તરોતાઝા

આશાના રંગે રંગાયેલી-નારંગી

આરોગ્ય એક્સપ્રેસ -મનોજ જોશી ‘મન’

સંસ્કૃતમાં એક ઉક્તિ છે કે, દિનાંતે રમ્યા: ગ્રીષ્મ: એટલે કે ઉનાળો દિવસના અંતે રમણીય લાગે, પરંતુ, ગ્રીષ્મઋતુની બપોર તો તીવ્ર તડકાયુક્ત, બળબળતી ને અસહ્ય હોય છે.

પ્રાણીમાત્રને ત્રાહિમામ પોકારાવતો ગ્રીષ્મ પશુ, પંખી, વનસ્પતિ, ધરતી…બધાંમાંથી સ્નેહાંશ શોષી લઈને પ્રાણીમાત્રને વ્યાકુળ કરી મૂકે છે. કુદરતે સર્જેલી આ વ્યાકુળતા
અને અકળામણને ઠારવા કુદરતે જ કેટલીક ઉત્તમ વ્યવસ્થા કરી છે. આ ઋતુમાં કુદરતે મનુષ્યજાતને કેટલાંક સુંદર ફળો આપ્યાં છે. કેરી,દ્રાક્ષ,નારંગી,તરબૂચ સકરટેટી…વગેરે.

આ ફળો ગ્રીષ્મની લાહ્ય બળતી ગરમીમાં અમૃતવર્ષા સમાન ઉપયોગી છે.

આ તમામ ફળ વિશે એક એક લેખ અલગથી થઈ શકે તેટલાં તે ઉપયોગી છે. પણ,

આજે આપણે ગ્રીષ્મનું જ એક ફળ કે જેની છાલ સુગંધને સંઘરીને પાછી પ્રસરાવે છે એવી નારંગીનું વૈજ્ઞાનિક મૂલ્ય કેટલું છે એ જોઇશું.

અરુચિ દૂર કરી ખોરાક પ્રત્યે રુચિ ઉપજાવતી નારંગીનું ‘મુખપ્રિય’ એવું પણ એક સંસ્કૃત નામ છે. વૈદ્યકનાં ગ્રંથોમાં એની પિત્તનાશક અને લોહી સુધારનાર તરીકે ગણના થયેલી છે. આ નારંગી વાયુનાં શમનનું કામ પણ કરે છે.નારંગી મધુર, શીતલ, હૃદ્ય (હૃદયને આનંદ આપનાર), તૃષાશામક, બલ્ય (બલ આપનાર), રુચિ ઉત્પન્ન કરનાર, દિપન (ભૂખ લગાડનાર), પાચક અને સ્ફૂર્તિ આપનાર છે.

નારંગીનાં ફળ સિવાય આપણે જેને ફેંકી દઈએ છીએ એ નારંગીની છાલ પણ અનેકાનેક ગુણો ધરાવે છે. નારંગીની છાલમાં એક વિશિષ્ટ સુગંધી તેલ રહેલું હોય છે.આ તેલ પણ અનેક ગુણોયુક્ત હોય છે. તેનો જાણીતો ઉપયોગ મચ્છર સામે રક્ષણ માટે થાય છે. ઘણાં પ્રદેશનાં લોકો આ તેલનો પરંપરાગત ઉપયોગ મચ્છરને ભગાડવા માટે શરીર પર લગાડીને કરતા આવ્યા છે.

આ સિવાય નારંગીના તેલ પરનાં સંશોધનો દ્વારા એવું પણ જણાયું છે કે આ તેલ પિતાશયની પથરી(ગોલબ્લેડર સ્ટોન)માં ઉપયોગી છે. આ નારંગીની છાલના તેલમાં પથરીના ટુકડાઓ ગળવા માંડે છે.

જોકે પિત્તાશયની પથરીને ઓગાળવા માટેના અનેક ઔષધો દાવો કરે છે પણ તેમાંથી માત્ર અમુક ઔષધો જ થોડાંક અંશે પ્રભાવશાળી જણાયા છે. બાકી મોટાભાગનાં રોગીઓએ તો સર્જરી એટલે કે ઓપરેશનનો આશરો લેવો જ પડે છે.

લગભગ ત્રણ દાયકા પહેલાં ડૉક્ટર રાકેશ ટંડનના નેતૃત્વ હેઠળ દિલ્હીની અખિલ ભારતીય આયુર્વેદજ્ઞાન સંસ્થાનાં તબીબો એ પ્રયોગશાળાના પ્રયોગોમાં સૌ પ્રથમ પિત્તાશયની પથરીના રોગીઓમાંથી ઓપરેશન દ્વારા બહાર કાઢેલી પથરીઓ નારંગીના તેલમાં નાખી તો થોડીવારમાં જ આ પથરીઓ ગળવા લાગી હતી અને પાછી બીજા દ્રાવણોની અપેક્ષાએ ઝડપથી ઓગળી જતી હતી.

આયુર્વેદ જ્ઞાનસંસ્થાના તબીબી વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે નારંગીના તેલમાં મળતું ટર્પેનેસ એ ‘ડી-લાઈમોનીન’ નામનાં રસાયણનું જ એક વિશિષ્ટ સ્વરૂપ છે. જેને કારણે પિત્તાશયની પથરી ઓગળે છે. નારંગીના તેલમાં ડી-લાઈમોનીનનું પ્રમાણ ૯૦ ટકા જેટલું હોય છે. શુદ્ધ સ્વરૂપમાં મળતા ડી-લાઈમોનીન કરતાં નારંગીની છાલ માંથી મળતું ડી-લાયમોનીન વધુ અસરકારક જણાયું હતું.
ગોલસ્ટોન (પિત્તાશયની પથરી)નાં દર્દીઓને નાભિથી ઉપર વચ્ચે કે જમણી તરફ પેટમાં દુખાવો ઊપડતો હોય છે. કોઈ કોઈને ઊલટી પણ થાય છે અને ઊબકા પણ આવે છે. આ પથરી ઘણા દર્દીઓને વર્ષો સુધી દુખાવો કર્યા વગર શાંત પડી રહેતી હોય છે પરંતુ, ફરી એને કોઈ કારણ મળતા અસહ્ય વેદના કરે છે.

શારીરિકશ્રમ વગરનું બેઠાડું જીવન જીવતા લોકો, વધારે પડતા ભારે અને ચીકાશવાળા પદાર્થો ખાય તો તેનાથી આમની ઉત્પત્તિ થાય છે. જે સ્ત્રોતમાં અવરોધ પેદા કરીને વાયુને પ્રકોપિત કરે છે. જે તે સ્થાનમાં પ્રકુપિત થયેલો વાયુ તેના રૂક્ષ
ગુણથી ત્યાં રહેલા દ્રવ અને સ્નેહ અંશને શોષીને વધુ ઘટ્ટ બનાવે છે.

ઉત્તરોતર ઘટ્ટ બનીને ઘન થતો પદાર્થ પિંડ સ્વરૂપ ધારણ કરે છે. વિકૃત વાયુના આ કર્મને તંત્રકારોએ ‘વર્ત’ એવું નામ આપ્યું છે. આ જ શોષણની પ્રક્રિયા પ્રાકૃતપિત્તનું વહન કરતી પિત્ત નલિકા (બાઈલ ડક્ટ)માં થાય તો ત્યાં પિત્તનો પ્રવાહી અંશ શોષાયને પરિણામે પિત્તની પથરી પેદા થાય છે.

કોલેસ્ટ્રોલજન્ય આ પિત્તાશયની પથરીનો આધુનિકોની દ્રષ્ટિએ અસરકારક ઉપાય માત્ર ઓપરેશન જ છે, પરંતુ નારંગીની છાલનાં તેલ પર હજુ વધુ સંશોધન આ દિશામાં કંઈક નવો પ્રકાશ પાડી શકે તેવી પૂરી સંભાવનાઓ છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker