શક્તિશાળી ભારતીય પીણાં

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા
ભારતીય ખાનપાનની શૈલી અદ્ભુત છે. વિશ્ર્વના દરેક દેશોની ખાનપાનની પરંપરા કરતાં ભારતીય ખાન-પાન પરંપરા નિરાળી છે. ભારતીય ખાન-પાન જે સ્વાસ્થ્ય માટે અનુરૂપ, વાતાવરણને અનુરૂપ તેમ જ ઉચ્ચ દરજજાની છે. ભારતીય ખાન-પાનમાં અલગ અલગ ઉકાળા કે કાઢાનું મહત્ત્વ અદિત્ય છે. આજના અર્વાચીન સમયમાં કેમિકલ-યુક્ત ચહા કે બીજા અન્ય પીણાંનું ચલણ અધિક વધ્યું છે. મોટી જાહેરખબરોની ભરમાર છે. જે ખોટા માર્ગે દોરે છે. ફકત ધંધાકીય દૃષ્ટિએ ચાલતો મોટો અને ખોટો વ્યાપાર જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થયો છે. આ જાહેરખબરો આપણી જીવનશૈલી પર ખૂબ જ ઊંડી અસર નાખી છે. લોકો જાહેરાતોથી ભરમાઇ હાનિકારક ખાદ્ય પદાર્થનું સેવન કરી ના ઇલાજ મોટી બીમારીઓના શિકાર બની રહ્યાં છે. સમયનો અભાવ નથી, સમયને અનુરૂપ ચાલવામાં આપણે નાકામ રહ્યાં છે. આ બજારુ નકામા પીણાં લોકોને સ્વસ્થ રહેવા દેતાં નથી.
સવારના સમયમાં કે સાંજના સમયમાં કેમિકલથી ભરેલી ચહાની આદત ને બદલે ભારતીય પરંપરાગત ઉકાળા કે કાઢા લેવામાં આવે તો લગભગ બધી જ બીમારીના ઉદ્ભવથી દૂર રહી શકાય છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ અનેકગણી વધી જાય છે. જીવનશૈલીમાં નિરંતર બદલાવને કારણે ચહા પીવાના તૌર-તરીકા બદલાઇ ગયા છે. સ્વાસ્થ્ય પ્રતિ સજાગ રહેવાવાળા માટે હર્બલ ઉકાળા ખૂબ મહત્ત્વના છે. વિભિન્ન સ્વાસ્થય સમસ્યા માટે જુદી-જુદી જાતના ઉકાળા કે કાઢા ચહાની જેમ લઇ શકાય છે. ચહાનો તો રોજ એક જ સ્વાદ હોય છે. પણ હર્બલ ઉકાળામા વિવિધ સ્વાદની ભરમાળ છે. સ્વાદિષ્ટ પીણા છે. જે મનને તરોતાજા અને સ્વાસ્થયપદ છે. ઔષધીય મૂલ્યો ઘણાં ઊંચા છે. જે શારીરિક સમસ્યાને દૂર કરી પ્રભાવશાળી બનાવે છે.
ઠંડીનો સમય લગભગ શરૂ નવેમ્બરથી ચાલુ થઇ જાય છે અને બજારમાં પણ વિવિધ હર્બલ વનસ્પતિઓ પુષ્કળ પ્રમાણમાં આવી જાય છે. હર્બલ વનસ્પતિઓ સ્વાદ અને સુગંધ અનેરા છે. ઋતુઓ પ્રમાણેની થતી વ્યાધિઓને દૂર રાખે છે.
ગવત ચહા કે લીલી ચહાના પાન જેને લેમનગ્રાસ કહે છે જે કફ, શરદી કે વાયરલ શરદીથી બચાવ કરે છે. તુલસી, ફુદીનો, સૂંઠ, મરી,એલચી અને લેમનગ્રાસ નાખી બનાવેલો ઉકાળો સ્વાસ્થય પ્રદ છે. જે શરીરમાં મળની પણ શુદ્ધિ થાય છે. શરીરના દુખાવામાં પણ રાહત રહે છે અને સ્વાદિષ્ટ પીણું છે. આ પીણામાં ઓર્ગેનિક ગોળ નાખી લઇ શકાય છે.
વરિયાળી, એલચી અને ગોળ નાખીને બનાવેલો ઉકાલો પિત્તનું શમન કરે છે. એસીડીટી કાઢી નાખે છે. જમવાનું પાચન વ્યવસ્થિત થાય છે. મોઢાની દુર્ગંધ દૂર થાય છે. અવાજ ઘોઘરો થઇ ગયો હોય તો તેને ઠીક છે. અત્યારે લીલી વરિયાળી પણ બજારમાં મળે છે. આ ઉકાળામાં નાળિયેરનું દૂધ નાખી શકાય છે જે સ્વાદમાં ઉચ્ચ કક્ષાનું છે.
એપલ, તજ, એલચીનો ઉકાળો થોડા પાણીમાં એપલના ટુકડા તજ, એલચી નાખી ઉકાળો પછી ગાળીને પીવી. પેટના દર્દમાં લાભકારી છે. વિટામિનથી બીથી ભરપૂર છે.
સૂવા, મરી અને ગોળનો ઉકાળો વાયુના બધાં જ દર્દોનો નાશ કરે છે. શરીરમાં ખોટી ચરબી જામવા દેતો નથી. શરીરની શર્કરાને કંટ્રોલમાં રાખે છે.
સૂકી દ્રાક્ષ કે કિસમીસ, મરી, મીઠું નાખીને ઉકાળો પીવાથી કબજિયાત વ્યાધિ દૂર થાય છે. શરીરની તાકાત વધે છે. પિત્તની ઊલટીનું શમન કરે છે. અનિદ્રા દૂર થાય છે. બી.પી. ની સમસ્યામાં રાહત આપે છે.
અનંત મૂળ અને ગોળ નાખી ઉકાળો લોહીની શુદ્ધિ કરે છે. શરીરની ઇમ્યુનીટી વધારે, શરીરમાં કેલ્શિયમને સુધારે છે. ડાયાબિટીસની બીમારીમાં થતી નબળાઇ દૂર કરે છે. ઉચ્ચ રક્ત ચાપમાં ગુણકારી છે.
અશ્ર્વગંધા અને ગોળનો ઉકાળો ઘણીયે બીમારીમાં કામ આવે છે. કેલ્શિયમની કમી દૂર કરે છે. શરીરને શક્તિશાળી બનાવે છે.
કમલફૂલ પાઉડરનો ઉકાળો શરીરના સોજા દૂર કરે છે. હૃદયને બળવાન બનાવે છે.
તજ, લવિંગ, એલચી અને ગોળનો ઉકાળો જે સ્વાદિષ્ટ પીણું છે. કફ-શરદી તેમ જ પિત્ત થવા દેતો નથી. પેટને શુદ્ધ કરે છે. આ ઉકાળામાં બદામ, દૂધ નાખવાથી સ્વાદિષ્ટ બને છે. તેમ જ ઇમ્યુનીટી વધારી દે છે.
અજમા અને ગોળનો ઉકાળો પેટનો આફરો વધુ પડતું ખવાઇ જવાથી પેટમાં થતો દુ:ખાવો દૂર કરે છે. વાયુનું શમન કરે છે.
ગુલાબ પતી, એલચી, બદામ અને નારિયેળની સાકરનો ઉકાળો જે ખૂબ જ ગુણકારી છે. મનને તરોતાજા રાખે છે. પિત થવા દેતો નથી. શક્તિશાળી પીણું છે. આ ઉકાળામાં નાળિયેર ને દૂધ ઉમેરી શકાય છે.
ભીંડાના બીજનો ઉકાળો હૃદયને સ્વસ્થ રાખે છે. ત્વચા અને વાળને સુંદર બનાવે છે. હૃદયની બીમારીમાં આ કાઢો લેવો જોઇએ. મીઠું અને મરી ઉમેરી લઇ શકાય.
મેથી અને ગોળનો ઉકાળો ડાયાબિટીસમાં પગના સડા માટે ઉપયોગી છે. વાળનું સૌંદર્ય જાળવે છે.
અંબાડી ભાજીના બીજનો ઉકાળો પિતાશયની પથરી દૂર કરે છે. લીવરને એક્ટિવ કરે છે. કોલેસ્ટ્રોલ જામવા દેતો નથી.
ભારતીય મસાલાની વિવિધ પ્રકારના ઉકાળા હર્બલ વનસ્પતિના ઉકાળા અનેક પ્રકારના બીજના ઉકાળા જેમ કે કૌચાબીજ, કસ્તૂરી દાના, લીડીં પીપર, ગજપીપર, આમળાબીજ, કીરમાની અજમો, કાળી હળદર, ખંભાતીય હળદર, ખંભાતીય મરી મૂળા અને ગાજરના બીજ-મગજતરીના બીજ ચિરાયતા જેવી અનેક ખાદ્ય-પદાર્થોના કાઢા બનાવી લઇ શકાય. કેમિકલ યુક્ત ચહા પીને શરીરનો બગાડ ના કરો જે ખતરનાક નશો છે. આવી વનસ્પતિ અને બીજના સ્વાદિષ્ટ ઉકાળા પીવાથી સ્વાસ્થયમાં ઉચ્ચ દરજજાનો સુધાર રહે છે. કોઇપણ વાયરસનો હુમલો થતો નથી.