સર્વ ધર્મને સાથે રાખે રામ!
સંસ્કૃતિ – હેમુ-ભીખુ
સનાતની સંસ્કૃતિમાં શ્રીરામનું આગવું મહત્ત્વ છે. મર્યાદા પુષોત્તમ તરીકે તેઓ સ્થાપિત છે. માનવ જીવનના પ્રત્યેક આદર્શ માટે તેઓ ઉદાહરણ સ્વરૂપ છે. તેઓ સ્વયં જાણે આદર્શના પર્યાય છે. કઠિનતમ પરિસ્થિતિમાં પણ આદર્શની જાળવણી માટે તેઓ કટિબદ્ધ હતા. આ વાત આખી દુનિયા જાણે છે. સનાતની સંસ્કૃતિના સાથે શ્રદ્ધાની અન્ય પરંપરાના મૂળ સિદ્ધાંતો સાથે પણ તેમનો સમન્વય જોવા મળે છે. શ્રદ્ધાની ખ્રિસ્તી પરંપરાના આધારગત મૂલ્યોમાં કણાને મહત્ત્વ મળ્યું છે તો જૈન પરંપરામાં અહિંસા કેન્દ્રસ્થાને છે. બૌદ્ધ પરંપરામાં ડિટેચમેન્ટ અર્થાત્ અલિપ્તતાને અન્ય કેટલીક બાબતો સાથે આધાર ગણવામાં આવે છે તો ઇસ્લામમાં ક્યાંક સમાનતાને પ્રાધાન્ય અપાય છે. શ્રીરામના જીવનમાં આવી પ્રત્યેક બાબતો સમભાવે પ્રતીત થાય છે. શ્રીરામનું જીવન-દર્શન જોતાં જણાશે કે તેમના જીવનમાં આ પ્રત્યેક બાબતને પ્રતિબદ્ધતાથી પ્રાધાન્ય અપાયું છે.
ખ્રિસ્તી ધર્મની વિચારસરણી પ્રમાણે એમ માનવામાં આવે છે કે દરેક પ્રત્યે કણા રાખવાથી ઈશ્વર પ્રસન્ન થાય છે. પ્રત્યેક સજીવ ઈશ્વરનું જ સર્જન છે અને તેથી તે કણાને પાત્ર છે. તેમના પ્રત્યે દયા રાખી સદાય તેમને મદદરૂપ થવું જોઈએ. આ માટે સ્વયંને તકલીફ પડે તો પણ તે સ્વીકારી લેવી જોઈએ. સામેવાળી વ્યક્તિ પાપી હોય, ગુનો આચરતી હોય તો પણ તેના પ્રત્યેક કણાના ભાવ તેટલા જ પ્રબળ હોવા જોઈએ. શ્રીરામ પણ કરૂણાનિધિ છે. સૃષ્ટિના દરેક પ્રાણી પ્રત્યે તો તેમની કણા હતી જ પણ સાથે સાથે તેઓ ઝાડ-પાન અને અન્ય જડ પદાર્થો પ્રત્યે પણ તેઓ કણા રાખતા હતા. તેમની અને મા સીતાની આંખોમાં વસેલી કણાને કારણે જ તેમના વનવાસ દરમિયાન દરેક પશુ-પક્ષી તેમની સાથે હળીમળીને રહેતા હતા. કણાને કારણે જ પરસ્પર વિશ્વાસનું વાતાવરણ હતું. અહીં ન હતો કોઈનો ભય કે ન હતું કોઈનું વર્ચસ્વ. અધર્મનો સંહાર કર્યા પછી પણ શ્રીરામ કણાસભર રહી તેમના મૃત્યુની આમાન્યા જાળવતા.
દરેક પ્રત્યે કણા રાખવી એ શ્રીરામના જીવનનો સિદ્ધાંત હતો. એમના રાજ્યમાં દરેકને જીવવાનો, વંશ વધારવાનો અને ધર્મ આધારિત ઇચ્છિત કર્મ કરવાનો અધિકાર હતો. તેમના રાજદંડના નિયમો પણ કણા અને દયાને આધારિત હતા. સામાજિક નીતિમત્તા જળવાઈ રહે તે માટે શિક્ષાનો ઉપયોગ તેઓ ભાગ્યે જ કરતા. આ માટે અનેક ઉદાહરણો ઇતિહાસમાં મળી આવે છે. જે ધર્મમાં કણાનું મહત્વ છે તે સંપ્રદાય માટે પણ શ્રીરામ આદર્શ હોઈ શકે.
જૈન ધર્મની માફક સનાતની સંસ્કૃતિમાં અહિંસાને શ્રેષ્ઠ ધર્મ ગણવામાં આવે છે. શ્રીરામ આ સંસ્કૃતિના એક પ્રતિનિધિ હોવાથી સ્વાભાવિક છે કે તેમને પણ અહિંસામાં અતૂટ શ્રદ્ધા હોય. આ પ્રકારની અહિંસા માત્ર સ્થૂળ અસ્તિત્વ તરફની નહીં પણ સૂક્ષ્મ અસ્તિત્વ માટે પણ શ્રીરામ દ્વારા ધારણ કરવામાં આવી હતી. છતાં પણ શ્રીરામે હથિયાર ધારણ કરેલા. જેમ અહિંસા પરમો ધર્મ: કહેવામાં આવે છે તેમ ધર્મ હિંસા તથૈવ ચ પણ કહેવામાં આવે છે. ધર્મની રક્ષા માટે અહિંસા માન્ય છે. ગીતામાં પણ આતતાઈનો વધ કરી શકાય તેમ કહેવાયું છે.
શ્રીરામને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવા માટે હિંસાની સૂક્ષ્મ સમજ જરૂરી છે. હિંસા એટલે માત્ર એવી પ્રક્રિયા નહીં કે જેમાં લોહી દેખાય. માનવતાની પણ હિંસા હોઈ શકે, ધર્મની પણ હિંસા થાય, સત્ય પણ ક્યારેક હિંસાનો ભોગ બને અને સૃષ્ટિના નિયમો પ્રત્યે પણ ક્યારેક હિંસા આચરવામાં આવે. કોઈ વ્યક્તિને નિર્દોષતા ત્યાગીને કપટ કરવાની સ્થિતિ આવે તેવા સંજોગો ઊભા કરવા એ પણ એક પ્રકારની હિંસા કહેવાય. અધર્મનો સાથ આપવો કે અધર્મને નજરઅંદાજ કરવાથી પણ ભવિષ્યમાં કોઈના પ્રત્યે, કોઈક દ્વારા હિંસાનું આચરણ થઈ શકે. અહિંસા સંપૂર્ણતા માં અને લાંબા ગાળાની સ્થાપિત થવી જોઈએ. આમ હિંસાને યથાર્થતામાં સમજ્યા પછી જો શ્રીરામના જીવનને સમજવાનો પ્રયત્ન થાય તો જણાશે કે તેમણે અહિંસાને જીવનમાં ખૂબ મહત્ત્વ આપ્યું છે.
શ્રીરામના જીવનમાં મૂલ્યોનું ઘણું ઊંચું સ્થાન હતું. જીવનના મૂલ્યોની સામે તેમણે દરેક પરિસ્થિતિ અને દરેક સંબંધને ઓછું મહત્ત્વ આપેલું. એકવાર તો એમ પણ લાગે કે પૂર્ણ આદર્શના અનુસરણ માટે સાંદર્ભિક સાંસારિક બાબતોથી તેઓ પોતાની જાતને અલગ કરી શકતા હતા. આ પ્રકારની અલિપ્તતા'ને કારણે તેમના વ્યવહારમાં ન્યાયોચિત તટસ્થતા જોવા મળતી. બૌદ્ધ ધર્મમાં જે પ્રકારની
અલિપ્તતા’ની ધારણા છે તે પ્રકારની અલિપ્તતા' શ્રીરામે જીવનમાં જ ઉતારી હતી. તેઓની તરફેણ માત્ર સત્ય તરફની હતી. તેઓનો પક્ષપાત ધર્મ તરફનો હતો. અલિપ્તતાને કારણે શ્રીરામ સમત્વ - સમતા જાળવી શકતા હતા. અલિપ્તતા કે અસંગને આધારે નિર્ધારિત થતી ધર્મ પરંપરા માટે પણ જાણે શ્રીરામ એક પ્રતિનિધિ સમાન છે. બૌદ્ધ ધર્મમાં જેમ અલિપ્તતાને પ્રાધાન્ય અપાય છે તેમ ઇસ્લામમાં સમાનતા મહત્ત્વની છે. વ્યવહારમાં કે માન્યતામાં,
કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોવો જોઈએ’ તે પ્રકારની સમજ આ શ્રદ્ધામાં મહત્ત્વની ગણાય છે. અહીં કોઈ ઊંચ નથી કે નીચ નથી, બધાને સમાન અધિકાર અને સમાન તક મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવાનો આ પ્રયાસ છે. શ્રીરામ જ્યારે સમાજના દરેક વર્ગના લોકો સાથે જોડાય ત્યારે આ જ પ્રકારની વિચારસરણી પ્રતીત થાય છે. શ્રીરામ શબરીના બોર પણ ખાય છે, ગુહની નાવમાં સવારી પણ કરે છે, જટાયુને પિતા તૂલ્ય સન્માન આપી તેમનો અગ્નિસંસ્કાર પણ કરે છે, વાનરોને પોતાના લશ્કરી પ્રતિનિધિનું પદ આપી સન્માનિત પણ કરે છે અને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર રાક્ષસોની મુક્તિનું કારણ પણ બને છે. શ્રીરામ દ્વારા અનુસરવામાં આવેલ સમાનતા માટેના આ કેટલાક સચોટ ઉદાહરણ છે. સનાતની સંસ્કૃતિમાં વચગાળામાં જે તે પરિસ્થિતિને કારણે માનવ – માનવ વચ્ચે ભેદ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો, પરંતુ શ્રીરામનું જીવન-વૃત્તાંત જોતાં સમજાશે કે તેમના દ્વારા આવી કોઈપણ ધારણાનું અનુમોદન ન હતું કરાયું. તેમના સમયમાં કોઈ ભેદભાવ જ ન હોય. એટલા માટે તો તેમના શાસનને રામરાજ્ય કહેવાય છે. અહીં તો દરેક વ્યક્તિના અભિપ્રાયને મહત્ત્વ મળતું – પછી તે ધોબી કેમ ના હોય.
શીખ પરંપરામાં શ્રદ્ધાની જાળવણી માટે બલિદાન આપવાની કે બલિદાન લેવાની વાત પણ સ્વીકારવામાં આવી છે. અહીં બલિદાન માટે પણ તૈયાર રહેવાનું છે અને રક્ષણ કરવા માટે પણ. આ માટે સદાય શસ્ત્ર ધારણ કરી રાખવાની પ્રથા વિકસાવવામાં આવી છે. શ્રીરામે સમગ્ર જીવન દરમિયાન ધર્મ, સત્ય અને આદર્શની રક્ષા માટે જ શસ્ત્ર ઉપાડ્યા છે. ક્ષત્રિય તેમ જ રાજા તરીકે સમાજનું નકારાત્મક બાબતોથી રક્ષણ કરવું તે તેમનું ઉત્તરદાયિત્વ હતું. સાથે સાથે એમ પણ કહી શકાય કે શ્રીરામ પણ શબ્દના ઉપાસક હતા. તેમના અને ઋષિ વશિષ્ઠ વચ્ચેના સંવાદમાં આ વાત સ્થાપિત થાય છે.
વિશ્વમાં પ્રવર્તમાન કોઈપણ શ્રદ્ધાનું મૂળ તત્ત્વ શ્રીરામના જીવનમાં વણાયેલું છે. શ્રીરામ સંમિલિતતા, સમગ્રતા અને સંકલનના પ્રતીક સમાન છે. વિશ્વનો એવો એક આધ્યાત્મિક સિદ્ધાંત નથી જે શ્રીરામના જીવનમાં પ્રતિબિંબિત ન થયો હોય. વિશ્વની એવી એક પણ શુદ્ધ વિચારસરણી નથી જેની હાજરી શ્રીરામના જીવનમાં વર્તાતી ન હોય. વિશ્વમાં એવો એક પણ દૈવી ગુણધર્મ નથી જે શ્રીરામના અસ્તિત્વમાં અનુભવાયો ન હોય. સમાજે શીખવા અને અનુસરવા જેવી એક પણ બાબત નથી કે જે શ્રીરામના જીવન દ્વારા સૂચિત ન થઈ હોય.
શ્રીરામનું જીવન એટલે અણીશુદ્ધ પવિત્રતાનું અસ્તિત્વ, જીવનના ઉત્કૃષ્ટ આદર્શનું ઉદાહરણ, દિવ્યતા સભર દરેક ગુણોનું સંમેલન, કઠિનતમ પરિસ્થિતિ વચ્ચે પણ જાળવી રખાયેલું સંતુલન, શ્રેષ્ઠ સામાજિક વ્યવસ્થા સ્થાપવાના પ્રયત્નોનું પરિણામ, વ્યક્તિગતતાની સામે સામાજિક ઉત્કર્ષનું સીમાચિહ્ન, ચોક્કસ સમયગાળામાં આકાર પામેલ ઘટનાનું શાશ્વત અને શ્રેયકર પરિણામ, સત્ય તરફના પ્રેમ તથા વિશ્વાસનું પ્રતીક – જેવી અનેક દિવ્યતમ બાબતો વર્ણવી શકાય. શ્રીરામ સર્વ માટે અદમ્ય પ્રેરણા સમાન છે.