અત્યંત ગરમ ઋતુમાં ત્યાગ કરવા જેવો તીખોરસ
વિશેષ – માનશી જોશી
આયુર્વેદનાં આર્ષ ગ્રંથોમાં દરેક રોગો માટે શ્રેષ્ઠ બાબતનું વર્ણન કરેલું છે. એ પ્રકરણમાં એક સૂત્ર છે કે – ‘સર્વ રસાભ્યાસો આરોગ્યકરાણામ્’ અર્થાત આયુર્વેદમાં વર્ણવેલ છએ છ રસ ( મીઠો, ખાટો, ખારો, તીખો, કડવો, તુરો)નો રોજિંદા ભોજનમાં ઉપયોગ એ આરોગ્ય જાળવી રાખવા માટે શ્રેષ્ઠ છે. બીજા શબ્દોમાં કહીએ તો બધા રસો ખાવાની આદત હંમેશાં આરોગ્ય આપનારી બાબતોમાં શ્રેષ્ઠ છે. તમામ રસો રોજનાં ભોજનમાં હોવાં જોઈએ એવાં અષ્ટાંગહૃદય અને ચરકસંહિતાનાં સૂત્રો હોવા છતાં ઋતુચર્યાની દ્રષ્ટિએ અમુક ઋતુમાં અમુક રસો ઓછા ખાવાં કે ન ખાવાં તે આરોગ્ય માટે હિતાવહ ગણાય છે. જેમ કે પિત્તકારક શરદઋતુમાં ખાટો રસ પિત્તવર્ધક હોવાથી પ્રતિકૂળ છે. વાયુ વધારનારી વર્ષાઋતુમાં વાયુકારક તૂરો રસ નુકસાનકારક/અપથ્ય છે. તેમ ગ્રીષ્મઋતુ(ઉનાળો) ખૂબ ગરમ હોવાથી બધા રસોમાં સૌથી વધુ ગરમ એવો તીખો રસ હિતાવહ નથી.
મધુર,અમ્લ, લવણ, કટુ, તિક્ત ને કષાય એમ છ રસોમાં ક્રમની દ્રષ્ટિએ અને મહત્ત્વની દ્રષ્ટિએ પણ તીખા રસનું ચોથું સ્થાન છે અને તે કારણે મીઠાં અને ખાટાં રસની વાનગીઓ ખવાય છે તેટલા પ્રમાણમાં તીખા રસની નથી ખવાતી.
મુખ્ય આહાર દ્રવ્યો ઘઉં,ચોખા, મગ, દૂધ,ઘી, ફળો, શાકભાજી વગેરે કુદરતે તીખા નથી બનાવ્યા. મુખ્યત્વે મીઠાં અને ખાટાં બનાવ્યા છે. જેમાં મરચા, મરી, રાઈ, હિંગ, આદું, અજમો, લસણ, લવિંગ વગેરે મસાલારૂપે તીખો રસ પકાવતી વખતે કે ખાતી વખતે આપણે ઉમેરીએ છીએ.
કુદરતી આહારમાં તીખારસનું સ્થાન ઘણું જ ઓછું છે અને તે ખાવાથી ઉનાળામાં ગરમ પડે છે.
તીખોરસ ઉષ્ણ-તીક્ષ્ણ હોવાથી તે પિત્ત કરે છે,ગરમ પડે છે તેથી ઉનાળામાં માફક નથી આવતો. તે રૂક્ષ હોવાથી ઉનાળામાં ઋતુને લીધે વધેલી રુક્ષતામાં વધારો કરે છે. વાયુને સંચિત કરી ચોમાસામાં વાયુ પ્રકોપનું કારણ બને છે.
તે લઘુ હોવાથી ઉનાળામાં વધુ માત્રામાં લેવાથી વજન ઘટાડે છે, શક્તિ પણ ઘટાડે છે.
ઉનાળાનાં સાપેક્ષે લાંબા દિવસમાં આ તીખો રસ, વારંવાર ભૂખ લગાડી શરીરનું શોષણ કરે છે.
તીખોરસ કફનાશક હોવાથી વસંતઋતુમાં કફનાં રોગીને માફક આવે છે પણ તે પિત્ત અને વાયુનો સંચય કરનારા હોવાથી ઉનાળામાં વધેલા પિત્તવાયુમાં વધારો કરે છે. ઉનાળામાં પિત્તજન્ય રોગો થવાની સંભાવના તીખોરસ વધુ ખાવાથી વધી જાય છે. બળતરા(દાહ), ચક્કર આવવા, અશક્તિ, વધુ તરસ લાગવી (તૃષાધિકય) ક્ષુધાધિકય, શ્ર્વેદાધિકય કરે છે તેમ જ અનિંદ્રા વગેરેમાં વધારો કરે છે. અને ઉનાળા પછી આવનારી વર્ષાઋતુના વાયુના રોગોને વધારનાર બને છે.
ઉનાળામાં સૂર્ય, પૃથ્વીથી નજીક આવતો હોવાથી તેના સીધાં કિરણો આવતા હોવાથી પિત્ત વધેલું હોય છે. તેમાં સૂર્યતત્ત્વની અધિકતાવાળા તીખા રસનું સેવન ખૂબ ગરમ પડે છે.
નસકોરી ફૂટવી, પેઢામાંથી લોહી આવવું, લોહીની ઊલટી થવી, થૂંકમાં લોહી આવવું, ઝાડા પેશાબનાં માર્ગેથી લોહી જવું, દુઝતાં મસા થવા, લોહીવા વગેરેનું કારણ બને છે.મુર્છા,ચીડિયાપણું, ક્રોધ, રજોગુણમાં વધારો થવો રક્તદોષ, ગુમડાં, ખંજવાળ, ખીલ, મુખપાક(માઉથ અલ્સર) વગેરે પણ ઉત્પન્ન કરી શકે છે.
છતાં પણ ઉનાળામાં કફ પ્રકૃતિવાળાં અને કફના રોગોવાળાં દર્દી તીખારસનું યોગ્યમાત્રામાં સેવન કરી શકે છે કારણ કે તીખોરસ કફનું ઔષધ છે.
અરુચિ, અજિર્ણ, મંદાગ્નિ, આમાજિર્ણ, આમવાત, મેદ, કૃમિ, પ્રમેહ,બહુમૂત્રતા,શરદી, અતિનિંદ્રા વગેરે હોય તો ઉનાળામાં છૂટથી તીખોરસ ખાઈ શકે છે અને ખાવો પણ જોઈએ.
જેને પિત્ત કે વાયુની પ્રકૃતિ હોય પિત્ત કે વાયુના રોગો હોય, શરીર કૃશ હોય, રજોગુણી હોય, તેવાં વ્યક્તિ જો આયુર્વેદનાં ઉપદેશનું ઉલ્લંઘન કરીને તીખો રસ વધારે ખાય અને તેમાંય તે મરચા વધારે ખાય તો નપુંસકતા, સ્વપ્નદોષ, શુક્રસ્રાવ, શિઘ્રપતન, રક્તપ્રદર, વજન ઘટવું, ચક્કર આવવાં, બળતરા થવી, બળ ઘટી જવું, પક્ષાઘાત કે હાઈ બીપી જેવાં વાયુનાં રોગો થવા, શરીર સુકાઈ જવું, તરસ વધુ લાગવી, શરીર ધ્રૂજવું, કમરનો દુખાવો થવો વગેરે રોગો થયા વિના રહેતા નથી. તીખા રસમાં લવિંગ ઠંડા હોવાથી ખાસ ગરમ પડતા ન હોવાથી ઉનાળામાં પણ લઈ શકાય. એલચી પણ ખાસ નડતી નથી. લસણ, લીંડીપીપર અને આદુંનો વિપાક મધુર હોવાથી આ મસાલા ઓછા ગરમ પડે છે. આથી ઉનાળામાં મરચાંનાં સ્થાને આ ઉપરનાં દ્રવ્યો જરૂર મુજબ વાપરવાથી તીખા રસ દ્વારા થતાં નુકસાનથી બચી શકાય છે. ઉ