અહો આશ્ચર્યમ! છઠ્ઠી ઇન્દ્રિય માત્ર કલ્પના નહીં હવે હકીકત બનશે
કવર સ્ટોરી -એન. કે. અરોરા
શું સાચ્ચે જ છઠ્ઠી ઇન્દ્રિય અર્થાત્ સિક્સ્થ સેન્સનું અસ્તિત્વ છે? તમે કોઇ ઘટના વિશે અનુમાન લગાવ્યું, આશંકા વ્યક્ત કરી અને એવી જ ઘટના ખરેખર બની ગઇ તો તમે પણ માનવા લાગશો કે છઠ્ઠી ઇન્દ્રિય હોય છે. વાસ્તવમાં છઠ્ઠી ઇન્દ્રિયની કલ્પના માણસ હંમેશાં કરતો આવ્યો છે. આંખ,કાન,નાક, ત્વચા અને જીભ આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. પણ કોઇ અનુભૂતિ કે પૂર્વાનુમાન એવા પણ હોય છે જે આ પાંચ ઇન્દ્રિયોના વિસ્તારથી પર હોય છે. એટલે કોઇ અનુભૂતિ અને પૂર્વાનુમાનને વ્યક્ત કરવા માટે આપણે એમ માનીએ છીએ કે આવી અનુભૂતિ આપણી છઠ્ઠી ઇન્દ્રિય દ્વારા થાય છે.
છઠ્ઠી ઇન્દ્રિયને લઇને વૈજ્ઞાનિકો અને દાર્શનિકો વચ્ચે કેટલાય પ્રકારની ધારણાઓ હોય છે. વૈજ્ઞાનિકો તો જોકે આ સંબંધે કોઇ ખાસ સાબિતીની વાત નથી કરતા. તેઓ તો એમ માનીને ચાલે છે આપણી આ પાંચ ઇન્દ્રિયો જ દરેક પ્રકારના જ્ઞાન, અનુભવ, અનુમાન અને કલ્પનાના સ્રોત છે. આ તર્કને ગમે તેટલો જોરશોરથી ફેલાવવામાં આવે પણ દરેક લોકોના જીવનમાં એક ઘટના તો એવી બને છે જે એવું માનવા પ્રેરે છે કે આનાથી પર પણ કોઇ ઇન્દ્રિય છે. જેના દ્વારા આપણને કોઇ ઘટના ઘટતા પહેલાં જ ખબર પડી જાય છે. આજકાલ વૈજ્ઞાનિકો સીધી રીતે નહીં પણ આડકતરી રીતે એમ કહેવા લાગ્યા છે કે છઠ્ઠી ઇન્દ્રિય મુખ્યત્વે મગજની ક્ષમતાઓ અને સંજ્ઞાત્મક પ્રક્રિયાઓનું પરિણામ છે, જે આપણી ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત સૂચનાઓનું વિશ્ર્લેષણ કરવાથી શક્ય બને છે.
છઠ્ઠી ઇન્દ્રિય બાબતે જોકે એક પ્રકારની વાત નથી, એને અલગ અલગ પ્રકારના લોકો અલગ અલગ રીતે વ્યક્ત કરે છે. કેટલાક એને આધ્યાત્મિક શક્તિ તો કેટલાક એને ધાર્મિક કે ચમત્કારિક બતાવે છે. વળી કેટલાક વૈજ્ઞાનિક કે મનોવૈજ્ઞાનિક તેને મગજ દ્વારા બહારની માહિતીને ઝડપથી સંશોધિત કરીને પૂર્વાનુમાન લગાવી શકવાની શક્તિ માને છે. મનોવૈજ્ઞાનિકો તો સાફ સાફ એવું કહે છે કે છઠ્ઠી ઇન્દ્રિય જેને અંતર્જ્ઞાન કે ગટ ફિલિંગ માનવામાં આવે છે તે હકીકતમાં અવચેતન મનની એક શક્તિ છે, જે વિવિધ પ્રકારની જાણકારીઓને જોડીને આપણને ત્વરિત નિર્ણય લેવામાં મદદ કરે છે. કેટલાક લોકો એને પૂર્વાનુમાન કહે છે જેમાં વ્યક્તિને આશંકા હોય છે કે આ પ્રકારની ઘટના ઘટશે અને હકીકતમાં એ ઘટી જાય છે. કેટલાક મનોવૈજ્ઞાનિક એને ઊંડી સંવેદનશીલતા માને છે. તેમના કહેવા અનુસાર કેટલાક લોકોમાં મનોભાવો અને આસપાસના વાતાવરણની બારીકીઓ સમજવાની ક્ષમતા હોય છે.
આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોઇએ તો ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં છઠ્ઠી ઇન્દ્રિયને એક મહત્ત્વપૂર્ણ શક્તિના રૂપમાં ચિહ્નિત કરવામાં આવી છે અને તેને અનેક પ્રકારની માનસિક શક્તિઓ જેમ કે ટેલિપથી, દૂરદષ્ટિ કે પૂર્વદૃષ્ટિના રૂપમાં પણ સંબોધિત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ છઠ્ઠી ઇન્દ્રિય આપમા શરીરમાં જ છે જેને આપણે યોગ કે અભ્યાસ દ્વારા વિકસિત કરી શકીએ છીએ. યોગમાં કુંડલિની જાગરણ એ વાસ્તવમાં છઠ્ઠી ઇન્દ્રિયને વિકસાવવાનું જ એક કાર્ય છે. ઘણા એમ માને છે કે છઠ્ઠી ઇન્દ્રિય એ ઉચ્ચ ચૈતસિક સ્થિતિમાં ભવિષ્યનું સચોટ અનુમાન લગાવવું એ જ છઠ્ઠી ઇન્દ્રિય છે.
આ ઇન્દ્રિય વિશે કેટલી પણ વાતો કરો,પણ હંમેશાં કોઇને કોઇ વાતો વિરાધાભાસી હોય છે. અંતિમ રૂપમાં આ છઠ્ઠી ઇન્દ્રિયને લઇને કોઇ નક્કર પુરાવો નથી. આ એક વ્યક્તિગત અનુભવનો પણ વિષય છે. કેટલાક લોકો માટે આ આ છઠ્ઠી ઇન્દ્રિયનો સીધો સંબંધ ઇશ્ર્વર સાથે છે. લોકો માને છે કે તેમની અંદર જે ચેતનાનું સ્તર છે એ ઇશ્ર્વરીય પ્રેરણા મેળવવાનું એક માધ્યમ છે. આવા લોકો એને ઇશ્ર્વરદત્ત શક્તિ માને છે અને એના દ્વારા આધ્યાત્મિક માર્ગદર્શન આપવાની કોશિશ કરે છે. એવું માનવામાં આવે છે કે ૨૧મી શતાબ્દિમાં છઠ્ઠી ઇન્દ્રિયને લઇને કોઇ ગફલત થવાની શક્યતા છે કેમ કે આજે એટલા સંવેદનશીલ ઉપકરણ વિકસી ચૂક્યા છે જે તમારા મન-મગજને વ્યક્ત થયા પહેલાં જ વાંચી શકે છે.
આથી જ છઠ્ઠી ઇન્દ્રિયની અવધારણા આવનારા દિવસોમાં વધુ પુષ્ટ થનારી છે. વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ પર પહોંચી ગયા છે કે ઘટનાઓની આપણને અનુભૂતિ થાય તેના પહેલાં જ ઘટી ચૂકી હોય છે, પરંતુ આપણી અનુભૂતિ પામવાની ક્ષમતાઓ એટલી ઉન્નત નથી હોતી કે ઘટના ઘટતાની સાથે જ અનુભવી શકાય. જેમ કે એમ માનવામાં આવે છે કે જે ભૂકંપનો આપણે સામનો કરીએ છીએ તેની પહેલાં જ એ ઘટના ઘટી ચૂકી હોય છે.
આવા સંજોગોમાં વિજ્ઞાન કેટલાંક એવાં ઉપકરણોની શોધ કરવામાં લાગ્યું છે જે કોઇ ઘટના બનવા પહેલાં જ એ ઘટના ઘટી રહી હોય ત્યારે જ પકડી લે. જેમ કે કોઇ માબાપ પોતાના સંતાન સાથે વાત કરવાની યોજના બનાવતા હોય ત્યારે જ આવા સંવેદનશીલ સાધનોને દ્વારા જાણી જાય કે ફલાણી વ્યક્તિ પોતાનાં બાળકો સાથે વાત કરવા માગે છે. આ વાસ્તવમાં બીજું કંઇ નહીં, પણ છઠ્ઠી ઇન્દ્રિયનું ટૅક્નિકલ સ્વરૂપ જ છે.
ભલે પ્રાકૃતિક રૂપમાં છઠ્ઠી ઇન્દ્રિય આ સદીમાં સાબિત થાય કે ન થાય પણ ટૅક્નોલોજીના સ્તર પર છઠ્ઠી ઇન્દ્રિય આવનારા દાયકામાં હકીકત બનવાની છે.