પેાલિએના : શા માટે આ છે મારું પ્રિય પુસ્તક્?
સદાયને માટે સૌથી સારો મિત્ર એટલે પુસ્તક – બર્ટ્રાન્ડ રસેલ
આશુ પટેલ
મારાં પ્રિય પુસ્તકો તો અનેક છે, પણ મારે એક જ પુસ્તકની વાત કરવી હોય તો તરત જ એલીનોર પોર્ટરનું પુસ્તક પેાલિએના’ યાદ આવે.
એલીનોર પોર્ટરે એક સદી અગાઉ આ પુસ્તક લખ્યું હતું , પણ આજની તારીખેય વિશ્ર્વની જુદી-જુદી ભાષાઓમાં આ પુસ્તકની નવી નવી આવૃત્તિઓ છપાતી રહે છે. વિશ્ર્વની અનેક ભાષાઓના માધ્યમથી કરોડો વાચકો સુધી પહોંચેલાં ‘પેાલીએના’ પુસ્તકનાં લેખકા એલીનોર પોર્ટર તેમનાં આ પુસ્તકને કારણે વીસમી સદીના નામાંકિત લેખકોમાં સ્થાન પામ્યાં. એમનાં આ હૃદયસ્પર્શી અને ઊંડી સંવેદના જગાડતા અને જીવનને નવી જ દ્રષ્ટિથી જોવાની પ્રેરણા આ પુસ્તક આપે છે. પેાલીએનાની માતા તો પેાલીએના સમજણી થાય એ અગાઉ જ મૃત્યુ પામી છે. અને પેાલીએનાની અગિયાર વર્ષની ઉંમરે તેના પિતા જોન વ્હિટિયરનું મૃત્યુ થાય છે એ સાથે પેાલીએના સંપૂર્ણપણે અનાથ થઈ જાય છે. પેાલીએનાના પિતા એક નાનકડા ચર્ચમાં મામૂલી પગારથી પાદરી તરીકે ફરજ બજાવતા હતા. પેાલીએનાના પિતાની સંપત્તિમાં કેટલાંક પુસ્તકો સિવાય બીજું કંઈ પણ નથી. એમના મૃત્યુ પછી એ ચર્ચ તરફથી પેાલીએનાની કઠોર હૃદય ધરાવતી માસી મિસ પેાલી હેરિગ્ટનને પત્ર મોકલાય છે અને એમાં કહેવાય છે કે, આપ આપની ભાણેજ પેાલીએનાને આશ્રય આપવા રાજી છો કે નહીં. આપ એવું કરવાની હા પાડશો તો અમે પેાલીએનાને આપને ત્યાં કોઈના સથવારે મોકલી આપીશું. અમે તેના આવવાનો દિવસ અને ટ્રેનનો સમય આપને અગાઉથી જ જણાવી દઈશું.’
એ પત્ર વાંચીને મિસ પોલી હેરિગ્ટન અકળાઈ જાય છે. જોકે એ પત્રનો જવાબ આપતાં લખે છે કે, હું મારી ભાણેજને આશ્રય આપવા તૈયાર છું, કારણ કે હું એક જવાબદાર સન્નારી છું અને ક્યારેય મારી ફરજ ચૂકતી નથી. મિસ પોલી સમાજની શરમે પોતાની મોટી બહેનની અનાથ થઈ ગયેલી દીકરી પેાલીએનાને આશરો આપવાની તૈયારી દર્શાવે છે , પણ મનોમન તો એને ભારે અકળામણ અને અણગમાની લાગણી થાય છે. એ વખતે એમને કલ્પના પણ નથી આવતી કે જે ભાણેજને પોતે ક્યારેય જોઈ પણ નથી એના આગમનને કારણે એમના જીવનમાં અણધાર્યો વળાંક આવશે.
કઠોર કાળજાની માસી પેાલીએના પર જુલમો કરતી રહે છે, પણ પેાલીએના તેના પિતા પાસેથી રાજી રહેવાની રમત શીખી છે એટલે ગમે એવી ખરાબ સ્થિતિમાં પણ કશુંક સારું શોધવાની કોશિશ કરતી રહે છે.
એ નાનકડી છોકરીની વાત વાચકોના હૃદયને સ્પર્શી ગઈ અને ‘પેાલીએના’ નવલકથાને અકલ્પ્ય સફળતા મળી. વિશ્ર્વની અનેક ભાષાઓમાં તેનો અનુવાદ થયો. એ પુસ્તક પરથી કેટલાંય નાટકો ભજવાયાં, ટીવી સિરિયલ્સ બની અને અનેક ફિલ્મો પણ બની. ૧૯૨૦માં આ પુસ્તક પરથી હોલીવૂડની ફિલ્મ બની અને એમાં પેાલીએનાનું પાત્ર ભજવીને મેરી પિકફર્ડે પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં. ૧૯૬૦માં ડિઝની સ્ટુડિયોએ ફરી વાર એ ફિલ્મ બનાવી એ વખતે એ ફિલ્મમાં અભિનય કરનારી બાલ કલાકાર હેલી મિલ્સને સ્પેશિયલ ઓસ્કર એવોર્ડ મળ્યો
હતો.
‘પેાલીએના’ જેવી ક્લાસિક નવલકથા લખનારાં એલીનોર પોર્ટરને પોતાનેય એવી કલ્પના નહીં આવી હોય કે વિષમ સ્થિતિમાંય જીવનમાં પોઝિટિવિટી રાખવાની પ્રેરણા આપતી આ નવલકથા એક સદીમાં અબજો ડૉલર, રિપિટ અબજો ડૉલરનો જુદી જુદી રીતે વકરો ખેંચી લાવશે (બાય ધ એલીનોર પોર્ટરને એમની પ્રથમ વાર્તા માટે રોકડા પોણા ત્રણ ડૉલરનો પુરસ્કાર મળ્યો હતો)! ‘પેાલીએના’ પુસ્તક પ્રકાશિત થયું એ પછી એક જ વર્ષમાં યુરોપ અને અમેરિકામાં તેની દસ લાખથી વધુ કોપી વેચાઈ ગઈ હતી. એ એક નવલકથાને લીધે એલીનોર પોર્ટરનું નામ વિશ્ર્વના નામાંકિત લેખકોની યાદીમાં આવી ગયું. ૧૯૨૦ સુધીમાં ‘પેાલીએના’ની અંગ્રેજી ભાષામાં જ ૪૭ આવૃત્તિઓ થઈ ચૂકી હતી. ન્યૂ યોર્કના જગવિખ્યાત ‘બ્રોડવે’ થિયેટરમાં આ નવલકથા પરથી નાટક ભજવાયું. આ પુસ્તકની સફળતા વિશે આખું પુસ્તક લખી શકાય. ‘બ્રોડવે’ પછી તો દુનિયાની ડઝનબંધ ભાષાઓમાં પેાલીએના’ પરથી નાટકો ભજવાયાં. ‘પેાલીએના’ પુસ્તક પરથી પ્રેરિત થઈને કેટલીય ક્લબ્સ ખૂલી.
આ નવલકથાની નાયિકા ‘પેાલીએના’ના નામ પરથી ‘પેાલીએના પ્રિન્સિપલ’ અને ‘પેાલીનિઝમ’ જેવા શબ્દો અંગ્રેજી ભાષામાં પ્રચલિત બન્યા. ન્યૂ હેમ્પશાયરના નગર એટલે કે એલીનોર પોર્ટરના વતન લિટલટનમાં પેાલીએનાનું બ્રોન્ઝનું પૂતળું ઊભું કરાયું છે. પેાલીએના તેના ઉત્સાહથી તરવરતા ચહેરા સાથે કમરથી એક બાજુ ઝૂકીને ઊભી હોય અને બે હાથ પહોળા કરીને મોકળા મને હસતી હોય એવું એ પૂતળું જોઈને કપરા સંજોગોમાં મુકાયેલા માણસોના ચહેરા પરનો તનાવ પણ ઓછો થઈ જાય છે.
‘પેાલીએના’ લખ્યા પછી આઠ વર્ષ બાદ એટલે કે ૧૯૨૦માં ૨૧ મેના દિવસે એલીનોર પોર્ટર મૃત્યુ પામ્યા. પેાલીએના પછી તેમણે બીજી એક ડઝનથી વધુ નવલકથાઓ લખી, પણ પેાલીએના’ જેવી સફળતા તેમના કોઈ પુસ્તકને ન મળી. ‘પેાલીએના’ની સફળતાથી લલચાઈને પ્રકાશકે તેમની પાસે પેાલીએના ગ્રોઝ અપ’ નામથી પેાલીએના’ નવલકથાની સિકવલ પણ લખાવી. પણ પેાલીએના’ જેટલી લોકપ્રિયતા તેમની કોઈ પણ નવલકથાને ન મળી. એલીનોર પોર્ટર માત્ર આ એક જ નવલકથાથી જગતના ઈતિહાસમાં પોતાનું નામ અમર બનાવી ગયાં. ‘પેાલીએના’ નવલકથાથી તેઓ સંદેશ આપી ગયાં કે ગમે તેવી સ્થિતિમાંથી પણ કંઈક સારું
શોધી કાઢતાં આવડે તો જિંદગી જેવી મજેદાર કોઈ રમત નથી!