જે વાંચતા નથી, તે નહીં વાંચી શકનારથી જુદાં નથી
હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ. કારણ કે તેમનામાં એેટલી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે – લોકમાન્ય તિલક
હેમંત ઠક્કર
માર્ક ટવેઈનનું એક વાક્ય વિશ્ર્વ પુસ્તક દિવસે યાદ આવી રહ્યું છે, ” જે વાંચતા નથી, તે નહીં વાંચી શકનારથી જુદાં નથી. જે વાંચે છે તે મૃત્યુ પહેલાં હજારો જિંદગી જીવે છે. જે નથી વાંચતો તે તેની એક જિંદગી પણ પૂરી નથી જીવતો. પુસ્તકો શા માટે વાંચવા જોઈએ તેવું કોઈ મને પૂછે તો મારે નવ સાદી સરળ વાત કહેવી છે. (૧) વાંચનથી વિચારવાનું મળે, (૨) સાચું સમજાય (૩) જ્ઞાન મળે, (૪) હસવાનું પણ મળે, (૫) સંવેદના જાગે, (૬) રડવાનું મળે, (૭) કલ્પનાશક્તિ ખીલે, (૮) જિજ્ઞાસા જાગે અને (૯) તમારો વિકાસ થાય. આ બધી ઉપલબ્ધિઓ સારા પુસ્તકો વાંચવાથી મળી શકે. બધાં વાંચે છે. તેવાં જ પુસ્તકો વાંચશો તો બધાં વિચારશે તેવું જ વિચારશો. નવાં વિચારો જોઈતા હશે તો મહેનત કરવી પડશે. ડૉ. અમૂલ શાહ રચિત ‘નવી સદીના નવાં વિચારો’ અને ‘જીવનનું તત્ત્વજ્ઞાન આધુનિક દૃષ્ટિએ’ જેવા વિચારપ્રેરક પુસ્તકો વાંચવા પડશે. સુરેશ દલાલ કહેતાં તે જેટલું છપાય છે તે બધું જ વાંચવા બેસીએ તો ગાંડા (આંધળા) થઈ જઈએ. પોલો કોએલો કહે છે અમુક બારણાં બંધ કરતા શીખો. કેટલાંય પુસ્તકો છપાતાં રહે છે. ઘણીવાર એવું બનતું હોય છે કે સારા સાહિત્યિક વાંચવા લાયક -વિચારવા લાયક સર્જકોના પુસ્તકો ખૂણામાં રહી જાય છે- ન વેચાય ને ચાલાક- ઉસ્તાદ સર્જકો લોકોને પ્રચાર પ્રયુક્તિઓથી પટાવીને (સમજાવીને) પોતાના પુસ્તકોને બેસ્ટ સેલર બનાવી દે. વાંચન માટે પણ કક્ષા અને આવડત (કેળવણી) જોઈએ. હજારો પુસ્તકોમાંથી પોતાને ઉપયાગી પ્રેરક કે આનંદદાયક રસપ્રદ પુસ્તક શોધી કાઢવું એ પણ એક કળા છે અને શોધી લીધા પછી વાંચવું એ પણ એક કળા છે. આજે મોબાઈલ અને ઈન્ટરનેટના જમાનામાં વાંચન માટે સમય કાઢવો પણ મુશ્કેલ બની રહ્યો છે, એટલે ઝડપથી વાંચવાનુ પણ શીખી લેવા જેવું છે, વાંચી લીધા પછી શું ભૂલી જવું અને શું યાદ રાખી જીવનમાં અમલ કરવા જેવું છે તે પણ ધ્યાન રાખવું.
કહેવાય છે ને કે કવિ લેખકનું કામ મનુષ્યના આત્માનો ઉદ્ધાર કરવાનું નથી. પણ તેને ઉદ્ધારને પાત્ર બનાવવાનું છે. સારું પુસ્તક તમને એક જુદી જ દુનિયામાં લઈ જવાની શક્તિ ધરાવે છે. અને તે બે- ત્રણ વાર વાંચતા રહેવાનું મન થતું હોય છે. રવીન્દ્રનાથ ટાગોરનું એક વાક્ય મને ખૂબ ગમે છે. “નવું જન્મતું દરેક બાળક એ વાતનો પુરાવો છે કે ઈશ્ર્વરે માનવજાતમાંથી વિશ્ર્વાસ ગુમાવ્યો નથી એ જ રીતે નવું પ્રકાશિત થતું પુસ્તક એ વાતનો પુરાવો છે કે અમે પ્રકાશકોએ/ સર્જકોએ વાંચકોમાંથી વિશ્ર્વાસ ગુમાવ્યો નથી. લખાતાં અને વંચતા પુસ્તકોનો એક જુદો જ મહિમા છે, કરિશ્મા છે. આજે ભલે ઈ-બુક્સ અને ઈન્ટરનેટ/ ઓડિયો બુક્સનો જમાનો આવી ગયો છે. છતાં આજે પણ પુસ્તકોની દુનિયા આબાદ છે. કારણ કે પુસ્તકોનો કોઈ વિકલ્પ જ નથી. પુસ્તકો જ આપણા સાચા મિત્ર છે. કેટલાંયે લોકપ્રિય પુસ્તકોની ૪થી પાંચમી અરે વીસ વીસ આવૃત્તિઓ પણ થઈ ગઈ છે. એટલે જ તો કહેવાય છે કે “સાચું સુખ એટલે એકાંત, ચાનો કપ અને એક ગમતું પુસ્તક. પુસ્તકો પ્રત્યેનો પ્રેમ દુનિયાના દરેક ખૂણે જીવંત છે. અને રહેશે. આજે વિશ્ર્વ પુસ્તક દિન પ્રસંગે તમામ પુસ્તક પ્રેમીઓએ એક ગુજરાતી પુસ્તક ખરીદવું જ જોઈએ. કવિ કલાપી એ તો લખ્યું છે, “જીવીશ બની શકે તો એકલા પુસ્તકોથી.