તરોતાઝા

લ્યો હવે આ નાકનું સ્પ્રે મગજનું ‘નાક’ બચાવશે

અમેરિકાના વૈજ્ઞાનિકોએ એવું નસલ સ્પ્રે વિકસાવ્યું છે જેણે ઉંદરના મગજમાં એકઠાં થઇ અલ્ઝાઇમર્સ નામની બીમારી ઉત્પન્ન કરતા પ્રોટિન્સનો ખાતમો બોલાવી દીધો. જોકે, માનવ મગજ પર આ પ્રયોગ સફળ થાય તો જ ખરેખર આ બીમારી ક્ષેત્રે ક્રાંતિ આવશે.

ઉમર વધતી જાય એમ ઘણા લોકોની અલ્ઝાઇમર્સ અર્થાત્ ભૂલી જવાની બીમારી વધતી જાય છે. આ બીમારીમાં મગજમાં બે જાતના પ્રોટિન્સ જમા થઇને મગજના કોષોની કાર્યક્ષમતા ખોરવી નાખે છે. જેને કારણે માણસની યાદ રાખવાની, વિચારવાની કે સમજવાની શક્તિ કુંઠિત થતી જાય છે.

અલ્ઝાઇમર્સને આમંત્રિત કરતા આ બે પ્રોટિન્સ છે એમિલોઇડ અને ટેઉ. હવે અત્યાર સુધી યુએસ ફૂડ ઍન્ડ ડ્રગ્સ દ્વારા માન્ય કરાયેલી દવાઓમાં એમિલોઇડ નામના દુશ્મનનો ખાત્મો બોલાવી દેવા પર ધ્યાન કેન્દ્રિત કરાતું હતું, પણ ટેઉ નામના દુશ્મન પ્રોટિન્સને મારી હટાવવા એટલો પ્રયત્ન થયો નહોતો જેટલો થવો જોઇએ. જોકે હવે સારા સમાચાર આવ્યા છે કે યુનિવર્સિટી ઑફ ટૅક્સાસ મેડિકલ બ્રાન્ચે નાકમાં નાખવાના નસલ સ્પ્રે બનાવ્યા છે જે આ ‘ ટેઉ ’ નામના પ્રોટિનની મગજમાં જમા થવાની ટેવને ભૂલાવી દેશે.

સામાન્ય સંજોગોમાં જ્યારે માણસનું મગજ સાબૂત હોય ત્યારે આ ટેઉ મગજના કોષો (ન્યૂરોન્સ)ના બંધારણને ટેકો આપીને તેમને કાર્યક્ષમ રાખે છે. પણ અલ્ઝાઇમર્સ કે બીજા મગજ સંબંધિત રોગોમાં આ પ્રોટિન્સ મગજની અંદરની બાજુએ જમા થઇ તેની કાર્યવાહી ખોરવી નાખે છે. આ પ્રોટીન્સ એક બીજા સાથે ગૂંચવાઇ જઇને દોરા જેવું માળખું ઊભુ કરે છે જેને ન્યૂરોફ્રાઇબ્રીલરી ટેન્ગલ્સ કહેવાય છે. આ ટેન્ગલ્સ મગજની સાધારણ પ્રક્રિયાઓથી સાફ નથી થઇ શકતી ત્યારે મગજના કોષો સાથે ચોંટી જઇને તેને નુકસાન પહોંચાડે છે. આ ને કારણે મગજ સંબંધિત બીમારીઓ કે ક્યારેક મોતને આમંત્રણ પણ મળે છે. જો ટેઉની ટાંય ટાંય ફિશ કરી નાખવામાં આવે તો અલ્ઝાઇમર્સ કે મગજ સંબંધી અન્ય બીમારીઓની રોકથામ કરી શકાય છે.

અત્યાર સુધી યુએસ એફડીએ પ્રમાણિત જે દવાઓ શોધાઇ છે એ એમિલોઇડને જ નિશાન બનાવતી હતી. (જોકે તે દવાઓની પણ ઘણી મર્યાદાઓ હતી અને બિમારીની શરૂઆતનું સ્ટેજ હોય તો જ પ્રભાવ પાડી શકતી હતી.) બીજી બાજુ ટેઉનો ખાત્મો બોલાવી દે એવી દવાઓ શોધાઇ નહોતી. આનું કારણ એ કે એમિલોઇડ મગજના કોષોની બહારની બાજુએ જમા થાય છે, પણ ટેઉ કોષોની અંદર જમા થાય છે. આ કોષોને ભેદીને અંદર સુધી પહોંચે તેવી દવા શોધવી મુશ્કેલ હતી, પણ હવે આ નસલ સ્પ્રે શોધાયું છે તે મગજના કોષોની દિવાલ ભેદીને અંદર બેઠેલા ટેઉને ખચમ કરી શકશે. કમ સે કમ ઉંદરો પરના પ્રયોગોથી તો આ દવાની અસરકારકતા સાબિત થઇ રહી છે.

ઉંદરો પરનો પ્રયોગ સફળ રહ્યો
યુનિવર્સિટી ઑફ ટૅક્સાસ મેડિકલ બ્રાન્ચે વિકસાવેલા આ નસલ સ્પ્રેનો ઉંદરો પરનો પ્રયોગ સફળ થયો છે. અલ્ધાઇમર્સથી પીડાતા ઉંમરલાયક ઉંદરો પર આ નસલ સ્પ્રેનો પ્રયોગ કરતાં તેની દવા મગજના કોષોની છેક અંદર સુધી પહોંચી ટેઉને ખતમ કરવામાં સફળ રહી હતી. ટેઉના જ કોષોમાંથી એન્ટિબોડીઝ વિકસાવવામાં આવ્યા હતા જે સ્પ્રેના રૂપમાં મગજની અંદર પ્રવેશવામાં સફળ રહ્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button