તરોતાઝા

પર્યાવરણ ને આબોહવાની કટોકટી માનવ હતાશામાં ફેરવાઈ રહી છે

પર્યાવરણ – વીણા ગૌતમ

માનવી ઈતિહાસમાં અનેક વખત એવી આફતોનો સામનો કરી ચૂક્યો છે. અનેક આફતો તો એવી હતી જેની તેને કોઈ આગોતરી જાણકારી નહોતી કે પછી એવી ઘટનાઓ જેમાં તેની કોઈ ભૂમિકા નહોતી. જેમ કે હિમ યુગનું આગમન. પરંતુ અત્યારના સમયમાં આખી દુનિયાના માથે આબોહવા અને પર્યાવરણનું જે અભૂતપૂર્વ સંકટ તોળાઈ રહ્યું છે, જેની ભયાનકતાની જાણકારી હોવા છતાં જાણે અજાણે તે આ સંકટની ચપેટમાં આવીને ખતમ થઈ રહ્યો છે. આમ છતાં તે સંકટથી બચવા માટે માણસે જે સામૂહિક પ્રયાસ કરવા જોઈએ તે કરી રહ્યો નથી. વર્ષ 2023માં આ વાત વધુ એક વખત સિદ્ધ થઈ છે. આ વર્ષે પર્યાવરણ દિવસ 2023ની થીમ હતી, બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. ભારે પ્રચાર અને પ્રસાર છતાં આપણી દૈનિક જિંદગીમાંથી પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ થવાને બદલે ઘટ્યો પણ નથી. એવું નથી કે વહીવટીતંત્ર (પ્રશાસન) પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવા માટે કડક થયું નથી. સેંકડો, હજારો નહીં, લાખો નાના-મોટા દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે, દંડ પણ કરવામાં આવ્યા છે. આ બધામાં સરકારી અધિકારીઓએ એક બાબત પર ક્યારેય ધ્યાન નથી આપ્યું કે જો પ્લાસ્ટિકની થેલીઓ પ્રતિબંધિત છે તો તેનું ઉત્પાદન કેમ થઈ રહ્યું છે? જો બનશે તો તેનો વપરાશ પણ થશે. ઉપયોગ ન કરવો હોય તો તેનું ઉત્પાદન જ બંધ કરી નાખવામાં આવે એ સુનિશ્ચિત કરવું જોઈએ. ઉત્પાદન બંધ થઈ જશે તો વપરાશ પણ ચોક્કસ બંધ થઈ જશે, પરંતુ આપસી હિતોની એક એવી સાઠગાંઠ છે જેને કારણે ફક્ત સામાન્ય દુકાનદારો પર તેના ઉપયોગને બંધ કરવાની જવાબદારી નાખી દેવામાં આવી છે. જો વપરાશકારો પર દંડ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી હોત તો પણ તેના પ્રતિબંધની અસર જોવા મળત.
ફક્ત ભારતમાં જ નહીં, આખી દુનિયામાં આવું જ થઈ રહ્યું છે અને તેનાં પરિણામો સામે જ છે. દરેક પસાર થતા વર્ષની સાથે ફક્ત જમીન પ્લાસ્ટિકના કચરાથી ભરાઈ રહી છે, પરંતુ દરવર્ષે લગભગ 1.2 કરોડ ટન પ્લાસ્ટિકનો કચરો સમુદ્રમાં પહોંચી રહ્યો છે. સમુદ્રમાં પહોંચનારો આ પ્લાસ્ટિકનો કચરો 9.5 મિલિયન ટન સીધો જમીન પરથી પહોંચે છે, જ્યારે 1.75 મિલિયન ટન માછલી પકડવાનાં ઉપકરણો અને શિપિંગ ઉદ્યોગ દ્વારા સીધો સમુદ્રમાં જઈ રહેલો કચરો છે. પ્લાસ્ટિકના લગભગ 51 ટ્રિલિયન સૂક્ષ્મ કણ છે, જેનું વજન 2,69,000 ટન જેટલું છે. છેલ્લી અડધી સદીમાં કેવી રીતે ધરતી અને સમુદ્ર પ્લાસ્ટિકના કચરાનું ઘર બની ગયું છે તેનો અંદાજ એ બાબત પરથી મળે છે કે 1950માં આખી દુનિયામાં ફક્ત 20 લાખ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થતું હતું. જ્યારે આજની તારીખે આખી દુનિયામાં દરવર્ષે 45 કરોડ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થઈ રહ્યું છે. આના પરથી અંદાજ આવી શકે છે કે કેમ આખી દુનિયા પ્લાસ્ટિકના કચરાથી ઉભરાઈ રહી છે.
માનવતાનો સૌથી મોટો શત્રુ ફક્ત ધરતી અને સમુદ્રમાં વધી રહેલો પ્લાસ્ટિકનો કચરો જ નથી. તેનાથી મોટું સંકટ તો ગ્લોબલ વોર્મિંગનું છે. આનો પરચો પણ આ જ વર્ષે મળ્યો છે. સતત વધી રહેલા તાપમાનને કારણે કુદરતના અસ્તિત્વની તમામ પરંપરાગત પ્રણાલીઓ અત્યારે વિનાશકારી જોખમોમાં પલટાઈ રહી છે. સતત પર્યાવરણ બગડી રહ્યું છે. દરેક વર્ષે લાખો જીવ પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગમાં સતત થઈ રહેલા વધારાને કારણે પાકનું ચક્ર બદલાઈ રહ્યું છે. વર્ષાની પેટર્ન બદલાઈ રહી છે. જેને કારણે ક્યારેક આશ્ચર્યચકિત કરનારો દુકાળ તો પછી ક્યારેક પરેશાન કરનારા પૂર લગભગ દરવર્ષે જોવા મળી રહ્યા છે. આવી જ રીતે તોફાન (વાવાઝોડા)ની સંખ્યામાં પણ ઘણો વધારો, જંગલમાં લાગતી આગના પ્રમાણમાં વધારો જેવી અસરો જોવા મળી રહી છે. ફક્ત યુરોપમાં લૂ લાગવાને કારણે હજારો લોકોનાં દરવર્ષે મોત થઈ રહ્યા છે. સતત વધી રહેલા તાપમાનને કારણે ગ્લેસિયર ઓગળી રહ્યા છે અને જળબંબાકારની ડરામણી કથાઓ વાસ્તવિક સ્વરૂપ ધારણ કરતી જોવા મળે છે.
વર્ષ 2023માં આવી અનેક આફતો જોવા મળી હતી. આ જ કારણ છે કે છેલ્લાં અનેક વર્ષોમાં યુદ્ધ અને બીમારીઓ કરતાં વધુ લોકો વાતાવરણની બદલાઈ રહેલી પેટર્ન અને કુદરતી આફતો અને દુકાળ જેવી સ્થિતિને કારણે મૃત્યુને પામ્યા છે. સતત ધરતી પર અરાજકતા અને બરબાદી વધી રહી છે. 2023નું વર્ષ બધાને લાચારીનો અનુભવ કરાવનારું વર્ષ બની રહ્યું હતું. વર્ષના અંતે યુએઈના શહેર દુબઈમાં આયોજિત સીઓપી-28ની બેઠકમાં કોઈ નવી વાત કહેવામાં આવી નહોતી. તેમની ચેતવણીઓને રાજનેતાઓ પોતપોતાના નવતર શબ્દોમાં વખાણ કરતા જોવા મળ્યા, પરંતુ જે ચેતવણીઓ છેલ્લા એક દશકથી એકની એક કહેવાઈ રહી છે, તેની સ્થિતિ આજે પણ એવી જ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સ્પષ્ટ રીતે કહ્યું છે કે આબોહવામાં ફેરફારને કારણે હૃદય અને ફેફસાંની બીમારીઓની સાથે સાથે કેન્સર જેવા રોગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. 20મી સદીમાં માનવજાતે મેડિકલ રિવોલ્યુશનને પગલે સરેરાશ આવરદામાં જે વધારો મેળવ્યો હતો તે હવે અચાનક મૃત્યુના વધી રહેલા પ્રમાણને કારણે અર્થહીન બની ગયો છે.
વર્ષ 2023માં અનેક વખત એવું જોવા મળ્યું છે કે માનવી અસ્તિત્વ માટે આબોહવામાં થયેલું
પરિવર્તન સૌથી મોટું સંકટ અને સૌથી મોટો પડકાર બની રહ્યું છે. આમ છતાં આ વર્ષે આબોહવામાં થઈ રહેલા પરિવર્તનને રોકવા માટે વાતો તો ઘણી કરવામાં આવી, પરંતુ કોઈ નક્કર અને સર્વસ્વીકૃત કાર્યક્રમ જોવા મળ્યો નથી. આને કારણે ફરી એક વખત એવી આશંકા જોવા મળી રહી છે કે આગામી વર્ષ આના કરતાં પણ વધુ ભયાનક હશે. સતત પૃથ્વીની જે સ્થિતિ માનવી બગાડી રહ્યો છે તેને બધા માનવીઓ સમજીને રોકશે નહીં તો ટૂંક સમયમાં આ પૃથ્વી માનવના અંત તરફ આગળ વધી જશે. સતત વધી રહેલાં તોફાનો (વાવાઝોડા), દુકાળ અને મોટા પાયે બરબાદ થઈ રહેલા પાકના ચક્રના દુષ્ચક્રમાં 2023 તો ફસાયેલું રહ્યું હતું, હવે જોઈએ 2024માં શું થાય છે.
(લેખિકા વિશિષ્ટ મીડિયા તેમ જ સંશોધન સંસ્થાન, ઈમેજ રિફ્લેક્શન સેન્ટરમાં કાર્યકારી સંપાદક છે)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત