મોજની ખોજ : મિશન એડ્મિશન…

-સુભાષ ઠાકર
‘લ્યો, પેંડા’ લાસ્ટ ચૂટણીમાં ચોથીવાર હારેલા ચંદુલાલ પેંડાનુ બોક્સ ધરતા બોલ્યા.
‘શેના છે?’ મેં પૂછ્યું
‘માવાના’ ચંદુલાલનો જવાબ
‘પેંડા માવાના જ હોય. કઇ બાફેલા બટેટાના ન હોય, પણ કઇ ખુશાલીમાં?’
‘અરે હા, અમારો ચંબુ ચોથીમાં ચોથીવાર ફેલ થયો.’
‘હેં! આ મારું બેટું કેવું? ફેલ થયો તોય પેંડા?’
‘આ મારું બેટું એવું કે મારા ચંબુના ક્લાસમાં 46 વિદ્યાર્થીમાંથી 33 ફેલ. બહુમતી આપણા પક્ષે છે.’
આભાર કે આશ્વાસનની દ્વિધામાં મેં દીકરા ચંબુને પૂછયું :
‘બેટા, હવે કેરિયર વિશે શું વિચાર્યું?’
‘કેરિયરનું તો એવું છે અંકલ, મારી પાસે સ્કૂટર છે એટલે કેરિયર ન હોય ને બાપુજીને ગાડી માટે જરૂર હોય તો માળિયા પરથી ઉતારે.. બાકી..’
‘અરે ચૂપ’ ચંદુલાલ ભડક્યા ‘અલ્યા ચરકટ, આ ચોથી વાર ફેલ થયો તો હવે આગળની કેરિયર એટલે કે ભણતર વિષે શું વિચાર્યું?’
‘હું શું વિચારું? કહેતા હો તો પાંચમી વાર ટ્રાય કરું… બીજું શું?’
આ ચંબુ 23મા વર્ષે હજી ચોથામાં હતો, કારણ કે પહેલામાં એક વર્ષ, બીજામાં બે, ત્રીજામાં ત્રણ વર્ષ ને હવે ચોથામાં ચોથીવાર ફેલ. આમનું આમ ચાલ્યું તો 80મા વર્ષે ચંબુનું બારમું આવે ત્યારે કેટલાયના બારમાં પતી ગયા હોય.(હું ગણીને જ કઉ છું) .
‘અંકલ, મારા બાપુને નાની ઉંમરમાં ભણતરનો બહોળો અનુભવ નથી દેખાતો. સાલુ, પોતે ચૂંટણીમાં ચાર વાર હાર્યા એનું કઇ નઇ ને હું ચોથી વાર ફેલ થયો એમાં તો જાણે દુનિયા લુટાઈ ગઈ, મારા ચોથીવાર ફેલ થવાનું કારણ આ મારા બાપુ જ છે, મેં કીધું ‘બાપુ, ન્યૂટનના માથા ઉપર સફરજન પડ્યું તો ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો પણ અહીં રોજ માણસાઈ નીચે પડી રહી છે એને કયો નિયમ લાગુ પડે છે? તો બોલતી બંધ. એમના માથા પર સફરજન, જાંબુ કે ચીકુ પડ્યા તો ઘરે લઈ આવ્યા એમ નઇ કે આપણે પણ કોઈ નિયમ શોધીએ.’
‘અરે ઠાકર, એની સ્કૂલમાંથી લેટર આવ્યો કે હવે દીકરાને પરીક્ષા અપાવી પૈસા વેસ્ટ ન કરો પછી એ પેપરો પસ્તીવાળા પણ નથી લેતા. દરેક પ્રશ્નનો જવાબ ઉર્દુમાં લખ્યો હોય એવું લાગે છે. પરીક્ષા આપવા કરતાં ચા ને વડાપાંઉની લારી કરી આપો. ડોક્ટર કે સી.એ કરતાં વધુ કમાશે ઠાકર,આ એડમિશનના મિશન એવા ચાલ્યા કે વિદ્યાર્થી નઇ વિદ્યાની જ અર્થી નીકળી રહી છે. મારા ચંબુના દીકરા માટે એક સ્કૂલમાં એડમિશન માટેની ભલામણ ચિઠ્ઠી માટે કાલે જઉ છું. તું આવજે.
બીજા દિવસે ટ્રસ્ટી રમણલાલને ઘરે જઈ વિનંતી કરી ‘હે રમણલાલ, અમારા દીકરા માટે કઈક કરો, ભગવાન તમારા બાળબચ્ચાં સુખી રાખશે, તમારા બૂટ ચંપલ વધુ ટકશે, તમારી વાઈફ માત્ર તમને જ પ્રેમ કરશે, અંબાણી તમારી પાસે ઉછીના માગશે, મોંઘવારી ઓછી નડશે..’
‘બસ …હવે,બહુ થયું પણ મારા હાથમાં કશું નથી’ રમણલાલ બોલ્યા
‘સાહેબ, તમારા હાથમાં કે પગમાં જ નઇ આખી બોડીમાં છે. તમારી પાસે સત્તા છે’
‘અલ્યા ભાઈ મારી પાસે સત્તા, અઠ્ઠા, નવ્વા, દસ્સા કશું જ નથી. ખોટી મેથી ન મારો’
‘એમ જુઠ્ઠું ન બોલો સર, જૂઠ બોલે કૌવા કાટે…. દસ્સા ભલે ન હોય પણ આ ગુલામ તમારી સામે છે તમે રાજા છો, કઈક કરો.’
રમણલાલ સો ગ્રામ પીગળ્યા ‘ઓકે, પણ 25000 ભલામણ ચિઠ્ઠીના થશે,.. તમને હપ્તા કરી આપીશ. જુઓ, ચંદુલાલ જે સ્કૂલમાં હું ભણ્યો એ જ સ્કૂલમાં આજે ટ્રસ્ટી છું એ કબૂલ. ને પછી તો હું વકીલાતનું ભણ્યો, પણ વકીલાત ચાલતી નથી ને ભલામણ ચિઠ્ઠી ચાલે છે. બોલો, તમારા દીકરાને શેમાં એડમિશન જોઈએ છે? અંગ્રેજી કે ગુજરાતી મીડિયમમાં?’
‘અરે સાહેબ, એડમિશન મળતું હોય તો સાંભળી કે બોલી ન શકતા હોય તેમની સ્કૂલમાં પણ ચાલે,પણ આપની ચિઠ્ઠી..’
ભલામણ ચિઠ્ઠી લઈ ચંદુલાલ ચંપાબા ને હું સ્કૂલમાં પહોંચ્યા ત્યાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશની જેમ ત્રણ હોદ્દેદારો બેઠેલા, ભલામણ ચિઠ્ઠી પણ જાસાચિઠ્ઠીની જેમ વાંચી. પછી મિસ્ટર બ્રહ્મા બોલ્યા :
‘એડમિશન પહેલાં અમારે તમને એક સવાલ પૂછવો પડશે.’
‘બોલો એવું કયું દંપતી છે કે આખો દેશ ત્રાહિમામ પોકારે છે?’
ચંદુલાલ બોલે એ પહેલાં ચંપાબા બોલ્યાં ‘ફુગાવો ને મોંઘવારી’
‘વાહ કયા બાત હૈ પહેલાં જવાબથી જ અમારી પેનલ ખુશ તમારું એડમિશન પાકું’
કૃષ્ણની શોધમાં સુદામાને હર્ષના આંસુ આવેલા એવા આંસુ ચંદુલાલને આવ્યા પછી મિસ્ટર બ્રહ્માએ મોટો બોમ્બ ફોડ્યો. 2029 માટેની ફી ભરી દો. રૂપિયા પાંચ લાખ!’
ચંદુલાલનું મોઢું ધર્માદા પેટી જેવું ખૂલી ગયું : ‘પાંચ લાખ?
‘સાહેબ, અમારું બાળક તો હજી ઘોડિયામાં રમે છે ને અમે એડમિશન માટે આવ્યા છીએ, આટલા તો વહેલા આવ્યા છીએ તોયે’…ચંદુલાલે ફેક્યું.
‘આને તમે વહેલા કહો છો? અરે મારા ભાઈ, અહીંતો વાઈફને સાતમો-આઠમો જતો હોય ત્યારથી લાઇન લાગે છે, સમજ્યા?’
બોલો, શું કરવું છે?’
‘અમે શું કરી શકીએ’ ચંદુલાલ ગૂંચવાયા ‘અમે સમાજને સમજાવશું કે વાઈફને સારા દિવસો જતાં હોય ને બાળકની જિંદગી સારી જોવી હોય તો અત્યારથી જ એડમિશનની હિલચાલ શરૂ કરી દેશો, ચાલો ઠાકર… અહીં આપણી દાળ કે કઢી કશું ગળે એમ નથી. આ લોકોનું પેટનું પાણી હલે એમ નથી કે અંદર પાણી છે જ નઇ..’
ત્યાં સામેના ખૂણામાં સરસ્વતીની મૂર્તિમાં આંસુ હતા, લક્ષ્મીજીના જોર આગળ સરસ્વતી લાચાર બની ગઈ હતી.
જેવા સ્કૂલથી બહાર આવ્યા ત્યાં ચંબુને બૂટ પોલિસ કરતાં જોયો.
‘ચંબુ તું?’
‘હા હું બૂટ પોલિસ કરવા કેટલાંયના પગ પકડું છું. આશીર્વાદ ને પૈસા બંને મળે છે બૂટ ચમકાવાની સાથે મારું નસીબ પણ ચમકાવું છું. નાનકડી કમાણીથી પરિવાર જેટલું કમાઈ મહેનતનું કમાઈને સંતોષ મેળવીશ.’
‘વાહ બેટા’ ચંદુલાલના ચહેરા પર સંતોષનું સ્માઇલ આવી ગયું.
શું કહો છો ?
આપણ વાંચો: શું તફાવત છે મેડિક્લેમમાં ટોપ અપ પ્લાન ને સુપર ટોપ અપ પ્લાન વચ્ચે?