એકસ્ટ્રા અફેરઃ ઓમરની વાત સાચી, ઈવીએમ પર દોષારોપણ ક્યાં સુધી?
-ભરત ભારદ્વાજ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલી કારમી હારના પગલે કૉંગ્રેસ સહિતના વિપક્ષો ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)માં ગરબડનાં રોદણાં રડી રહ્યા છે ત્યારે નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ ઈવીએમ મુદ્દે કૉંગ્રેસને બરાબરની આડે હાથ લઈ લીધી છે.
અબ્દુલ્લાએ પોતાના જ સાથી કોંગ્રેસના ઈવીએમ અંગેના વાંધાઓને ફગાવી દેતાં કહ્યું છે કે રાજકીય પક્ષો ચૂંટણી જીતે તો ઈવીએમના વખાણ નથી કરતા પણ હારી જાય તો ઈવીએમ પર દોષારોપણ કરવા બેસી જાય છે. આ માનસિકતા બદલવી જોઈએ અને હાર માટે ઈવીએમને બલિનો બકરો ન બનાવવા જોઈએ.
કૉંગ્રેસ ભાજપ જીત્યો હોય એવાં ચૂંટણી પરિણામો સામે સતત સવાલો ઉઠાવી રહી છે. ભાજપની જીતમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)ની ગરબડને કારણભૂત ગણાવે છે. કૉંગ્રેસે હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં પોતાની હાર માટે ઈવીએમને પણ જવાબદાર ગણાવ્યા હતા.
ઈવીએમની સાથે કૉંગ્રેસે ચૂંટણી પંચ સામે પણ આક્ષેપો કર્યા હતા ત્યારે ઓમર અબ્દુલ્લાએ કટાક્ષ કર્યો કે, તમારા સોથી વધુ સાંસદો એ જ ઈવીએમનો ઉપયોગ કરીને ચૂંટાઈ આવ્યા ત્યારે તમે તેને પાર્ટીની જીત ગણાવીને ઉજવણ કરી હતી પણ થોડા મહિનાઓ પછી કહી દો છો કે અમને ઈવીએમ પસંદ નથી, કારણ કે ચૂંટણીના પરિણામો અમારી અપેક્ષા પ્રમાણે નથી આવ્યા. અબ્દુલ્લાએ તો ત્યાં સુધી કહ્યું કે તમને ઈવીએમ પર વિશ્વાસ ન હોય તો ચૂંટણી જ ન લડો.
અબ્દુલ્લાએ એ પણ સાફ શબ્દોમાં કહ્યું કે, નેશનલ કોન્ફરન્સ અને પોતે પણ લોકસભાની ચૂંટણીમાં હારી ગયા હતા પણ પોતે ક્યારેય મશીનોને જવાબદાર ગણાવ્યા નથી.
અબ્દુલ્લા કૉંગ્રેસના સાથી છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં નેશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસે સાથે મળીને ચૂંટણી લડી હતી. ૯૦ બેઠકવાળી વિધાનસભામાં નેશનલ કોન્ફરન્સે ૪૨ સીટો જીતી હતી જ્યારે કૉંગ્રેસને માત્ર છ સીટો મળી હતી.
કૉંગ્રેસ નેશનલ કોન્ફરન્સની આગેવાનીવાળી સરકારને બહારથી સમર્થન આપી રહી છે અને અબ્દુલ્લાની સરકારમાં સામેલ થઈ નથી પણ નેશનલ કોન્ફરન્સ સાથે કૉંગ્રેસનું જોડાણ છે જ. આ સંજોગોમાં ઓમર અબ્દુલ્લાની વાત બહુ મહત્ત્વની છે.
ઓમર અબ્દુલ્લાની વાત સાચી પણ છે કેમ કે કૉંગ્રેસ ઈવીએમ પર દોષારોપણના મુદ્દે બેવડાં ધોરણો અપનાવે જ છે. કૉંગ્રેસ ઈવીએમના મુદ્દાનો સગવડિયો ઉપયોગ કરે છે અને તેને પોતે હારે ત્યારે જ ઈવીએમમાં ગરબડ થાય છે કે હેકિંગ થાય છે એ બધું યાદ આવે છે,
જ્યારે પોતે જીતે ત્યારે ઈવીએમ ભૂલી જાય છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી નહોતી મળી અને કૉંગ્રેસે ૯૯ બેઠક જીતીને શાનદાર દેખાવ કર્યો ત્યારે કૉંગ્રેસને ઈવીએમમાં ગરબડનો મુદ્દો યાદ નહોતો આવ્યો, પણ કૉંગ્રેસને જ્યારે પણ પછડાટ મળે છે ત્યારે જ ઈવીએમનો મુદ્દો ઉઠાવે છે અને ગરબડના આક્ષેપો કરે છે.
આ વાત પાછી આજકાલની નથી પણ દાયકા જૂની છે. ઈવીએમમાં ગરબડના આ આક્ષેપો કૉંગ્રેસ છેલ્લાં ૧૦ વર્ષથી કરે છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસને માત્ર ૪૪ બેઠક મળી ત્યારથી કૉંગ્રેસ ભાજપ ગરબડો કરે છે અને ઈવીએમમાં ગરબડો કરીને જીતે છે એવી રેકર્ડ વગાડે છે.
જોકે કૉંગ્રેસ દરેક વાર ઈવીએમનો મુદ્દો નથી ઊઠાવતી. કૉંગ્રેસ હરિયાણામાં હારી ગઈ ત્યારે તેણે ઈવીએમની રેકર્ડ વગાડેલી પણ હરિયાણાની સાથે જ સપ્ટેમ્બરમાં જમ્મુ અને કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ગઠબંધનને બહુમતી મળી ત્યારે ઈવીએમનો મુદ્દો નહોતો ઊઠાવ્યો.
અત્યારે મહારાષ્ટ્રમાં ઈવીએમમાં ગરબડ થઈ હોવાની વાત કૉંગ્રેસ કરે છે, પણ મહારાષ્ટ્ર વિધાનસભાની સાથે જ યોજાયેલી ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં હેમંત સોરેનના ઝારખંડ મુક્તિ મોરચાને સ્પષ્ટ બહુમતી મળી તેની કૉંગ્રેસ વાત નથી કરતી કેમ કે ઝારખંડમાં પોતાની સરકાર રચાઈ છે.
ભૂતકાળમાં કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તેલંગણામાં પણ કૉંગ્રેસે જીત મેળવી ત્યારે તેને ઈવીએમમાં ગરબડ યાદ નહોતી આવી. કૉંગ્રેસ ઉપરાંત બીજા પક્ષો પણ પોતાની હાર થાય ત્યારે ઈવીએમનો વાંક કાઢે છે. ભાજપ ઈવીએમ હેક કરીને જીતે છે એવા આક્ષેપો કરે છેે પણ ૧૦ વર્ષમાં કૉંગ્રેસે કે બીજા કોઈ પક્ષે ઈવીએમમાં કઈ રીતે ગરબડ થઈ શકે એ સાબિત કર્યું નથી.
ટૅક્નોલૉજી વર્લ્ડમાં બહાદુરી બતાવવા ખાતર હેકિંગનો ટ્રેન્ડ છે, પણ કઈએ હજુ સુધી ઈવીએમ હેક કરી બતાવ્યું નથી. અમેરિકાના લશ્કરી મુખ્યમથક પેન્ટાગોનની વેબસાઈટ હેક કરાઈ છે પણ ઈવીએમ હેક નથી થયાં. તેનો મતલબ એ નથી કે એવા પ્રયત્નો થયા નથી.
લોકસભાની ચૂંટણીમાં ઈવીએમ હેક કરીને બતાવનારનું આખી દુનિયામાં નામ થઈ જાય એ જોતાં ઘણાંએ પ્રયત્ન કર્યા હશે પણ કોઈ સફળ થયા નથી અને ઈવીએમ હેક કરી બતાવ્યું નથી તેથી ઈવીએમ હેક થઈ શકે છે એવું ના કહી શકાય.
આ વાસ્તવિકતા છે પણ કૉંગ્રેસને લાગતું હોય કે ઈવીએમ હેક થઈ શકે છે કે તેમાં ગરબડ થઈ શકે છે તો એ સાબિત કરી બતાવવું જોઈએ.
અત્યારે પૈસા ફેંકો એટલે ગમે તે કામ કરનારા મળી આવે એ જોતાં કૉંગ્રેસ માટે આ વાત સાબિત કરવી અઘરી નથી પણ કૉંગ્રેસ એ સાબિત કરી શકી નથી તેનો મતલબ એ થાય કે, એવું શક્ય નથી. ભવિષ્યની ખબર નથી પણ કમ સે કમ હાલના તબક્કે તો શક્ય નથી જ.
વાસ્તવમાં કૉંગ્રેસ પોતાની નિષ્ફળતાનો ટોપલો ઈવીએમ પર ઢોળી રહી છે અને પલાયનવાદ બતાવી રહી છે. કૉંગ્રેસની નેતાગીરી પાસે ચૂંટણીઓ અંગે કોઈ નક્કર આયોજન હોતું નથી કે જબરદસ્ત મુદ્દા નથી હોતા. કૉંગ્રેસને જે લાભ મળે છે એ ભાજપ સામેની લોકોની નારાજગીનો અને સાથી પક્ષોની તાકાતનો મળે છે.
તેલંગણા કે કર્ણાટકમાં કૉંગ્રેસે વિધાનસભાની ચૂંટણી જીતી ત્યારે એવું થયેલું.
ભાજપથી લોકો નારાજ હોય ને બીજો વિકલ્પ ના હોય એટલે લોકો કૉંગ્રેસને મત આપે છે, પણ દરેક વાર એવું ના બને. લોકો કૉંગ્રેસને ફરી મત આપીને જોખમ વહોરવાના બદલે ભાજપને તક આપે એવું પણ બને. હરિયાણામાં ને મહારાષ્ટ્રમાં કૉંગ્રેસની હાર થઈ તેના માટે આ કારણ જવાબદાર હતું, પણ કૉંગ્રેસ વાસ્તવિકતા સ્વીકારી શકતી નથી.
કૉંગ્રેસે વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને હારને પચાવતાં શીખવું જોઈએ. કે પછી ખાલી આક્ષેપોના બદલે આક્ષેપોને સાબિત પણ કરી બતાવવા જોઈએ. દસ વર્ષથી ખાલી આક્ષેપો જકર્યા કરે એ ન ચાલે.