ટાઈટ જીન્સનો શોખ કેવી કેવી સમસ્યા સર્જી શકે?

આરોગ્ય એક્સપ્રેસ -રાજેશ યાજ્ઞિક
ડેનિમ અથવા જીન્સ હવે યુવાનોમાં રાષ્ટ્રીય પોશાકનો દરજ્જો ધરાવે છે એવું કહીએ તો કંઈ ખોટું નથી એમ કહેવાય. તેમાંય જાતજાતનાં પેન્ટ્સ આવે છે, પરંતુ યુવાનોમાં જેનો ક્રેઝ સૌથી વધુ છે, એ છે ટાઈટ ફિટિંગવાળાં જીન્સ. પગ, જાંઘ અને નિતંબોના આકારને ઉભાર આપે તેવા શરીરને લગભગ ચીપકી ગયાં હોય તેવાં જીન્સ પહેરવાં યુવાનોને બહુ ગમે છે,
પણ આ ફૅશન આરોગ્ય માટે આફત સરજી શકે, જેમ કે
1) ખૂબ ટાઈટ જીન્સ પહેરવાથી લોહીના પ્રવાહ પર અસર પડે છે, જેના કારણે પગની માંસપેશીઓ અને અન્ય અનેક નસમાં લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય તો, પગ અને જાંઘમાં નિષ્ક્રિયતા આવે છે અને કળતર અનુભવાય છે. તેને ‘સ્કિની પેન્ટ સિન્ડ્રોમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
2) ગભરામણ થાય છે..
રક્ત પરિભ્રમણ પર અસર થતી હોવાથી લોહીને પંપ કરવા અને તેને અન્ય અવયવોમાં મોકલવા માટે હૃદય પર દબાણ આવે છે. ચેતાતંત્ર પર પણ દબાણ આવતાં વ્યક્તિ ગભરામણ અનુભવે છે.
3) લોહી ગંઠાઈ જવાની સમસ્યા… ટાઈટ જીન્સ પહેરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશનની જે સમસ્યા સર્જાય છે એના કારણે લોહી ગંઠાઈ જવાનો ખતરો વધી જાય છે.
4) પ્રજનન ક્ષમતા પર અસર પડે છે.
ચુસ્ત જીન્સ નિયમિતપણે પહેરવાથી તમારી પ્રજનન ક્ષમતા પર પણ નોંધપાત્ર અસર પડે છે. શુક્રાણુઓની કમી એક આવી જ સમસ્યા છે. આ સિવાય, ટાઈટ જીન્સને કારણે કેટલાંક ઈન્ફેક્શન જોખમ પણ વધી જાય છે. ખાસ કરીને સ્ત્રીઓમાં આના કારણે ‘વલ્વોડાયનિયા’ થવાની સંભાવના વધારે હોય છે. આ બીમારી હેઠળ મહિલાઓને એમના પ્રાઈવેટ પાર્ટ્સમાં દુખાવો કે ઈન્ફેક્શન થઈ શકે છે.
5) પુરુષોમાં યુટીઆઈનું જોખમ વધે છે
ટાઈટ જીન્સ માત્ર મહિલાઓ માટે જ નહીં, પરંતુ પુરુષો માટે પણ ઘણી ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે. ટાઈટ જીન્સને લીધે માત્ર પ્રજનનક્ષમતા પર જ ખરાબ અસર થતી નથી, પરંતુ યુટીઆઈનું (યુરીનરી ટ્રેકટ ઇન્ફેક્શન) જોખમ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે. ‘યુટીઆઈ’ એટલે પેશાબ વહન કરતી નળીમાં થતું ઈન્ફેક્શન. એટલું જ નહીં, લાંબા સમય સુધી ટાઈટ જીન્સ પહેરવાથી પુરુષોમાં કૅન્સરનું જોખમ વધી જાય છે.
6) સ્કિન ઈન્ફેક્શન થઈ શકે છે
તંગ જીન્સને કારણે સ્કિન ઈન્ફેક્શન થઈ શકે છે. ફેબ્રિક ત્વચા પર ચોંટી જાય છે અને સોજો અને ફોલ્લીઓ જેવી સમસ્યા ઊભી થવા લાગે છે, જેના કારણે જાંઘની આસપાસ પણ ચકામા થવા લાગે છે. વધુપડતાં ટાઈટ જીન્સ પહેરવાથી પરસેવો જલદી સુકાતો નથી અને તેના કારણે ખંજવાળ અને લાલાશની સમસ્યા થાય છે.
7) પીઠનો દુખાવો..
ટાઈટ જીન્સને લીધે કમરનો દુખાવો શરૂ થાય છે. જોઈન્ટ અને સ્પાઈન પર નકારાત્મક અસર થવાનું જોખમ રહેલું છે. તેના કારણે ઊઠવા-બેસવામાં તકલીફ થઈ શકે છે.
8 ) પેટમાં દુખાવો…
ચુસ્ત જીન્સ પહેરવાથી પેટની નીચેના ભાગ પર વધુ દબાણ આવે છે, જેનાથી રક્ત પરિભ્રમણ ધીમું પડી જાય છે. જે માત્ર પેટને જ નહીં પરંતુ હિપના સાંધાને પણ અસર કરે છે.
આવાં બધાં ભયસ્થાનો હોવા છતાં ફૅશનના કારણે તમને ચુસ્ત જીન્સ પહેરવું ગમતું જ હોય તો કેટલીક સાવધાની રાખવી જોઈએ, જેમ કે…
જો તમે ઘણું વૉકિંગ કરતા હો, તો ટાઈટ જીન્સ ન પહેરો. |
જીન્સને સારી રીતે ધોઈ લો, જેથી તમે ત્વચાના ચેપનો શિકાર બનવાથી સુરક્ષિત રહો. |
જીન્સ ખરીદતી વખતે આરામદાયક જીન્સ ખરીદો, એવાં જીન્સ ન ખરીદો જેનાથી તમને અકળામણ – ગૂંગળામણ થાય. |
દરેક પ્રસંગે ચુસ્ત જીન્સ ન પહેરો. |
ઉનાળાની ઋતુમાં જીન્સને ટાળીને હળવાં વસ્ત્રો પહેરો. ખૂબ ચુસ્ત જીન્સ પર બેલ્ટનો ઉપયોગ ન કરો.ઉ |