શારીરિક રોગોનાં મૂળ મનમાં હોય છે

તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
યોગાસનનો ક્રમ નિશ્ર્ચિત કરતી વખતે વ્યક્તિગત ભિન્નતા ખ્યાલમાં રાખવી જોઇએ.
3. ઉજજાયી-સરલ સ્વરૂપ
4. અનુલોમવિલોમ
પ્રાણાયામના આ બંને સ્વરૂપો વિશે વિગતે વિચારણા ‘અપસ્મારની યૌગિક ચિકિત્સા’ તથા ‘ડિપ્રેશનની યૌગિક ચિકિત્સા’માં કરવામાં આવેલ છે.
5. યૌગિક પરામર્શ
‘યૌગિક પરામર્શ’ નામના અલગ પ્રકરણમાં આની વિગતે વિચારણા થઇ છે.
સમાપન:
હિસ્ટીરિયા બહુ નાજુક અને ગૂંચવણવાળી બીમારી છે. વળી તેમાં વ્યક્તિગત ભિન્નતા પણ ખૂબ હોય છે. આમ હોવાથી તેની ચિકિત્સાનો ક્રમ નિશ્ર્ચિત કરતી વખતે ચિકિત્સકે ખૂબ સાવધાન રહેવું જોઇએ. યૌગિક ક્રિયાઓ માત્ર પુસ્તક વાંચીને શીખી કે શકાય નહીં. તેમ કરવાથી ભૂલો રહી જવાનો સંભવ છે અને તે જોખમી છે. દર્દીને યૌગિક ક્રિયાઓ શીખવવા માટે કુશળ યૌગશિક્ષકનું માર્ગદર્શન મેળવવું જોઇએ. હિસ્ટીરિયાના દર્દીને ઔષધિ પણ આપી શકાય છે. તે માટે પણ તે વિષયના નિષ્ણાત ચિકિત્સકની સહાય લેવી જોઇએ. યૌગિક પરામર્શ પણ કુશળ યૌગિક પરામર્શક દ્વારા અપાય તે જોવું જોઇએ. હિસ્ટીરિયાની ચિકિત્સા જો આ કુશળ નિષ્ણાતોની ટીમ દ્વારા થાય તો સફળતાની તકો ઉજજ્વળ બને છે.
15. મનોદૈહિક વિકૃતિઓની યૌગિક ચિકિત્સા
1. પ્રાસ્તાવિક
વર્તમાનકાળમાં સંપત્તિ અને સુવિધાઓમાં અપરંપાર વધારો થયો છે. વિજ્ઞાને માનવીના હાથમાં અપરંપાર શક્તિ અને સાધનો મૂક્યાં છે અને છતાં માનવી સુખી નથી. માનવી સંઘર્ષો, હતાશ અને વિષાદમાં ફસાઇ ગયો હોય તેમ લાગે છે. અરણ્યમાં વસતા એક અભણ માનવી કરતાં મુંબઇમાં વસતા ધનપતિ પાસે સુવિધાઓ વધુ છે, પરંતુ અરણ્યનિવાસી કરતાં તે વધુ સુખી કે વધુ પ્રસન્ન છે તેમ ન કહી શકાય.
ઓગણીસમી સદીના અંત સુધી શારીરિક રોગોનાં કારણો શરીરમાં જ હોવાની ધારણા હતી, પરંતુ ફ્રોઇડ અને જાનેટ જેવા મનોવૈજ્ઞાનિકોએ શોધી કાઢયું કે અનેક શારીરિક રોગોનાં મૂળ મનમાં હોય છે. શરીર અને મન સર્વથા ભિન્નભિન્ન નથી. એક જ વ્યક્તિત્વનાં આ બંને પાસાં છે. શરીરની અસર મન પણ અને મનની અસર શરીર પણ થાય જ છે. વર્તમાનકાળમાં માનવીના માનસિક સંઘર્ષો વધ્યા છે અને તેથી હતાશા, વિષાદ, તાણ આદિ વધ્યાં છે. આવે પરિણામે શરીર અને મનના રોગો પણ ખૂબ વધ્યા છે. આમાંના કેટલાક રોગો માનસિક હોય છે, કેટલાક રોગો મનોદૈહિક (મન:શારીરિક) પણ હોય છે.
2. મનોદૈહિક વિકૃતિઓ એટલે શું?
જેનું મૂળ કારણ મનમાં હોય પરંતુ બીમારી શરીરની ભૂમિકાએ પ્રગટ થાય તેવી વિકૃતિઓને મનોદૈહિક વિકૃતિઓ કહેવામાં આવે છે. માનવ-વ્યક્તિત્વનું બંધારણ જ એવું છે કે મનનો બોજ શરીર પર અને શરીરનો બોજ મન પર પડે જ છે. વાતાવરણમાંથી ઉદ્ભવતાં અંતરાયો અને વિધ્નો માનવીની માનસિક અને શારીરિક જરૂરિયાતો પરિપૂર્ણ કરવામાં બાધા ઊભી કરે છે. તેથી વ્યક્તિ હતાશા અને સંઘર્ષ અનુભવે છે. આ માનસિક ભારને કારણે શરીરની સંવાદિતા ખોરવાઇ જાય છે. તેની અસર શરીર પર થાય છે અને તેમાંથી શારીરિક માંદગી પ્રગટ થાય છે. સેગ્યુઇને કહ્યું છે: “કોઇ પણ રોગ શારીરિક હોય કે માનસિક, પરંતુ તે વસ્તુત: તે સમગ્ર વ્યક્તિનો વિકાર છે.” કોઇ વ્યક્તિના મનમાં લાંબા સમય સુધી હતાશા, સંઘર્ષ, તાણ રહે તો તે શારીરિક રોગમાં પરિવર્તન પામે છે. આમ, આવી શારીરિક બીમારીનું કારણ મનમાં હોય છે. આ પ્રકારની વિકૃતિઓને મનોદૈહિક વિકૃતિઓ કહેવામાં આવે છે.
3. મનોદૈહિક વિકૃતિઓના પ્રકારો:
શેલ્ડમ નામના મનોવૈજ્ઞાનિકે મનોદૈહિક, બીમારીઓના દસ પ્રકારો પાડ્યા છે. પેટાપ્રકારોની ગણતરી કરીએ તો આવી વિકૃતિઓની સંખ્યા 80થી પણ વધુ થાય છે. આમાંથી કેટલીક મહત્ત્વની મનોદૈહિક વિકૃતિઓનો પરિચય આપણે અહીં મેળવીએ.
(1) દમ:
દસ શ્ર્વસનતંત્રને લગતો મન:શારીરિક રોગ છે. આનો અર્થ એમ નથી કે પ્રત્યેક દમ મન:શારીરિક જ હોય છે. ઘણી વાર દમ માત્ર શારીરિક સ્વરૂપનો પણ હોઇ શકે છે. પરંતુ કોઇક વાર માનસિક કારણસર પણ શરીરની ભૂમિકાએ દમની બીમારી જોવા મળે છે. આ પ્રકારના મનોમય ભૃમિકાયુક્ત દમને મન:શારીરિક દમ કહેવામાં આવે છે. આ પ્રકારના દમનું જોડાણ મનના આવેગો સાથે થયેલું હોય છે. આ પ્રકારની મન:શારીરિક દમ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં ત્રણગણો વધારે હોય છે. દમના પાયામાં ચિંતા અને ભય હોય છે.
(2) તૃણગંધન્ય તાવ (ઇંફુ રયદયિ):
આ એક પ્રકારની એલર્જી છે. આવી એલર્જીવાળી વ્યક્તિઓ પોતાની પ્રકૃતિને માફક ન આવે તેવી ગંધવાળા પુષ્પોની ગંધ તેમનાં નાક સુધી પહોંચે ત્યારે સહન કરી શક્તી નથી. શરૂઆતમાં તેમને શરદી અને પછી તાવ આવે છે. આ તાવને ‘તૃણગંધજન્ય તાવ’ કહેવામાં આવે છે. આ તાવ પાછળ મનોવૈજ્ઞાનિક કારણો હોય છે. વ્યક્તિ સમક્ષ જ્યારે કોઇ વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે તેનો સામનો કરતાં તે એલર્જી અને આવેગાત્મક ઘટકો વચ્ચેની સમતુલા ખોઇ બેસે છે. તેમાંથી આ મનોદૈહિક વિકૃતિ- તૃણગંધજન્ય તાવ પ્રગટ થાય છે.
(3) ફેફસાંનો ક્ષય:
ફેફસાંના ક્ષયનું માનસિક પાસું ઘણા લાંબા સમયથી સ્વીકારવામાં આવ્યું છે. ક્ષયનાં જંતુઓ દ્વારા ફેફસાંને ચેપ લાગવાથી ક્ષય પ્રગટે છે. આ તથ્ય બરાબર છે. પરંતુ આવાં જંતુઓ તો વાતાવરણમાં અસંખ્ય પ્રમાણમાં હોય છે. ક્ષયનો રોગ લાગુ પડશે કે નહીં તે નક્કી કરવામાં માનસિક કારણો પણ ભાગ ભજવે છે. ક્ષયના બધા જ કિસ્સામાં તે મનોદૈહિક જ હોય છે તેમ નથી. પરંતુ અનેક કિસ્સાઓમાં ક્ષય મનોદૈહિક પણ હોય છે. અજાગ્રત માનસિક સંઘર્ષો, જાતીય વિરોધ, બાળપણમાં દમિત થયેલી કોઇ ચિંતાપ્રેરક પરિસ્થિતિ, અસલામતી અને પરાશ્રયની લાગણી- આવાં કારણો મનોદૈહિક ક્ષયમાં ભાગ ભજવતાં હોય છે.
(4) શરદી:
શરદી શ્ર્વસનતંત્રની એક બહુ પ્રચલિત સામાન્ય બીમારી છે. ઠંડી, ધૂળ, ધુમાડો આદિ બહિરંગ કારણોથી શરદી થાય છે. સાઉલ નામના મનોવૈજ્ઞાનિકે શરદીના ઘણા કિસ્સાઓનો અભ્યાસ કરીને બતાવ્યું કે અને કે કિસ્સાઓમાં આ રોગ મનોદૈહિક હોવાની શક્યતા વધુ છે. દમિત ક્રોધ, હતાશા આદિ માનસિક પરિબળો શરદીમાં ભાગ ભજવે છે.
(5) અતિસ્થૂળતા:
શરીરમાં ચરબીનું પ્રમાણ અતિશય વધવાથી વ્યક્તિ અતિસ્થૂૄ બની જાય છે. અતિસ્થૂળતા એક બીમારી છે અને તેમાં શારીરિક કારણો ઉપરાંત માનસિક કારણો પણ ભાગ ભજવે છે.
સામાન્યત: અતિ સ્થૂળતાનાં ચાર કારણો છે:
1. વારસો
2. અપૂરતો શ્રમ
3. વધારે પડતો ચરબીયુક્ત આહાર
4. માનસિક કારણો
ચિત્તમાં કોઇક પ્રકારનો ખાલીપો અર્થાત્ અભાવ અને માનસિક અશાંતિ, અસંતોષ હોય ત્યારે વ્યક્તિ અતિઆહાર દ્ાવારા આવી ખામીની પરિપૂર્તિ કરવાનો પ્રયત્ન કરે છે અને તેમાંથી અતિસ્થૂળતા પ્રગટે છે.
આવી માનસિક ખામીને અતિઆહાર દ્વારા ભરી શકાતી નથી- આ સત્ય તે દર્દી સમજતો નથી. પરિણામે તેનો અતિઆહાર ચાલુ રહે છે અને સ્થૂળતા વધતી જાય છે. દર્દી જો આ સત્ય સમજે તો તે અતિઆહારમાંથી પાછો ફરી શકે છે અને સ્થૂળતા પણ ઘટાડી શકાય છે.
(6) જઠર કે આંતરડામાં ચાંદું (શભયિ):
બાહ્ય સ્વરૂપની દષ્ટિએ જોઇએ તો જઠર અને આંતરડાને લગતી આ બીમારી છે. જે વ્યક્તિને આ રોગ લાગુ પડે છે તેના જઠર કે આંતરડામાં નાનું ગોળ ચાંદું પડે છે. તેને લીધે હોજરીમાં સતત બળતરા થયા કરે છે. ખોરાક લેવાથી બળતરા ઓછી થાય છે અને પેટ ખાલી થતાં બળતરા ફરી ઊપડે છે. દીર્ઘકાલીન વાયુની સાથે અસાધારણ માનસિક તંગાવસ્થા કે ચિંતા, ક્રોધ જેવા નકારાત્મક આવેગોનું જોડાણ થવાથી આ બીમારી પ્રગટ થાય છે.
આ રોગ થવા પાછળનાં મનોવૈજ્ઞાનિક કારણો આ પ્રમાણે છે. ખૂબ જ ઊંચાં નૈતિક ધોરણો રાખનારા, જીવનમાં સવિશેષ પ્રવૃત્તિાશીલ રહેનારા, પોતાની ધ્યેયસિદ્ધિ માટે રાત-દિવસ મંડ્યા રહેનારા, અતિસવાતંત્ર્યપ્રિય અને સ્વાવલંબી રુચિવાળા, અહંકેન્દ્રિત, મહત્ત્વાકાંક્ષી લોકો સમક્ષ જ્યારે વિધ્નો કે સંઘર્ષો ઉપસ્થિત થાય છે ત્યારે નિષ્ફળતા મળતાં તે સતત ચિંતાની લાગણી અનુભવે છે અને સતત અસલામતી તથા તીવ્ર મનોભાવ અનુભવે છે. આ લોકોનાં જીવનમાં આ બીમારી જન્મે છે.
વધારેપડતા ઊંચા ધ્યેયને પ્રાપ્ત કરવામાં સંઘર્ષ-રત રહેનાર વ્યક્તિ પોતાનું જીવન આનંદથી વ્યતીત કરી શક્તી નથી. આ પ્રકારની માનસિક અવસ્થા તેને અલ્સરની બીમારી તરફ દોરી
જાય છે.
(7) મળ-મૂત્ર-વિસર્જનની તકલીફો:
ઝાડા, કબજિયાત, ઊંઘમાં મૂત્રવિસર્જન થાય- આ પ્રકારની તકલીફો આ વર્ગમાં ગણાય છે. ચિંતા, ઘૃણા આદિ લાગણીઓથી જન્મેલા આવેગોના ભારથી આવી તકલીફો પ્રગટે છે.
(8) દીર્ઘકાલીન વાયુ:
પેટમાં ગરબડ, બળતરા, અપચો અને વાયુની તકલીફ આ પ્રકારમાં ગણાય છે. સંઘર્ષમય આવેગોના દબાણને કારણે આવી બીમારી જન્મે છે. ખોરાક પ્રત્યે અરુચિ આવેગોના ભારને કારણે જન્મે છે અને તેમાંથી અનેક તકલીફો પ્રગટ થાય છે. યૌગિક મનોવિજ્ઞાનમાં ચિત્ત અને વાયુ વચ્ચે પ્રગાઢ સંબંધ માનવામાં આવે છે. તદનુસાર મનની મુશ્કેલીઓમાંથી દીર્ઘકાલીન વાયુ પ્રગટે છે.
(ક્રમશ:)