કૅન્સરના દર્દીઓની કિમોથેરેપી દરમિયાન કેવી રીતે આપશો પોષણદાયક યોગ્ય આહાર?
આરોગ્ય એક્સપ્રેસ -રાજેશ યાજ્ઞિક
કિમોથેરેપી એ કૅન્સરની સારવારની સૌથી અસરકારક પદ્ધતિઓમાંની એક છે, પરંતુ તેમાં દર્દીને ઘણી સમસ્યાઓ અને પડકારોનો સામનો કરવો પડે છે. કિમોથેરેપીની ઘણી આડઅસર હોય છે અને આવી જ એક સમસ્યા એટલે શરીરમાં પોષણનો અભાવ. કિમોથેરેપી પછી, દર્દીઓના સ્વાદ, ભૂખ અને ખાવા-પીવા સંબંધિત પસંદ-નાપસંદમાં ફેરફાર થાય છે. ઘણી વખત કૅન્સરના દર્દીઓને ખાવાનું પણ મન થતું નથી. આવી સ્થિતિમાં એમને પૂરતું પોષણ મળતું નથી. આપણે જાણીએ જ છીએ કે કોઈ પણ રોગમાંથી સાજા થવા માટે પોષણયુક્ત આહાર કેટલો અસરકારક સાબિત થાય છે. તેથી જ નિષ્ણાતો કૅન્સરના દર્દીઓના યોગ્ય આહાર અને પોષણ પર ભાર મૂકે છે, કારણ કે પોષણયુક્ત આહારની મદદથી દર્દીને સારવારની પ્રક્રિયાઓને સહન કરવામાં, કિમોથેરેપી પછી ઝડપથી સ્વસ્થ થવામાં અને એકંદર આરોગ્યને સુધારવામાં ઘણી મદદ મળી શકે છે.
દરેક વ્યક્તિના એકંદર આરોગ્ય માટે પોષણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ જ્યારે કેન્સરના દર્દીઓની વાત આવે છે ત્યારે પોષણયુક્ત આહાર વિશે જાણવું ખૂબ મહત્ત્વપૂર્ણ છે. કૅન્સર અને આહાર વચ્ચેનો સંબંધ ખૂબ જટિલ છે, કારણ કે તે વ્યક્તિને કૅન્સરના પ્રકાર, કૅન્સરના તબક્કા અને દર્દીના સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. યોગ્ય પોષણ દર્દીની કિમોથેરેપીને કારણે નબળી પડેલી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે ક્ષતિગ્રસ્ત પેશીઓનું સમારકામ- પેશીઓને સુધારવામાં મદદ કરે છે. થાક – નબળાઈ દૂર કરે છે અને શરીરની શક્તિ વધારે છે. ચેપ અને જટિલતાઓનું જોખમ ઘટાડે છે.
કૅન્સરના દર્દી માટે આ રીતે ડાયટ પ્લાન તૈયાર કરી શકો :
એમના સ્વસ્થ અને સંતુલિત આહાર એટલે કેલરી અને યોગ્ય પોષણ સાથે તમામ પ્રકારના ખોરાકનો યોગ્ય પ્રમાણમાં સમાવેશ કરવો. કિમો પછી દર્દીનો આહાર બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમકે… દર 2-3 કલાકે દર્દીને થોડો થોડો ખોરાક આપો. દર્દીઓને સ્વસ્થ નાસ્તો, ફળો અથવા સરળતાથી સુપાચ્ય ખોરાક આપો.
દર્દીને દહીં, બદામ અને ફળ જેવી વસ્તુઓ ખવડાવો. કોઈ પણ સંજોગોમાં દર્દીને ભૂખ્યા ન રહેવા દો અને વધુ પ્રોટીન ખવડાવો. ઉચ્ચ પ્રોટીનયુક્ત ખોરાક દર્દીની પેશીઓને સુધારવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્નાયુ સમૂહને જાળવવામાં મદદ કરે છે. કિમોથેરેપી પછી સ્નાયુઓ નબળા પડી જાય છે અને દર્દીનું વજન ઓછું થવા લાગે છે, તમારે દર્દીને વધુમાં વધુ પ્રોટીન ખવડાવવું જોઈએ. પ્રોટીન માટે તમારે આ વસ્તુઓનું સેવન દર્દી વધુ કરે એનો ખ્યાલ રાખવો જોઈએ.
ડેરી ઉત્પાદનો-કઠોળ અને ટોફુ છોડ આધારિત પ્રોટીનવાળા પદાર્થો આપવા. કેલરીની માત્રા વધારો… કૅન્સરની સારવાર દરમિયાન, લોકોની ભૂખ મરી જાય શકે છે અથવા એમનું ચયાપચય વધી શકે છે. આ કારણે દર્દીને સ્વસ્થ વજન જાળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેથી, કૅન્સરની સારવાર દરમિયાન પોષક તત્ત્વોથી ભરપૂર, ઉચ્ચ કેલરીવાળા ખોરાક દર્દીને આપો. તેના માટે આ વસ્તુઓનું સેવન દર્દી કરી શકે છે,જેમકે… એવોકાડો-બદામ- પૂર્ણ ચરબીયુક્ત ડેરી ઉત્પાદનો હાઇડ્રેટેડ રહો…. કિમોથેરેપી દરમિયાન અને પછી ડિહાઇડ્રેશનનું જોખમ વધારે છે, કારણ કે દર્દીને વારંવાર ઊલટી અને ઝાડા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આના કારણે શરીરમાં પાણીની ઊણપ થાય છે. આવી સ્થિતિમાં દર્દીને શક્ય તેટલું વધુ પાણી પીવા માટે પ્રોત્સાહિત કરો.
Also read: સ્વાસ્થ્ય સુધાઃ શિયાળામાં ઘેર ઘેર વાપરવા જેવી જડીબુટ્ટી ‘ગંઠોડા કે પીપરીમૂળ’
પાણી ઉપરાંત હર્બલ ટી, નારિયેળ પાણી અને ફળોનો રસ આપો. અન્ય ખોરાક જે ઝડપી આરોગ્યમાં ઉપયોગી સાબિત થઈ શકે છે, તે છે -ફળો અને શાકભાજી- પાલક, ગાજર, બેરી જેવા રંગબેરંગી ખોરાક દર્દીને આપો. તેમાં વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે આખા અનાજ… આખા અનાજ જેવા કે બ્રાઉન રાઇસ, ઓટ્સ અને ક્વિનોઆ દર્દીને આપો, જે પાચનશક્તિને વધારશે અને એને સ્વસ્થ રાખશે. એ જ રીતે, બદામ, બીજ અને ઓલિવ તેલ જેવા પોષણયુક્ત પદાર્થો મગજ અને હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. દર્દી માટે એનું સેવન જરૂરી છે.
આ ઉપરાંત, દર્દીની રોજિંદી જીવન પદ્ધતિમાં ફેરફારથી જોઈતા ફેરફાર લાવો… કિમોથેરેપી પછી દર્દીની ઇમ્યુન સિસ્ટમ અથવા એની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. આવી સ્થિતિમાં, રોગપ્રતિકારક શક્તિને નુકસાનથી બચાવવા માટે દર્દીની સ્વચ્છતાનું ધ્યાન રાખો. ફ્લૂ અને ચેપની મોસમમાં ભીડવાળી જગ્યાએ દર્દી ન જાય એની તકેદારી રાખો કારણ કે ત્યાં લાગેલો ચેપ દર્દી માટે વધુ હાનિકારક બની શકે છે.