તરોતાઝા

મોબાઈલ-ટીવી સિરિયલ્સના બંધન-વ્યસનમાંથી મુકત કરાવવાની ક્ષમતા માત્ર પુસ્તકમાં છે!

પુસ્તક વિનાનો કોઈ દિવસ જ ન હોવો જોઈએ

જયેશ ચિતલિયા

શું તમે મોબાઈલના બંધાણી થઈ ગયા છો? તેમાંથી રાહત મેળવવી છે? શું તમે ટીવી સિરિયલ્સ કે ઓટીટી મંચ પર સતત આવતી રહેતી કેટલીક સિરીઝના સાવ જ વિચારહીન, અર્થહીન અને મગજને નકારાત્મકતાથી ભરી દે એવા એપિસોડથી છૂટવા માગો છો? જો તમારી હા હોય તો આટલું વાંચી લો.

ના! ના! અમે તમને યોગા અને ધ્યાન કરવાની સલાહ નહીં આપીએ. અમે તમને એક જ વાત કહીશું. તમે પુસ્તકને મિત્ર બનાવો. પુસ્તક તમારું ખરું મિત્ર, માર્ગદર્શક અને પથદર્શક બની શકે છે. સારા પુસ્તકો તમારી જિંદગી બદલી શકે છે. ટીવી સિરિયલ્સને અને મોબાઈલને બદલે અથવા બધો જ સમય તેમને આપવાને બદલે પુસ્તકો સાથે સમય વિતાવો. જુઓ પછી કેવું સુંદર પરિવર્તન આવે છે જીવનમાં! યોગા અને ધ્યાન જેવી શાંતિ આનંદ એકસાથે મળશે.

જીવનને ઘડનારા પુસ્તકો
શું તમે કોઈ પુસ્તક વાંચો છો? ભણવાના નહીં, જીવનને ઘડનારા પુસ્તકો. બની શકે, તમે ઘણાં વાંચ્યા હોય અને જીવન ઘડાતું પણ ગયું હોય, એમ પણ હોય કે એ બધાં પુસ્તકો વાંચ્યા બાદ પણ જીવનમાં કોઈ પરિવર્તન થયું ન હોય. કયાંક કોઈ અભાવ અથવા અંસતોષ લાગ્યા કરતો હોઈ શકે. સ્વાભાવિક છે, કેમ કે આપણે એ પુસ્તકો માત્ર વાંચ્યા જ હોય તો એવું ચોકકસ બની શકે, પણ જો વાંચીને પચાવ્યા હોય તો પરિવર્તન સંભવ બની શકે . વાંચવું એક વાત છે અને વાંચેલાને જીવનમાં ઉતારવું બીજી વાત છે. ખૈર, પુસ્તકો વાંચીને જીવનમાં પરિવર્તન લાવી શકાય છે એ વાત સાચી. જોકે જીવન પણ તો એક પુસ્તક સમાન છે, આપણે તેને પણ વાંચવું જોઈએ એવું નથી લાગતું ?

હિંદીમાં એક બહુ સરસ વાત કહેવાઈ છે, પઢને યોગ્ય લીખા જાય, ઉસસે સો ગુના બહેતર હૈ કી લીખને યોગ્ય જીયા જાય.

જે પણ વ્યક્તિએ જીવનમાં કંઈક હાંસલ કર્યું છે તેના જીવનમાં પુસ્તકોનો ફાળો અવશ્ય હશે જ. પુસ્તક નિર્જીવ છે છતાં આપણને જીવન આપવાની શક્તિ ધરાવે છે. તેની સામે આપણને અહંકાર કે ઇર્ષ્યા નથી નડતાં.

પુસ્તકાલયો પણ જરૂરી
મંદિરો, મસ્જિદો, ચર્ચો કે દેરાસરો સમાજ માટે જરૂરી છે તો પુસ્તકાલયોની પણ એટલી જ જરૂર છે. પુસ્તકો આમઆદમી લઈ શકે એટલી કિંમતના હોવા જોઈએ, જોકે, આ મોંઘવારીના સમયમાં વધી રહેલા કાગળના ખર્ચ ઉપરાંત પ્રિન્ટિંગ કોસ્ટને લીધે એ સંભવ બને એમ નથી, તો કમસે કમ પુસ્તકાલયો લોકોને સારાં પુસ્તકો ઉપલબ્ધ બનાવવાની ભૂમિકા ભજવી શકે છે અને ભજવતાં પણ હોય છે. કિંતુ સવાલ વાચકોનો મોટો થતો જાય છે. આપણે ત્યાં લોકો પાસે પુસ્તકો માટે સમય નથી, જગ્યા નથી અને લગાવ પણ ઘટતો જાય છે. લાઇબ્રેરીઓમાં હજારો પુસ્તકો તેના વાચકોની રાહ જોયા કરતાં હોય છે. ઘણાને તો વાચકો વરસો સુધી સ્પર્શ પણ કરતા નથી. તેમાં ક્યારેક પુસ્તકનાં પોતાનાં લક્ષણો એટલે કે તેમાંનું લખાણ જવાબદાર હોય છે તો કવચિત વાચકોની માનસિકતા કારણભૂત બને છે. કોનું અને કોણે શું વાંચવું એ તેના પર આધાર રહે છે.

અમારે પુસ્તક વિશે છેલ્લે દરેક જણને એટલું જ કહેવું છે કે જો તમારે સંતાનોને જીવનની અમૂલ્ય ભેટ આપવી હોય તો તેમને વાચનની આદત આપો અને પુસ્તકોની સોગાત-ભેટ આપો. જો તમે પુસ્તકપ્રેમી હો તો તમારાં સ્વજનો કે પ્રિયજનોને વારે-તહેવારે સારાં પુસ્તકોની ભેટ આપો.

પુસ્તક એ ઉત્તમ મિત્ર, ઉત્તમ ગુરુ અને ઉત્તમ પથદર્શક છે. પુસ્તક વિશે ઘણી બધી વાતો થઈ શકે છે અને કરવી પણ છે. યસ, પુસ્તક જીવન બદલી શકે છે…

પરિવર્તન પુસ્તકાલયની ચાર દાયકાની યાત્રા હજી ચાલુ
કાંદિવલીના પરિવર્તન પુસ્તકાલયની સ્થાપના ૧૯૮૫માં થઈ હતી, કિંતુ પોતાની જગ્યાના અભાવે પુસ્તકાલયને દર થોડા વરસે સ્થળ બદલવું પડતું હતું. આ ૩૯ વરસોમાં ઘણી સંસ્થાઓએ પુસ્તકાલયની પ્રવૃત્તિ માટે સહયોગ આપ્યો, જયારે કે હવે આ પુસ્તકાલય કાંદિવલી એજયુકેશન સોસાઈટી સ્થાપિત ગુજરાતી ભાષા ભવનનો ભાગ બની ગયું છે. આ પુસ્તકાલયમાં ૭૦૦૦ થી વધુ ગુજરાતી-અંગ્રેજી-હિંદી પુસ્તકો છે, જેનો ઉદ્દેશ પણ ભાષા અને સાહિત્ય તેમ જ પુસ્તક પ્રેમને વિકસાવવાનો છે. આજે જયારે વધુ ને વધુ લોકો ટીવી,મોબાઈલ તેમ જ સોશિયલ મીડિયાના વ્યસની બની ગયા છે, તેમને સરળતાથી અનેક પુસ્તકો ઉપલબ્ધ બનાવી પુસ્તક તરફ વાળવાનો હેતુ છે. પુસ્તક માણસના જીવનમાં પરિવર્તન લાવી શકે છે, તેથી જ આનું નામ પણ પરિવર્તન પુસ્તકાલય રાખવામાં આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress