તરોતાઝા

ઉત્તર ને દક્ષિણથી જોડે રામ

રામપથ – મુકેશ પંડ્યા

ભારતની સદીઓથી એ વિટંબણા રહી હતી કે તેનો સર્વાંગી વિકાસ ન થાય એ માટે તેને વિવિધ સંપ્રદાયો ભાષાઓ અને ઊંચનીચમાં વહેંચી નાખવામાં આવતો.
આ કાર્યમાં માત્ર બાહ્ય આક્રમણખોરોએ જ નહીં પરંતુ દેશની અંદર છુપાયેલા સ્વાર્થી રાજકારણીઓએ પણ કર્યું છે. જે લોકો આજે ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે તેમને ખ્યાલ નથી કે દેશને જોડતી અને સામાન્યમાં સામાન્ય પ્રજાને અરે પ્રાણી માત્રને ન્યાય આપતી યાત્રા કરી હોય તો તે પ્રભુ શ્રીરામે કરી છે.
રામ જેવા એશ્વર્ય અને ઈશ્વરીય અંશ ધરાવતી વ્યક્તિને ફક્ત રાવણને મારવા જન્મ લેવો પડે? શ્રીલંકા સુધી પહોંચવા તેમણે પદયાત્રા કરવી પડે? પણ તેમણે પદયાત્રા કરી કારણ કે દૂર દૂરના ગામડામાં બેઠેલી સામાન્ય પ્રજાને ન્યાય મળે, તેમણે યાત્રા કરી કારણ કે ધર્મનો પ્રસાર પ્રચાર કરતા સાધુ સંતો ને ઋષિ ગણોને અધર્મીઓથી રક્ષણ મળે. એક ક્ષત્રિય થઈને એમણે વનવાસ દરમ્યાન અનેક ભીલો અને આદિવાસીઓને ગળે લગાડ્યા. શબરીના એંઠા બોર ખાધા. છૂત – અછૂતના ભેદ મિટાવ્યા. વાનર જાતિનું ઉત્થાન કર્યું . સુગ્રીવ અને વિભિષણને ન્યાય અપાવ્યો. ત્યાગનો મહિમા સમજાવ્યો . પ્રાણને ભોગે વચન નિભાવ્યું. પ્રજાને ન્યાય આપવા પોતાના ઘરના કુટુંબીઓ અરે ભગિની સુધ્ધાંને તજી દીધા. સાચા અર્થમાં પ્રજાવત્સલ અને ન્યાયી રાજા તરીકે પ્રતિષ્ઠિત થયા.
તેમની વનયાત્રાનો નકશો અયોધ્યાથી લઈ રામેશ્વરમ સુધી જાય છે. મતલબ કે ઉત્તરથી દક્ષિણ સુધી પહોંચે છે. રામેશ્વરમમાં તેમણે ભગવાન શિવનું લિંગ સ્થાપિત કરી તેની પ્રાણપ્રતિષ્ઠા કરી એ ખૂબ મહત્ત્વનું કામ બની રહ્યું.
ઉત્તરના કાશીથી લઈ દક્ષિણના રામેશ્વરમ સુધી તેમણે શિવ અર્થાત્‌‍ કલ્યાણકારી તત્ત્વનો પ્રચાર કર્યો. ઉત્તર-દક્ષિણને એક તાંતણે બાંધ્યા . વિચાર ભલે અલગ હોય, ભાષા ભલે અલગ હોય પરંતુ બધા અલગ અલગ મણકાને એક સનાતન ધર્મ રૂપી માળામાં પરોવવામાં સક્ષમ રહ્યા. સદીઓ જતા આ સનાતન ધર્મમાં સડો પેઠો. ઊંચનીચ ઉત્તર-દક્ષિણ જેવા ભાગલા પડવા લાગ્યા . આજે ભલે શંકરાચાર્યોના નામે વિવાદ ફેલાય છે. પરંતુ આદિશંકરાચાર્યે પૂરા ભારતનું ભ્રમણ કરી ચારે દિશામાં પુન: સનાતન ધર્મ ફેલાવવા જ્યોતિર્મઠની સ્થાપના કરી હતી. ભારતની કમનસીબી જુઓ કે વર્ષ બાદ વળી પાછું બાહ્ય આક્રમણોને કારણે સનાતનનું પોત નબળું પડી ગયું. મુગલોએ મંદિર તોડ્યા તો બ્રિટિશરોએ ડીવાઈડ એન્ડ રૂલની નીતિ અપનાવી . ભારતમાં જાતિભેદ અને ભાષા ભેદ વકરતો રહ્યો. ઉત્તરમાં હિન્દી ભાષાનો પ્રચાર પ્રસાર થતો ગયો પરંતુ દક્ષિણની જીભે હિન્દી ચઢી નહીં .
આ સંજોગોમાં ઉત્તર અને દક્ષિણને જોડતી કોઈ કડી હોય તો એ છે ભારતનો સનાતન ધર્મ અને ભારતની સંસ્કૃતિ. ભારતના આરાધ્ય દેવો. હાલના વડા પ્રધાનને આ વાતની સુપેરે ખબર છે એટલે જ પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે તેમણે દિલ્હીથી રામેશ્વર સુધીની યાત્રા કરી. રામના સંસ્મરણો જ્યાં પણ છે તેની મુલાકાત લઈ આશીર્વાદ લીધા પછી એ નાશિક (મહારાષ્ટ્ર ) હોય કે દક્ષિણનું રામેશ્વરમ. અયોધ્યા મંદિરનું નિર્માણ થયું તેમાં પણ કળાથી લઈને કારીગીરી સુધી અને વસ્ત્રોથી લઈ પ્રસાદ સુધી ભારતના ખૂણે ખૂણેથી સહકાર મેળવવામાં આવ્યો છે.
ત્રેતાયુગમાં રામે ઉત્તરથી દક્ષિણ સુધી રામે યાત્રા કરીને એકતા આણી આજે વળી પાછા અયોધ્યામાં રામમંદિરના નિર્માણ નિમિત્તે નરેન્દ્ર મોદીએ ઉત્તર ને દક્ષિણ સાથે જોડવાનો રામસેતુ પ્રસ્થાપિત કર્યો છે.
આ દેશની એકતા અને અખંડિત બની રહે તેવી પ્રભુ શ્રીરામને પ્રાર્થના કરીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button