્થિરતા જળવાશે.
આરોગ્ય અંગે ખાનપાનમાં પરેજી રાખવી. વ્યસનથી દૂર રહેવું. કુદરતી ઉપચારથી આરોગ્ય જળવાય. આધ્યાત્મિક જ્ઞાન અપનાવી ખોટા વહેમથી દૂર રહેવું નહીં તો, કોથળામાંથી બિલાડા જેવું નીકળશે, કોઈ મોટી બીમારી નથી. વડિલવર્ગને તબિયત અંગે ખાસ સાચવવી. તંદુરસ્તી જોખમાય તેમ છે.
પારિવારિક: આ વર્ષે પરિવારમાં એકતા જળવાય તે માટે તમારે ઘણો જ ત્યાગ કરવો પડશે. પરિવારમાં તિરાડ પડે. વિયોગ થાય. તેવા પ્રસંગો બને. નાણાકીય નુકસાન સહન કરવું પડે. આપ વડિલ તરીકે હોય તો અન્ય સભ્યો પોતાની મર્યાદા ઓળંગી તમારી પ્રતિષ્ઠાને હાનિકર્તા બની શકે છે. ધીરજ અને શાંતિથી નિર્ણય કરવા તમારો નિશ્ર્ચય અડગ છે. તે પ્રમાણે વર્તન રાખી પરિવારના સભ્યોને સમજાવી શકો તો ઘણું જ સારું રહે. જીવનસાથી સાથે અણબનાવ બને. છૂટાછેડા સુધી વાત પહોંચી ન જાય તેની તકેદારી રાખી નમતું જોખવું. સંતોનોથી ઉપાધિ આવે. તેમની ચિંતા રહ્યા કરે.
નોકરિયાત વર્ગ અને વેપારી વર્ગ : નોકરિયાત વર્ગને આ વર્ષ શુભ રહે. ખોટી આળ-કોર્ટ-કચેરીમાંથી બહાર આવે, નોકરીમાં બઢતી મળે- બદલી થાય. સ્થળાંતર થાય. વ્યવસાય કરનારને વેપારમાં સૂઝ પડે નહીં અને નુકસાની સહન કરવી પડે. સંઘર્ષમય સમય પસાર થાય. આવડત અને બુદ્ધિથી કામ સંભાળવું તેમ જ સાહસ તો કરવું જ નહીં… ચાલુ વ્યવસાયમાં ટકી રહેવા ખૂબ જ મહેનત કરવી પડે. ગુસ્સાને કાબૂમાં રાખી વાણી પર સંયમ રાખવો. આ સમયે મીઠીવાણીથી સંબંધો સચવાય તે જરૂરી બને છે. સારો સમય તમારો આવશે તે આશાએ ચૂપ રહેવું યોગ્ય.
આર્થિક સ્થિતિ: આ વર્ષે લક્ષ્મીજી આપના પર રીઝેલા રહેશે. લક્ષ્મીની રેલમછેલ થાય. ન ધારેલી આવક પ્રાપ્ત થાય. ગુપ્ત વારસો પણ મળી શકે. ભૂતકાળમાં કરેલાં રોકાણ બચત સ્વરૂપે આ વર્ષે મળી શકે. વ્યવસાયમાં ઉઘરાણી મળે. જૂના દેવા પૂરા થાય. અગત્યની લોન પાસ થાય. નાણાંકીય સદ્ધરતા રહે, પણ આવકને ખર્ચમાં ફેરવતા વાર નહીં લાગે. નાણાંકીય સાહસ કરવા નહીં. દૃવ્યસુખમાં વધારો થાય. ખોટા દેખાડો કરવાથી નાણાં વપરાશે નહીં પણ વેડફાશે. લક્ષ્મીજી સામે ચાલીને આવ્યા છે તો વ્યર્થ ઉપયોગ ન કરવો આપના માટે યોગ્ય રહે.
સ્થાવર સંપત્તિ સુખ : આ વર્ષે આ બાબત યાદગાર બની જશે. જૂના મકાનની ખરીદ-વેચાણ થાય. વારસાગત મિલકત-જમીનનો નીવેડો આવે. સમાધાનથી સ્થાવર મિલકતમાં પતાવટ થાય. તે વધુ સારું ફળ મળશે. આપના નવા મકાન-વાહન અંગેની ઈચ્છા પૂર્ણ થશે. મોટી ફેક્ટરી, દુકાન, ઑફિસ વગેરે વ્યવસાય અર્થે લેવામા. આ વર્ષે શુભ બને પણ ભાગીદારી નહીં – ખોટી જગ્યાએ નાણાં રોકાણ થતા નથી. ને તે જોઈને રોકાણ કરવું. ભાડાની આવક ચાલું થાય. આપના મકાનમાં લોન-કરજ હોય તે ભરપાઈ થઈ જાય. શાંતિનો શ્ર્વાસ લઈ શકશો.
પ્રવાસ : વ્યવસાય અર્થે પ્રવાસ-યાત્રા સફળ થાય. ધાર્મિક કાર્ય અર્થે વિદેશયાત્રા સફળ બને, પણ સપરિવાર વ્યર્થ પ્રવાસ કરવો નહીં. ઘર એક મંદિર રહેવું યોગ્ય રહે. ધર્મના નામે પ્રવાસ ટાળવો.
શત્રુ-મિત્રવર્ગ : મિત્રવર્ગથી વિશ્ર્વાસ ઊઠી જાય તેવા પ્રસંગો સર્જાય. ખાસ મિત્રો સાથે નાણાકીય વ્યવહાર ન કરવો અથવા નાણાંની લેવડ-દેવડનો હિસાબ જતો કરશો તો મિત્રતા ટકી રહેશે. સમય મિત્રોની પરીક્ષા કરાવે, પણ મિત્રોને જો કાયમી રાખવા માગતા હોય તો સમય તમારી સાથે નથી તેમ માનશો.
કોર્ટ-કચેરીની જાળમાં ફસાઈ ન જાવ તેની તકેદારી રાખવી-થોડું જતું કરી નાખવું સારું, પણ કાયદાકીય બાબતે પડશો નહીં. નુકસાની થાય. શત્રુ વર્ગ ઊભા થાય. સાચ ને આંચ ન હોય, તમારી ઈમાનદારી અને કડવું સત્ય હશે તો દુશ્મન તમારું કંઈ જ બગાડી નહીં શકે. મનમાં ખોટા તુક્કા ગોઠવી આરોગ્ય ન બગાડશો.
અભ્યાસ : વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં મન લગાવી પૂરી તૈયારી સાથે પરીક્ષા આપે તો સફળતા પૂર્ણ મળશે જ. આરોગ્ય બગડે નહીં તે જોવું. સરસ્વતીની ઉપાસના-અધ્યયનમાં પૂરતું ધ્યાન આપો, તો સફળ થાશો.
બાર મહિનાનું રાશિફળ:
કારતક: દામ્પત્ય જીવનમાં ગેરસમજ ઊભી થાય. નાણાંનો વ્યય થાય. વિદેશ આવકમાં વધારો થાય. વ્યવસાયની પ્રગતિ માટે સમયની રાહ જોવી પડે. નોકરિ-યાત વર્ગ ઉન્નતિકર્તા રહે. આવક વધે. શત્રુ વિજયી બનો.
માગશર: જૂની ઉઘરાણી પરત આવે, વ્યવસાયમાં આવકમાં સાધનો વધે. જીવનસાથી સાથે સમાધાન થાય. વાણીમાં મીઠાશ રાખવી યોગ્ય રહે, ખોટા દેખાવ કરવામાં ફસાવું નહીં.
પોષ: આ સમય કામ પૂરંતુ બોલવું. મુસાફરી યાત્રા ઉત્તમ થાય. આરોગ્ય બગડે. નોકરી-વ્યવસાયમાં પરિવર્તન આવે. સંતાનો અંગે ચિંતા રહે,ખર્ચના ખાડામાં ઊતરી જાવ.
મહા: જમીન-મકાનમાં પ્રશ્ર્નોનાં ઉકેલ આવે. વૈભવશાળી વસ્તુની ખરીદી થાય. સંતાનોની તબિયત સુધરે. મોટા વર્ગનાં વ્યક્તિની ઓળખાણ થાય. રેતીના કણમાં હિરાનાં ઔસનાં દર્શન થાય.
ફાગણ: નોકરી-વ્યવસાયમાં ઉન્નતિ થાય. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધરે. ઉચ્ચપદ મળે. જમીન-મકાનમાં લે-વેચ કરનારને શુભ સમય રહેશે. વાહન અંગે પરિવર્તન થાય. નાણાકીય ખર્ચ ખોટા રસ્તે થાય. પ્રશંસા કરનાર વ્યક્તિથી દૂર રહેવું. સમાજમાં ઉચ્ચપદ ન મળે તો કાંઈ નહીં, પણ અપયશ ન મળે તેની તકેદારી રાખશો.
ચૈત્ર: કુટુંબમાં આનંદ અને પ્રેમાળ વાતાવરણ જોવા મળે. વૈભવ-વિલાસી જીવનની પળો માણી શકશો. સંતાનો માટે અટકેલા કાર્યો પૂરા થાય. વ્યવસાયમાં ભાગીદારથી લાભ થાય. કોર્ટ-કચેરીમાં વિજય મળે.
વૈશાખ: નોકરીમાં ઉપરી અધિકારી સાથે મતભેદ થાય. શત્રુ વર્ગ ઊભો થાય. ખોટા આળ આવે માટે સાવધાની રાખવી. કોર્ટ-કચેરી થાય. વારસાગત મિલકતના પ્રશ્ર્નો ઉકેલાય. પડવા-વાગવાથી શરીરમાં અસ્થિ ભંગ થાય. આકસ્મિક ઉદરને લગતી શસ્ત્રક્રિયા થાય. પ્રવાસ-યાત્રા ટાળવી.
જેઠ: બૅંક-બેલેન્સમાં વધારો થાય. આકસ્મિક ધનલાભ થાય. કુટુંબ અર્થે ખર્ચ પણ વધી જાય. વ્યવસાયમાં વિશ્ર્વાસ મૂકવો નહીં. નવીન મુલાકાતો લાભકર્તા રહે વિદ્યાર્થીવર્ગને શુભ સમય રહે. ગૃહજીવનમાં વિખવાદ બાદ શાંતિ જળવાય. આરોગ્ય અંગે કાળજી રાખવી. આંખના રોગ થાય.
અષાઢ: જમીન-મકાનના પ્રશ્ર્નો હલ થાય. નવી સ્થાવર મિલકતની ખરીદી કરવી શુભ રહે. વ્યવસાયમાં નવી ઓળખાણ થાય. નવી તક સાંપડે. સમાજમાં ઉચ્ચપદ મળે. આત્મવિશ્ર્વાસ દરેક કાર્યને પૂર્ણ કરે છે.
શ્રાવણ: સમયની સાથે ચાલવું. મૃગજળના દર્શન બરાબર બધે જ લાભ દેખાય, પણ હાથમાં હવા જ આવે. વેપારી વર્ગને ચડતી-પડતી રહે. ગ્રાહક સાથે ચકમક રહે. મિલકતના પ્રશ્ર્નો યથાવત્ રહે. સરકારી કાર્યોની પતાવટ થાય.
ભાદરવો: વિવાહ માટેની તૈયારી પૂર્ણ થાય. આ માસમાં આપ પ્રભુતામાં પગલાં પાડી શકશો-દામ્પત્ય જીવનમાં મધુરતા રહે. સર્વકાર્યોમાં સફળતા મળે. વિદેશ-યાત્રા શુભ.
આસો: નોકરી-વ્યવસાયમાં સ્થળાંતર થાય. બૅંકલોન પાસ થાય. શત્રુવર્ગ ઉપર વિજય મળે. આગ-અકસ્માતથી નુકસાન થાય. વિદ્યાર્થીવર્ગને સફળતા મળે.
આ વર્ષે આપ વાસ્તવિક જીવન જીવવાની કોશિશ કરશો તો સમાજમાં માન-પ્રતિષ્ઠા જળવાશે. ખોટી-નકલી પાંખ લઈ આકાશમાં ઊડવાની કોશિશ નકામી જશે. કૌટુંબિક વિયોગ થાય કે મનદુ:ખ થાય તેવા પ્રસંગો બને. મહત્ત્વની મુસાફરી થાય. ધારેલા કામ-કર્મ આધિન પાર પડે. ઈષ્ટદેવની ઉપાસના માટે સમય શુભ રહેશે.
વૃશ્ર્ચિક (ન, ય)
આ વર્ષ આપના માટે સુખ, સમૃદ્ધિ અને કલ્યાણકારી નીવડે. વર્ષની શરૂઆતમાં શનિ ચોથા ભાવે નાનીપનોતી સ્વરૂપે વિરાજમાન છે સોનાના પાયે ચિંતાઓથી ઘેરાયેલા રખાવે છે. રાહુ પાંચમા ભાવે મિશ્રફળદાયી બનશે. ગુરુ ગ્રહ ૧-૫-૨૦૨૪થી સાતમાભાવે જે રોગમાંથી મુક્તિ મળે ને શત્રુ વિજયી બનાવે છે.
માનસિક અને શારીરિક સ્થિતિ : આ વર્ષ દરમ્યાન આપની માનસિક સ્થિતિ વિચાર કરતા કાર્ય તરફ વધુ રહે. સાગરને મળવા નદી આતુર હોય છે. તેમ આપને મંજિલ સુધી પહોંચવા આ સમયે સાનુકૂળ બતાવે છે. ભૂતકાળના બનાવની ભૂલને વર્તમાનમાં વિચરતા શીખો.
શારીરિક આરોગ્ય કથળે. શરીરમાં નબળાઈ, રક્તજન્ય રોગ, ચેપી રોગ થવાની શક્યતા બતાવે છે. વર્ષની મધ્યમાં આરોગ્ય સુધરે. માનસિક અવસ્થતા વધુ રહે. “ન જાણ્યુ જાનકીનાથે સવારે શું થવાનું છે. તો આપણે કાળામાથાના માનવીએ વ્યર્થ ચિંતાઓથી વર્તમાન સમયનો આનંદ કેમ ન માણીએ.
પારિવારિક: પરિવારના સભ્યો પોતાના સ્વાર્થ માટે તમારા નાણાનો ઉપયોગ કરતા જણાય. પરિવારના સભ્યો પોતાની વસ્તુ અને કામ કરવા તમારો ભરપુર ઉપયોગ કરશે. આપનાર ભોગની સવાર પડે તેની રાહ વર્ષના અંત સુધી જોવાની રહેશે. કુટુંબમાં જૂના સંબંધો સુધરે, માંગલિક પ્રસંગો બને, દામ્યત્ય જીવનમાં લાગણી ભર્યા સંબંધો જળવાય. લગ્ન અંગેની બાબતોમાં સફળતા મળે. વડીલવર્ગની હૂંફ મળે. સંતાનોના પ્રશ્ર્નોનો હલ થાય.
નોકરી-વેપારીવર્ગ : આ વર્ષે નોકરીમાં ઉચ્ચપદ પ્રાપ્ત થાય. સહકર્મચારી સાથે સંબંધો સુધરે. રાજકીય ક્ષેત્રે સફળતા મળે. કોર્ટ-કચેરીમાં સફળતા મળે. ‘ઈલમકી લકડી કા જાદુ સબ પે ચલેગા.’
વ્યવસાયમાં નવીન તક મળે, પણ પાંજરામાં પૂરાયેલા પોપટ જેવી સ્થિતિ થાય. સોનાની સાંકળે તમને બાંધેલા હોય તેવો અનુભવ વેપારમાં થાય માટે સમયને ન્યાય આપી આપણા સ્વતંત્ર વેપારમાં ભાગીદાર ન કરવા અને થોડામાં સંતોષમાની વ્યવસાયમાં શાંતિથી સાહસ નાના પાયે કરવા. તમારા ધાર્યા કામો પાર પડે.
આર્થિક સ્થિતિ : આ વર્ષે નાણાકીય મુશ્કેલીમાંથી માર્ગ મળે. આવકના સાધનો મળી રહે. પરિવારમાં વધુ નાણાનો વ્યય થાય. ભરતી, ઓટ આવે છતાંય તકનો લાભ લઈ આવકમાં વૃદ્ધિ કરી શકશો. રોગ અને શત્રુ પાછળ ખર્ચ થાય. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ન ધોવાય આ કહેવત અનુસાર વર્તશો તો સુખદાયી વર્ષ રહેશે. વધુ પડતા લાગણીના પ્રવાહમાં તણાતા નહીં. અજાણ્યા માટે પરોપકારી ધની બનશો. શેર-લોટરીમાં જોખમ કરશો નહીં.
સ્થાવર સંપત્તિ સુખ: સ્થાવર સંપત્તિ બાબતે આ વર્ષ ઉત્તમ રહે. અટકેલા કાર્યો પૂરા થાય. નવા મકાન લેવાની ઈચ્છા પૂરી થાય. અને તે અંગે નાણાકીય મદદ મળી રહે. વારસાગત મિલકતના પ્રશ્ર્નો વર્ષના અંતે ઉકેલાય.
પ્રવાસ: પ્રવાસ યાત્રા સફળ થાય. લાંબી મુસાફરી થાય જે સુખદ રહે.
શત્રુ-મિત્રવર્ગ: મિત્રોથી સુખ-શાંતિમય સમય પસાર થાય. મિત્રોના વ્યવહારો શુભ પરિણામ આપે નવા મિત્રોની ઓળખાણ પૂરેપૂરી ન થાય ત્યાં સુધી વિશ્ર્વાસ ના મૂકવો.
શત્રુવર્ગની પીછેહઠ થાય. કોર્ટ-કચેરીમાં વિજય પતાકા મળે. વિજયરૂપી ડંકો તમારો સર્વત્ર વાગશે છતાંય તમારે શાંત બની બેસવાનું નથી, પણ હરિફો શું કાવા-દાવા રમે છે તેની નોંધ જરૂર બનશે.
અભ્યાસ: વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા પૂર્ણ થાય. ઉચ્ચ ડિગ્રી મળે. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં મહેનતનું ધાર્યું પરિણામ મળે છે. વર્ષના અંતે ઈતર પ્રવૃત્તિમાં ધ્યાન આપવું નહીં.
બાર મહિનાનું રાશિફળ:
કારતક: પડવા-વાગવાથી નુકસાન થાય. મિત્રવર્ગથી ધનલાભ થાય. વ્યવસાયમાં તક આવે તે ઝડપી લેવી. શત્રુવર્ગ ઉપર વિજય મળે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે મતભેદ સર્જાય.
માગશર: આ માસમાં કાર્યો પૂરા થાય. મોટા વર્ગની વ્યક્તિની ઓળખાણથી અગત્યના કાર્યો થાય. દામ્પત્ય જીવનમાં મધુરતા રહે. લગ્નયોગ યુવાવર્ગ માટે ઉત્તમ સમય રહે. સંતાનોની ચિંતા રહે. નોકરિયાત વર્ગને મધ્યમ સમય રહે.
પોષ: વ્યવસાયમાં કામ વધી જાય અને થોડા અનુભવો મુશ્કેલીમાંથી માર્ગ મળે. પ્રવાસમાં વિઘ્ન ઊભા થાય. અંગત આરોગ્ય બગડે. શત્રુવર્ગથી સાવધ રહેવું.
મહા: જમીન-મકાનની ખરીદી-વેચાણ માટે શુભ સમય રહે. સંતાનોની પ્રગતિ થાય. જીવનસાથી સાથે ગેરસમજ ઊભી થાય. આવક કરતા જાવક વધે. મિત્રવર્ગથી વિશ્ર્વાસઘાત થાય. વેપારમાં લક્ષ્ય રાખવું જરૂરી બને.
ફાગણ: કોઈ અણબનાવ ન બને તે જોવું. કોર્ટ-કચેરી થાય તેમાં સમાધાનનું વલણ અપનાવવાથી લાભ થાય. સંતાનો અંગેની ઈચ્છા પૂરી થાય. નોકરીમાં બદલી થાય. પ્રમોશન મળે. સહોદર સાથે સંબંધો સુધરે.
ચૈત્ર: નોકરીમાં ખોટા આળ ન આવે તેમ જ અગત્યના કાગળો પર સહીસિક્કા કરતાં સાચવવું. આવક કરતાં ખર્ચ વધી ન જાય તે માટે બજેટ અગાઉથી નક્કી કરવું. આયોજનપૂર્વક કાર્ય કરશો તો ઝડપથી થશે. કોર્ટ-કચેરીમાં નુકસાન થાય. જીવનસાથી સાથે મતભેદ થાય.
વૈશાખ: વ્યવસાયમાં નવા સાહસ કરવાથી લાભ થાય. સમાજમાં અપયશ મળે અપમાનના ઘૂંટડા પીવા પડે માટે તેવા કાર્યો મુલતવી રાખવા. સગાઈ-વિવાહનાં સંબંધો તૂટે નહીં માટે વાણીમાં-વિચારમાં સંયમ રાખવો. મકાન-વાહનની ખરીદી માટે યોગ્ય સમય રહે.
જેઠ: વિદ્યાર્થીવર્ગને સફળતા મળે. વ્યવસાયમાં પ્રગતિ થાય. પ્રવાસયાત્રા-મુલતવી રાખવા. નાણાકીય ભીડ અનુભવો. દેવું થાય. વ્યાજે નાણાં લેવાના પ્રસંગો બને. નવીનકાર્યો માટે શુભ સમય રહે.
અષાઢ: નાણાકીય મુશ્કેલી વધતી જાય. જમાપાસુ નીચું રહે. વ્યવસાયમાં છેતરામણી ન થાય તેની તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને માસના અંતે શુભ સમય રહે. સંતાનોની ઉપાધિ આવે. શેર-લોટરીમાં જોખમ કરવું નહીં.
શ્રાવણ: વાણી ઉપર સંયમ રાખવો. કુટુંબમાં સમાધાનની ભાવના રાખવી. વ્યવસાયમાં નવીન તક મળે. લાભકારક સમય રહે. મકાન લેવા માટેનો વિવાહ હોય તો આ સમય શુભ રહે. નવા સંબંધો બંધાય. જીવનસાથીથી લાભ થાય.
ભાદરવો: મિત્રવર્ગથી લાભ થાય. સમાજમાં મોટા માણસોની ઓળખાણ થાય. નોકરીમાં ઉપરી અધિકારી સામે સંબંધો સુધરે. કુટુંબમાં માનપ્રતિષ્ઠા વધે. સરકારી કાર્યોની પતાવટ થાય.
આસો: શાંતિ અને ધીરજથી કાર્ય કરશો તો ફતેહ થશે. વિવાહના કાર્યો માટે શુભ સમય રહે છે. લગ્નજીવનની મધુરતા માણી શકશો. સપરિવાર પ્રવાસ-યાત્રા કરવા નહીં. સંતાનો માટે પ્રગતિકારક સમય રહે.
આમ આ વર્ષે સોનાના સૂરજ જેવો રહેશે: સાર્વત્રિક વ્યક્તિગત વિકાસ થાય.
ધન (ભ, ધ, ફ, ઢ)
આ વર્ષે આપને માનસિક અને શારીરિક તબિયત નરમ-ગરમ રહેશે. દેહાધિપતિ વર્ષારંભે પાંચમા ભાવે જે ૧-૫-૨૦૨૪થી છઠ્ઠા ભાવે રહે છે. શનિદેવ ત્રીજા ભાવે રાશીથી થાય છે, જે માનસિક તણાવ ગ્રસ્ત રહે. જ્ઞાનમય સમજ કેળવશો તો લાભમાં અને બુદ્ધિપૂર્વક જીવનમાં લાભ મેળવવા પ્રયત્ન કરશો તો વર્ષારંભે સરવૈયું જમાપાસુ બોલે પણ ધન લાભ નહીં થાય. રાહુ ચોથા ભાવે રહે જે સમયની સાથે શુભચિંતક બનીને લાભ અપાવે છે.
માનસિક અને શારીરિક સ્થિતિ : માનસિક ચિંતા વધે. શનિ મહારાજ વિચાર સ્થાને ને વિચારોનો પ્રવાહ સતત ચાલુ રહે, પણ મનની શાંતિ-એકગ્રતા જ તમને ખોટા વિચારો અને વ્યગ્રતા દૂર કરશો. આધ્યાત્મિક જ્ઞાન તમને શાંતિ અને આરામ આપે છે. વિચારોના વમળોમાં યોગ્ય નિર્ણય લઈ ન શકાય. તમારે મક્કમ રાખી કાર્ય કરશો તો જ લક્ષ્ય-ધ્યેય પૂર્ણ થતા જણાય.
શારીરિક આરોગ્ય કરતા માનસિક રીતે વધુ બીમારી લાવે છે. તમને શરીરના રોગ કરતા મનની શંકા-વહેમથી બીમારી વધી જાય છે. તમારે કોઈ મોટી બીમારી નથી. કુદરતી વાતાવરણ મનની અને તનની બીમારી દૂર કરે છે.
પારિવારિક: કૌટુંબિક દૃષ્ટિએ આ વર્ષ મધ્યમ ફળદાયી બને છે. વિચારોથી મતભેદ રહ્યા કરે. લગ્નજીવનમાં ભંગાણ ન થાય માટે ત્યાગની ભાવના રાખવી. વિવાહયોગ્ય યુવાનો માટે રાહ જુઓની નીતિ રાખવી રહે. કુટુંબમાં તમારી જીદ કામે લાગશે નહીં. ખોટી દલીલો કરવી નહીં. આપ સાચા છતાંય બોલવું નહીં અને સહન કરવું- જેણે સહન કર્યું તેણે સર્વસ્વ મૃત્યુ આ ભાવના રાખવી.
નોકરી-વેપારીવર્ગ: નોકરિયાત વર્ગને બુદ્ધિ દ્વારા કાર્ય કરશો તો સફળતા મળશે. પ્રમોશન અંગે કામ ખોરંભે ચડે. વર્ષના અંતે મહેનતનું ફળ મળે. વ્યવસાયમાં લાભકર્તા સમય રહે. નવીન તક આવે. જૂના વેપારમાં પરિવર્તન આવે. આપની યોજના સાકાર થતી જોવા મળે. વ્યવસાયમાં નામના મળે.
સ્થાવર સંપત્તિ સુખ: નવા ગૃહનિર્માણનો સમય તમારી રાહ જોઈ રહ્યો છે તે માટે સાવધાની રાખવાની જરૂર છે અને નવા વાહન ખરીદવાની ઈચ્છા પૂર્ણ થાય. વ્યવસાય માટે જમીન-પ્લોટ કે ઑફિસ ખરીદનાર માટે સોદાબાજી જોઈ વિચારીને કરવી. ખોટી જગ્યાએ નાણાં રોકાણ ન થાય તેનું ધ્યાન રાખવું. વારસાગત મિલકતમાં સમાધાન દ્વારા ઉકેલ મળે.
પ્રવાસ: પ્રવાસ-યાત્રા મધ્યમ ફળ આપે છે. નાની મુસાફરી શુભ રહે. લાંબી મુસાફરીમાં વિલંબ થાય. જન્મના ગ્રહો બળવાન હશે તો જ વિદેશયાત્રા તેમ જ લાંબી મુસાફરી કરી શકશો.
શત્રુ-મિત્રવર્ગ: મિત્રવર્ગથી લાભ થાય. ન ધારેલ કાર્યો મિત્રથી પાર પડશે. સાચામિત્રને પરખવાનો સમય છે. નવા મિત્રો સારા વર્ગના મળશે તેમનાથી સમય શુભ બનશે.
કોર્ટ-કચેરીમાં નુકસાન થાય. છૂટાછેડા લેનાર માટે આ સમય શુભ રહે. નોકરીમાં છેતરામણી થાય. છેલ્લે વિજયનું તિલક તો તમારા શીશ ઉપર જ લાગશે.
અભ્યાસ: વિદ્યાર્થીવર્ગને ધાર્યું પરિણામ મેળવવા કપરી મહેનત કરવી પડશે. નહીંતર ધોળે દિવસે તારા દેખાય જશે. અભ્યાસમાં મનપરોવી પ્રથમ દિવસથી વાંચનના શ્રી ગણેશ કરવા યોગ્ય રહેશે. બીમારી પાછળ સમય નષ્ટ થતા અભ્યાસમાં અવરોધ મોટો આવશે.
બાર મહિનાનું રાશિફળ:
કારતક: ભાગ્યનો વ્યય થાય. વ્યવસાયમાં વિચારીને નિર્ણય કરવા. ભાગીદાર સાથે સમય મધ્યમ રહે નોકરીમાં બઢતી મળે. સમાજમાં યશ-પ્રતિષ્ઠા વધારો થાય. સરકારી કાર્યોની પતાવટ થાય.
માગશર: નોકરીમાં ઉપરી અધિકારી સાથે સંબંધો સુધરે. વિદેશયાત્રા સફળ થાય. દામ્પત્ય જીવનમાં વિસંવાદિતા સર્જાય. કોર્ટ-કચેરીમાં વિજય મળે. વિદ્યાર્થીવર્ગને મહેનત વધારવી પડે.
પોષ: કોઈની સાથે બોલવાનું થાય. વાહન ચલાવતા સાચવવું. અકસ્માતના ગ્રહયોગ સૂચવે છે. નોકરીમાં આ સમય કસોટીરૂપ રહે. વિશ્ર્વાસે વહાણ ન ચલાવવું. વિદ્યાવર્ગને વિદેશ જવાનું થાય.
મહા: પરિવારમાં શુભકાર્ય થાય. નાણાકીય સ્થિરતા જળવાય. વ્યવસાયમાં આવક વધે. નવા સાહસ કરવાથી લાભ થાય. નવી મુસાફરી થાય. કુટુંબમાં મીઠાશભર્યા સંબંધો જળવાય.
ફાગણ: જમીન-મકાનની ખરીદી થાય. વૈભવશાળી વસ્તુ પાછળ ખર્ચ થાય. કુટુંબમાં વાણી દ્વારા સંબંધો બગડે. આવક-જાવકના પાસા સરભર રહે. સંતાનોથી ધનલાભ થાય. માત્ર તેમનું આરોગ્ય બગડે.
ચૈત્ર: વ્યવસાયમાં આવક વધે. આવક કરતાં ખર્ચ વધે. અંગત આરોગ્ય બગડે. સ્થાર મિલકતની લે-વેચ અંગે સમય શુભ રહે. વિદ્યા અભ્યાસમાં પરિણામ સુધરે. નોકરીમાં કાર્ય બોજ વધે.
વૈશાખ: સહોદરયી લાભ થાય. છુપા શત્રું ઊભા થાય. વેપારીવર્ગને પ્રતિસ્પર્ધી સામે સાવચેતી રાખવી. દામ્પત્ય જીવનમાં પ્રેમ ભાવના વધે. પ્રવાસ યાત્રા શુભ રહે.
જેઠ: આ માસમાં નવીન કાર્યોમાં રસ વધે. નવી યોજના વ્યવસાયમાં અમલ મૂકવાથી લાભ થાય. આરોગ્ય અંગે કાળજી લેવી. નાણાકીય મુશ્કેલી વધે.
અષાઢ: આ માસમાં મહત્ત્વની મુલાકાતો થાય. સગપણની વાત નક્કી થાય. ભાગીદારથી લાભ થાય. અર્થ પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો પડે. છુપા શત્રું વધે. પ્રવાસયાત્રા ટાળવી.
શ્રાવણ: જૂની ઉધરાણી-પતાવટ થાય પરિવારમાં વાણી પર સંયમ રાખવો, સંતાનોની પ્રગતિ થાય, શરીરમાં શસ્ત્રક્રિયા થાય જેમાં સફળતા મળે.
ભાદરવો: આ સમયમાં કાર્યો માટે અવરોધ આવે. અહમ્ને છોડી નિ:સ્વાર્થ અને નિર્મળ મને કાર્ય કરવું યોગ્ય રહે. શેર-લોટરીથી લાભ થાય. મિત્રવર્ગથી લાભ થાય. પ્રવાસ-યાત્રા સુખદ રહે.
આસો: મિત્રોથી કાર્યોની પતાવટ થાય. કુટુંબમાં સાથ-સહકાર મળે. આનંદ-ઉત્સાહના દિવસો પસાર થાય. નોકરીમાં બદલી-બઢતીના યોગ બતાવે છે. ભાગ્ય સાથ આપે છે. કોર્ટ-કચેરીમાં સફળતા મળે.
આ વર્ષ આપને સઘર્ષમય રહે, પણ અહમ્ છોડી સમયને માન આપી જીવતા શીખવું. ચાલશે, ફાવશે, ગમશે આ વાક્ય અપનાવશો તો આ વર્ષ ઉત્તમ પસાર થાય.
મકર (ખ, જ)
આ વર્ષે શનિ મહારાજ સાડાસાતીનો ત્રીજો તબક્કો સોનાના પાયે પગોથી પસાર થાય છે જે ચિંતા કરાવે. પદ, પ્રતિષ્ઠા અને પૈસાને લગતા પરિવર્તનો લાવશે. રાહુ ત્રીજા ભાવે રહે છે. ભાગ્ય સાથે જુગટું રમતા લાગે. ગુરુ ગ્રહ ૧-૫-૨૦૨૪થી પાંચમાં ભાવે આવે જે તમારા જીવનમાં આકસ્મિક પરિવર્તન આવશે.
માનસિક સ્થિતિ અને શારીરિક સ્થિતિ: માનસિક સ્થિતિ અશાંતિમાં વધારો થાય. મહત્ત્વના ગ્રહોની ચાલ તમારા ઉપર બાજનજરની જેમ જોવા મળે. કાર્ય બોઝમાં વધારો થાય. પ્રગતિ માટે ઘણી જ તક મળે, પણ તે સંઘર્ષ માટે ઘણો જ વધારો બતાવે. શારીરિક આરોગ્ય ઉત્તમ રહે. ગ્રહયોગ તમારા બળવાન છે. તમારી માનસિક ચિંતાઓથી ઘેરાયેલું મન બીમારી લાવી શકે છે.
પારિવારિક: પરિવારના સભ્યો તમારાથી ચિંતિત બનશે. આ વર્ષે તમારે લક્ષ્મણ રેખા ઓળંગવી નહીં. તમારી મર્યાદાથી જ કુટુંબની શાખ જળવાશે. લગ્ન અંગેની ઇચ્છા આ વર્ષે મોકૂફ રાખો અથવા પાત્રપસંદગી નમતું રાખવું યોગ્ય રહે. સંતાન અંગેની ઈચ્છાઓ પૂરી થાય. સંતાનના આરોગ્ય બગડે છે. કુટુંબમાં માન-પ્રતિષ્ઠા વધે તેનો ખરાબ ઉપયોગ ન કરશો નહીંતર કુટુંબમાં સભ્યોને હોડમાં મૂક્યા બરાબર થશે તે પોતાના છે તે ભૂલવું નહીં.
નોકરિયાત-વેપારીવર્ગ: નોકરીમાં આ વર્ષે મહત્ત્વા-કાંક્ષામાં વધારો થાય. નવી તક આવે. નવી ઓળખાણથી પ્રગતિ થાય. વ્યવસાયમાં સફળતાના શિખર સર કરશો, પરંતુ હરીફથી સાવધાની રાખવી. તમારી શાખને નુકસાન ન થાય તે માટે પૂર્ણ તકેદારી રાખવી. જાહેરજીવનમાં નામના થાય. સમાજકલ્યાણ સાથે સંકળાયેલા હોય તેમને ઉચ્ચપદ મળે, યશકીર્તિ મળે.
આર્થિક સ્થિતિ: શનિ રાશ્યાધિપતિ ધન ભૂવને સ્વગૃહી બનીને બેસે છે. અર્થ પ્રાપ્તિ માટે આ વર્ષે ઘણી જ તક આવશે. તમે ચૂકી ન જાવ માટે વધાવી લેવી. આવક વધે, બેંક બેલેન્સ વધશે. સ્થાવર સંપત્તિ, શેર, લોટરીથી ધન સંચયમાં વધારો થાય. સાહસ દ્વારા આવક મેળવો. લક્ષ્મીજીની કૃપા આપના પર અખૂટ આ વર્ષે બતાવે છે.
વ્યવસાયમાં નવરત્ન આપ છો. તમારી શાખના કારણે આવકમાં વધારો થાય.
ઉધાર નાણાંની આપ-લે કરવી નહીં. વેપારમાં ઉધાર માલ આપવો નહીં. નહીં તો ડૂબી જશો. ધીરધારના વેપાર કરનારે નાણાકીય વ્યવહાર વિચારીને કરવા. અજાણ્યા માણસો સાથે ક્યારેય નાણાકીય સંબંધ બાંધવા નહીં.
નોકરિયાત વર્ગ-વેપારી વર્ગ: નોકરિયાત વર્ગને મહત્ત્વાકાંક્ષામાં વધારો થાય. નવી તક આવે. નવી ઓળખાણથી પ્રગતિ થાય. વ્યવસાયમાં સફળતાના શિખર સર કરશો, પરંતુ હરીફથી સાવધાની રાખવી. તમારી શાખને નુકસાન ન થાય તે માટે પૂર્ણ તકેદારી રાખવી. જાહેરજીવનમાં નામના થાય. લખાણ ને પ્રિન્ટિંગના વેપારમાં ખૂબ જ ઉન્નતિ કે ઇનામ-પારિતોષિક મેળવો.
સ્થાવર સંપત્તિ સુખ: આ વર્ષે જમીન-મકાન અને વાહન અંગે સ્થાવર સંપત્તિમાં કેવું જશે? તો પોતાના મકાન કે વાહન મેળવવાની ઇચ્છા બહાર લાવી શકે, પણ પૂરી ન થાય. ઘણો જ કપરો સમય રહે. જૂની વસ્તુની લે-વેચ માટે ઉત્તમ સમય રહે. જૂના મકાનને અદ્યતન સ્વરૂપ મળે. નવા મકાનની ખરીદી માટે બાંધછોડ કરવી કે તપાસ કરાવી ત્યારબાદ ખરીદી કરવી. કોઈ વિશ્ર્વાસઘાત કરી ફસાવી ન દે તેની પૂરી સાવધાની રાખવી.
પ્રવાસ: શારીરિક તંદુરસ્તી ઉત્તમ રહે. ગ્રહયોગ પ્રવાસમાં આરોગ્ય કથળે નહીં તેની કાળજી લેવી. મધ્યમ સમય મુસાફરીમાં બતાવે છે. ધાર્મિક પ્રવાસ થાય. નોકરી-વ્યવસાય દ્વારા પ્રવાસનું આયોજન થાય.
શત્રુ-મિત્રવર્ગ: મિત્રવર્ગ તમારા માટે લાભ પાંચમ જેવા નીવડે. મિત્રોની ખૂબ જ મદદ દરેક ક્ષેત્રમાં જોઈ શકશો. તમારા ભાગ્યના દેવ બનેલા લાગશે.
શત્રુ વર્ગનું બળ વધે. તમારા સ્વભાવનો ફાયદો ઉઠાવી વેપારમાં નુકસાન આવે. કોર્ટ-કચેરીના ચક્કરમાં ન પડશો. પરિવારમાં મતભેદ ટાળવા-સમાધાન અપનાવવું- ‘ડાકણને મોંઢે ડાકણ ન કહેવાય’ આ વાક્યને અનુસરશો તો વિરોધી ફાવી શકશે નહીં.
અભ્યાસ: વિદ્યાર્થીવર્ગને સમય ઉત્તમ રહે, ધાર્યું પરિણામ મળે.
બાર માસનું ફળ:
કારતક: સમાજમાં નામના મળે. ભાગ્યોદય ઉત્તમ થાય. તમારા કાર્યમાં સફળતા મળે. જીવનસાથીથી ભાગ્યોદય થાય. વ્યવસાયમાં હજી રાહ જોવાની નીતિ મૂકવી. જમીન-મકાનના કાર્યો પૂરા થતા જણાય.
માગશર: નાણાકીય મુશ્કેલી આવે. તમારી મહાનતાના ગુણો ગવાય, પણ આ પ્રસંશામાં દોરવાશો નહીં. અંગત જીવનમાં મુશ્કેલી જણાય. પ્રવાસયાત્રા શુભ રહે. વ્યવસાયમાં સાનુકૂળતા રહે. નોકરિયાત વર્ગને પ્રગતિનો સમય રહે.
પોષ: આ માસમાં કાર્ય પૂરા થાય નહીં. આરોગ્યની ચિંતા રહે. કોર્ટ-કચેરીમાં રાહત અનુભવો. માનસિક રીતે અજંપો રહ્યા કરે. ઇશ્ર્વર ઉપર અખૂટ શ્રદ્ધા રાખવાથી કાર્ય સરળ બનશે.
મહા: કુદરતી સહાય મળતા વ્યવસાયમાં પ્રેરણા મળે. નવા કાર્યો થાય. આનંદભર્યું વાતાવરણ માણી શકશો. કુટુંબમાં મધ્યમ સમય રહે. વૈભવી વસ્તુની રાચ-રચીલામાં સંમોહિત ન થતાં અસલી જીવન જીવવાનો પ્રયત્ન કરવો.
ફાગણ: નવા વ્યવસાયની શરૂઆત કરી શકશો. નાણાકીય આવક વધે. જમીન-મકાનના કાર્ય પૂર્ણ થાય. સાહસ દ્વારા વ્યવસાયમાં વિકાસ સાધી શકશો. સહોદર સાથે સંબંધો સુધરે. છુપા શત્રુ ઊભા થાય.
ચૈત્ર: પરિવારમાં મતભેદ સર્જાય. ક્રોધને કાબૂમાં રાખવો. દામ્પત્યજીવનમાં ચકમક ઝરે. સંતાનો માટે પ્રતિકૂળ સમય રહે. નોકરિયાત વર્ગને મિશ્ર સમય રહે. વ્યવસાયમાં સ્થિરતા રહે.
વૈશાખ: માનસિક ઉદ્વેગ ઊભા થાય. માતા-પિતા પાછળ ખર્ચા થાય. સંતાનો સાથે મતભેદ થાય. વિદ્યાભ્યાસમાં વિલંબ અને વિઘ્નો આવે. રચનાત્મક કાર્યોમાં વધારો થાય. સહોદર સાથે ચકમક ઝરે. નવા સાહસ કરવા નહીં.
જેઠ: નોકરી-વ્યવસાયમાં સફળતા મળે. ઉપરી અધિકારી સાથે અણબનાવ સર્જાય નહીં તેનું ધ્યાન રાખવું. પ્રવાસ ટાળવો. નવી સ્થાવર મિલકત ખરીદવી નહીં. મિત્રવર્ગથી ફસાઈ ન જાય તેનો ખ્યાલ રાખવો.
અષાઢ: ગૃહજીવનમાં ઉશ્કેરાટ અને મતભેદ સર્જાય. વાણી ઉપર સંયમ રાખવો તમારા હિતમાં રહે. દાંપત્યજીવનમાં મધુરતા જળવાય. સગાઈ-વિવાહના કાર્યો શુભ થાય. વ્યવસાયમાં ભાગીદારીથી લાભ થાય. નોકરીના પ્રશ્ર્નો ગૂંચવાય.
શ્રાવણ: વિદ્યાર્થીવર્ગને સફળતા મળે. જીવનસાથી સાથે ગેરસમજ ઊભી થાય. વારસાગત મિલકતના પ્રશ્ર્નો ઉકેલાય, બેંકના કાર્યો પતે, સરકારી કાર્યોમાં પ્રગતિ થાય. તમારી પ્રગતિ ક્યાંય અટકે નહીં.
ભાદરવો: સમાજમાં મોટા માણસોની ઓળખ થાય. મિત્રવર્ગથી જરૂરી મદદ મળે. ન ધારેલા કાર્યો પૂરા થાય. હિંમત અને સાહસથી મુશ્કેલીમાંથી માર્ગ કાઢી નાણાકીય મુશ્કેલી દૂર થાય. નવા વાહન, મકાનની ખરીદી થાય, વ્યવસાયમાં આવક માટેના સાધનો વધે.
આસો: મિત્રો હાથતાળી દઈ ન જાય તેનું ધ્યાન રાખશો. સહી-સિક્કા કરતા સાવચેતી રાખવી, કોર્ટ-કચેરીમાં નુકસાન થાય, આગ-અકસ્માતથી સાચવવું.
આ વર્ષે ગુલાબના ફુલોસમી ફોરમ પાથરી સમાજમાં નામના મેળવશો. નાણાકીય કાર્યો, ઉધાર આપ-લે કરવા નહીં, લાંબી મુસાફરી થાય. આશા-નિરાશાના વાદળો આવે, પણ પ્રમાણિકતા તમારી પીછેહઠ થવા નહીં દે.
કુંભ (ગ, સ, શ, ષ, ક્ષ)
રાશ્યાધિપતિ શનિ પ્રથમ ભાવે સાડાસાતીનો બીજા તબક્કામાં તાંબાના પાયે લક્ષ્મીદાયક ફળ આપનાર રહેશે. ગુરુ ત્રીજા ભાવે મધ્યાંતર વર્ષમાં ચોથા ભાવે રહેશે. સર્વ સુખ હોવા છતાંય કંઈક ખૂટે છે તેઓ અહેસાસ રખાવશે. રાહુ બીજા ભાવે. વાણી અને પૈસાની કિંમત કરાવશે જે ખેતી માટે પડકાર જમીનમાં નાણાં રોકાણ કરાવે, પણ ઊપજ શૂન્ય થાય. અન્ય ગ્રહો પોતાની રાશિ પ્રમાણે ભ્રમણ કરશે.
માનસિક અને શારીરિક સ્થિતિ: આ વર્ષે શાંતિ અને ધીરજના દેવતા શનિદેવ કાચબાની ગતિએ મનમાં ધીરજ ધરાવાની ટેવ આપશે. માનસિક મુશ્કેલીમાંથી છુટકારો આપશે. ક્રોધ અને ઉતાવળા નિર્ણયોને કાબૂમાં રાખશો. સ્વસ્થતા જળવાય ને નુકસાન થતું અટકશે. આ વર્ષે વસંતઋતુ ભરપૂર ખીલશે જે ગયા વર્ષના પાનખરને ભૂલાવી દેશે. આપ પુરુષાર્થ વાદી છો માટે સંપૂર્ણ ધ્યેય પ્રાપ્ત કરવા બુદ્ધિનો ઉપયોગ વધુ લાભ કર્તા રહેશે. લાગણીના આવેશમાં આવી મનદુ:ખ થાય તેવા પ્રસંગો બને. ‘મન હોય તો માળવે જવાય’ એ તમારી ઉપર રહે છે.
શારીરિક આરોગ્ય સારું રહે, આંખ, ગળાના હાથની ઇજા થાય. ઉદરના રોગ થાય, જૂના હઠિલા દર્દોમાંથી મુક્તિ મળે, મોટી બીમારી નથી, પણ તન-મન-ધનની નાન કહેવાય તેવી બીમારી થાય.
પારિવારિક: પરિવાર માટે આપ લાભ કર્તા રહો. માત્ર પરિવારથી આપને જવાબદારી અને નાણાં ખર્ચ સિવાય કંઈ જ મળશે નહીં. જૂના સંબંધો નવેસરથી શરૂ થાય. કુટુંબમાં સમજદારીથી કાર્ય કરવું. શુભ સમય રહે, લગ્ન, સગાઈ બાબતે આ વર્ષ શુભ નથી. સમયની રાહ હજી જોવી પડે. સંતાનો અંગેની મહેચ્છા પૂર્ણ થાય. સંતાનોની પ્રગતિ જોઈ શકો.
નોકરિયાત વર્ગ અને વેપારી વર્ગ: નોકરિયાત વર્ગને જ પ્રમોશનમાં ઢીલ રહેશે. તેનો ઉકેલ આવશે. લાભની આશા ફળે, સહકર્મચારી સાથે સહકારથી રહેવું યોગ્ય રહે.
વ્યવસાયની બાબતે આ વર્ષ મધ્યમ રહે. પરિવર્તન આવે. ભાગીદારી ઉપર વિશ્ર્વાસ મૂકવો નહીં. નવી યોજના બહાર પાડી. નવા નુસખા અજમાવી સ્થિરતાને ટકાવી રાખવા યોગ્ય રહે.
આર્થિક સ્થિતિ: આ વર્ષે નાણાકીય સ્થિરતા જળવાય. તમે વર્ષ દરમિયાન ઉધાર નાણાં આપશો અને જરૂર પડે લેશો. સમાજમાં શાખ જાળવી રાખવા મોટા ઓપ ઊભો ન કરવો. શેર-લોટરીમાં જોખમ ન કરવું. વારસાગત મિલકતથી ધન લાભ થાય. આકસ્મિક ધન લાભ થાય. વ્યવસાયમાં આવકના સાધનો વધારવા પડે. સાથે મહનેત વધુ માગી લે. નોકરિયાત વર્ગને આવક સાથે જાવક વધે. ખોટા ખર્ચને કાબૂમાં રાખવા નવા નાણાકીય સાહસ કરવા નહીં. નહીં તો ભૂતકાળની કરેલી બચતો પણ વપરાય જાય.
સ્થાવર સંપત્તિ સુખ: સ્થાવર સંપત્તિ વસાવવાની ઈચ્છા આ વર્ષે તમારી વિચારણા નેવે મૂકશો. એક બાજુ વિચારને નેવે મૂકી અન્યમાં મન પરોવી લેજો. આ વર્ષે મકાન-મિલકત માટે યોગ્ય સમય નથી. નવા મકાન લેવા જશો તો નુકસાન ભોગવવાની તૈયારી રાખવી. વારસાગત મિલકતનો નિવેડો સમાધાનથી આવે તો લાભમાં રહેશો.
પ્રવાસ-પ્રવાસ: યાત્રા લાભકારક રહે. ધાર્મિક કાર્યો માટે યાત્રા થાય, લાંબી મુસાફરી ટાળવી, નોકરી-વેપારઅર્થે સ્થળાંતરના યોગ છે.
શત્રુ-મિત્ર વર્ગ: મિત્ર વર્ગ સુખ સર્વ પ્રકારે મળે. મોજ-મનોરંજન મિત્રો સાથે માણશો. તમારા કાર્યોમાં સફળતા અપાવવા અથાગ મહેનત મિત્રોની મળશે. કોર્ટ-કચેરી માટે આ વર્ષ મધ્યમ ફળદાયી રહે. જૂના કેસની સુનાવણીમાં તમારી તરફેણમાં ન્યાય મળે. છુપા-મીઠાબોલા શત્રુ વધે માટે સાવધાની રાખવી. સજાગતાથી કાર્ય કરવા, આંખ આડા કાન ન ધરવા.
અભ્યાસ: અભ્યાસવર્ગને મધ્યમ ફળદાયી વર્ષ રહે. મહેનત કરે તો મીઠા ફળ મળે. ભાગ્ય ઉપર છોડશો નહીં.
બાર મહિનાનું રાશિફળ:
કારતક: આ માસમાં કાર્યમાં અવરોધ ઊભા થાય. વેપારમાં એક સાંધતા તેર તૂટે તેવા સંજોગો બતાવે છે. નવી મુલાકાત થાય, પણ ગાઢસંબંધ બાંધવાની કોશિશ ન કરતાં, સંતાનોની કાળજી લેવી, કુટુંબમાં વાણી દ્વારા સંબંધો સુધરે, આવક કરતા ખર્ચ વધે, લગ્નજીવનમાં મિશ્ર ફળ રહે, વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં મન પરોવાય અને શુભ પરિણામ મળે. શત્રુ વર્ગ ઊભો થાય.
માગશર: ધંધાકીય લાભ ઝડપી લેવો. જમીન-મકાનના કાર્યો ઉકેલાય, મિત્રો સાથે વિચાર ભેદ થાય, કોર્ટ-કચેરીમાં નુકસાન થાય, આરોગ્ય બગડે, દામ્પત્યજીવનમાં સંવાદિતા રહે, સમાજમાં શાખમાં વધારો થાય.
પોષ: જીવનસાથીથી વિયોગ થાય ને તબિયત બગડે, નોકરીમાં ઉપરી અધિકારી સાથે મતભેદ સર્જાય. કાયદાકીય બાબતેે પ્રશ્ર્નો ઊભા થાય. કાયદાનો ભંગ ન કરતા માફી માગવી યોગ્ય રહે. ‘કમળાઓ અને ગમ ખાવાની’ નીતિ અપનાવવાથી લાભ થાય.
મહા: નાણાકીય મુશ્કેલી દૂર થાય, વ્યવસાય અર્થે પ્રવાસ થાય, નોકરીમાં બદલી થાય, લાંબા પ્રવાસમાં ફળ મળે, પડવા-વાગવાથી સાચવવું, વ્યવસાયમાં ઉન્નતિકારક સમય રહે. વિવાહ અંગેની બાબતો માટે શુભ સમય રહે.
ફાગણ: પરિવારમાં આનંદ-કિલ્લોલનું વાતાવરણ રહે, મનોરંજન પાછળ ખર્ચ વધે. માંગલિક પ્રસંગોનું આયોજન થાય, ઉદરને લગતા દર્દો થાય. માનસિક અજંપો પણ રહે.
ચૈત્ર: પ્રારબ્ધની સાથે પુરુષાર્થ કામયાબ રહે, ખોટા સાહસ કરવા નહીં, ધૈર્ય અને શાંતિથી કાર્ય કરવામાં શાણપણ ગણાશે. દામ્પત્યજીવનમાં ઊભી થયેલી ગેરસમજ દૂર થાય. નવી યોજના સાકાર થાય.
વૈશાખ: કુટુંબમાં ઘડીકમાં ઝઘડા થાય – વાણી પર સંયમ રાખવો. વડીલવર્ગને માન આપી તેમની સલાહ સ્વીકારવી. નવા વાહન ખરીદવાની ઇચ્છા પૂર્ણ થાય. મુસાફરીમાં આનંદદાયક સમય રહે. નોકરીમાં મોટા વર્ગ સાથે મતભેદ થાય. હલકાવર્ગથી નુકસાન થાય.
જેઠ: ધારેલા કાર્યની પતાવટ થતા મનમાં શાંતિ અને સંતોષ થાય. લાગણીભર્યા સંબંધો પરિવારમાં રહે. નવી સ્થાવર મિલકતમાં વધારો થાય. નાણાકીય લેણદેણ કરતાં દસ વખત વિચાર કરવો. વ્યવસાયમાં (લાખના બાર હજાર)ન થાય તેની કાળજી રાખવી. વિદ્યા અભ્યાસ પ્રગતિકારક રહે. વિદેશયાત્રા અભ્યાસ સર્વ થાય.
અષાઢ: પરિવારમાં વિસંવાદિતતા વધે નહીં તેનું ધ્યાન રાખવું. ‘ન બોલવામાં નવ ગુણ.’ આ વાકયને યાદ રાખી ચાલવું. સગાઇ-વિવાહના શુભ કાર્યો થાય. નોકરિયાત વર્ગને બદલી ને બઢતી મળે.
શ્રાવણ: હિંમત અને સાહસ દ્વારા આગળ આવો. સમાજમાં યશ-કિર્તી વધારો થાય. જીવનસાથી સાથે શુભાશુભ રહે. સંતાનોની તબિયત બગડે. શત્રુવર્ગથી નુકસાન થાય. શેર-લોટરીમાં જોખમ કરવું નહીં, નાણાકીય આવક વધે.
ભાદરવો: જમીન-મકાન વાહન અંગે જરૂરી લોન પાસ થાય. વારસાગત મિલકતથી આવક વધે. ભાડાના મકાનમાં રહેનારને પરિવર્તન થાય. જૂના મકાનમાં નવું સ્વરૂપ આવે. શત્રુવર્ગથી વિજય મળે. નોકરિયાતવર્ગને સમય શુભ રહે. ખોટા વિચારોને છોડી પ્રગતિની દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવું યોગ્ય રહે.
આસો: માર્ગમાં આવતા કાંટા દૂર થશે. નવી આશા બંધાય. નોકરીમાં સફળ બનો. વ્યવસાયમાં પ્રતિસ્પર્ધી સામે વિજયી બનો. નવી મિલન મુલાકાત લાભકર્તા રહે. વિદ્યાર્થીવર્ગને ઉન્નતિ કર્તા સમય રહે.
આ વર્ષે સોનાની કસોટી તેમાં આપને સાચું જ્ઞાન થશે. નવીન તકો અનેક પ્રકારે આવશે. સમયનો સદ્ઉપયોગ કરશો તો સફળતા મળશે. નાણાકીય આવક વધે. તેને બચત કરશો તો ભવિષ્યમાં કામ આવશે અને રોકાણ કરશો તો ગુમાવવાનો સમય આવશે. ઇશ્ર્વરીની દુનિયામાં સાચા દર્શન થશે. આધ્યાત્મિક જ્ઞાનનો દોર પકડી થશે.
મીન (દ, ચ, ઝ, થ)
વર્ષારંભે શનિદેવ બારમા ભાવે સાડાસાતીનો પ્રથમ તબક્કો રૂપાના પાયે માથા ઉપરથી પસાર થાય છે જે ધનલાભ કર્તા રહેશે. રાહુ પ્રથમ ભાવે રહેેશે. જે વિલંબ બાદ કાર્ય થાય. ગુરુ રાશ્યાધિપતિ ત્રીજા ભાવે રહેશે. જે મધ્યમ ફળદાયી રહે. આ વર્ષે સર્વ કાર્ય નિવિઘ્ન રીતે પૂરિપૂર્ણ થાય.
માનસિક અને શારીરિક સ્થિતિ: માનસિક રીતે આપને આ વર્ષે નાસીપાસ થતા ભર દરિયામાં અધવચ્ચે નાવ હાલક ડોલક થતી લાગે. આશાનો ચાંદ બતાવી નિરાશાના વાદળો પાછા આવી જાય. તમારા વિચારોના પાસા અવળા પડે. શાંતિ હણાય માટે ધીરજ અને ખંતથી કાર્ય આગળ ધપાવવું. આયોજન કરી તેના પરિણામોનો વિચાર પણ કરી રાખશો. વર્ષારંભે ધીરજ રાખી વર્ષાન્તે ફળ મીઠા ચાખવા મળશે.
શારીરિક આરોગ્ય માટે આ વર્ષ શુભ નથી. ગંભીર લાંબી માંદગી આવે. નાની બીમારીમાં કાળજી લેશો તો વધુ ઝડપથી સાજા થઇ જશો. પડવા-વાગવાનો ભય, આગ-અકસ્માતથી વર્ષના અંતે નુકસાન થાય. ઉદરને લગતી મગજની શસ્ત્રક્રિયા આકસ્મિક થાય, ખાસ કરીને વયોવૃદ્ધ-વડિલોએ આરોગ્ય અંગે કાળજી લેવી. વાયુના રોગ થાય.
પારિવારિક: પરિવારમાં કાર્યોની કદર થાય. તમારી માન-પ્રતિષ્ઠા વધે, ખુલ્લી આંખે સુખદ શોણલા જોઇ શકશો. વિવાહિત જીવનમાં અંગત સમસ્યાના કારણે વિવાદ થાય કે ગેર-સમજ ઊભી થાય. આમ પોતાના સમજી ભૂલો માફ કરી સમાધાનનું વલણ અપનાવશો. તો સુખદ અનુભવ થશે. સદ્ગુણો જોવાથી જીવનમાં નવી પ્રેરણા મળે છે. સંતાનો માટે શુભાશુભ સમય રહે. કુદરતી સંતાકુકડી વચ્ચે તમારો મરો થાય છે. તમારે પોતાને સંભાળી પરિવારની જવાબદારી નિભાવવાની છે તેમ સમજીને ચાલવાથી શુભ રહે.
નોકરિયાત વર્ગ – વેપારી વર્ગ: નોકરિયાતવર્ગને સહકર્મચારીથી વિવાદ વધે. નોકરીમાં ચડતી-પડતી થાય. ખોટા આળ આવે. નવી નોકરી હમણાં બદલશો નહીં ને નોકરીમાં વ્યગ્રતા વધે.
વેપાર માટે સમય સારો છે. નવા વેપારમાં કાર્યો થાય. નવા આયોજનથી કાર્યમાં સફળતા મળે. નવીન વેપારના સાહસ થાય.
આર્થિક સ્થિતિ : આ વર્ષે આપના ઉપર લક્ષ્મીદેવીની અપાર કૃપા રહેશે. ધનવાન થવાના પૂર્ણ યોગ છે. શેર-લોટરીથી લાભ થાય. વ્યવસાયમાં ભાગીદારથી લાભ થાય. જૂના દેવાની પતાવટ થાય. નાણાં ધીરધારનો વ્યવસાય કરનારને લાભકર્તા સમય રહે. બૅન્ક બેલેન્સમાં વધારો થાય.
સ્થાવર સંપત્તિ સુખ: વર્ષના અંતે સ્થાવર મિલકતના લે-વેચ થાય. જમીન અંગે વેચાણ થાય નહીં, વ્યવસાય માટે નવી સ્થાવર મિલકત વસાવવી નહીં. આ પરિવર્તન કરી સમયને આધીન ચાલવું. સંયુક્ત મિલકત અંગે કાળજી લેવી.
પ્રવાસ : પ્રવાસ યાત્રા માટે નાણાંની તૈયારી રાખવી અચાનક સ્થળાંતરનો સમય આવે. વિદેશ યાત્રા જવાની ઇચ્છા પૂર્ણ થાય. આત્મવિશ્ર્વાસ આપના વિઘ્નોરૂપી કાંટાને દૂર કરશે.
શત્રુ-મિત્ર વર્ગ: મિત્ર વર્ગથી દૂર થતા જાવ. તમે મિત્રો વગર મુશ્કેલીમાંથી બહાર આવશો. મિત્રો વગરનું જીવન જીવવું કઠિન બનશે. પણ કુદરતી રીતે મિત્રોથી અલગ થાય નહીં તો સારું.
સંયુક્ત મિલકત બાબતે કોર્ટ કચેરી થાય. તમારા સ્વભાવને આધિન દુશ્મનો ઊભા થાય. જેવું વાવો તેવું લણો. કોર્ટ કચેરીમાં સામે ચાલીને પગ ઉપર કુહાડો મારશો નહીં.
અભ્યાસ : વિદ્યાર્થીવર્ગને અભ્યાસ માટે વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થાય. કુટુંબની ચિંતા અને ઉપાધિના લીધે ઇચ્છિત લાઇનમાં પણ વિઘ્નો ઊભા થાય. મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે.
બાર મહિનાનું રાશિફળ:
કારતક : આ માસમાં વ્યવસાય અંગે નિર્ણયો વિચારીને લેવા મુશ્કેલી આવે. ભાગીદાર સાથે અણબનાવ વધે, નાણાકીય ક્ષેત્રે સુધારો થાય. નોકરિયાત વર્ગને ચકમક ઝરે.
માગસર : પરિવારમા આનંદભર્યું વાતાવરણ રહે. દાંપત્યજીવનમાં મધુરતા જળવાય. લગ્ન અંગેની ઇચ્છા પૂરી થાય. નાણાકીય મુશ્કેલી દૂર થાય. વીમો ઉતરાવેલ હોય તો લાભ થાય. વારસાગત આવકમાં વધારો થાય.
પોષ : ભાગ્યના અવરોધ દૂર થાય. માનસિક સ્થિરતા જળવાય. અંગત આરોગ્ય બગડે. હથેળીમાં ચાંદ દેખાય તેમ લાભ દૂર દેખાય નહીં. સમય તમારો નથી પણ પુરુષાર્થની તમારો બની શકે છે.
મહા : કોર્ટ-કચેરીમાં વિજય મળે. મિત્રવર્ગથી લાભ થાય. શેર-લોટરીમાં લાભ થાય. નીતિ-નિયમ અનુસાર રહેવું. સરકારી કાર્યો ખોરંભે ચડે. માસના અંતે સફળતા મળે.
ફાગણ : નાણાકીય પ્રશ્ર્નો હલ થાય લગ્ન માટેની વાતો આવે તેમાં સફળતા મળે. નોકરીમાં બદલીના યોગ ચાલુ થઇ ગયા છે. લાંબો પ્રવાસ ટાળવો. લાભ મુસાફરી થાય. કુદરતને આધીન ચાલવું. ખોટા કાર્યમાં ફસાઇ ન જવાય તેની કાળજી રાખવી.
ચૈત્ર : નોકરિયાત વર્ગને બદલી અને બઢતી મળે. આવકમાં વધારો થાય. જાહેર જીવનમાં નામના મળે વ્યવસાયમાં પ્રતિસ્પર્ધી સામે વિજયી રહે.
વૈશાખ : આગ અકસ્માતથી સાચવવું. ઉતાવળા નિર્ણય કરવા નહીં અને તમારા ક્રોધને ઠંડા પાણીમાં ઘોળી પી જવો. સ્થાવર સંપત્તિથી આવકમાં વધારો થાય. કુટુંબમાં પરિવર્તન આવે. જવાબદારીનો બોજ વધે.
જેઠ : ગૃહજીવનમાં ચકમક ઝરે. મનમાં ઉદ્વેગ અને વ્યગ્રતા વધે. સાહસભર્યા કાર્યો થાય. મકાન મિલકતમાં સુધારા કરવા નહીં, નવી ખરીદી મુલતવી રાખવી. અગત્યના દસ્તાવેજો સાચવવા અને સાક્ષી કે જામીન તરીકે સહી કરવી નહીં. શત્રુ વર્ગ ઊભો થાય.
અષાઢ : આરોગ્યમાં સુધારો થાય. કુટુંબમાં વાણીથી સંબંધો વણશે. સંતાનોની પ્રગતિ થાય. શેર-લોટરીથી આકસ્મિક ધન લાભ. લોન કે દેવું ભરપાઇ થાય, નોકરી વ્યવસાયમાં પ્રગતિ થાય.
શ્રાવણ : નોકરિયાતવર્ગને બદલી થાય. પ્રવાસ દ્વારા ખર્ચ વધે. શત્રુવર્ગથી વિજય મળે. છુપા દુશ્મનો તમારું કાંઇ બગાડી શકશે નહીં. માટે બેફિકર થઇ કાર્યમાં પૂર્ણ લક્ષ્ય આપવું.
ભાદરવો : લગ્ન અંગેની બાબતે આ સમય ઉત્તમ રહે. વિવાહિત જીવનમાં પ્રણય અને લાગણીભર્યા સંબંધ રહે. વેપારમાં ભાગીદારથી લાભ થાય. જમીન-મકાનની ખરીદી માટે અનુકૂળતા રહે. વારસાગત મિલકતનો ઉકેલ આવે, નવા નાણાકીય રોકાણ કરવા નહીં.
આસો : પરિવારમાં ખર્ચ વધી જાય. અકસ્માતથી સાચવવું. નોકરીમાં સંબંધો સુધરે. આવકમાં વધારો થાય. ભાગ્ય સાથ આપે. લાંબી મુસાફરી શુભ રહે. આશારૂપી સૂરજ ઊગતો દેખાય.
આ વર્ષમાં પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગળું છે. તે વાતનો સ્વીકાર કરી શકશો. ફૂલોની ફોરમના પગથિયાં ચડી માન સન્માન અને સફળતા મેળવો. એકંદરે વર્ષ સારું છે.