પ્રાચીન જ્ઞાન, આધુનિક વિજ્ઞાન કાઉસ્સગમ્ દ્વારા મનની શાંતિ સાધીએ…

ફિટ સોલ – ડૉ. મયંક શાહ
વર્તમાન કાળમાં બાહ્ય સુખ અને સગવડ ભલેને વધી ગઈ છે, પણ મનુષ્ય વધારેને વધારે અસ્વસ્થ થતો જાય છે. શારીરિક રીતે નબળો, માનસિક રીતે અશાંત અને આત્મિક રીતે મુંઝાયેલો માનવી, એ આજની વાસ્તવિકતા છે. સુખ બધાને જોઈએ છે, પણ સુખ શું છે એ જ કોઈને ખબર નથી. જેને આપણે સુખ માની બેઠા છીએ, એ માત્ર ભ્રમણા જ સાબિત થાય છે. ઈન્દ્રિય-સુખની વાસના પૈસાની લાલસા, સત્તાનો અભિમાનથી રંગાયેલો માણસને મનુષ્ય જીવનની મહત્ત્વતા સમજાતી નથી. સોનું, ચાંદી અને પૈસાના પરિગ્રહથી ભૌતિક રીતે ધનવાન બની શકે છે, પણ મનની શાંતિ વગર બધું નકામું છે. અશાંત વ્યક્તિ દુ:ખી જ હોય છે, દરિદ્ર હોય છે!
આજે વિદ્યાલય, મહાવિદ્યાલય કે વિશ્ર્વવિદ્યાલયોમાં ઉચ્ચત્તમ શિક્ષણ પીરસવામાં આવે છે, પણ ‘સુખત્તમ માનસ’ કેમ કેળવવું એ વિષયની ઝલક ક્યાંએ દેખાતી નથી. કદાચ, આવા વિદ્યાલયોમાં, આવું શિક્ષણ અને માનસનું ઘડતર શક્ય નહીં હોય, આ વિષયના શિક્ષણ માટે ખાસ વિદ્યાલયની જરૂર છે. ધર્મવિદ્યાલય! આવા વિદ્યાલયોમાં જીવન ઉપયોગી આધ્યાત્મિક વિજ્ઞાન પીરસવામાં આવે તો આ માનસની દરિદ્રતા સમાપ્ત થઈ શકે છે. આ પૃથ્વી પર જે પણ ધર્મ વ્યવસ્થા છે, તે આધ્યાત્મિક વિજ્ઞાનને સમજતા અને અનુસરવા માટે જ રચાયા છે. આધ્યાત્મિક વિજ્ઞાન શરીર, મન, આત્મા સાથે જીવનના પ્રત્યેક પાસાને ચેતના આપે છે. અને આ વિજ્ઞાનને એક જ શબ્દમાં સંકેલી લેવું હોય, તો એ છે ‘કાઉસ્સગમ્’ એની સાધના દ્વારા શરીર, મન અને આત્માની અશુદ્ધિઓ દૂર થાય છે અને સ્વભાવિક શક્તિઓનો વિકાસ થાય છે.
કાઉસ્સગમ્ની મૌલિકતા
કાઉસ્સગમ્ ‘ધર્મ-પુરુષાર્થ’નું વિજ્ઞાન છે. તે સર્વોત્તમ તપ પણ છે, અને કર્મ-બંધનથી મુક્તિ અપાવનાર સાધના છે.
કાઉસ્સગમ્ વિજ્ઞાનના ત્રણ મુખ્ય પાસા છે
(૧) જાગરૂકતા (consciousnes)નો વિકાસ
(૨) દિવ્ય બુદ્ધિની ઉતેજના
(૩) વીર્ય-શક્તિની સાધના
કાઉસ્સગમ્ માત્ર આત્મ કલ્યાણ માટે સીમિત નથી. તે નાના-મોટો લવા માટે ઉપયોગી છે એની સાધના દ્વારા શુભ લક્ષ્મીની પ્રાપ્તિ, કાર્યમાં સફળતા અને શુભ મનોભાવનાઓ સાથે મનની શાંતિ પણ પામી શકાય છે.
કાઉસ્સગમ્ માત્ર શ્રદ્ધા-આસ્થાનો વિષય નથી, પણ સંપૂર્ણ વિજ્ઞાન છે. તે અનુભવજન્ય અને પરિણામલક્ષી પણ છે. એના દ્વારા જીવનને સાચી દિશા આપી શકાય છે અને આ માનવભવ સાર્થક કરી શકાય છે.
“છેલ્લાં ૨૦ વર્ષથી કાઉસ્સગમ્ પર સંશોધન કરતા કરતા તેના અનેક ચમત્કારિક પરિણામો જોવા મળ્યાં છે. આ વિષય પર આ વર્તમાન શ્રેણીમાં આપ સૌની સમક્ષ રજૂઆત કરવાની ઈચ્છા ધરાવું છું.
મનની શાંતિ:
મન અને માનસ ગહન વિષયો છે. એના અભ્યાસ માટે અનેક જન્મો લેવા પડે…! પણ મનને શાંત કરવા માટે પહેલું પગથિયું શું છે એ જાણી લઈએ. કાઉસ્સગમ્ વિજ્ઞાનના સાધકો માટે આ આવશ્યક ક્રિયા હોય છે.
(૧) શારીરિક સ્થિરતા: સુખાસનમાં બેસીને કરોડને ટટાર રાખવી. પછી આંખો પર ધ્યાન કેન્દ્રિત કરીને આંખોની તાણને દૂર કરવી.
(૨) મનની નિર્વિકલ્પ દશા: મનમાં દલીલોને સ્થાન આપવું નહીં. જે પણ વિચાર આવે એને જોવું, જાણવું અને અટક્યા વગર મુકી દેવું.
(૩) શ્ર્વાસ પ્રેક્ષા: શ્ર્વાસનું આવનજવન પર ધ્યાન કેન્દ્રિત કરવું. જેમ જેમ શ્ર્વાસ સ્થિર થશે, તેમ મન પણ સ્થિર થશે.
આ પ્રયોગ નિયમિત કરવાથી થોડા સમયમાં મન શાંત થાય છે; ખોટા વિચારો ઘટી જાય છે અને વિવેક બુદ્ધિનો વિકાસ થાય છે. મનની શાંતિનો સીધો સંબંધ આપણી જાગરૂકતા સાથે છે. મનને શાંત કરવા માટે ફિલસૂફી ઠુસવાની જરૂર નથી હોતી. એને નિર્વિકલ્પ દશામાં સ્થિર કરીને આત્મદ્રષ્ટિને વિકસાવાની હોય છે. ત્યારે બાહ્ય સંજોગોથી અલિપ્ત થઈ શકાય છે અને સહજતાથી અને આનંદથી જીવન જીવી શકાય છે.
“કાઉસ્સગમ્ આત્મિક ક્ષમતાઓને ઉત્તેજિત કરીને વિકસાવવામાં મદદરૂપ થાય છે અને અંતે કૈવલ્ય (અબાધિત શક્તિ) સન્મુખ લઈ જાય છે. તો ચાલો, ગતાનુગતિક જીવન જીવવા કરતાં જાગરૂકતાથી ઉર્ધ્વગામી બનીએ તો કેમ…?