આજના સમયમાં પર્યટન શોખ નહીં જીવન શૈલી છે
કવર સ્ટોરી – શૈલેન્દ્ર સિંહ
હાલ લોકોની જિંદગી એટલી તણાવભરી થઇ ગઇ છે કે દરેકને એક બ્રેક જોઇતો હોય છે
એક જમાનામાં ખેલેંગે, કૂદોગે તો હોગે બરબાદ એવા કટાક્ષનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ આજના જમાનામાં ફરવાની પરિભાષા બદલાઇ ગઇ છે. તે જ રીતે પહેલાના સમયમાં લોકો પર્યટનને ખોટો ખર્ચ જ ગણતા હતા. જોકે આપણામાં મંદિરોમાં ફરવાની પરંપરા પહેલેથી જ છે અને એટલે જ અગિયારમી અને બારમી સદીમાં લોકો ધાર્મિક સ્થળોએ ફરવા જતા હતા. તે સમયે લોકો તેને પર્યટન નહીં, પરંતુ યાત્રા તરીકે ફરતા હતા.
આપણે મંદિરે મંદિરે યાત્રા કરવા જતા હોવા છતાં વર્ષો સુધી પર્યટનને કોઇ મહત્ત્વ આપ્યું નહોતું. પરંતુ આજના સમયમાં પર્યટન ફક્ત યાત્રા સુધી સિમિત ના રહેતા તે દેશની અર્થવ્યવસ્થામાં એક મહત્ત્વનો ભાગ ભજવી રહી છે. તેમજ આજની આ ભાગદોડ વાળી જિંદગીમાં પણ જાણે આ નાના નાના પ્રવાસ લોકોને આરામ આપે છે. અને એટલે જ લોકો ગમે તેટલી દોડધામ હોય તો પણ કોઇને કોઇ જગ્યાની નાની નાની ટ્રિપ કરતા જ હોય છે. અને જો મેળ પડે તો એક કે બે વાર વર્ષમાં મોટી ટૂર પણ કરતા હોય છે.
અને એટલા માટે જ આધુનિક પર્યટન અવધારણાને લાઇફ સ્ટાઇલ ટૂરિઝમના નામથી પણ ઓળખવામાં આવે છે. ફરવા જવાથી કદાચ તમે થાકી જતા હશો, પરંતુ તમે એક અલગ જ પ્રકારનો આનંદ અને રિલેક્સ અનુભવાય છે. એમ પણ લોકો ખાસ તો નિજાનંદ માટે જ ફરવા જતા હોય છે, પરંતુ તેમાં ઘણા લોકો એવા પણ હોય છે કે જે જ્ઞાન માટે ફરતા હોય છે જ્યારે કેટલાક લોકો નવા નવા પ્લેસ જોવાની જિજ્ઞાસાવૃત્તિ સાથે ફરતા હોય છે. તો વળી કેટલાક લોકો ફ્કત અને ફક્ત મંદિરોમાં જ ફરવા માટે જતા હોય છે એટલે કે આમ જોઇએ તો એક પ્રકારની યાત્રા કરવા માટે જતા હોય છે. ત્યારે ઘણા એવા પણ લોકો પણ છે જે દેશ કરતા વધારે વિદેશમાં ફરવાનું પસંદ કરતા હોય છે. જો કે અલગ વાત છે કે તે વિદેશમાં ફરવાનું એફોર્ડ કરી શકતા હોય છે જ્યારે ઘણા લોકો તે નથી કરી શકતા.
આમ જોઇએ તો ફરવા જવું એ લોકોના જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગયું છે. કારણકે અત્યારે લોકોની જિંદગી એટલી તણાવભરી અને એકલવાઇ થઇ ગઇ છે કે દરેકને એક બ્રેક જોઇતો હોય છે. અને આ બ્રેક એટલે એક બેગ ઉપાડીને કોઇને કોઇ જગ્યાએ ફરવા ઉપડી જવું એમાં કેટલાક નવયુવાનો પોતાના સર્કલ સાથે પહાડો ખૂંદવા જતા રહે છે. તો ક્યારેક ફેમિલીમેન પોતાની ફેમિલીને લઇને કોઇ તળાવના કિનારે વન ભોજન કરીએ છીએ અને તેનું મુખ્ય કારણ એજ છે કે અત્યારની આ તણાવભરી જિંદગીમાં માણસને જ્યાં પણ મળે ત્યાં રાહતનો શ્ર્વાસ લેવા માટે દોડી પડે છે.
કોર્પોરેશન લેવલમાં ઘણીવાર આપણે સાંભળ્યું છે કે કર્મચારીઓને સ્પેશ્યલ ફરવા જવા માટે રજાઓ આપવામાં
આવે છે જેથી તે રિલેક્સ થઇને ફરીવાર વ્યવસ્થિત રીતે કામ કરી શકે. તે જ રીતે ઘણાં વગદાર અને શ્રીમંત લોકો પણ તેમના ઘરમાં કામ કરતા લોકોને ફરવા માટે મોકલે છે જેથી તે અકળાયા વગર પોતાનું કામ કરી શકે. જો કે કેટલાંક તારણોના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે લોકો કોઇપણ પ્રકારના બ્રેક વગર કામ કરે છે અને જે લોકો બ્રેક લઇને કામ કરે છે તે બંનેના કામની ક્વોલિટીમાં ઘણો ફરક હોય છે. જે કર્મચારીઓ સતત કામ કરતા રહે છે તેઓ કેમ તો વધારે કરે છે પરંતુ તેની ક્વોલિટી ડાઉન કરી દે છે. જ્યારે જે લોકો વચ્ચે થોડો સમય બ્રેક લે છે તેમનું કામ ઓછું હોય છે પરંતુ વધારે સારું હોય છે.
એટલે આમ જોઇએ તો પર્યટન આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. તેમજ દેશની જીડીપીનો ગ્રોથ પણ પર્યટનના કારણે વધ્યો છે. ત્યારે કદાચ આ પર્યટન ટૂરિઝમ દેશ માટે પણ એટલું જ મહત્ત્વનું બની ગયું છે. આપણે જો રાષ્ટ્રીય સ્તર પર જોઇએ તો આજે આપણી જીડીપીમાં ૯ થી ૧૦% જેટલો ભાગ છે. ૨૦૧૨માં ૪૦ લાખ લોકોને રોજગાર મળ્યો હતો. આજે એની સંખ્યા આજે વધારો થઇને આ આંકડો ૫૦ લાખથી પણ વધી ગયો છે. અને જો આપણે એમ જોઇએ પર્યટનને લગતા બીજાં કોમોમાં પણ લોકોને રોજગાર મળે છે તે કેટલા ટકા છે તો તે સંખ્યા બે કરોડથી પણ વધી જાય છે. ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ આખી દુનિયામાં પર્યટનના કારણે રોજગાર મેળવનાર લોકોની સંખ્યા ઘણી મોટી છે.